આપણા દેશને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે, પરંતુ આજના યુવાનો ખેતીને છોડીને શહેર તરફ પ્રસ્થાન કરવા લાગ્યા છે જેના કારણે ગામડા ખાલી થતા જાય છે અને શહેરો ગીચ.

એ વાત માનવામાં કોઈ શક નથી કે શહેરમાં સુખ સુવિધાઓ તમને સારા પ્રમાણમાં મળી રહે છે, પરંતુ ગામડામાં જે શાંતિ મળે છે તે તમને શહેરની ભીડભાડમાં ક્યાંય મળવાની નથી એ વાત તો સૌ કોઈએ માનવી જ પડે. હા, માણસને આધુનિક થવું છે, વિકાસ તરફ આંધળી દોટ મુકવી છે પરંતુ આ વિકાસની આંધળી દોડમાં આપણે શું પાછળ છોડીને આવ્યા છીએ તેનો કદાચ તમને અને મને પણ અંદાઝો ક્યારેય નહીં આવે.

ગામડામાં ઘણા લોકોને 10-15 વીઘા જમીન હોય છે, પરંતુ આ જમીનમાં ખેતી કરવાને બદલે ઘણા લોકો શહેરમાં મજૂરી કરવા ચાલ્યા જાય છે.ગામડામાં પોતાનું ઘર હોય, શુદ્ધ હવા મળતી હોય, તાજા શાકભાજી અને ગાય ભેંસનું શુદ્ધ દૂધ મળતું હોય તે છતાં પણ શહેરના નાના એવા મકાનમાં ભાડે રહેવાનું, વાસી ખોરાક ખાવાનો, થેલીનું દૂધ પીવાનું અને પ્રદુષણ વાળી હવા મળતી હોવા છતાં પણ લોકોને શહેરમાં જવાનો ક્રેઝ વધવા લાગ્યો છે.

સાથે ત્યાં કમાવવાના નામ ઉપર ગામડા કરતા પણ ઓછી આવક કમાવવી પડે છે, ઘણા કિસ્સાઓમાં અંદરખાને તપાસ કરીએ ત્યારે માલુમ પડે કે શહેરમાં રહેતા મોટાભાગના પરિવારોનું ગુજરાન ગામડે રહી ખેતી કરતા માતા-પિતા જ ચુકવતા હોય છે, આ વાત ભલે કોઈ સ્વીકારવા તૈયાર નહીં થાય પરંતુ આ હકીકત ઘણા એ નજરે જોયેલી છે.

શહેરમાં વસવાનું કોઈને મુખ્ય કારણ પૂછીએ ત્યારે તે બાળકોના ભવિષ્ય માટે શહેરમાં આવીને વસ્યા છે એમ જ કહેશે. પરંતુ આજે જોઈએ તો ગામડામાં પણ સારી શાળાઓ બનવા લાગી છે, ગામડામાં પણ એવી સુવિધા છે કે પાસે રહેલા શહેર કે કોઈ સારી શાળાની બસ ગામમાં આવવા લાગી છે. તે છતાં પણ આપણે શહેર તરફ આંધળી દોટ મૂકીએ જ છીએ.

હું પણ માનું છું કે શહેરમાં વસવું જરૂરી છે, ભલે આપણે આપણા બાળકોના ભવિષ્યને બનાવવાનું નામ લઈને શહેરમાં આવ્યા હોઈએ પરંતુ શહેરમાં રહેવાની સાથે જ ઘણા લોકોનો વિકાસ પણ થતો હોય છે, ગામડામાં માનવતા છે તો શહેરમાં તમને છળ, કપટ પણ શીખવા મળે. ગામડા કરતા શહેરોમાં લોકો વધુ પડતા હોશિયાર છે એમ કહેવામાં આવે તો પણ નવાઈ નહિ અને તેના કારણે જ શહેરોમાં લોકો વધુ આકર્ષાય છે, શહેરમાં આવીને પોતાની રીતભાત અને જીવનશૈલી પણ બદલાઈ જતી હોય છે, ગામડાનો ગમાર શહેરમાં આવી અને સાહેબ બની જતા પણ આપણે આપણી આંખો સામે જ જોયા છે.

મુદ્દાની વાત એ છે કે શહેર હોય કે ગામડું આપણે કોઈની દેખાદેખી ક્યારેય ના કરવી જોઈએ, હા, જરૂરિયાત એવી હોય ત્યારે ગામડામાંથી શહેરમાં વસવું જોઈએ પરંતુ જો ગામડે પણ સુખેથી જીવન વીતતું હોય તો વધારે લાલચ અને વધારે સારું જીવન જીવવાની આશા રાખીને પણ શહેરમાં ના વસવા જવું કારણ કે જો તમે આવી દેખાદેખી કરીને શહેરમાં જવાનું વિચારશો તો તમારી પાસે જે કંઈપણ છે એ પણ તમે ખોઈ બેસસો. આ હું નથી કહેતો પરંતુ ઘણા એવા ઉદાહરણો તમારી આસપાસના જીવનમાંથી જ મળી જશે.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.