ડ્રેસિંગ રૂમમાં રડી રહ્યો હતો રોહિત શર્મા ? વાયરલ વીડિયો જોઇ ચાહકો પણ થયા ઇમોશનલ

શું ડ્રેસિંગ રૂમમાં રડી રહ્યો હતો રોહિત શર્મા ? સોશિયલ મીડિય પર વાયરલ થઇ રહ્યો છે વીડિયો

રોહિત શર્મા માટે IPL 2024ની શરૂઆત સારી રહી હતી. તેણે 7 મેચમાં 297 રન બનાવ્યા હતા, પરંતુ પછીની 5 મેચમાં તે કંઇ કમાલ ના કરી શક્યો. મુંબઈ ઈન્ડિયન્સનો ઓપનિંગ બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા આઈપીએલ 2024માં પોતાના ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં પણ આવું જ થયુ, તે માત્ર 4 રન બનાવીને આઉટ થઇ ગયો.

ત્યારે ગત રોજ યોજાયેલ મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ બાદ રોહિતનો એક વીડિયો મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે જોયા પછી ઘણા લોકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તે આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં રડી રહ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત ડ્રેસિંગ રૂમમાં બેઠો છે અને ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યો છે. તેનો ચહેરો ઉદાસી અને હતાશાથી ભરેલો હતો.

જો કે તે રડી રહ્યો છે કે નહીં તે સ્પષ્ટપણે દેખાતું નથી. સ્વાભાવિક છે કે રોહિત પોતે પણ તેની બેટિંગથી કદાચ ખુશ નહીં હોય. છેલ્લી 6 મેચમાં તેના બેટમાંથી કંઇ ખાસ રન નથી નીકળ્યા. ચાર વખત તે સિંગલ ડિજિટના સ્કોર પર આઉટ થયો છે. રોહિત શર્માએ આઈપીએલની વર્તમાન સિઝનની શરૂઆત સારા રન સાથે કરી હતી. તેણે ગુજરાત સામે તેની પ્રથમ મેચમાં 43 રન બનાવ્યા હતા,

જ્યારે બીજી મેચમાં તે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 26 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજી મેચમાં તે રાજસ્થાન રોયલ્સ સામે ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. ચોથી અને પાંચમી મેચમાં તેણે અનુક્રમે 49 અને 38 રન બનાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં તેણે અણનમ સદી ફટકારી ત્યારે તે ફોર્મમાં આવ્યો. તેણે 105 રનની ઇનિંગ રમી હતી. આ મેચ બાદ તેનું બેટ શાંત થઇ ગયુ. 6 મેચમાં તેનો સ્કોર 36, 6, 8, 4, 11, 4 રહ્યો છે.

Shah Jina