‘પપ્પાની દુકાન બંધ નહિ થવા દઉં’, રોલ વેચતા 10 વર્ષના માસૂમે સંભળાવી દર્દ ભરેલી કહાની- આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો

પિતા બાદ 10 વર્ષના માસૂમે સંભાળી ઘરની જવાબદારી, વીડિયો પોસ્ટ કરી આનંદ મહિન્દ્રાએ કહી દિલ જીતી લેનારી વાત

રોલ બનાવતો આ 10 વર્ષના બાળક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બાળકની સ્ટોરી સામે આવતા જ ઘણા લોકો તેને મળવા અને તેને સપોર્ટ કરવા દિલ્હીના તિલક નગર પહોંચવા લાગ્યા. આ 10 વર્ષના બાળકનું નામ જસપ્રીત છે. જસપ્રીત જે કાર્ટ પર ઉભો છે અને રોલ વેચે છે તે તેના પિતાએ શરૂ કર્યું હતું પરંતુ તે લગભગ દોઢ મહિના પહેલા ટીબીને કારણે પિતાનું મોત થતા જસપ્રીતે પિતાની અંતિમ નિશાનીને જીવંત રાખવાનો સંકલ્પ કર્યો. તે કહે છે, ‘આ મારા પિતાની દુકાન છે, હું તેને ક્યારેય બંધ નહીં થવા દઉં.’

જસપ્રીત કહે છે કે તેના પિતાના મૃત્યુ પછી તરત જ તેની માતા બંને બાળકોને છોડીને ચાલી ગઈ હતી. જસપ્રીત અને તેની બહેન હાલમાં તેની ફોઇ સાથે રહે છે, પરંતુ જસપ્રીત કહે છે કે પિતાના ગયા પછી તેની બહેનની તમામ જવાબદારી તેના પર છે. હું મારી જવાબદારી સમજું છું, તેથી મેં મારા પિતાની દુકાન પર કામ કરવાનું શરૂ કર્યું. જો કે જસપ્રીતની બહેન તેનાથી ચાર વર્ષ મોટી છે અને 8મા ધોરણમાં અભ્યાસ કરે છે, પરંતુ જસપ્રીત કહે છે કે તે તેની બહેન માટે બધું જ કરશે. જસપ્રીતની બહેન કહે છે કે જસપ્રીત મારા કરતાં વધુ મહેનત કરે છે.

જસપ્રીત કહે છે કે અમારા બંને ભાઈ-બહેન માટે પિતાના મોટા સપના હતા. પપ્પાનું સપનું હતું કે હું મોટો થઈને પોલીસ ઓફિસર બનું અને મારી બહેન ટીચર બને. મેં નક્કી કર્યું છે કે ગમે તે થાય, હું મારા પિતાનું સપનું ચોક્કસ પૂરું કરીશ. હું મારી બહેનને ટીચર બનાવીશ અને હું પણ પોલીસ અધિકારી બનીશ. આનંદ મહિન્દ્રા અને સોનુ સૂદે પણ જસપ્રીતની કહાની ટ્વીટ કરી છે અને તેના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની ઓફર કરી છે. વિસ્તારના અનેક સ્થાનિક આગેવાનો પણ આગળ આવ્યા છે.

ભાજપના નેતા રાજીવ બબ્બરે જસપ્રીત અને તેની બહેનને ખાનગી શાળામાં એડમિશન અપાવવાનું આશ્વાસન આપ્યું છે. જસપ્રીત માટે હવે મદદના હાથની કોઈ કમી નથી. જસપ્રીતના વીડિયોને હજારો લોકોએ જોયો છે. એક યુઝરે કહ્યુ- તે હાર નથી માની રહ્યો, આ બાળકે જવાબદારી લેવા અને પોતાના માટે ઊભા રહેવાનો નિર્ણય કર્યો. તેની હિંમત પ્રેરણાદાયક છે. બીજાએ કહ્યુ- બાળકે મને રડાવી દીધો, હું ઉમ્મીદ કરુ છુ કે આનંદ મહિન્દ્રા આ બહાદુર છોકરા સુધી પહોંચશે અને સંભવ મદદ કરશે.

Shah Jina