કૌશલ બારડ લેખકની કલમે

અરૂણાચલની સરહદે શહિદ થયેલા ભરતસિંહનાં અંતિમદર્શન વઢવાણમાં હકડેઠઠ મેદની ઉમટી

સુરેન્દ્રનગરનું વઢવાણ શહેર ૨૮ ફેબ્રુઆરી અને શુક્રવારના રોજ શોકમાં ડૂબી ગયું હતું જ્યારે અરૂણાચલ પ્રદેશની સરહદે શહિદ થયેલા ભરતસિંહ પરમારનો નશ્વર દેહ શહેરમાં લાવવામાં આવ્યો. વઢવાણના મૂળીવાસમાં રહેતા દિપસંગભા પરમારના કુળદીપક ભરતસિંહ પરમાર ભારતનાં પૂર્વોત્તર રાજ્ય અરૂણાચલ પ્રદેશની સીમા પર સૈનિક તરીકે ફરજ બજાવતા શહિદ થયા છે.

થોકેથોકે લોક ઉમટ્યા રણ જોદ્ધાને જોવા:
૧૯૮૪માં દિપસંગભા પરમારને ઘરે જન્મેલા ભરતસિંહ ભારતીય આર્મીમાં ફરજ બજાવતા હતા. દેશપ્રેમની ભાવનાએ તેમને લશ્કરમાં જોડાવા પ્રેરિત કરેલા. છેલ્લે તેઓ ‘લાન્સ નાયક’ના સન્માનનીય પદ પર હતા અને અરૂણાચલ પ્રદેશમાં તેમનું પોસ્ટિંગ થયેલું હતું.

વઢવાણ શહેર ખાતે તેમના મૃતદેહને લાવવામાં આવ્યા બાદ ખારવાપોળ, મૂળીવાસમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અહીં માત્ર રાજપૂત સમાજના જ લોકો નહી, પણ આખું શહેર અને શહેર બહારના પણ અનેક માણસો આ દેશભક્ત વીરનાં છેલ્લાં દર્શને આવ્યા હતા. લશ્કર દ્વારા પૂરાં સન્માન સાથે ભરતસિંહ પરમારના મૃતદેહને વિદાય આપવામાં આવી. અંતિમયાત્રામાં અભૂતપૂર્વ દ્રશ્ય સર્જાયું હતું. હજારોની સંખ્યામાં મેદની ઉમટી હતી.

દસ વર્ષનો પુત્ર વિશ્વરાજસિંહ:
ભરતસિંહને સંતાનમાં ૧૦ વર્ષની ઉંમરનો દીકરો વિશ્વરાજસિંહ પરમાર છે. આ દુ:ખદ ઘટના ઘટી ત્યારે ભરતસિંહના પત્ની પાયલબાનાં પિયરમાં માંગલિક પ્રસંગ હતો. આને લીધે તેમને સાંજે જાણ કરવામાં આવી હતી.

ભોગાવોને કાંઠે અંતિમદાહ:
શુક્રવારના રોજ શહિદ લાન્સનાયક ભરતસિંહ પરમારના મૃતદેહને વઢવાણ ખાતે લાવવામાં આવ્યો ત્યારે જાણે વઢવાણમાં સોંપો પડી ગયો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. તમામ દુકાનદારોએ સ્વયંભૂ જ આજના દિવસ પૂરતી દુકાનોમાં તાળાં વાસી દીધાં હતાં. ભરતસિંહના દેહને ભોગાવોને નદીના કાંઠે આવેલ મોક્ષધામમાં અગ્નિ ચાંપવામાં આવ્યો.
Author: કૌશલ બારડ: GujjuRocks Team