ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પહેલી પસંદ છે. આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. આ શોની અંદરનું એક પાત્ર નટુકાકા જેને ગુજરાતી અભિનેતા ઘનશ્યામ નાયક નિભાવી રહ્યા છે. તે પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી નટુકાકા સેટ ઉપર પરત ફર્યા નહોતા.

ઘનશ્યામ નાયકને ત્રણ મહિના પહેલા જ કેન્સરની સર્જરી કરાવવામાં આવી ત્યારબાદ તેઓ આરામ ઉપર હતા. એ પહેલા લોકડાઉનના કારણે તે શોમાં પરત ફરી શક્યા નહોતા, પરંતુ હવે તેઓ તારક મહેતાના સેટ ઉપર પહોંચી ગયા છે અને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ ખબરે દર્શકોમાં ખુશી જોવા મળી રહી છે.

તો સેટ ઉપર પરત ફરવાની ખુશી પણ નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકે વ્યક્ત કરી હતી. એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું હતું કે, “હવે હું એકદમ ફિટ છું અને સેટ પર પાછો આવી ગયો છું. ફરીથી શૂટિંગ શરૂ કરવાની મને ઘણી જ મજા આવી, કારણ કે હું મારા આ કામને મિસ કરતો હતો. પૂરા 9 મહિના પછી (16 માર્ચથી 16 ડિસેમ્બર) કેમેરાની સામે આવીને ઘણો જ સંતુષ્ટ થયો.”