દુનિયાભરના કરોડો વોટ્સએપ યુઝર્સને જલ્દી સારા સમાચાર મળી શકે છે. વોટ્સએપ આવ્યા પછી હવે ઘણા બધા કામ એક જ ક્ષણમાં થઈ જાય છે, જેમાં પહેલા ઘણો સમય લાગતો હતો. અગાઉ ફોટા અને વીડિયો મોકલવા માટે બ્લૂટૂથનો ઉપયોગ કરવો પડતો હતો અથવા ઈમેલનો આશરો લેવો પડતો હતો. પરંતુ વોટ્સએપ આવ્યા બાદ લાઈફ ખૂબ જ સરળ બની ગઈ અને એપ દ્વારા ફોટો, વીડિયો, કોન્ટેક્ટ કે કોઈપણ ફાઈલ મોકલવી ખૂબ જ સરળ બની ગઈ.
જો કે, જ્યારે પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી નબળી હોય ત્યારે આ કામ કરી શકાતું નથી. WhatsApp ચલાવવા માટે ઈન્ટરનેટ જરૂરી છે. પરંતુ હવે બહુ જલ્દી આ પણ સરળ થવા જઈ રહ્યું છે. અહેવાલ છે કે WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે યૂઝર્સને ઈન્ટરનેટ કનેક્શન વગર પણ ફાઈલ શેર કરવાનું સરળ બનાવશે. વોટ્સએપ સંબંધિત સમાચારો પર નજર રાખતા પ્રકાશન WABetaInfoએ આ માહિતી આપી છે.
તમને જણાવી દઈએ કે આ ફીચર ફાઇલ શેરિંગ માટે બ્લૂટૂથ પર નિર્ભર રહેશે. રિપોર્ટ અનુસાર વોટ્સએપ યુઝર્સે સેટિંગ્સમાં જઈને બ્લૂટૂથ ઓન કરીને ફાઇલ્સ શેર કરવી પડશે. આ ફાઇલો મેટાની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનમાં અન્ય ટેક્સ્ટની જેમ જ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. WABetaInfo અહેવાલ અનુસાર, લીક થયેલો સ્ક્રીનશોટ દર્શાવે છે કે આ ફીચરને કામ કરવા માટે એપને એન્ડ્રોઇડ પરમિશનની જરૂર પડશે.
ફાઇલોને ઑફલાઇન શેર કરવા માટે તે જરૂરી છે કે તમે જે ઉપકરણ સાથે ફાઇલ શેર કરી રહ્યાં છો તેમાં ઑફલાઇન ફાઇલ-શેરિંગ સુવિધા પણ ઉપલબ્ધ હોવી જોઈએ. આ ફીચરને એપના આગામી અપડેટ્સમાં લાવવામાં આવે તેવી અપેક્ષા છે, આ ફીચરની મદદથી યુઝર્સ એપ સ્ક્રીન પર જ પરમિશન આપી શકશે જેથી બંને ડિવાઇસ કનેક્ટેડ રહી શકે. જણાવી દઇએ કે આ એક ઑપ્ટ-ઇન પ્રક્રિયા છે અને તમારી પરવાનગી વિના કોઈ તમને ફાઇલો મોકલી શકશે નહીં.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રક્રિયામાં મોકલનાર અને પ્રાપ્ત કરનારના ફોન નંબર છુપાયેલા રહેશે. એટલે કે, યુઝર્સને વધારાની ગોપનીયતા મળશે, ‘નજીકના ઉપકરણોને ઓળખવા, કનેક્ટ કરવા અને તેની સ્થિતિ જાણવા માટે, યુઝર્સ જ્યારે ઇચ્છે ત્યારે સેટિંગ્સમાં જઈને આ પરવાનગીઓ બંધ કરી શકે છે.’ આ ફીચર પર હજુ કામ ચાલી રહ્યું છે, તેથી આ ફીચર સિવાય વોટ્સએપ Contact Notes નામના ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ તેમના કોન્ટેક્ટ સાથે નોટ્સ શેર કરી શકશે.