AMTSથી થયેલા મોતની કિંમત ફક્ત 2 લાખ ! અમદાવાદમાં યુવકનું AMTSની ટક્કરથી મોત, એજન્સીને માત્ર દંડની જોગવાઈ…

જે AMTS અમદાવાદમાં યુવકને ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો એ બસ એજન્સીને ફક્ત 2 લાખનો દંડ ! મોતની કિંમત બસ આટલી જ…

AMTS bus agency fined 2 lakhs : ગુજરાતમાં અકસ્માતની ગણી ઘટનાઓ છેલ્લા થોડા સમયમાં સામે આવી છે અને તેમાં ઘણા નિર્દોષ લોકો મોતને ભેટતા હોય છે, તો સરકારી અને ખાનગી કંપનીઓની બસ દ્વારા પણ ઘણા લોકો મોતને ભેટ્યા છે. અમદાવાદમાં પણ અવાર નવાર AMTS દ્વારા અકસ્માત સર્જીને કેટલાય લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, આવી જ એક ઘટના ગતરોજ સામે આવી જેમાં મણિનગરના ભુલાભાઇ પાર્ક પાસે AMTS બસે એક યુવકનો જીવ લીધો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વટવામાં આવેલા વ્રજભુમિમાં પરિવાર સાથે રહેલા 52 વર્ષીય નવીનભાઇ પટેલ બહેરામપુરા ખાતે શ્રીવિષ્ણુ શો મીલ નામથી લાકડાનો વેપાર કરે છે. જ્યારે તેઓ 19 એપ્રિલે ટુ વ્હીલર લઇને ભુલાભાઇ ચાર રસ્તા ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી AMTS બસના ચાલકે નવીનભાઈના ટુ વ્હીલરને ટક્કર મારી અને આ ટક્કર બાદ તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયા. જો કે ટક્કર બાદ નવીનભાઇ AMTS બસ નીચે આવી જતાં તેમના પરથી બસનું પાછળનું ટાયર ફરી વળ્યું અને તેમનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું.

અકસ્માત કરી બેફામ બસ ચાલક પૂરપાટ ઝડપે બસ હંકારી નાસી છૂટ્યો હતો. ઘટનાને પગલે પોલીસે AMTSના બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદના મણિનગરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે બનેલ આ અકસ્માતની ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે અકસ્માત સર્જનાર બસની એજન્સી અર્હમ ટ્રાવેલ્સ છે, જેના માલિક મણિનગરના પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગા છે.

આનંદ ડાગાના પત્ની શિતલ ડાગા હાલ એએમસીમાં ભાજપના દંડકના પદે છે. જોકે, સમગ્ર અકસ્માતમાં એએમટીએસ દ્વારા એજન્સીને ફક્ત 2 લાખનો દંડ કરી સંતોષ માનવામાં આવ્યો. ત્યારે આ મામલે વિપક્ષ દ્વારા દાખલો બેસે એવી કાર્યવાહી કરવા અને કંપનીને બ્લેકલીસ્ટ કરવાની માંગ પણ કરવામાં આવી છે. એએમટીએસની બસોના છેલ્લા 10 વર્ષમાં 2407 અકસ્માત થયા છે. જેમાં 55 લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે.

Niraj Patel