ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી આજે અમીરોના ખાવાનો પણ સ્વાદ બગાડી રહી છે. ડુંગળીના વધતા જતા ભાવ જોઈને તેને દૂરથી સલામ કરવાનું જ મન થાય છે. ડુંગળી કાપતા કાપતા આંખોમાં પાણી જરૂર આવતું હતું હવે તો ડુંગળી ખરીદતા પણ આંખોમાં પાણી આવે છે ત્યારે ખરેખર એમ થાય કે ડુંગળીએ રડાવી દીધા.

ડુંગળીના ભાવ આજે 100ની ઉપર પહોંચ્યા છે ત્યારે લોકો ડુંગળીની ચોરી પણ કરવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો ભાવનગર માર્કેટયાર્ડમાં સામે આવ્યો જ્યાં 700 કિલો ડુંગળીની ચોરી થતા વેપારીઓમાં ભયનો માહોલ ફરી વળ્યો હતો અને તેમને સુરક્ષાની પણ માંગણી કરી.

ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીના 15 થેલાની ચોરી થતા આજે હરાજી મોડી શરૂ કરવામાં આવી હતી. ડુંગળીની ચોરી થતા ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે એપીએમસીના સંચાલકો દ્વારા સુરક્ષા વધારવાની ખાતરી આપતા ડુંગળીની હરાજી પાછી શરૂ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર એક વેપારીએ ખરીદેલી ડુંગળીના 15 થેલા જેમાં 700 કિલોગ્રામ જેવી ડુંગળી હતી તેની ચોરી થતા વેપારીઓમાં રોષ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ડુંગળીના હોલસેલ ભાવ પણ જયારે એક કિલોના 100ની ઉપર પહોંચ્યા છે ત્યારે કિંમતી એવી ડુંગળીની ચોરી થતા વેપારીઓમાં રોષ થવો સ્વાભાવિક છે. જેના કારણે હરાજીને બંધ કરી દેવામાં આવી હતી.

પોતાનો પકવેલો પાક લઈને માર્કેટમાં આવેલા ખેડૂતો પણ હરાજી બંધ હોવાના કારણે રોષે ભરાયા હતા વેપારીઓની માંગ હતી કે માર્કેટયાર્ડમાં રાત્રી દરમિયાન સુરક્ષા વધારવામાં આવે અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે ત્યારબાદ ખેડુતો, વેપારીઓ અને એપીએમસીના સંચાલકો સાથે સમજૂતી થયા બાદ હરાજી પાછી શરૂ કરવામાં આવી હતી.

એપીએમસીના સંચાલકોએ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી, તેમનું કહેવું છે કે “એક સાથે આટલો મોટો જથ્થો ચોરી ના થઇ શકે, પરંતુ ક્યાંક આડોઅવળો મૂકી દેવામાં આવ્યો હશે અથવા તો બીજે ઉતરી ગયો હશે”
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.