કૌશલ બારડ મનોરંજન લેખકની કલમે

રૂક્મણીના રોલ માટે 70 અભિનેત્રીઓ આવેલી, રામાનંદ સાગરે આ ગુજરાતી એક્ટ્રેસને પસંદ કરી!

રામાનંદ સાગરે બનાવેલી આ રામાયણ કરતા પ્રમાણમાં વધારે લાંબી છે. ૨૦મી સદીના છેવટના દાયકામાં આ સીરિયલ બનાવવામાં આવેલી અને પ્રસારિત થયેલી. ભગવાન કૃષ્ણની આખી જિંદગીની વાત આ ધારાવાહિકમાં કરવામાં આવી છે.

સીરિયલમાં કૃષ્ણનું પાત્ર સર્વદમન બેનર્જીએ ભજવ્યું છે તો કૃષ્ણનાં પત્ની અને મહારાણી દેવી રૂક્મણીનું પાત્ર ગુજરાતી અભિનેત્રી પિંકી પરીખે રજૂ કર્યું છે. લોકોએ રૂક્મણીનાં પાત્રમાં પિંકી પરીખને ઘણા પસંદ કર્યા હતાં.

પિંકી પરીખ મૂળે ગુજરાતી અભિનેત્રી છે. ઘણી ગુજરાતી ફિલ્મોમાં તેમનો રોલ ગુજરાતી ફિલ્મરસિકોએ વખાણ્યો છે. ગોવિંદભાઈ પટેલની સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’માં પિંકી પરીખે ભજવેલો ઝઘડાળું નણંદનો રોલ સૌને યાદ જ હશે.

Image Source

આ ઉપરાંત, ‘પિયુ ગયો પરદેશ’, ‘મન મોતી ને કાચ’ અને ‘હું તું ને રમતુડી’ જેવી ગુજરાતી ફિલ્મોમાં તેના અભિનયની નોંધ લેવાઈ છે. ‘મન મોતીને કાચ’ ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો છે.

પિંકી પરીખ જાણીતા ગુજરાતી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવે છે તે પ્રમાણે, રામાનંદ સાગરની ‘શ્રીક્રિષ્ના’ સીરિયલમાં રૂક્મણીના રોલ માટે ૭૦ અભિનેત્રીઓમાંથી તેની પસંદગી કરવામાં આવી હતી! રૂક્મણી ભગવાન કૃષ્ણને પ્રેમપત્ર પાઠવે છે એ સીનનું ઓડિશન તેમણે આપેલું.

જો કે, પિંકી પરીખ માટે રામાનંદ સાગર સાથે કામ કરવું એ કંઈ પહેલી વારનું નહોતું. આ સીરિયલ પૂર્વે પણ તેમણે રામાનંદ સાગરની ‘અલિફ લૈલા’ અને ‘ઇતિહાસ કી પ્રેમકહાની’ સીરિયલોમાં કામ કર્યું હતું. ‘શ્રીક્રિષ્ના’માં પિંકીએ રૂક્મણી ઉપરાંત અન્ય રોલ પણ ભજવ્યા છે.

Image Source

છેલ્લી વાર પિંકી પરીખ ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુની બિટ્ટુ’માં દેખાયા હતા. લગ્ન બાદ તેમણે અભિનયના પડદે કામ કરવાનું ઓછું કરી દીધું છે. તેમના માતા પણ અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. પિંકીને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો. સ્કૂલના ફંક્શનોમાં તેમણે નાટકોમાં અભિનય કર્યો હતો.

Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.