ઘણા લોકો એમ સમજતા હોઈએ છે કે આપણે કોઈ કામના નથી, એ જ્યાં પણ જ્યાં ત્યાં એમને તિરસ્કાર જ મળતો હોય છે, તેઓ કોઈપણ કામ કરે તો એ કામમાં પણ તેમને ધુત્કાર જ મળે, બીજા લોકોના કહેવાના કારણે એ વ્યક્તિ જે કામ કરે તેને પણ યોગ્ય રીતે ન્યાય નથી આપી શકતો અને એ કામ ખરાબ કરે છે, કારણ કે ત્યારે એ વ્યક્તિનું ધ્યાન કામમાં નહિ પરંતુ એ કામની નિષ્ફ્ળતામાં જ રહેલું હોય છે.

આજે એવી જ એક વાત કરીએ જે તમને તમારી જાત સાથેની ઓળખ કરાવશે.
એક તળાવના કિનારે સુંદર મઝાનું ઘાસ ઉગ્યું હતું, ઘણા બધા ફૂલ છોડ અને વૃક્ષો પણ ત્યાં લગાવ્યા હતા જેના કારણે તળાવનું સૌંદર્ય ખુબ જ આકર્ષક લાગી રહ્યું હતું. ત્યાં આવનાર દરેક વ્યક્તિ એ જગ્યાની પ્રસંશા કરતા. તળાવ, વૃક્ષો, ફૂલ છોડ અને એમાં પણ કિનારે ઉગેલા ગુલાબની લોકો પ્રસંશા કરતા થાકતા નહોતા.

એ કિનારા ઉપર જ એક સામાન્ય છોડ હતો, જેની કોઈ સુંદરતા હતી નહીં, છતાં પણ તે ત્યાં ઉગ્યું હતું, લોકોને આ બધાની પ્રસંશા કરતા જોઈને પોતાના ઉપર ગુસ્સો આવવા લાગ્યો, તેને એમ થતું કે “આ બધા ફૂલ છોડ,વૃક્ષ, ઘાસ અને તળાવ કેટલા સુંદર છે, લોકો તેની પ્રસંશા કરે છે પરંતુ મારી તરફ કોઈ નજર પણ નથી કરતુ, કોઈ મારા ઉપર ધ્યાન પણ નથી આપતું.
આમ દિવસે દિવસે એ છોડને વધારે ચિંતા થવા લાગી અને તે ધીમે ધીમે ચિંતામાં સુકાવવા પણ લાગ્યું, લોકો ત્યાં આવી અને બધા જ ફૂલોનો સ્પર્શ કરતા, તેની સુગંધ લેતા, ઘાસ ઉપર હાથ ફેરવતા, વૃક્ષને બાથ ભરતા, પરંતુ તે છોડ સામે કોઈ જોતું પણ નહિ જેના કારણે તે છોડને વધારે લાગી આવતું.

એક દિવસ એ છોડ સાવ સુકાઈ અને જમીન ઉપર પડી ગયો, પવનના કારણે તે ઉડી અને તળાવમાં પડ્યો, તળાવમાં તરતા તરતા તે વચ્ચે પહોંચ્યો ત્યારે એક કીડી આચાનક તેના પાન ઉપર આવીને બેસી ગઈ, કીડીએ છોડને વિનંતી કરી કે તે તેને કિનારા સુધી પહોચાવી દે. તે છોડ પણ કીડીને કિનારા સુધી લઇ ગયો.
કિનારા ઉપર જઈને કીડીએ તે છોડનો આભાર માન્યો, અને કહ્યું કે : “જો આજે તમે ના હોત તો મારું જીવન ના બચ્યું હોત, મેં ખરેખર મહાન છો, આ ફૂલોની સુગંધના કારણે હું તેની સમીપે આવી તો પણ તે મને બચાવી ના શક્ય, વૃક્ષ ઉપર મારા દિવસો વીત્યા, છતાં તે પવનથી મને બચાવી ના શક્યા અને ઉડાવીને મને તળાવમાં નાખી દીધી, એક તમે જ હતા જેને મારું જીવન બચાવ્યું.”

કીડીની વાત સાંભળી તે છોડને પણ લાગ્યું કે તેનું જીવન પણ કોઈનું જીવન બચાવવામાં સફળ રહ્યું છે, તેને આખું જીવન એજ વિચારમાં વિતાવી દીધું કે તે કોઈ કામનું નથી, પરંતુ આજે જયારે તે તૂટીને પણ કોઈના કામમાં આવ્યું છે ત્યારે તેને સાચી સમજ આવી કે પોતે પણ જીવનમાં કઈ કરી શકવાને લાયક હતો.

માણસ પણ જીવનભર એમ જ વિચારતો હોય છે કે તે કોઈ કામનો નથી પરંતુ પૃથ્વી ઉપર રહેલા દરેક નાના મોટા જીવ જંતુ, મનુષ્યનું નિર્માણ ભગવાને કોઈ એક ચોક્કસ કામ માટે જરૂર કર્યું હોય છે બસ આપણને તેની સાચી સમજ નથી હોતી જેના કારણે આપણે પણ હંમેશા નિરાશ થતા હોઈએ છીએ, પરંતુ તમારી જાતે જ તમારી જાતને ઓળખો, બીજાનું સાંભળ્યા વગર પોતાની જાતે જ નક્કી કરો કે પોતાના માટે શું સારું છે? લોકો તમારી ટીકા તો તમે હંમેશા કરતા જ રહેશે. પરંતુ જીવનનો સાચો રસ્તો શોધવો તમારા હાથમાં જ રહેલો છે.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.