મનોરંજન

આર્યન ખાન ડ્રગ્સ કેસના અધિકારીઓ વિરૂદ્ધ તપાસ શરૂ, સમીર વાનખેડેની ટીમ પર ગંભીર આરોપ ! NCB રિપોર્ટમાં ખુલાસો

ગયા વર્ષે ઓક્ટોબરમાં NCBના મુંબઈ યુનિટે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડગ કેસમાં ધરપકડ કરી હતી. એક વર્ષ બાદ NCBની વિજિલન્સ ટીમે તેનો રિપોર્ટ ડિરેક્ટરને સોંપ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે NCBના મુંબઈ યુનિટે આ કેસની તપાસમાં ઘણી ગેરરીતિઓ આચરી છે. NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે બુધવારે મુંબઈમાં જણાવ્યું હતું કે તેમણે પોતાનો રિપોર્ટ નવી દિલ્હીમાં NCB ડિરેક્ટરને આપ્યો છે, પરંતુ તેમણે આ રિપોર્ટમાં શું લખ્યું છે તે સત્તાવાર રીતે જાહેર કર્યું નથી.

જ્ઞાનેશ્વર સિંહ NCBની વિજિલન્સ ટીમના વડા છે. મીડિયા અહેવાલો અનુસાર, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આર્યન કેસની તપાસમાં ઘણી ગેરરીતિઓ હતી. વિજિલન્સ ટીમે તપાસમાં સામેલ અધિકારીઓના ઈરાદા પર પણ સવાલો ઉઠાવ્યા છે. વિજિલન્સ ટીમને એનસીબીના 7 થી 8 અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. તેમની સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. શું આવા અધિકારીઓમાં સમીર વાનખેડેનું નામ હશે,

જે તે સમયે એનસીબી મુંઇઇના ઝોનલ ડાયરેક્ટર હતા ? તે સવાલ ઊભો થઇ રહ્યો છએ. રિપોર્ટમાં બ્યુરોના અધિકારીઓ સહિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. તપાસ દરમિયાન 65 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જે બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આર્યન ખાનની ધરપકડ બાદ સમીર વાનખેડેની ભૂમિકા પર મહારાષ્ટ્રના પૂર્વ કેબિનેટ મંત્રી નવાબ મલિક સહિત અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. આ પછી એનસીબીના ડિરેક્ટર એસ. એન. પ્રધાને બે મોટા નિર્ણયો લીધા.

તેમણે IPS અધિકારી સંજય કુમાર સિંહના નેતૃત્વમાં SITની રચના કરી હતી. આ SITનું કામ આર્યન કેસ સહિત મુંબઈ સાથે જોડાયેલા લગભગ અડધો ડઝન કેસોની ફરીથી તપાસ કરવાનું હતું. બીજા નિર્ણયમાં, અન્ય IPS અધિકારી જ્ઞાનેશ્વર સિંહના નેતૃત્વમાં વિજિલન્સ ટીમની રચના કરવામાં આવી હતી. આ વિજિલન્સ ટીમનું કામ NCBના મુંબઈ યુનિટ સામેના આરોપોની તપાસ કરવાનું હતું. સંજય કુમાર સિંહની એસઆઈટીએ થોડા મહિના પહેલા કોર્ડિલા ક્રુઝ શિપ કેસમાં તેની ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં આર્યન ખાનનું નામ નહોતું. એટલે કે આર્યનને SIT દ્વારા ક્લીનચીટ આપવામાં આવી હતી.