કોરોના કાળની અંદર લાગેલા લોકડાઉનના કારણે ઘણા લોકોના રોજગાર ધંધાઓ બંધ થઇ ગયા, ઘણા લોકોની નોકરીઓ પણ છૂટી ગઈ, આવા સમયે ઘણા લોકો હતાશ થયા તો ઘણા લોકોએ પોતાની વિચાર શક્તિથી કંઈક અવનવું કરવાનું નક્કી કર્યું અને હવે સફળતાની રાહ ઉપર તેઓ ચાલી નીકળ્યા છે.

એવો જ એક વ્યક્તિ છે ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાનો રહેવાસી દાન સિંહ. જે દિલ્હી મેટ્રોમાં નોકરી કરી રહ્યો હતો. પરંતુ કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં તેની નોકરી ચાલી ગઈ. ત્યારબાદ દાન સિંહે ઘણી જગ્યાએ નોકરીની શોધ કરી પરંતુ ક્યાંય કોઈ જગ્યાએ મેળ પડ્યો નહીં.
એ દરમિયાન જ તેને પોતાના ગામની અંદર પહાડી ઘાસમાંથી હર્બલ ચા બનાવવાનો વ્યસાય શરૂ કર્યો. જોત જોતામાં જ તેના પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધવા લાગી. અને તેનો વ્યવસાય પણ પૂર જોશમાં ચાલવા લાગ્યો. હાલમાં દાન સિંહ ચાનો વ્યવસાય કરીને મહિને એક લાખ રૂપિયા સુધી કમાઈ રહ્યો છે.

ભારતની અંદર કોરોનાનો પ્રસાર વધવાના થોડા દિવસ પહેલા જ દાન સિંહ પોતાના ગામ આવ્યો હતો. અને લોકડાઉં લાગી જવાના કારણે તે બહાર જઈ શક્યો નહીં. કોરોનાથી બચવા માટે લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સલાહ આપવામાં આવી રહી હતી. જેના કારણે ઉકાળા અને હર્બલ ટીની ડિમાન્ડ વધી ગઈ. એ દરમિયાન જ દાન સિંહનું ધ્યાન પહાડ ઉપર ઉગવા વાળા એક ખાસ પ્રકારના ઘાસ તરફ ગયું. જેને લોકો શરદી-ઉધરસ થવા ઉપર ઘરઘથ્થું ઉપાય તરીકે વાપરતા હતા. દાન સિંહે તે ઘાસમાંથી ચા બનાવી અને ઘરમાં શરદી જુકામથી પીડિત લોકોને પીવડાવી. તેમને થોડી જ વારમાં તેની અસર દેખાવવા લાગી.

બે વખતના એક્સ્પીરિમેન્ટમાં જ દાન સિંહે હર્બલ ઘાસમાંથી ચા બનાવવાની સાચી રીત શોધી લીધી. ત્યારબાદ તેને આ વાતની જાણકારી પોતાના મિત્રોને આપી. દાન સિંહના મિત્રોએ તેના માટે તરત જ ઓર્ડર આપી દીધા. ઓર્ડર મળ્યા બાદ દાન સિંહનું મનોબળ વધતું ગયું અને મોટા પ્રમાણમાં ચા તૈયાર કરવા લાગ્યો. લોકોને તેની પ્રોડેક્ટ વિશેની જાણકારી આપી. મોટી સંખ્યામાં લોકોના ઓર્ડર પણ મળવાના શરૂ થઇ ગયા. થોડા જ સમયમાં દાન સિંહની એમેઝોન સાથે પણ ડીલ થઇ ગઈ.

દાન સિંહ રોજ સવારે પહાડો ઉપર જઈને ઘાસ તોડીને લઇ આવતો. ત્યારબાદ તે પાનને તોડીને સુકવી દેતો. બે-ત્રણ દિવસમાં પાન સુકાઈ જતા. ત્યારબાદ તેને હાથથી તે મસળી નાખતો. ત્યારબાદ તેમાં લેમન ગ્રાસ, તેજપત્તા, તુલસીના પાન અને આદુ ભેળવીને પેકીંગ તૈયાર કરતો. દાન સિંહની આ પહેલા બાદ ગામના બીજા લોકો પણ હવે આ ઘાસનો ઉપયોગ કરે છે.
આ પહાડી ઘાસને બિચ્છુ ઘાસ આથવા કંડાલી કહેવાય છે. શરદી ખાંસીના ઘરઘથ્થું ઉપાયની સાથે તેનો ઉપયોગ શાક બનાવવામાં પણ થાય છે. તેની અંદર વિટામિન સી અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. બિચ્છુ ઘાસ રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે. આ ઉપરાંત તે ડાયાબિટીસ અને ગઠિયાના રોગોમાં પણ ફાયદાકારક સાબિત થાય છે.

દાન સિંહે પોતાની આ હર્બલ ચાનું નામ માઉન્ટેન ટી રાખ્યું છે. ચા બનવવાના આ કામની અંદર દાન સિંહ સાથે બીજા 5 લોકો પણ કામ કરે છે. આજના સમયમાં તેની ચાના યુપી, બિહાર, રાજસ્થાન, દિલ્હી જેવા ઘણા રાજ્યોના ગ્રાહકો છે.