ખબર

કોરોના થયા પછી, આસારામની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર

રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં કેદ આસારામની તબિયત લથડી છે. તબિયત લથડતા તેને એમજીએચ કોવિડ સેન્ટર મોકલવામાં આવ્યા છે. આસારામ કોરોના સંક્રમિત છે. ત્રણ દિવસ પહેલા, તેનામાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યા હતાં, જે પછી તેનો ટેસ્ટ કરવામાં આવ્યો. બુધવારે સાંજે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામ બાપુને ICUમાં દાખલ કરાયા છે. આસારામ કોરોના સંક્રમિત થયા હતા હતા ત્યારબાદ તેમની તબિયત બગડવા લાગી. ત્યારબાદ જેલ પ્રશાસને આસારામને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો.

80 વર્ષથી વધુની ઉંમર ધરાવતા આસારામને બેચેનીની ફરિયાદ બાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવાયો હતો. કોરોનાના લક્ષણ અને વધતી શ્વાસની તકલીફને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ પહેલી વાર નથી જ્યારે તેમને જેલમાંથી હોસ્પિટલમાં દાખલ કરાયા હોય. આ પહેલા પણ આ વર્ષના ફેબ્રુઆરીમાં તેમની તબિયત બગડતા તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા હતા. ફેબ્રુઆરીમાં પણ તેમને શ્વાસની ફરિયાદ બાદ હોસ્પિટલ લઈ જવાયા હતા.

આસારામ એક સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં જોધપુર જેલમાં સજા કાપી રહ્યા છે. આસારામ પર આરોપ છે કે તેમણે 15 ઓગસ્ટ 2013ના રોજ જોધપુર પાસે મનઈ વિસ્તારમાં એક સગીરા સાથે આ કામ કર્યુ હતુ. કોર્ટે આસારામને આઈપીસી કલમ 370(4) તસ્કરી, કલમ 342, કલમ 354એ, કલમ 376, કલમ 506, કલમ 120બી અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યા છે.

જયારે એમને હોસ્પિટલમાં લઈ જવાયા એ પહેલા જ ત્યાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરાયા હતા. આસારામને હોસ્પિટલે લઈ જવાની માહિતી મળતા જ કેટલાક સમર્થકો ત્યાં પહોંચી ગયા છે. પણ પોલીસની ટાઈટ સિક્યુરિટી ત્યાં હતી અને અંદર કોઈને જવા ન દીધા. હોસ્પિટલમાં લઈ જવાયા ત્યારે વ્હીલચેર પર આસારામ ખૂબ થાકેલા નજરે પડ્યા હતા. તેમનું વજન પણ ખૂબ ઓછું થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, જોધપુરની સેન્ટ્રલ જેલમાં ગયા મહિને જ લગભગ 10થી વધુ કેદી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તમામ કોરોના પોઝિટિવ કેદીઓને જેલની ડિસ્પેન્સરીમાં જ આઇસોલેટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હવે અન્ય કેદીઓમાં પણ કોરોના સંક્રમણના લક્ષણ જોવા મળ્યા છે. બીજી તરફ આસારામની તબિયત બગડ્યા બાદ જેલમાં કોરોના સંક્રમણની આશંકા વધી ગઈ છે.