ખબર

અમદાવાદમાં ચાલતી ગાડીએ બેશરમ સગીર વિદ્યાર્થીઓએ સળગતા ફટાકડાં ફેંક્યા, માસુમ દીકરી દાઝી ગઈ, જાણો સમગ્ર મામલો

અમદાવાદમાં પરીક્ષા પૂરી થયાની ઉજવણીમાં ચાલુ કારમાંથી ફટાકડા ફોડતા દાઝી ગયેલી વિદ્યાર્થિનીની ફરિયાદને 19 દિવસ વીતી ગયા પણ હજુ પણ પોલીસે કોઈને ઝડપ્યા નથી, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી ઘણીવાર અસામાજિક ત્તત્વોના આતંકની ઘટના સામે આવી છે. કેટલીકવાર આ ત્તત્વોને કારણે કોઇ વ્યક્તિને ઇજા પહોંચતી હોય છે અથવા તો તેઓ મોતને ભેટતા હોય છે. ત્યારે હાલમાં જ અમદાવાદમાંથી એક મામલો સામે આવ્યો હતો, જેમાં વસ્ત્રાલમાં ચાલુ કારમાથી ફટાકડા ફોડતા પાછળ એક્ટિવા પર જઇ રહેલી ધોરણ 10ની વિદ્યાર્થીની પરીક્ષા આપીને ઘરે જતી હતી તે દરમિયાન તે ગંભીર રીતે દાઝી ગઇ હતી.

28 માર્ચના રોજ ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થયા બાદ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ બહાર સગીર વયના 4 જેટલા વિદ્યાર્થીઓ ચાલુ કારમાં જાહેર રસ્તા પર ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે પાછળ આવી રહેલી વિદ્યાર્થીનીના હાથ અને અન્ય શરીરના ભાગ દાઝી ગયા, જેને કારણે તેને ગંભીર ઇજાને પગલે હોસ્પિટલ ખસેડાઇ હતી. આ સગીર વયના નબીરાઓ વિશે એવું પણ સામે આવ્યુ છે કે તેમણે ચાલુ કારે ફટાકતા ફોડતા પહેલા સ્કૂલ પાસેના મેદાનમાં પણ મસ્તી કરી હતી.

આ ઘટના અંગે જણાવતા વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યુ કે, 28 તારીખે ધોરણ 10નું છેલ્લું પેપર હતું અને તેથી તેઓ પેપર પૂર્ણ થયા બાદ અર્પણ ઈન્ટરનેશલ સ્કૂલથી તેમની દીકરીને લઈને એક્ટિવા પર ઘરે પરત જઇ રહ્યા હતા ત્યારે સ્કૂલની નજીક 4 વિદ્યાર્થીઓ ચાલુ ગાડીએ ફટાકડા સળગાવીને બહાર ઘા કરી રહ્યા હતા. આ દરમિયાન એક બોમ્બ તેમના અને તેમની દીકરી વચ્ચે આવીને ફૂટ્યો જેને કારણે દીકરી ગંભીર રીતે દાઝતા તેઓ ત્યાંથી તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા અને સારવાર કરાવીને ઘરે લઇ ગયા.

તેમણે આગળ જણાવ્યુ કે, જે છોકરો ગાડી ચલાવતો હતો, તે તેમની દીકરીની સ્કૂલમાં ભણતો હોવાથી તેમણે સ્કૂલે જઇ પ્રિન્સિપાલને જાણ કરી હતી અને તે બાદ ત્યાથી તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ મામલે ફરિયાદ નોંધાવી. જો કે, વિદ્યાર્થીઓના વાલીઓએ તેમને ધમકી આપી હતી કે તેમને ઘણી ઓળખાણ છે. જો કે, આ ઘટનાને 19 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ દીકરીને હજુ ન્યાય નથી મળ્યો અને સગીર વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરાઇ નથી.