અબ્દુલે ૮ વર્ષ સુધી પ્રોડ્યુસરના દરવાજા ખખડાવ્યા, અત્યારે છે અધધ પ્રોપર્ટીના માલિક
અભિનય જગત એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં દરેક વ્યક્તિ પોતાનું નસીબ અજમાવવા માગતું હોય છે. પરંતુ સફળતા દરેકને નથી મળતી અને આટલી સરળતાથી નથી મળતી, જેટલી આપણને લાગે છે. ત્યારે આજે આપણે વાત કરીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ અબ્દુલ વિશે –

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અબ્દુલ એટલે કે શરદ સાંકલાને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષોથી વધુનો સમય થઇ ગયો છે. આટલા વર્ષોથી આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોવા છતાં તેઓને ઓળખ મળી ન હતી અને તેમને કામ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એક સમયે તેમને એક દિવસના 50 રૂપિયા મળતા હતા, જયારે આજે પોતાની ઓળખ અબ્દુલ તરીકે બનાવ્યા પછી તેમની પાસે મુંબઈમાં બે રેસ્ટોરન્ટ છે.

શરદે એક ઇન્ટરવ્યૂમાં પોતાના સંઘર્ષની દાસ્તાન શેર કરી હતી, અને જણાવ્યું હતું કે તેમની પહેલી કમાણી દિવસના 50 રૂપિયા હતી. 35થી વધુ ફિલ્મો અને ડઝનો શોમાં કામ કર્યા પછી પણ તેમને પોતાની ઓળખ બનાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. શરદના જણાવ્યા અનુસાર, તેમને 1990માં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ વંશ સાથે ડેબ્યુ કર્યું હતું.
આ ફિલ્મમાં તેમને ચાર્લી ચેપ્લિનનું પાત્ર ભજવ્યું હતું, જે ખૂબ જ નાનું પાત્ર હતું. એ સમયે તેમને દિવસના 50 રૂપિયા મળતા હતા. આ પછી તેમને ખિલાડી, બાઝીગર અને બાદશાહ જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું, પણ તેમ છતાં તેઓ એના આઠ વર્ષ સુધી કામવિહોણા રહયા હતા. શરદ અનુસાર, તેમની પાસે જયારે કામ ન હતું એ આઠ વર્ષો સુધી તેઓ પોતાનો પોર્ટફોલિયો લઈને પ્રોડ્યુસર પાસે કામ માંગવા જતા હતા, નામ હોવા છતાં કામ મળતું ન હતું.
જેથી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમને આસિસ્ટન્ટ ડિરેક્ટર, કોરિયોગ્રાફર અને કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરવાનું શરુ કર્યું. દરમ્યાન કેટલાય નાના-નાના રોલ્સ કર્યા પણ કોઈ મોટું કામ મળતું ન હતું. આ પછી તેમને તારક મહેતા કા ઉલટા ચશ્મામાં કામ મળ્યું અને એ પછી તેમને ક્યારેય પણ પાછું ફરીને નથી જોયું.

તારક મહેતા કા ઉલટા ચશ્મામાં કામ મળવા અંગે શરદે જણાવ્યું હતું કે કોલેજમાં તેઓ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આસિત મોદી એક જ બેચમાં હતા. આસિત મોદી તેમને વ્યક્તિગત રીતે અને વ્યવસાયિક રીતે જાણતા હતા. એક દિવસ આસિત મોદીએ અબ્દૂલના પાત્ર માટે તેમને ફાઇનલ કરી દીધા. તેઓ જણાવે છે કે મારી પાસે એ વખતે હા કહેવા સિવાય કોઈ બીજો વિકલ્પ ન હતો. શરૂઆતમાં હું મહિનામાં 2-3 દિવસ શૂટ કરતો હતો, પણ મારું પાત્ર પ્રખ્યાત થઇ ગયું અને લોકો મને શરદ નહિ પણ અબ્દુલ તરીકે ઓળખવા લાગ્યા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી મારો નવો જન્મ થયો.

અબ્દુલ તરીકે ઓળખાતા શરદના મુંબઈમાં બે રેસ્ટોરન્ટ પણ છે. શરદે જણાવ્યું હતું કે પત્ની અને બાળકોની જવાબદારી તેમના પર છે. ખાબર નહિ કે તારક મહેતા ક્યાં સુધી ચાલશે. એટલે રોકાણ તો કરવું જ પડે ને! પૈસા માટે તેમને ખૂબ જ સંઘર્ષ કર્યો છે અને હવે તેઓ નથી ઇચ્છતા કે તેમના પરિવારના સભ્યો પણ સંઘર્ષ કરે. એટલે જ તેઓ છે કે તેમના બાળકો સારું ભણે અને પોતાના જીવનમાં સફળ થાય. તેમનું એક રેસ્ટોરન્ટ પાર્લે પોન્ટ મુંબઈના જુહુ વિસ્તારમાં અને બીજું રેસ્ટોરન્ટ ચાર્લી કબાબ અંધેરીમાં આવેલું છે.

19 જૂન 1965ના રોજ મુંબઈમાં જન્મેલા શરદના લગ્નને 25 વર્ષ થઇ ચુક્યા છે, તેમની પત્નીનું નામ પ્રેમિલા સાંકલા છે, જે એક ગૃહિણી છે અને તેમની દીકરી 18 વર્ષની છે અને કોલેજમાં અભ્યાસ કરે છે જયારે તેમનો દીકરો માનવ સ્કૂલમાં ભણી રહ્યો છે. શરદે અભ્યાસ છોડીને અભિનય જગતમાં પગ મુક્યો હતો. તેમને ચેરી બ્લોસમ શૂ પોલિશની એક એડમાં ચાર્લી ચેપ્લિનનો રોલ કર્યો હતો, જે ખૂબ જ પ્રસિદ્ધ થયો હતો.