તમે વાવેલું જ્યારે ઉગતું દેખાય ત્યારે એનો આનંદ અનેરો હોય છે.

ગઈકાલે સવારે હું મારા પુસ્તકાલયમાં બેઠો બેઠો વાંચતો હતો. દીકરો કમલ મારી પાસે આવ્યો અને મને કહે, “પપ્પા, તમને એક વાત કરવી છે.” મેં કહ્યું, “બોલ બેટા, તારે શું કહેવું છે ?” મને કહે, “પપ્પા, મારાથી એક ભૂલ થઇ ગઈ છે.” મને થયું કે આ 13 વર્ષના છોકરાએ વળી શું ભૂલ કરી નાંખી હશે ?

મેં કહ્યું, “કોઈપણ જાતનો સંકોચ રાખ્યા વગર મને કહે કે તારાથી શું ભૂલ થઇ ગઈ છે ?” મને કહે, “પપ્પા, અમે ગઈકાલે ક્રિકેટ રમતા હતા એમાં બોલ એક અંકલના ઘરમાં જતો રહ્યો. હું દીવાલ કૂદીને એના ઘરમાં ગયો અને બોલ લઇ આવ્યો. આપણે કોઈના ઘરમાં એની મંજૂરી વગર ના જવું જોઈએ અને હું તો દીવાલ કૂદીને ગયો એ ભૂલ થઇ ગઈ છે મારી. પપ્પા, મારે હવે શું કરવું જોઈએ ?”

વાત સાંભળીને મને આંનદ થયો કે મંજૂરી વગર ચોરની જેમ બીજાના ઘરમાં જવું એ ભૂલ છે એટલી સમજ તો દીકરાને પડી. મેં એને કહ્યું, “બેટા, તારે એ અંકલના ઘરે જઈને તે જે ભૂલ કરી એ બદલ માફી માંગવી જોઈએ અને હવે આવી ભૂલ બીજીવાર નહિ થાય એવું કહેવું જોઈએ.” સામી દલીલ કરતા મને કહે, “પપ્પા, તમે એ અંકલને ઓળખતા નથી. એ બહુ ગુસ્સાવાળા છે અને ગાળો પણ બોલે છે એની પાસે માફી માંગવા કેમ જવું?”

કમલને સમજાવતા મેં કહ્યું, “બેટા, માફી માંગો તો સામે ગમે એવો ગુસ્સાવાળો માણસ પણ ઢીલો પડી જાય અને માફ કરી દે. તું તો નાનો બાળક છો એટલે એ તને માફ કરી જ દેશે.” બપોરે જ્યારે કમલ ક્રિકેટ રમીને આવ્યો ત્યારે મને કહે, “પપ્પા, તમે સાચું કહેતા હતા. હું પેલા અંકલ પાસે જઈને એની માફી માંગી આવ્યો. અંકલ ખીજાયા નહિ. ઉલટાનું એમ કહ્યું કે હું નાનો હતો ત્યારે હું પણ ક્રિકેટ રમતો પણ એટલું ધ્યાન રખાય કે આપણા બોલથી કોઈને નુકસાન ના થાય. પપ્પા, માફી માંગવાની પણ મજા આવી”

મિત્રો, સારા વિચારો માણસને બલાત્કારે કરીને પણ સારું કામ કરવા ખેંચે છે. નાના બાળકને સમજ પડે કે ના પડે એને સારી સારી વાતો કરતી રહેવી. માના ગર્ભમાં અભિમન્યુ શીખી શકતો હોય તો આપણું સંતાન પણ આપણી વાતો અને વર્તનથી જરૂર શીખી શકે.

– શૈલેશ સગપરિયા

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!