તુલસીને આપણા હિન્દૂ ધર્મમાં પવિત્ર માનવામાં આવી છે, શહેર હોય કે ગામ, મોટાભાગના ઘરોના આંગણામાં એક તુલસી ક્યારો તો જોવા મળશે જ. પરંતુ શું તમે જાણો છો કે તુલસીની ખેતી કરીને પણ સારી એવી આવક મેળવી શકાય છે. ઓછા ખર્ચમાં સારું એવું ઉત્પાદન અને વધુ નફો પણ મેળવી શકો છો.

ચાલો આજે અમે તમને તુલસીની ખેતી વિશે માહિતગાર કરીએ.

તુલસીની ખેતી કરવા માટે યોગ્ય સીઝન:
આપણે જમીનમાં કોઈપણ વાવણી કરવાના હોઈએ એ પહેલા તેની યોગ્ય સીઝનનું ધ્યાન રાખીએ છીએ. તો તુલસીની ખેતી કરવા માટે પણ યોગ્ય સીઝન અને વાતાવરણ અનુકૂળ હોવું જોઈએ. એપ્રિલ અને મેં માસથી તમે તુલસીની ખેતી કરવાની શરૂઆત કરી શકો છો. જેના માટે તમારે એપ્રિલ અથવા તો મેં મહિનામાં તુલસીનું ધરૂવાડિયું બનાવી દેવું પડશે. 4 મીટર લાબું અને 1 મીટર પહોળા જેમાં નિંદામણ કરવાની સરળતા રહે એવા ક્યારા બનાવી તમે તુલસીના બીજ એમાં નાખી શકો છો, એક ક્યારા દિઠ 15 ગ્રામ બીજની જરૂર પડે છે. જયારે તમે એક હેક્ટરમાં તુલસીની ખેતી કરવા માંગતા હોય તો 150 ગ્રામ તુલસીના બીજ ખેતી કરવા માટે પૂરતા છે. ધરું દૈયાર થઈ ગયા બાદ તમે જુલાઈ માસમાં ખેતરની અંદર તેને વાવી શકો છો.

કેવી રીતે કરવી વાવણી?:
તુલસીની વાવણી કરતા પહેલા જમીનને યોગ્ય રીતે તૈયાર કરી લેવી જોઈએ. જેમાં જરૂરિયાત મુજબનું છાણીયું ખાતર અથવા કંપોસ્ટને બરાબર માત્રામાં નાખી ખેડી દેવું જોઈએ જેનાથી જમીનમાં એક સરખું ખાતર ભળી જાય. છેલ્લી વખતે ખેડતા સમયે એક હેકટર દીઠ 100 કી.ગ્રા. યુરિયા, 500 કી.ગ્રા. ફાસ્ફેટ તેમજ 125 કી.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશને નાખી દેવું. તુલસીના બીજને 45×45 સે.મી. ના અંતરે વાવવા જોઈએ તેમજ બીજ રોપતાની સાથે જ સાધારણ સિંચાઈ પણ શરૂ કરી દેવી જોઈએ.

તુલસીમાં આવતા રોગોના રક્ષણ માટે શું કરવું?
ખેડૂત કોઈપણ પાક કરે, પાકમાં રોગ આવવાની સંભાવના રહેતી જ હોય છે. તુલસીના પાકના રક્ષણ માટે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો તુલસીમાં પાનના સુકારાનો રોગ મુખ્યત્વે જોવા મળે છે. આ રોગથી છોડનાં પાન અને થળ ઉપર કાળા ધબ્બા પડે છે અને ધીમે ધીમે આખો છોડ સુકાઈ જાય છે. આ રોગ સામે નિયંત્રણ મેળવવા મેન્કોઝેબ ૨૭ ગ્રામ દવા ૪૦ લિટર પાણીમાં મિશ્ર કરી ૧પથી ૨૦ દિવસના અંતરે બેથી ત્રણ વખત છંટકાવ કરવો. તુલસીના પાનમાં જો પાન ખાનારી ઈયળ હોય તો તે પાનની બંને સાઈડ ભેગી કરી પાનને ખાઈ જાય નુકશાન કરે છે. જેથી પણ સુકાઈને નીચે પાંદડા પડી જાય છે જેના કારણે ઉત્પાદન ઓછું થાય છે. જો ઉપદ્રવ શરૂઆતમાં જ દેખાય તો વળેલા પાનનો ઈયળ સમેત નાશ કરવો અને તે ઉપદ્રવ વધુ હોય તો મોનોક્રોટોફસ ૧૨ મિ.લિ. અથવા કાર્બારીલ ૪૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેગી કરી આ બંને દવામાંથી ગમે તે એક દવાનો છંટકાવ કરવો.

લણણી કેવી રીતે કરવી?:
તુલસીનો પાક 90 દિવસ એટલે કે 3 મહિનામાં તૈયાર થઇ જાય છે. તુલસીના છોડ ઉપર લીલા પાન આવી ગયા બાદ તેની કાપણી શરૂ કરી દેવી જોઈએ. તુલસીના પાનમાં તેલનું વધુ મહત્વ રહેલું છે. તુલસીના છોડ ઉપર આવતા તેમાં તેલનું પ્રમાણ ઘટતું જાય છે જેના કારણે ફૂલ આવતાની સાથે જ તેની લણણી શરૂ કરી દેવી જોઈએ. તુલસીની લણણી થોડી ઊંચાઈથી કરવી જેના કારણે તમે બીજીવાર પણ તેની લણણી કરી શકો.

કુલ ખર્ચ અને આવક કેટલી?:
કોઈપણ ખેતી આપણે કરીએ ત્યારે આપણે નફા નુકશાનનો પહેલો વિચાર કરતા હોઈએ છીએ તો તુલસીની ખેતી કરવા માટે પણ ખર્ચ કેટલો થાય એ પણ તમને જણાવી દઈએ.
મધ્યપ્રદેશના ઉજૈનમાં એક ખેડૂતે પોતાની 10 વીઘા જમીનમાં તુલસીની ખેતી કરી જેનો અંદાજિત ખર્ચ રૂ.15000 ની આસપાસ હતો. 3 મહિના પછી જયારે તેને પોતાનો પાક વેચ્યો ત્યારે તે 3 લાખ રૂપિયાનો થયો હતો. ખેડૂત અનોખીલાલ પાટીદારના જણાવ્યા અનુસાર 10 વીઘા ખેતી કરવા માટે તેને 10 કિલો બીજની જરૂર પડી હતી. ખાતર અને બીજ મળીને એક વીઘા દીઠ તેનો ખર્ચ 1500 રૂપિયા હતો આમ તેને 10 વીઘા ખેતી કરવા માટે 15000 કુલ ખર્ચ થયો હતો. જયારે આવક 3 લાખ થઈ હતી.

ક્યાં વેચવો તૈયાર થયેલો માલ?:
કોઈપણ ખેતી કરી તેનો માલ ક્યાં વેચવો તે દરેક ખેડૂતનો મૂંઝવતો પ્રશ્ન છે. તુલસીની ખેતી કરી તમે તે માલ કોઈ એજન્ટ દ્વારા બજારમાં વેચી શકો છો અથવા તો તમે જાતે પણ માર્કેટમાં તપાસ કરી તુલસીની ખરીદી કરતા વહેપારી સાથે સીધો જ માલ વેચી શકો છો. આ સિવાય કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરનારી કંપનીઓ અને એજન્સીઓ દ્વારા કરી તેમના દ્વારા ખેતી કરી તેમને જ સીધો માલ પણ વેચી શકો છો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.