અમદાવાદની સ્કૂલોને કોણે મોકલ્યો બોમ્બ બ્લાસ્ટનો ધમકીભર્યો મેસેજ ? થયો મોટો ખુલાસો

ગુજરાતના અમદાવાદમાં લોકસભા ચૂંટણીના આગળના દિવસે એટલે કે 6 મેના રોજ અમદાવાદની ઘણી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. આ પછી તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. જો કે આ મામલે હવે નવો ફણગો ફૂટ્યો છે. આ કેસની તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાન્ચના ખુલાસામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે.

એવું કહેવાઇ રહ્યુ છે કે આ મેઈલ પાકિસ્તાનથી રશિયન સર્વરનો ઉપયોગ કરીને મોકલાયો હતો અને આ ધમકી પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI કે આતંકી સંગઠનનું કાવતરુ હોવાની શક્યતા છે.અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું હતું કે ઈમેલ રશિયન સર્વરમાંથી મોકલાયો હતો જેમાં અરબી શબ્દો અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો સંદેશો હતો. મેઈલ મોકલનાર વ્યક્તિની ઓળખ તૌહીદ વોરિયર તરીકે થઇ હતી, શહેરભરમાં “ઇતિશાદી” દ્વારા કરવામાં આવેલા હુમલાની ચેતવણી આપી હતી.

મેઇલમાં ગુજરાતમાં શરિયા કાયદો લાગુ પાડવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિરોધ કરનારા સામે હિંસાની ધમકી પણ આપવામાં આવી હતી. અમદાવાદની 36 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતું અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ કામે લાગી હતી. જો કે સ્કૂલોની તપાસમાં કંઇ મળી આવ્યુ નહોતુ.

Shah Jina