શું MS ધોની 2025ના IPLમાં નહિ જોવા મળે ? માહીની નિવૃત્તિ અંગે આવ્યું સૌથી મોટું અપડેટ.. જુઓ ટીમ મેનેજમેન્ટ શું કહ્યું ?
MS Dhoni Retirement : એમએસ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સનો સૌથી સફળ કેપ્ટન હતો. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ કુલ પાંચ આઈપીએલ ટ્રોફી જીતી હતી. પરંતુ આ સીઝન એટલે કે IPL 2024માં ધોનીએ ચેન્નાઈની કમાન સંભાળી ન હતી. ધોનીની જગ્યાએ યુવા બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ સીએકેની કમાન સંભાળતો જોવા મળ્યો હતો. ગાયકવાડની કપ્તાનીમાં ચેન્નાઈ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી. હવે આ દરમિયાન, ધોનીની IPL નિવૃત્તિ પર એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ચેન્નાઈએ IPL 2024ની છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી હતી, જેમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ પછી ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતોએ કહ્યું હતું કે ધોનીની આ છેલ્લી IPL મેચ હતી. જોકે, ધોનીએ IPL નિવૃત્તિ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ હવે માહીની નિવૃત્તિ સાથે જોડાયેલું એક મોટું અપડેટ આવ્યું છે. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના એક અહેવાલ અનુસાર, ધોનીએ ચેન્નાઈમાં કોઈને કહ્યું ન હતું કે તે સંન્યાસ લઈ રહ્યો છે. ધોનીએ મેનેજમેન્ટને કહ્યું કે અંતિમ નિર્ણય લેતા પહેલા તે થોડા મહિના રાહ જોશે.
આ રિપોર્ટ અનુસાર કહી શકાય કે ધોની આગામી સિઝનમાં પણ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં એ જોવું રસપ્રદ રહેશે કે આગામી સિઝનમાં ધોની ચેન્નાઈની જર્સીમાં જોવા મળે છે કે તે પહેલા ક્રિકેટને અલવિદા કહી દે છે. નોંધનીય છે કે ચેન્નાઈ સુપર કિંગ્સે ગત સિઝનમાં એટલે કે આઈપીએલ 2023માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો.
2023માં ચેન્નાઈની જીત બાદ એવું માનવામાં આવતું હતું કે ધોની ક્રિકેટને અલવિદા કહી દેશે, પરંતુ તેણે એવું ન કર્યું અને ચાહકોને ભેટ આપતા IPL 2024માં પરત ફર્યો. ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પરંતુ તેણે IPL રમવાનું ચાલુ રાખ્યું. ત્યારે ધોનીનું સપનું હતું કે ચેન્નાઇમાં પોતાના હોમગ્રાઉન્ડમાં છેલ્લી મેચ રમીને તે નિવૃત્તિ લેશે પરંતુ તેનું આ સપનું પણ પૂર્ણ ના થયું, કારણ કે ચેન્નાઇ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઈ છે.