સુપ્રીમ કોર્ટે શુક્રવારે એટલે કે 10 મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. તેમને 2 જૂને તમામ સંજોગોમાં આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું છે. કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસમાં 40 દિવસ સુધી તિહાર જેલમાં બંધ રહ્યા. કોર્ટે બપોરે 2 વાગ્યે એક જ લાઇનમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો. તે આજે સાંજ સુધીમાં જેલમાંથી બહાર આવી શકે છે,
જો કે, વકીલ દ્વારા 4 જૂન સુધી રિહાઇની વિનંતી કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા 1 જૂને સમાપ્ત થશે. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું, ‘ઇડીએ ઓગસ્ટ 2022માં કેસ દાખલ કર્યો હતો. માર્ચ (2024)માં ધરપકડ કરવામાં આવી. તેઓ દોઢ વર્ષ સુધી ક્યાં હતા ? ધરપકડ પાછળથી અથવા પહેલા થઈ શકતી હતી. 22 દિવસ આમ કે તેમ કોઈ ફરક ના પડવો જોઈએ.’ જણાવી દઇએ કે, કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં બંધ છે.
દિલ્હીમાં 25મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં માત્ર 15 દિવસ બાકી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. એવામાં કેજરીવાલના ચૂંટણી પહેલા બહાર આવવા પર પાર્ટીને ભરપૂર સમર્થન મળશે. કેજરીવાલની ગેરહાજરીમાં તેમની પત્ની સુનીતા કેજરીવાલ હાલમાં પ્રચારમાં વ્યસ્ત છે.