જ્યારે કોઈ વ્યક્તિ પોતે ગરીબીમાં મોટો થયો હોય ત્યારે તે ગરીબીની પીડાને સારી રીતે સમજે છે… અને જો એ વ્યક્તિ કશુંક બની જાય પછી પણ તેની અંદરની માણસાઈ મરી ન જાય તો એ ગરીબોનું દુઃખ દૂર કરવાની અને તેમની મદદ કરવાની કોશિશ કરે છે. ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં ભણી-લખીને આઈપીએસ બનેલા શિવદીપ વામનરાવ લાંડેની વાર્તા પણ આવી જ કઈંક છે.

મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પરસા ગામમાં જન્મેલા શિવદીપ ખેડૂત પરિવારના છે. હંમેશા પૈસાની તંગી હતી અને ઘરમાં ક્યારેય ભણવા લખવાનો માહોલ મળ્યો ન હતો, પિતા દસમા ધોરણમાં ત્રણ વાર નાપાસ થયા હતા અને મા સાતમું ધોરણ પાસ છે. શિવદીપ એ બંને ભાઈઓમાં મોટો છે.

શિષ્યવૃત્તિની મદદથી તેમને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ પછી લેક્ચરર તરીકે કામ કર્યું, મુંબઈમાં જ રહીને સિવિલ સર્વિસ માટેની તૈયારી કર્યા પછી, તેમને ભારતીય મહેસૂલ વિભાગમાં નોકરી મળી. બાદમાં તેમની પસંદગી યુપીએસસીમાં થઈ હતી. તેઓ 2006ના બેચના આઇપીએસ અધિકારી છે. તેઓ ખૂબ જ પ્રસિદ્ધ છે અને અત્યારે તેમના ફેસબૂક પર 60 હજાર ફોલોઅર્સ પણ છે.

બિહાર કેડરના અધિકારી શિવદીપની પહેલી પોસ્ટિંગ મુંગેર જિલ્લાના નક્સલ પ્રભાવિત જમાલપુરમાં થઈ હતી. પટનામાં તેમના કાર્યકાળ દરમિયાન, શિવદીપ તેમની અનોખી કાર્યશૈલીના કારણે આખા દેશમાં પ્રખ્યાત થયા.

એ વાત જુદી છે કે આ કારણે તેમને ગુનેગારો અને તેમના સહયોગીઓનો વિરોધ અને ઘણા ટ્રાન્સ્ફરનો સામનો કરવો પડ્યો. હાલમાં તેઓ પોતાના વતન રાજ્ય મહારાષ્ટ્રમાં નિયુક્ત છે. પોતાના અંગત જીવનમાં તેઓ ખૂબ જ વિનમ્ર પણ છે.

પટના કાર્યકાળ દરમિયાન શિવદીપે ઘણા રોમિયોને સારા-સારા પાઠ ભણાવ્યા હતા. યુવતીઓ પોતાની જાતને સલામત અનુભવવા લાગી હતી. વિદ્યાર્થીનીઓના મોબાઇલમાં તેમનો નંબર અચૂક જ મળતો. એક વખત પટનામાં શહેરની વચ્ચોવચ ત્રણ દારૂડિયાઓ એક યુવતીની છેડતી કરતા હતા. તેણે શિવદીપને ફોન કર્યો. શિવદીપે યુવતીને બચાવી અને છેડતી કરનારાઓની ધરપકડ કરી લીધી હતી.

પટણાની છોકરીઓમાં શિવદીપનો ક્રેઝ હતો, છોકરીઓને તેમના પ્રત્યે પ્રેમ હતો, પણ લગ્ન કરવા માટેનો નહિ. છોકરીઓ તેમને એમ જ પ્રેમ કરતી હતી, અને જયારે છોકરીઓ કોઈને એમ જ પ્રેમ કરે ત્યારે તમે જ સમજી શકો છો કે એ વ્યક્તિ કેટલું ખાસ હોઈ શકે છે. તે વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વનો અંદાજ જાતે જ લગાવી શકો છો.

જ્યારે પટનાથી તેમનું ટ્રાન્સફર અરારિયા થયું ત્યારે પણ લોકોનો ક્રેઝ તેમના પ્રત્યે ઓછો થયો નહિ. છોકરીઓના ફોન અને એસએમએસ તેમને આવવા લાગ્યા.

શિવદીપ આ અંગે કહે છે, ‘લોકો મારા પર વિશ્વાસ કરે છે, તેથી તેઓ મને ફોન કરે છે કે એસએમએસ કરે છે. મીડિયાએ ચોક્કસપણે તેમને ‘દબંગ’ પોલીસ અધિકારીની છબી આપી છે, પરંતુ તે કોઈ દબંગ નથી.’

રોહતાસના કાર્યકાળમાં શિવદીપે ખનન માફિયાઓની ઊંઘ ઉડાડી દીધી હતી. ફિલ્મી અંદાજમાં, તેણે પોતે જેસીબી ચલાવીને ગેરકાયદેસર સ્ટોન ક્રશર્સનો નાશ કરવાનું શરૂ કર્યું, તો માફિયાઓમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ તેમની બદલી થઈ. પરંતુ તે જ્યાં પણ રહે છે ત્યાં ગુના સાથે સમાધાન કરતા નથી.

એવું કહેવામાં આવે છે કે શિવદીપ લાન્ડે તેમની ફરજ પર જેટલા સખત દેખાય છે, તેટલો તે નમ્ર પણ છે. જે વાત શિવદીપને સૌથી ખાસ બનાવે છે તે છે ગરીબ લોકો માટે તેના હૃદયની પીડા. તેઓ દર મહિને 25 થી 30 ટકા પગાર ગરીબ અને વંચિત લોકોને સહાય માટે દાન કરે છે.

આ ઉપરાંત તે અનેક સામાજિક કાર્યોમાં પણ સહકાર આપે છે. ગરીબ છોકરીઓનાં લગ્ન કરવા ઉપરાંત, તે છોકરીઓની સલામતી માટે વિશેષ કાર્ય કરે છે. જણાવી દઈએ કે લગ્ન બાદ જવાબદારીઓ વધી એ પહેલા તેઓ 60 ટકા પગાર દાન આપતા હતા.

શિવદીપે મહારાષ્ટ્રના મંત્રી વિજય શિવતારેની દીકરી મમતા સાથે લગ્ન કર્યા છે. શિવદીપ અને મમતાની એક મિત્રના ઘરે યોજાયેલી પાર્ટીમાં પહેલી વાર મળ્યા હતા. આ મુલાકાત આગળ ચાલીને પ્રેમમાં પરિણમી અને બંનેએ 2 ફેબ્રુઆરી 2014નાં રોજ લગ્ન કરી લીધા, બંનેને એક દીકરી પણ છે.

જયારે શિવદીપ વામનરાવ લાંડેની ટ્રાન્સફર બિહારથી મહારાષ્ટ્રમાં થઇ ત્યારે ત્યાં લોકો ગમગીન થઇ ગયા હતા. શિવદીપ માત્ર પોલીસ અધિકારી જ નહીં, પણ કોઈ વાર્તાના પાત્ર જેવા છે. એવા અધિકારી કે જેના વિશે લોકોને માત્ર કલ્પના જ હોય, પણ સામે આવી વ્યક્તિને જોવી એક અજુબા જેવું લાગે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.