જાણવા જેવું પ્રવાસ

ઉત્તરાખંડ-હિમાચલ જ નહિ, ગુજરાતમાં પણ છે પ્રખ્યાત હિલ સ્ટેશન, અહીંના નયનરમ્ય દ્રશ્ય જીતી લેશે તમારું મન

ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા, ગુજરાત પર્યટનના નકશા પર એક ખૂબ જ સુંદર જગ્યા છે. વરસાદની ઋતુમાં તો આ હિલ સ્ટેશન વધુ સુંદર થઇ જાય છે. હરિયાળી અને વરસાદને લીધો ફૂટી નીકળેલા સુંદર ઝરણાઓને કારણે તો સાપુતારાની સુંદરતા ઓર વધી જાય છે. જલોકોને ચોમાસામાં ફરવા જવાનું પસંદ હોય એ લોકોને સાપુતારા આકર્ષિત કરી શકે છે. જે લોકોને પ્રકૃતિ પ્રત્યે ગાઢ પ્રેમ છે, જંગલ-ઝરણા જેને પોતાની તરફ ખેંચે છે એ લોકો માટે પણ સાપુતારા એક શ્રેષ્ઠ જગ્યા છે.

Image Source

સાપુતારા સમુદ્રની સપાટીથી 3000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને આ ઊંચાઈ જ એને વધુ સુંદર જગ્યા બનાવે છે. ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા તેની સારી આબોહવા માટે પ્રખ્યાત છે. અહીંની હવા ખૂબ જ ઠંડી અને સ્વચ્છ છે, એ જ કારણે અહીં પર્યટકો મોટી સંખ્યામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ સાપુતારાનું મહત્વ છે. માન્યતા છે કે ભગવાન રામે પોતાના વનવાસ દરમ્યાન 11 વર્ષ અહીં વિતાવ્યા હતા.

Image Source

સાપુતારા એટલે સાપોનું નિવાસ –

વાત કરીએ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાની તો સાપુતારાનો અર્થ થાય છે સાપોનું નિવાસ. સાપુતારાના જંગલોમાં વિભન્ન પ્રજાતિના સાપો મળી આવે છે, જેને જોવા માટે પણ દૂર-દૂરથી પર્યટકો અહીં આવે છે. વિભન્ન રૂપોમાં અહીંના લોકો નાગદેવતાની પૂજા પણ કરે છે. સાપુતારામાં જ આવેલી સર્પગંગા નદીના કિનારે બનેલી સાપની મૂર્તિની અહીંના લોકો પૂજા કરે છે.

Image Source

સહ્યાદ્રી પર્વતમાળા એટલે કે વેસ્ટર્ન ઘાટ પર આવેલા આ હિલ સ્ટેશનનું સુંદર વાતાવરણ અહીં ફરવાની મજાને બે ગણી કરી દે છે. સાપુતારા એક સુનિયોજિત હિલ સ્ટેશનની જેમ વિકસિત કરવામાં આવ્યું છે, એટલે જ અહીં ગેસ્ટ હાઉસ, ગાર્ડન, સ્વિમિંગ પૂલ, બોટ ક્લ્બ, ઓડિટોરિયમ, રોપ-વે, અને મ્યુઝિયમ જેવી સુવિધાઓ છે. એક રીતે જોવા જઈએ તો આ હિલ સ્ટેશન બધી જ સુવિધાઓથી સજ્જ છે.

Image Source

વરસાદ પડયા બાદ અહીંનું તળાવ પણ ભરાઈ જાય છે અને એમાં તમે બોટિંગનો આનંદ ઉઠાવી શકો છો. સવારના સમયે જો તમે અહીંના તળાવની આસપાસ ચાલવા અને તાજી હવા ખાવા જઈ શકો છો. સાપુતારામાં તળાવ સિવાય અહીં અન્ય સ્થળો પર પણ જઈ શકાય છે. અહીં તમે સુંદર રોઝ ગાર્ડનની મુલાકાત લઇ શકો છો, જેને ગુલાબની ઘણી પ્રજાતિઓનું ઘર માનવામાં આવે છે.

Image Source

આ સિવાય તમે સનસેટ કે સનરાઈઝ પોઇન્ટ પર જઈને સૂર્યોદય કે સૂર્યાસ્તનું શાનદાર દ્રશ્ય જોઈ શકો છો. આ સિવાય પણ અહીં ઇકો પોઇન્ટ, ગંધર્વપુર આર્ટિસ્ટ ગામ, ગીરા ધોધ, નાગેશ્વર મહાદેવ મંદિર, સાપુતારા આદિવાસી મ્યુઝિયમ, સ્ટેપ ગાર્ડન, નેશનલ પાર્ક જેવી જગ્યાઓ પર સમય વિતાવી શકો છો.

Image Source

સાપુતારામાં સૌથી વધુ મજા જંગલમાં ટ્રેકીંગની પણ આવે છે. અહીં વાંસદા જંગલ 24 કિલોમીટરમાં ફેલાયેલું છે. આ જંગલમાં ઘણીવાર જંગલી પશુઓ પણ જોવા મળે છે. અહીં ચોમાસામાં વરસાદ વધુ પડે છે અને પછી અહીં નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. એટલે જ દેશ-વિદેશથી પર્યટકોને આકર્ષવા માટે અહીં દર વર્ષે સરકારના પર્યટન વિભાગ દ્વારા મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.

Image Source

દર વર્ષે યોજાય છે મોનસૂન ફેસ્ટિવલ –

સાપુતારામાં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવાનું કારણ એ પણ છે કે લોકો આપણે ત્યાંના આદિવાસીઓની સંસ્કૃતિથી રૂબરૂ થાય. મોનસૂન ફેસ્ટિવલમાં જુદી-જુદી સાંસ્કૃતિક પ્રવૃતિઓ, બોટ રેસ, ટ્રેકિંગ, આદિવાસી નૃત્ય, સ્ટ્રીટ મેજીક શો, સાથે જ અન્ય એડવેન્ચર એક્ટિવિટી જેમ કે પેરાગ્લાઇડિંગ, બોટિંગ, વોટર જોરબિંગ અને ઝીપલાઈનીંગ પણ માણવા મળે છે.

Image Source

આ સિવાય તમે ઘોડે સવારી, ઊંટ સવારી, અને રોક કલાઇમ્બિંગ પણ કરી શકો છો. એક મહિના સુધી આયોજિત આ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક પ્રવૃતિઓનું આયોજન સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે થાય છે. આ સમયે રેન ડાન્સ, લેક લાઇટિંગ, સાપુતારાના તળાવમાં ફુવારા વગેરેનો આનંદ પણ માણી શકાય છે.

Image Source

90 ટકા વસ્તી છે આદિવાસી –

જો તમને કુદરત અને હરિયાળી વચ્ચે રહેવું પસંદ હોય તો તમે સાપુતારા જવાનો પ્લાન બનાવી શકો છો. અહીં ડાંગના જંગલોમાં આવેલા સાપુતારામાં રહેનારા 90 ટકા લોકો આદિવાસીઓ છે. અહીંની મુખ્ય જનજાતિ ભીલ, વરલી અને કુનબી છે અને આ લોકો પર્યટકોને ખુલ્લા દિલથી સ્વાગત કરે છે. આ આદિવાસીઓની વચ્ચે રહીને તમને ખૂબ જ શાંતિ મળશે. અહીં આવનાર પર્યટકોને આદિવાસી શિલ્પીઓની પ્રવૃતિઓમાં ભાગ પણ લઇ શકે છે.

Image Source

સાપુતારા મ્યુઝિયમમાં જોવા મળશે અહીંના લોકોની જીવનશૈલી

સાપુતારા મ્યુઝિયમમાં તમને અહીંના લોકો અને તેમની જીવનશૈલી સાથે જોડાયેલી ઘણી જાણી-અજાણી બાબતો જાણવા મળશે. આ મ્યુઝિયમમાં આદિવાસીઓનું પારંપરિક નૃત્ય, વેશભૂષા, પરિસ્થિતિ અને જીવનશૈલીની જાણકારી પર્યટકોને મળી રહે છે. આ સાથે જ અહીં ઘણા પ્રકારના પક્ષી અને પારંપરિક ટેટૂ પણ જોવા મળશે જેનો ઉપયોગ આદિવાસી લોકો પોતાના શરીર પર કરે છે. આ સિવાય તેમની સાથે જોડાયેલા વાદ્ય યંત્રો, આભૂષણો, ઓઝારો અને અન્ય વસ્તુઓનો સંગ્રહ પણ જોવા મળશે.

Image Source

આર્ટિસ્ટ વિલેજ છે કલાપ્રેમીઓની પસંદ –

જે લોકોને કાળા પ્રત્યે લગાવ છે અને લોકો આ વિલેજમાં આવીને પોતાની કલાકારીનો નમૂનો પણ બતાવી શકે છે. આ આખું ગામ સુંદર કલાકૃતિઓથી સજ્જ છે જ્યા દરવર્ષે આર્ટિસ્ટ આવે છે. કેટલાક લોકો અહીંની કલાકારીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે અને કેટલાક લોકો જાતે જ અહીંના લોકો સાથે મળીને કલાના વિવિધ નમૂનાઓ બનાવે છે.

Image Source

થોડે જ દૂર છે હાટગઢ કિલ્લો –

સાપુતારાથી થોડે જ દૂર હાટગઢ કિલ્લાની યાત્રા પણ સાપુતારાની જમ જ રોમાંચકારી છે. આ કિલ્લો શિવાજીએ બનાવડાવ્યો હતો. આ કિલ્લા પરથી આખા શહેરનું દ્રશ્ય દેખાય છે. સાપુતારાના તળાવથી આ માત્ર 5 કિલોમીટર જ દૂર આવેલું છે, અહીંથી સાપુતારાના તળાવનું દ્રશ્ય પણ ખૂબ જ સુંદર દેખાય છે. અત્યારે આ કિલ્લો જર્જરિત હાલતમાં છે, એને જોઈને તમે એના પ્રાચીન સમયનું અનુમાન લગાવી શકો છો.

Image Source

સુરતથી માત્ર 170 કિલોમીટર છે દૂર –

જો ઓછા બજેટમાં કોઈ સુંદર અને શાંત જગ્યા પર ફરવા જવાનું મન કરે તો તમે પણ સાપુતારા જવાનો પ્લાન બનાવી શકો છો. સાપુતારા ગુજરાતના પ્રખ્યાત ફરવાના સ્થળોમાંથી એક છે અને અહીં સૌથી નજીકનું એરપોર્ટ સુરત છે. જો તમે ટ્રેન દ્વારા અહીં પહોંચવા માંગો છો તો સૌથી નજીકનું રેલવે સ્ટેશન વઘઇ છે અને સાપુતારા સુધી જવા માટેની સરકારની માર્ગ પરિવહનની બસો પણ ઉપલબ્ધ હોય છે. બાકી જો તમે પોતાનું જ વાહન લઈને જવાના હોવ તો ખૂબ જ સારું. એક પર્વતીય સ્થળ હોવા છતાં સાપુતારા રોડ માર્ગોથી રાજ્યના મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. સુરત અહીંથી લગભગ 170 કિલોમીટર દૂર છે, નાસિક 85 કિલોમીટર અને મુંબઈ 250 કિલોમીટર દૂર છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.