રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. તંત્ર પણ દરેકને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે અપીલ કરી રહ્યું છે. પોલીસ પણ માસ્ક વગર નીકળતા લોકો સામે પગલાં લઇ રહી છે. પોલીસ માસ્કને લઈને કડકપણે પાલન કરાવી રહી છે.

અમદાવાદમાં માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અવાર નવાર પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષ થતુ રહે છે. માસ્ક નો દંડ ઉઘરાવતી વખતે પ્રજા અને પોલિસ વચ્ચેના ઘર્ષણનાં અનેક બનાવો અગાઉ સામે આવી ચૂકયા છે. શુક્રવારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વધુ એક બનાવ સામે આવ્યો છે.

સાબરમતી પોલીસ બપોરે લગભગ પોણા બાર વાગ્યાના સુમારે વિસ્તારમાં માસ્કના મેમોની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન હેલ્મેટ અને માસ્ક પહેર્યા વગર એક મહિલા ત્યાંથી નીકળી હતી. જેથી પોલીસ એ તેને અટકાવી હતી અને લાઇસન્સ તેમજ વાહનના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. જો કે એક્ટિવા ચાલક મહિલા મન ફાવે તેમ બોલવા લાગી હતી.

પોલીસે આ મહિલાને માસ્ક ના પહેરવા બદલ દંડ ભરવા માટેની જાણ કરતા જ તે ઉશ્કેરાઇ ગઇ હતી અને પોતે પહેરેલ કપડા જાહેરમાં ઉતારવા લાગેલ અને મહિલા પોલીસ કર્મચારીને મારવા માટે દોડી હતી. એટલું જ નહીં મહિલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરીને બે-ત્રણ લાફા મારી દીધા હતા. બાદમાં એકટીવા લઈને ફરાર થઈ ગઈ હતી.

પોલીસની ફરજમાં અડચણરૂપ બની મારામારી કરી ભાગી ગઈ હોવાથી તેના વિરુદ્ધમાં પોલીસે ઇ.પી.કો. કલમ 323, 186, 188 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005ની કલમ 51 (બી), તેમજ જી.પી.એકટ કલમ 110, 117 મુજબ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે