સુરત : હાથ નથી પણ હિંમત ના હારી આ દીકરી, છાતી ચીરી નાખે એવો સંઘર્ષ કરીને ઈંડિયા બુક રેકોર્ડમાં નોંધાવ્યું નામ, રડાવી દેનારી કહાની, જુઓ

ઈંટરન્ટ ઉપર ઘણા લોકોની સફળતાની કહાનીઓ સામે આવતી રહે છે, ઘણી કહાનીઓ ખુબ જ ભાવુક કરી દેનારી હોય છે અને તેમાં વ્યક્તિની સફળતાનો સંઘર્ષ જયારે આપણે જોઈએ છીએ ત્યારે આપણી આંખોમાંથી પણ આંસુઓ નીકળી જાય છે. થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી. “વિવાહ” જેમાં અભિનેત્રીનું શરીર સળગી જાય છે છતાં પણ અભિનેતા તેની સાથે લગ્ન કરે છે અને તેનો સાથ આપે છે. પણ આ બધું આપણે ફિલ્મોમાં જ જોઈએ, હકીકત સાવ જુદી હોય તેમ માનતા હોઈએ છીએ.

પરંતુ આજે અમે તમને એવી જ એક જીવતી જાગતી કહાની જણાવીશું. જે જાણીને તમને પણ એ પરિવારને વંદન કરવાનું મન થશે. આ કહાની છે સુરતની રીતુની. જેનો એક હાથ નથી, છતાં પણ તેને એવો કમાલ કર્યો છે કે તેને આજે પોતાનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું છે, અને આ માટે તેના પતિ અને સાસરિયાએ તેનો ખુબ જ સાથ આપ્યો છે.

ગુજ્જુરોક્સ સાથે વાતચીતમાં રીતુબેને તેમના જીવન વિશેના ઘણા બધા ખુલાસા કર્યા હતા. રીતુનું જીવન પણ સામાન્ય લોકો જેવું જ હતું. તેને પણ જીવનમાં ઘણા બધા સપના જોયા હતા. પરંતુ આ બધા જ સપના ત્યારે ચકનાચૂર થઇ ગયા હતા જ્યારે રીતુ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ વાત આજથી લગભગ 6 વર્ષ પહેલાની છે. જયારે રીતુ 19 વર્ષની હતી કોલેજની અંદર રીતુ ખુબ જ પાવરફુલ. ફક્ત ભણવામાં જ નહીં પરંતુ રમત ગમત, હોય કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. રીતુ હંમેશા અવ્વલ રહેતી.  કોલેજમાં રીતુના નામનો ડંકો વાગતો.

ત્યારે કોલેજના સમયગાળા દરમિયાન જ રીતુને તેના મામાના ઘરે જવાનું થયું. મામાના ઘરે રીતુ સાવરણી લઈને અગાશી ઉપર સાફ સફાઈ કરી હતી, ત્યારે જ અગાશી ઉપરથી પસાર થતા 11000 વૉટના વાયરની ઝપેટમાં તે આવી ગઈ અને બીજા માળેથી સીધી જ નીચે પટકાઈ. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી. તેનું કિસ્મત સારું હતું કે આ દુર્ઘટનામાં તે બચી ગઈ, પરંતુ આ ગોઝારા અકસ્માતમાં તેનો જમણો હાથ હંમેશા માટે ચાલ્યો ગયો.

સામાન્ય રીતે માણસ જો જન્મથી વિકલાંગ હોય તો તેને એ રીતે જીવવાની આદત પડી જાય છે, પરંતુ રીતુ માટે એક હાથે જીવવું ખુબ જ મુશ્કેલ હતું. છતાં પણ તેને હિંમત ના હારી અને પોતાની કમજોરીને જ પોતાની તાકાત બનાવી દીધી અને એક હાથ સાથે જ જીવવાનુ અને પરિસ્થિતિઓ સામે લડવાનું શરૂ કરી દીધું. પરંતુ આ સફર તેના માટે પણ એટલી સરળ નહોતી. અન્ય છોકરીઓની જેમ તેના પણ ઘણા સપના હતા, કેટલીક ઈચ્છાઓ હતી અને આ ઈચ્છાઓ અને સપનાને તે પૂર્ણ કરવા માંગતી હતી.

દરેક યુવતીને લગ્ન કરવાનું સપનું હોય છે, પોતાનું ઘહર વસાવવાનું સપનું હોય છે, ત્યારે રીતુના પરિવાર જનો પણ આ અકસ્માતના એક વર્ષ બાદ છોકરો શોધવાનું શરૂ કર્યું. પરંતુ રીતુનો એક હાથ ના હોવાના કારણે સારો છોકરો શોધવામાં ખુબ જ મુશ્કેલીઓ આવી રહી હતી. એવામાં જ એક પરિવાર રીતુને જોવા આવ્યો અને રીતુને એજ હાલતમાં પસંદ કરી. છોકરાનું નામ હતું હરિકૃષ્ણ સોનાણી.

હરિકૃષ્ણને પણ રીતુ પસંદ આવી અને તેના પરિવારને પણ. વળી હરિકૃષ્ણના પિતાએ તો એમ પણ જણાવી દીધું કે રીતુથી જો કામ નહિ થાય તો અમે કામવાળી રાખી લઈશું. આવો પરિવાર મળતા જ રીતુના પરિવારની ચિંતા પણ ઓછી થઇ ને સગાઈ બાદ બંને લગ્નના બંધનમાં બંધાયા. રીતુના પતિ હરિકૃષ્ણ સોનાણી ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આજે આ પરિવાર સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં ખુબ જ ખુશીથી રહે છે.

લગ્ન કરીને સેટ થઇ જવું એટલું જ રીતુનું સપનું નહોતું. તેને તો ઘણું આગળ વધવું હતું, પોતાનું એક નામ બનાવવું હતું, ભલે પોતે દિવ્યાંગ હતી, પરંતુ પોતાના સપના પાછળ તે સતત મહેનત કરતી રહી અને તેને ઘણા એવોર્ડ પોતાના નામે કર્યા. રીતુએ એક હાથથી લસણની 257 કળીઓ ફોલી અને ઇન્ડિયા ઓફ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કર્યું હતું.

ફક્ત આજ નહિ. રીતુને અભિનયનો પણ ખુબ જ શોખ છે અને તેને નેશનલ લેવલની ડ્રામા કોમ્પિટિશનમાં પણ ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. અકસ્માત બાદ પણ તેને ઘણા નાટકોમાં ભાગ લીધો અને ઘણા ઇનામો પણ જીત્યા છે.  પોતાની આ સફળતા વિશે રીતુ કહે છે કે “મારા માટે પણ આટલું સરળ નહોતું. સગાઈ બાદ બધું જ છૂટી ગયું. સમયના અભાવના કારણે પહેલાની જેમ એક્ટિવ નહોતું રહેવાતું. આજે મારે બે વર્ષની દીકરી છે અને ઘરની જવાબદારી પણ મારા માથે છે. સાસરિયા તરફથી પણ ખુબ જ સપોર્ટ મળે છે.”

રીતુ આગળ એમ પણ જણાવે છે કે “છતા પણ હવે હું ગોળા ફેંકની તૈયારી કરી રહી છું. અને હવે મારુ સપનું પેરા ઓલમ્પિકમાં મેડલ મેળવવાનું છે.” રીતુ જિંદગીથી હારી અને નાસીપાસ થઇ ગયેલા લોકોને પણ એક સુંદર સંદેશ આપી રહી છે. તે કહે છે કે “લોકો શું કહેશે અને શું વિચારશે તે ક્યારેય ના વિચારવું. આવું થયા બાદ લોકો અલગ અલગ વાતો કરશે કે આ ઘરના કામ કેમ કરશે ? તેના લગ્ન કેવી રીતે થશે ? તે રસોઈ કેવી રીતે કરશે ? ત્યારે આવી બધી વાતોને મેં ક્યારેય કાને લીધી નહીં અને બધાને સાબિત કરીને બતાવ્યું. મારો હાથ હોય કે ના હોય પણ હું આજે પણ પહેલા જેવી જ રીતુ છે જે 6 વર્ષ પહેલા હતી.”

Niraj Patel