દેશની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંથી એક છે સિવિલ સર્વિસની પરીક્ષા, જે પાસ કરવા માટે લાખો યુવાનો દિવસ રાત એક કરી દેતા હોય છે અને તેમાંથી ગણ્યા ગાંઠ્યા જ પાસ થતા હોય છે. પાસ થયેલા આ યુવાનો આઈએએસ કે આઇપીએસ બને છે તો કોઈ અન્ય ક્લાસ વન ઓફિસર, પરંતુ આ ઓફિસરોની જયારે સફળતાની કહાની સામે આવે છે ત્યારે તેને વાંચીને આપણને પણ ઘણી જ પ્રેરણા મળતી હોય છે.
યુપીએસસીમાં ટોપર્સ 17મા રેન્ક સુધીના અંગ્રેજી માધ્યમના ઉમેદવારો છે. જ્યારે હિન્દી માધ્યમમાંથી ટોપર રવિ કુમાર સિહાગ 18મા નંબરે છે. મતલબ કે રવિ કુમાર સિહાગને સમગ્ર ભારતમાં 18મો રેન્ક મળ્યો છે, પરંતુ હિન્દી માધ્યમથી તેમનો રેન્ક નંબર વન છે. તેમણે UPSC પરીક્ષા પાસ કરવાની હેટ્રિક બનાવી છે. ચારમાંથી તે ત્રણ પ્રયાસોમાં સફળ થયા છે. અને તે પણ હિન્દી માધ્યમથી.
IAS રવિ કુમાર સિહાગ રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના છે. તેમનો જન્મ 2 નવેમ્બર 1995ના રોજ થયો હતો. તેમના પિતા રામકુમાર સિહાગ ખેડૂત છે અને માતા વિમલા દેવી ગૃહિણી છે. રવિ પણ તેમના ગ્રેજ્યુએશન સુધી પિતાને ખેતરોમાં મદદ કરતો હતો IAS ઓફિસર રવિ કુમાર સિહાગ ત્રણ બહેનોમાં એકમાત્ર ભાઈ છે.
IAS રવિ કુમાર સિહાગે હિન્દી માધ્યમમાં અભ્યાસ કર્યો છે. તેમણે તેમના વતન ગામ 3 BAM વિજયનગર, શ્રી ગંગાનગરમાં મનમોહન સરની શાળા સરસ્વતી વિદ્યા મંદિરમાંથી ધોરણ 7 સુધીનો અભ્યાસ કર્યો. તે પછી, તેણે અનુપગઢની શારદા સ્કૂલમાંથી 11મા ધોરણ અને વિજયનગરની સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી 12મા ધોરણનો અભ્યાસ કર્યો. તેણે અનુપગઢની શારદા કોલેજમાંથી બીએ કર્યું.
રવિ કુમાર સિહાગે UPSC પરીક્ષા માટે 4 પ્રયાસો કર્યા હતા, જેમાંથી 3માં તે સફળ રહ્યો હતો. વર્ષ 2018માં તેણે પ્રથમ પ્રયાસમાં 337મો રેન્ક અને ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ (IDAS) કેડર મેળવ્યો અને વર્ષ 2019માં તેણે બીજા પ્રયાસમાં 317મો રેન્ક અને ઇન્ડિયન રેલ્વે ટ્રાફિક સર્વિસ (IRTS) કેડર મેળવ્યો. વર્ષ 2020માં ત્રીજા પ્રયાસમાં તે મુખ્ય પરીક્ષા પાસ કરી શક્યો નહોતો. ત્યારબાદ વર્ષ 2021માં ચોથા પ્રયાસમાં તેણે 18મો રેન્ક મેળવ્યો હતો.
2021ની UPSC પરીક્ષામાં પ્રારંભિક 17 ક્રમાંકિત ઉમેદવારો અંગ્રેજી માધ્યમના હતા. રવિ કુમાર સિહાગ હિન્દી માધ્યમના ઉમેદવાર હતા અને તેમણે 18મો રેન્ક મેળવ્યો હતો. તદનુસાર, રવિ કુમાર સિહાગ UPSC પરીક્ષા 2021માં હિન્દી માધ્યમમાં ટોપર હતો. રવિ સિહાગ તેમના પરિવાર અને ગામનો પ્રથમ IAS છે.