પિતા ખેડૂત, ગરીબીમાં વીત્યું બાળપણ, 11માં ધોરણમાં ફેલ, છતાં હાર ના માની આ દીકરીએ, પોતાના દમ પર મહેનત કરીને બની સરકારી અધિકારી, જુઓ સફળતાની કહાની
Priyal Yadav Mppsc life story : સોશિયલ મીડિયામાં ઘણા લોકોની સફળતાની કહાનીઓ વાયરલ થતી હોય છે, ઘણા લોકોએ ગરીબી અને કપરી પરિસ્થિતિમાં તૈયારીઓ કરી હોય છે અને મહેનત કરીને તેઓ સફળતાનાં શિખરે પણ પહોંચતા હોય છે. કેટલાક લોકો પોતાના સપના પૂરા કરવા માટે અથાક મહેનત કરે છે અને તમામ પ્રતિકૂળતાઓ છતાં અડગ રહે છે. આવી જ એક પ્રેરણાદાયી કહાની પ્રિયલ યાદવની છે, તે એક ખેડૂતની દીકરી છે, જે એક સમયે 11મા ધોરણમાં નાપાસ થઈ હતી પરંતુ હાલ તે મધ્ય પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (MPPSC)ની પરીક્ષામાં છઠ્ઠો રેન્ક મેળવીને ડેપ્યુટી કલેક્ટર બની છે.
પ્રિયલના પિતા ખેડૂત છે, અને માતા ગૃહિણી છે. તે ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે જ્યાં છોકરીઓના લગ્ન નાની ઉંમરે થઈ જાય છે, પરંતુ તેના માતા-પિતાએ તેના પર લગ્ન માટે દબાણ કર્યું ન હતું અને તેણીને કારકિર્દી બનાવવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રિયલ MPPSC પરીક્ષા 2021માં ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદ કરાયેલા ટોપ 10 ઉમેદવારોમાંની એક હતી.
તે હવે IAS ઓફિસર બનવાની ઈચ્છા ધરાવે છે. તેમનો ઉદ્દેશ્ય રાજ્યમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે કામ કરતી વખતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) પરીક્ષાઓની તૈયારી કરવાનો છે. પ્રિયલે 2019 માં રાજ્ય સેવાની પરીક્ષા આપી, જેમાં તેણીએ 19મો રેન્ક મેળવ્યો અને જિલ્લા રજીસ્ટ્રાર બની. તે આનાથી ખુશ ન હતી અને ફરીથી તૈયારી કરવા લાગી.
બીજા જ વર્ષે, તેણીએ રાજ્ય સિવિલ સેવા પરીક્ષા 2020 માં 34મો રેન્ક મેળવ્યો. આ વખતે તેમની પસંદગી સહકારી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનરના પદ માટે થઈ હતી. પ્રિયલ અહીં જ ન અટકી, તેણે 2021માં ફરી પરીક્ષા આપી અને ડેપ્યુટી કલેક્ટર બની.
આ એ જ પ્રિયલ છે જે 11માં એક વખત નાપાસ થઈ હતી. પ્રિયલ તેના વર્ગમાં 10મા સુધી ટોપ કરતી હતી, પરંતુ તેણે 11મા ધોરણમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત વિષય પસંદ કર્યા હતા. પ્રિયલને આ વિષયોમાં કોઈ રસ નહોતો, જેના કારણે તે 11મામાં ભૌતિકશાસ્ત્રમાં નાપાસ થઈ ગઈ. 11માં નાપાસ થવાની આ ઘટનાએ પ્રિયલને આંચકો આપ્યો હતો.