મનોરંજન મૂવી રીવ્યુ

ફિલ્મ જોતા પહેલા આ રીવ્યુ જરૂર વાંચજો: યંત્રવત જીવન જીવતા લોકોએ એકવાર તો જોવું જ જોઈએ ‘ચાલ જીવી લઈએ

આજકાલ જે કક્ષાના ગુજરાતી ફિલ્મો આવવા લાગ્યા છે, એના પરથી એવું લાગે છે કે હવે ફરીથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઉદય થઇ રહ્યો છે. જેનો શ્રેય બે યાર, કેવી રીતે જઈશ, છેલ્લો દિવસ, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, રોંગસાઈડ રાજુ કે પછી કેરી ઓન કેસર, લવ ની ભવાઈ, ભંવર જેવા ફિલ્મોને જાય છે. ત્યારે સારા ગુજરાતી ફિલ્મની આ જ શ્રેણીને આગળ વધારે છે ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’.

કોકોનટ મોશન્સ પિકચર્સ અને રશ્મિન મજિઠિયાની આ ફિલ્મનું દિગ્દર્શન વિપુલ મહેતાએ કર્યું છે, અને વાર્તા પણ વિપુલ મહેતાએ જ લખી છે. ફિલ્મની કાસ્ટ છે, ‘ગુજ્જુભાઈ’ સીરીઝ માટે થિયેટર ક્ષેત્રે અને ગુજરાતી ફિલ્મોમાં જાણીતા સિદ્ધાર્થ રાંદેરિયા, જે તમને ખૂબ મજા કરાવશે, સાથે છે આરોહી પટેલ અને યશ સોની. પોતાના કોમિક ટાઈમિંગ માટે વખણાતા આ એક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા સાથે મળીને આરોહી અને યશે ફિલ્મમાં ખૂબ જ મજા કરાવી છે, ઘણું હસાવ્યા પણ છે અને થોડું રડાવ્યા પણ છે. સાથે જ આ ફિલ્મમાં જાણીતા અભિનેત્રી અરુણા ઈરાની પણ જોવા મળશે.

ઉત્તરાખંડમાં શૂટ થયેલી પહેલી ગુજરાતી રોડ ટ્રિપ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા યશ સોનીના પિતાની ભૂમિકામાં છે, જે પોતાના મશીનની જેમ કામ કરતા દીકરાને ઉત્તરાખંડની સફરે લઈ જાય છે જ્યા તેમને આરોહી મળે છે અને પછી શરુ થાય છે ધમાલ મસ્તી અને વહે છે લાગણીનો દરિયો પણ.

એક અલગ પ્રકારની ગુજરાતી ફિલ્મ કહી શકાય એવી આ ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ની વાર્તા દર્શકોને પસંદ પડે એવી છે, જેમાં ઘણું બધું હાસ્ય છે, ઈમોશન છે, મસાલો છે, થોડું ટ્વીસ્ટ પણ છે અને ચપટી ભરીને રોમાંસ પણ નાખ્યો છે સાથે જ ફિલ્મની લોકેશન છે ઉત્તરાખંડ જેને ભગવાનની ભૂમિ કહેવાય છે, સિનેમા હોલમાં બેઠા બેઠા જ તમને કેદારનાથના દર્શન પણ થઇ જશે. તમને રિવર રાફ્ટિંગ જોવા મળશે, બે ગુજરાતી બોલતા આફ્રિકન ગુંડાઓ જોવા મળશે અને હિમાલયનું સૌંદર્ય માણવા મળશે.

આ ફિલ્મ અત્યારના આ ભાગતા જતા જમાનામાં જીવવાની વ્યાખ્યા આપી જાય છે. એક સરસ સંદેશ આપી જાય છે, ‘જીવન કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું જીવ્યા એ મહત્વનું છે.’ ઉપરાંત જે બાબતે લોકોમાં હવે ધીરે ધીરે જાગૃતિ આવી રહી છે એવી બાબત એટલે કે અંગદાન વિશે પણ આ ફિલ્મ કહી જાય છે કે જો તમે કોઈ બીજાને જીવનદાન આપી જશો તો, મર્યા પછી પણ જીવી જશો.

ફિલ્મમાં સચિન-જીગરે મ્યુઝિક આપ્યું છે. ગીતના શબ્દો આપ્યા છે નિરેન ભટ્ટે, ત્યારે આ ફિલ્મનું ગીત ‘ચાંદને કહો આજે આથમે નહિ’ જે જીગરદાન ગઢવીએ ગાયું છે, તે તો ફિલ્મની રિલીઝ પહેલાથી જ હિટ થઇ ગયું છે. ત્યારે એક બીજું પણ લાગણીઓથી ભરેલું સરસ ગીત છે ‘પા પા પગલી’ જેને સ્વર આપ્યો છે સોનુ નિગમે, એ પણ ખૂબ જ ગમી રહ્યું છે.  સિવાય ભૂમિ ત્રિવેદીના અવાજમાં પણ એક ગીત ‘તમે ઘણું જીવો’ પણ પસંદ આવે એવું છે.

ફિલ્મ દર્શકોને પસંદ આવશે. પરિવાર સાથે જોવા જઈ શકાય એવી ફિલ્મ છે. જે લોકો પોતાના કામને વધારે મહત્વ આપે છે અને જીવનને સારી રીતે માણતા નથી એવા લોકોએ તો એકવાર આ ફિલ્મ જોવી જ જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks