ખબર

એકાએક ચમકી જનાર ‘બાબા કા ઢાબા’નો મામલો પહોંચ્યો પોલીસથાણે! બન્યું કંઈક આવું

દક્ષિણ દિલ્હીનાં માલવીય નગરમાં ૮૦ વર્ષના આધેડ કાંતા પ્રસાદ અને તેમના પત્ની બાદામીદેવી નાનકડી નાસ્તા-પાણીની રેકડી ચલાવી રહ્યાં હતાં. કોરોનાને લીધે લોકડાઉન થયું એ પછી આ દંપતિનો માંડમાંડ ચાલતો ધંધો સાવ ચોપટ થઈ ગયો. ગૌરવ વાસન નામના એક યુ-ટ્યુબરે આ ઢાબાની મુલાકાત લીધી અને કાંતા પ્રસાદ સાથે વાત કરી. કાંતા પ્રસાદ ઉર્ફ બાબા વીડિઓમાં રડી પડેલા. દારૂણ ગરીબી ઝપાટો લઈ ગઈ હતી. કોઈ ઘરાકી જ થતી નહોતી!

Image Source

પણ જેવો આ વીડિઓ સોશિયલ મીડિયા ઉપર અપલોડ થયો કે જાણે ચમત્કાર થઈ ગયો! લોકોને બુઝૂર્ગ બાબાની પરિસ્થિતી ઉપર દયા આવી. બીજે જ દિવસે જે રેકડીએ ચકલુંય નહોતું ફરકતું ત્યાં પેટપૂજા કરનારા લોકોની લાઈન લાગી. લોકોએ ઉદાર હાથે બાબાને સહાય પણ કરી. ફિલ્મ સ્ટારોએ પણ બાબાને મદદ કરવાની અપીલ કરી. પછી તો એમ કહોને કે, રૂપિયાનો ખડકલો થઈ ગયો!

Image Source

હવે અચાનક શું થયું?:
હાલ સોશિયલ મીડિયા પર આ ‘બાબા કા ઢાબા’ની ફરીવાર ચર્ચાઓ થઈ રહી છે. આ વખતની વાતો સાચાખોટાનાં લેખાજોખાંની છે. મામલો કાયદાને કેડે પણ ચડ્યો છે! વાત જાણે એમ છે કે, ‘બાબા કા ઢાબા’ના માલિક કાંતા પ્રસાદે ગૌરવ વાસન( કે જેમણે બાબાનો પ્રથમ વીડિઓ બનાવેલો) વિરુદ્ધ છેતરપીંડીનો દાવો માંડતી પોલીસ ફરિયાદ કરી છે!

Image Source

યુ-ટ્યુબરે પૈસા ખાધા?:
બાબાની ફરિયાદનો જે મતલબ નીકળે છે તે આ છે – યુટ્યુબર ગૌરવ વાસને બાબાની મદદ કરવા માટે પોતાના ખુદનો બેન્ક એકાઉન્ટ નંબર આપ્યો હતો. તે ઉપરાંત તેમની પત્નીની પણ બેન્ક ડિટેઇલ સોશિયલ મીડિયા પર મૂકી હતી. બાબાનાં કહેવા પ્રમાણે, ગૌરવ વાસને તેમને સવા બે લાખ જેટલા રૂપિયા જ આપ્યા છે, જ્યારે લોકોએ ખરેખર જે મદદ કરી છે તેનો આંકડો ૨૦ લાખ જેટલો છે!

Image Source

‘મેં બાબાનો પાંચકોય ખાધો નથી!’:
બાબાની ફરિયાદ પછી નીતનવી વાનગીના વીડિઓ યુ-ટ્યુબ પર અપલોડ કરનાર ગૌરવ વાસનને લોકોએ સોશિયલ મીડિયા પર ધનાધન ટ્રોલ કર્યો. એ પછી ગૌરવ મીડિયા સામે બેન્કનાં કાગળિયાં લઈને આવ્યો. તેમણે જે બયાન આપ્યું તે આ મતલબનું છે : વીડિઓ અપલોડ થયાના બીજા દિવસે બાબાને ૭૦ હજાર જેટલું કેશમાં દાન મળી ગયું હતું. આ પૈસા બાબાનાં ખાતામાં જમા કરાવવા ગૌરવ પણ તેમની સાથે જાય છે.

ગૌરવનાં કહેવા અનુસાર, બાબાનાં ખાતામાં ટૂંક સમયમાં એટલો બધો રૂપિયાનો ધોધ વહ્યો હતો કે, ખાતું જ સીઝ થઈ ગયું! ૨૦ લાખ જેટલા રૂપિયા બાબાનાં ખાતામાં જમા થઈ ગયા હતા. ગૌરવ જણાવે છે કે, તેમનાં પોતાના ખાતામાં પણ પોણા ચાર લાખ જેટલા રૂપિયા આવેલા, જે તેમણે બાબાને ટ્રાન્સફર કરી દીધા છે!

પોલીસ ફરિયાદ થઈ છે યુ-ટ્યુબર વિરુદ્ધ એટલે તપાસ તો થવાની છે. હાલ તો સામસામે એકબીજા પર આરોપ લાગી રહ્યા છે. ગૌરવનાં કહેવા અનુસાર, પૂરતી રકમનું દાન મળી ગયા પછી તેમણે અને બાબાએ બંનેએ લોકોને હવે વધારે દાન ન કરવા અને બીજા જરૂરિયાતવાળા લોકોને મદદરૂપ થવા અપીલ કરેલી.

Image Source

આ વાત નોટ કરજો:
જ્યારે પણ સોશિયલ મીડિયા ઉપર કોઈને એકદમ જ પ્રસિદ્ધી મળે છે ત્યારે એ રાતોરાત છવાઈ તો જાય છે. પણ એ બધું લાંબો સમય ટકતું નથી! કંઈક તો કોથળામાંથી બિલાડું નીકળે જ છે. આ એક મુદ્દાની વાત નથી. આવું ઘણીવાર બની ચૂક્યું છે. આ મુદ્દે કોણ સાચું છે એ તો વખત જ કહેશે!

હવે આ મામલામાં એક નવો વળાંક પણ આવી ગયો છે. બાબા કા ઢાબાનો વિડીયો યુટ્યુબ પરથી પ્રસારિત કરનાર ગૌરવ વાસને બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદ ઉપર માનહાનિનો દાવો પણ કર્યો છે. ગૌરવે 3.78 લાખ રૂપિયા બાબાને આપ્યા હોવાનો પણ દાવો કર્યો છે.

બાય ધ વે, તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જરૂરથી જણાવશો. તમે આ આખી વાતને કઈ નજરથી જુઓ છો એ પણ જણાવજો, ધન્યવાદ