મુકેશ સોજીત્રા લેખકની કલમે

“પ્રોફેસર પ્રેમકુમાર” – એક એવા શિક્ષિત વ્યક્તિની વાત, કે જે વાતને એ સાત સમુંદર પાર જઈને પણ ના શીખી શક્યો એ વાત એને નાના એવા ગામડામાં સમજાઈ !!

“ઓસ્ટ્રેલીયા ખંડ ભારત કરતા કેટલાય ગણો મોટો છે. ઓસ્ટ્રેલીયા ખંડની કૂલ વસ્તી છે એટલી તો દર વરસે ભારતમાં જન્મે છે. દર વરસે આપણા દેશમાં એક ઓસ્ટ્રેલીયા ખંડ ઉમેરાય છે. આપણે હમેશા ગરીબ જ હતા અને ગરીબ જ રહેવાના છીએ. સુખ શું છે?? સાહ્યબી શું છે?? જીવન કોને કહેવાય?? જીવવાની સાચી મજા એટલે શું?? એ આપણે કંગાળ ભારતીયો ક્યારેય નહિ સમજી શકીએ!! આપણે તો બસ કીડી મકોડાની જેમ રહેવાની આદત પડી ગઈ છે!! હું તો લગભગ આખું વિશ્વ ફર્યો છું.. વિશ્વમાં જે સુખ છે..વિશ્વમાં જે રીતનું સામાજિક જીવન છે..જે રીતની લોકો જિંદગી જીવી રહ્યા છે.. એની આપણે કલ્પના પણ ના કરી શકીએ!! આપણામાં સહેજ પણ રીતભાત કે મેનર્સ નથી.. એવા લાખોની સંખ્યામાં લોકો છે કે એ આજે પણ બહાર સંડાસ જાય છે અને ગંદકીની સાથોસાથ રોગચાળો ફેલાવે છે.. હદ છે આવા દેશમાં!!”
ટી વાય બીએ ના વિદ્યાર્થીઓ આગળ પ્રોફેસર પ્રેમકુમાર પોતાના વિચારો જણાવી રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રેમકુમારને સાંભળવા ખુબજ ગમતા હતા. પ્રેમકુમારનું વકતવ્ય પણ એટલું જ આકર્ષક હતું જેટલું તેમનું વ્યક્તિત્વ હતું.

આમેય પ્રોફેસર એટલે એક અલગ જ છબી તરી આવે. ગંભીર ચહેરા !! દુનિયા આખાની ચિંતા જાણે કે જન્મથી જ ઉધડી રાખી હોય એમ ચોવીસ કલાક ચહેરા પર ચિંતાની લકીરો જોવા મળે!! પણ આ પ્રેમ કુમારનું વ્યક્તિત્વ અલગ છે. એના કુટુંબ વિષે બહુ ઓછા લોકો જાણતા. પણ એને બીજા કરતા થોડું વધારે જ્ઞાન હતું એમાં વિદ્યાર્થીઓમાં મતભેદ હતો નહિ!!
“આજથી આઠ વરસ પહેલા જે એન યુમાં હું પ્રોફેસર તરીકે ઈન્ટરવ્યુંમાં ગયો હતો. પેનલમાં સાત જણા હતા. મને બે કલાક સુધી આડા અવળા પ્રશ્નો પૂછ્યા. બધા જ પ્રશ્નોના મેં સાચા જવાબો આપ્યા. એ લોકો પ્રભાવિત થયા હતા!! મને ખ્યાલ જ હતો કે મારી નિમણુક થશે જ!! જે એન યુ વાળા મારી જેવી વ્યક્તિને હાથમાંથી કેમ જવા દે???!!! મારો નિમણુક ઓર્ડર આવ્યો પણ હું ના ગયો!” કોલેજમાં છેલ્લો પીરીયડ લેતા લેતા પ્રોફેસર પ્રેમકુમાર કોલેજ સ્ટુડન્ટને સમજાવી રહ્યા હતા.
“ આપ કે ત્યાં ન ગયા સર” રોહિણીએ પ્રશ્ન કર્યો?? પ્રોફેસર કદાચ કોઈ છોકરાએ પ્રશ્ન કર્યો હોય તો જવાબ ન પણ આપે પણ આ પ્રશ્ન એક છોકરીનો હતો. અને જગતના તમામ પ્રોફેસરો લગભગ છોકરીએ કરેલા પ્રશ્નોના જવાબો રાજી ખુશીથી આપતા હોય છે!!
“જી રોહિણી!! ગુડ ક્વેચન!! એમાં એવું છે ને કે એ ઈન્ટરવ્યું દરમ્યાન હું ત્રણ દિવસ દિલ્હીમાં રહ્યો. એટલું ભયંકર પ્રદૂષણ દિલ્હીમાં છે કે વાત ના પૂછો. મેં નક્કી કર્યું કે ગમે તેટલી ઓફર થાય પણ જે એન યુ અને દિલ્હીમાં તો નોકરી કરવી જ નથી!! તમે યમુનાના કિનારે નીકળો સવારમાં લોકો ડબલા લઈને નીકળે!! શરમ આવે શરમ આ કોઈ સંસ્કૃતિ છે!!?? અને દિલ્હીની રેલવે લાઈનમાં બને બાજુ સવારથી લોકો ડબલા લઈને સંડાસ બેઠેલા હોય!! હાથમાં મોબાઈલ હોય!! મોબાઈલમાં નેટ હોય ઘરે ટોઇલેટ ના હોય!! દિલ્હીની ચારેય બાજુ ઝુંપડપટીઓ છે ત્યાનું લોકોનું સમાજજીવન જોઇને હું તો ત્રાસી જ ગયો હતો!! મેં તો નક્કી જ કરી નાંખ્યું હતું કે આપણે આહી તો રહેવું જ નથી.. એ લોકોનો કોલ પણ આવ્યો કે તમે કેમ હજુ હાજર નથી થયા.. જેએનયુના કુલપતિ અને ઉપ કુલપતિ તમારી કાગની ડોળે રાહ જુએ છે! પણ પછી મેં જે કારણ કીધું એ સાંભળીને એ લોકો પણ ચુપ જ થઇ ગયા. એને પણ શરમ આવી કે આપણે આવા પાટનગરમાં રહીએ છીએ!! પ્રોફસરે વિસ્તારથી નજર સામે નજર મેળવીને જવાબ આપ્યો.
પ્રોફસર વિદેશ ફરી આવ્યા હતા એ વાતમાં સત્ય હતું એ બધાને ખબર હતી. જોકે એ પોતાના પૈસે નહોતા ગયા. એક ધનાઢ્ય બાપની દીકરી કોલેજે આવતી અને એક ટપોરીના પ્રેમમાં પડી. વાત બગડતી જતી હતી. છેવટે પ્રોફેસર પ્રેમકુમારે પેલી છોકરીને સમજાવી અને અચાનક જ છોકરી માની ગઈ અને પેલા ટપોરીનો સાથ છોડી દીધો. એટલે છોકરીના મા બાપ સમર વેકેશનમાં વિદેશની ટુરમાં પ્રોફેસર ને પણ સાથે લઇ ગયેલા. બે વરસમાં પ્રોફેસરે વગર પૈસે ઓસ્ટ્રેલીયા , ન્યુજીલેન્ડ, યુરોપખંડ , રશિયા કેન્યા ,સાઉથ આફ્રિકા , કેનેડા અને બ્રાઝીલની યાત્રાઓ કરી લીધેલ!! આમ તો એનામાં અઢળક જ્ઞાન હતું એમાં આ યાત્રાઓ ભળી એટલે જ્ઞાને રીતસરનો ઉપાડો લીધેલો અને જ્ઞાન ઉભરાવવા લાગેલું!!.
“મોસ્કોમાં તમને પાણી મોંઘુ મળે!! એના કરતા બીયર સસ્તો પડે!! એ ય ને ચારે બાજુ લાંબા લાંબા ખેતરો. સફરજન જેવા ગાલ ધરાવતી છોકરીઓ.. રશિયન છોકરીઓ વૃદ્ધ થાય તો પણ સુંદરતા જળવાઈ રહે!!એના ચહેરા પર કરચલીઓ ના પડે.. તમે રશિયામાં ગમે ત્યાં ફરો બધા જ લોકો સ્મિત કરતા હોય છે!! ખુબ જ સુંદર પ્રદેશ!! એન્ટોન ચેખોવ ના સ્મરણો તમને રશિયામાં તાજા થાય!!

વળી ક્યારેક પ્રોફેસર પ્યારેલાલ ઓસ્ટ્રેલીયા વિષે પોતાનું મંતવ્ય જણાવે.!!
“ઓસ્ટ્રેલિયામાં દરિયા કિનારો જોવા જેવો હોય છે. એકદમ અદ્ભુત હોય છે. અને સહુથી મોટો ફાયદો એ કે લશ્કર માં ફક્ત નેવી કમાન્ડો જ હોય!! કોઈ એનું જમીની રીતે પાડોશી જ નહિ!! એટલે લશ્કરી ખર્ચા સાવ ઓછા.. નજીકમાં ને નજીક કોઈ દેશ હોય તો એ ન્યુજીલેન્ડ પણ એ ઓસ્ટ્રેલીયા સામે કોઈ વાયડાઈ ના કરે.. બાકી ઓસ્ટ્રેલીયા એક ફૂંક મારે ને ત્યાં ન્યુજીલેન્ડ ઉડી જાય!! ન્યુજીલેન્ડમાં આપણા ગુજરાતી ઘણાં !! આહીથી ગુજરાતમાં જઈને જ આપણે ન્યુજીલેન્ડને ક્રિકેટ શીખવાડ્યું ને!! ત્યાં અમ્પાયરો પણ આપણા જ છે!! ગુજરાતી ન્યુજીલેન્ડ અને ઓસ્ટ્રેલીયામાં સુખી!! અહીંથી જે બહાર ગયા એ બધા જ સુખી થઇ ગયા!! અહી જે રહી ગયા એ દુઃખીના દાળિયા થઇ ગયા!! વિશ્વમાં બધે જ સ્વચ્છતા!! ભારત એક માં જ આવી ગોબરાઈ અને આડોડાઈ છે”

ક્યારેક કોઈ વિદ્યાર્થીને લાગે કે પ્રોફેસર ખોટું બોલે છે અને એ પ્રૂફ સાથે જણાવે કે સાહેબ આ દેશ વિષે તમે જે બોલ્યા એ સાચું નથી. સાચું તો આ છે એટલે જો પૂછવા વાળી છોકરી હોય તો પ્રોફેસર વાત સાંભળે અને કહે.
“એક્ચ્યુલી હું લગભગ જગતના ૪૪ દેશ ફરેલો છે એટલે મગજમાં ક્યારેક ડેટા કરપ્ટ થઇ જાય અને એક દેશનો ડેટા બીજા દેશમાં ઘુસી જાય છે..જેવી રીતે આંતકવાદીઓ ભારતમાં ઘુસી જાય એમ જ બાકી આટલી બાબતો તો સાચી જ છે પણ આ બે બાબતો મેં જે કીધી હતી એ દેશ વિષે એ સ્પેન દેશની હતી!! આવી જ એક બાબત યુગાન્ડા દેશમાં પણ છે. અને પછી આખો પીરીયડ રવાન્ડા યુગાન્ડા અને સ્પેન વિષે ચાલે!!
પણ પૂછવા વાળો કોઈ છોકરો હોય તો પ્રોફેસર પ્રેમકુમાંરનો જવાબ લગભગ આવો જ હોય.

“ હું આ બધાય દેશમાં રખડ્યો છું.. તું જે માહિતી લાવ્યો હોય એ ખોટો..તું જે આ મેગેઝીનમાં લાવ્યો છે માહિતી એ બધી જ ખોટી!! જગતમાં શ્રેષ્ઠ મેગેજીન એક છે અને એ છે “ટાઈમ” મેગેજીન!! ટાઈમ મેગેજીનમાં લખેલું હોય તો હું સાચું માનું બાકી ભારતમાં કોઈ મેગેજીન સાચું છે જ નહિ!! બધા જ કોપી પેસ્ટિયા અને ગપ્પાસ્ટક લખાણો વાળા મેગેઝીન છે..!! ટાઈમ મેગેઝીન એટલે ટાઈમ મેગેઝીન!! એના કવર પેઇજ પર સ્થાન મેળવવું એ પણ ગૌરવની બાબત છે.” અને પછી પ્રોફેસર પ્રેમ કુમાર આખા પીરીયડનો “સમય”- “ટાઈમ” મેગેઝીન પાછળ કાઢે!!
આ પ્રોફેસર પ્રેમકુમારને ૧૩૮ના મસાલાનું ભયંકર વ્યસન હતું. એટલે કોલેજમાં એના લેકચરો ફક્ત સ્વચ્છતા ઉપર ,સામાજિકતા ઉપર..સુખી જિંદગી પર જ આવતા!! ક્યારેય એના લેકચરો વ્યસન મુક્તિ કે આરોગ્ય ઉપર નહોતા!! એક વખત કોલેજમાં ભણતી અને આખા કોલેજનું આકર્ષણ કેન્દ્ર બનેલી નટખટ અને ખડતલ બાંધો ધરાવતી એવી સોનલે પ્રોફેસરને કહ્યું.

“સર તમે આ માવા મસાલા ન છોડી શકો??? આ માવા ખાઈને માણસો મોતને ભેટે છે અને તમે તો આખી દુનિયા ફરેલા છો!! આખી દુનિયામાં ક્યાય માવા ખવાતા નથી !! અને બધા સુખી છે સ્વસ્થ છે!! તમને જેની નફરત છે ગંદકી આ માવા ની પિચકારીઓ દ્વારા જ વધુ જ ફેલાય છે!! તો તમે શા માટે માવા ખાવ છો?? ” બધાજ જવાબ સાંભળવા આતુર હતા. પ્રશ્ન એક છોકરીએ પૂછેલો હતો એટલે પ્રોફેસર વ્યવસ્થિત અને ઇમ્પ્રેસિવ જવાબ આપશે એવી સહુને આશા હતી!! પ્રોફેસર શરૂમાં થોડા ભાવુક થયા. ખીસ્સ્માંથી રૂમાલ કાઢીને આંખ લુછવાનો પ્રયત્ન કર્યો અને પછી સોનલ સામે નજર ધ્રોબીને બોલ્યાં!!
“તારી વાત સાચી છે!! ગુડ ક્વેચન!! ઘણી વાર જીવનમાં અનિવાર્ય અનિષ્ટ આવી જાય જે આખી જિંદગી નિવાર્ય બની જતું હોય છે..!! તમે એને છોડી નથી શકતા..!! દેવદાસ શરાબ નથી છોડી શકતો.. કે એલ સાયગલ પણ ક્યાં શરાબને છોડી શક્યા હતા. એને મનમાં હતું કે આ શરાબને કારણે જ મારો અવાજ આવો નીકળે છે!! માવા સાથે પણ મારે આવી લાગણી બંધાઈ ગઈ છે!! તું કહે છે ને માવા ખાવાથી મોત આવે છે..પણ મારા કિસ્સામાં માવા થી મને નવજીવન મળ્યું છે!! તને નવાઈ લાગીને સોનલ!!?? લાગવી જ જોઈએ!! ચાલ હવે હું થોડા વિસ્તારથી તને સમજાવું છું” કહીને પ્રોફેસર પ્રેમકુમાર થોડા અટક્યા. ગળું ખંખેર્યું.. આગળ બેઠેલી એક છોકરીની વોટર બોટલમાંથી પાણી પીધું અને એની વાત આગળ વધારી.

“ વાત ઘણા સમય પહેલાની છે. હું કોલેજમાં હતો અને ભણવામાં તેજસ્વી હતો. બધા જ મારી નોટ્સ વાંચવા માટે લઇ જતા..કોલેજમાં એ વખતે વાર્ષિક પરિક્ષામા “લીથા” મળતા વાંચવા માટે અત્યારની જેવા પ્રકાશનો એ વખતે નહોતા. પણ જેને ફર્સ્ટ ક્લાસ લાવવો હોય એ મારી નોટ્સ વાંચવા લઇ જાય!! એ બધાને લીથા કરતા મારી પર વધુ વિશ્વાસ!! હું બધાનો પ્રિય એટલે બધા મને મફત માવો લાવી આપે!! વગર પૈસાનું બંધાણ એટલે મને પણ મજા આવવા લાગી. તમારી જેવડો હું હતો ત્યારે રોજના પંદર માવા ખાઈ જતો હવે બહુજ ઓછા થઇ ગયા છે આખા દિવસના પાંચ માવા જ ખાઉં છું.!! એક વખત અમે બધા એક રિક્ષા બાંધીને હિંગોળ ગઢ ગયેલા!!
રિક્ષામા હું લગભગ આગળ બેસતો!! હું કાયમ આગળ જ બેસું કારણ કે જે રિક્ષા બાંધી હતી એમાં હું મારા ગામથી કોલેજ કરવા આવતો એટલે આગળ મારી સીટ પાકી ત્યાં કોઈ બેસે જ નહિ અને કોઈ બેઠો હોય તો મને જોઇને ઉતરી જાય!! હું આગળ બેઠો હતો. છોકરાઓ આવતા જતા હતા. અને અચાનક મને માવો યાદ આવ્યો. એકદમ તીવ્ર તલપ લાગી. થોડે દૂર એક ગલ્લો હતો. ત્યાં માવો લેવા ગયો. એક માવો ભીનો કરવાનો કીધો અને પાંચ માવાનું પાર્સલ બનાવવાનું કીધું. એ વખતે ત્રણ રૂપિયાનો માવો મળતો અને ૧૩૫ એવી ઓરીજનલ આવતી કે તમે એક માવો ખાવ તો ત્રણ દિવસ તો મોઢામાંથી સુગંધ આવે!! હવે બન્યું એવું કે હું માવા લઈને આવ્યો ત્યાં મારી જગ્યાએ એક બીજો છોકરો બેસી ગયો હતો. રિક્ષા વાળાએ કહ્યું કે એ જગ્યા પ્રેમની છે. પણ પેલો ના માન્યો. મેં ઘણી રકઝક કરી. પણ એ આગળ જ બેસીને રહ્યો. અને જીવનમાં હું પહેલી જ વાર રિક્ષાની પાછળ બેઠો હતો..!! માવા લેવા ગયો એમાં મારી જગ્યા જતી રહી એવું હું વિચારતો હતો..!! રિક્ષા ચાલતી હતી હું પાછળ બેઠો બેઠો પસ્તાતો હતો. અને અચાનક મને થયું કે આ માવાને કારણે જ મારે પાછળ બેસવું પડ્યું છે.. આ માવાનો હું ગુલામ થઇ ગયો ગણાવ!! અને હું પહેલેથી જ ધૂની સ્વભાવનો એટલે મને ધૂન લાગી ગઈ કે આજથી માવાનો ત્યાગ!! એમ કહીને પેન્ટના ખિસ્સાની અંદર પાંચ માવાના પાર્સલ હતા એનો ઘા કર્યો!! રસ્તા પર અને ત્યાં અચાનક જ ધડામ!!!!!! ધડામ !!!! અવાજ આવ્યો. મને આંચકો લાગ્યો!! ચિચિયારીઓ સંભળાઈ!! ધૂળની ડમરી ઉડી હતી!! હું આગળની બાજુ ફંગોળાયો હતો!! ધૂળની ડમરી શમી અને હું ઉભો થયો.. મારી સાથે બીજા છોકરાઓ પણ ઉભા થયા. અમે પરિસ્થિતિ સમજી ગયા હતા. અમારી રિક્ષા એક ટ્રક સાથે ભટકાણી હતી.. આગળ બેય સાઈડ બેઠેલા છોકરા સાથે રિક્ષા ચાલક નું મોત થયું હતું. અને અચાનક મને યાદ આવ્યું. જો હું માવા લેવા ન ગયો હોત તો આગળ જ બેઠો હોત અને અત્યારે ઉપર સ્વધામમાં પહોંચી ગયો હોત!! પણ આ વ્યસને જ મને બચાવ્યો, હું તરત જ રસ્તા તરફ દોડ્યો. ચાલુ રિક્ષાએ જે જગ્યાએ માવાનો ઘા કર્યો હતો એ જગ્યાએ જઈને ઘા કરેલા પાંચે પાંચ માવા ગોતી લીધા!! અને પછી તાત્કાલિક એક માવો ચોળ્યો અને મોઢામાં મુક્યો!! લ્યો તમે જ કહો કે આના કારણે હું જીવતો રહ્યો એને હું કેમ છોડી શકું!!??”” મારી સ્થિતિ દુર્યોધન જેવી છે!! સમજુ છું કે આ ખોટું છે પણ છોડી શકતો નથી!!”

આમ તો પ્રેમકુમાર ક્યારેય કોઈ વિધાર્થી આમંત્રણ આપે તો કોઈ પણ પ્રસંગમાં જતા નહિ.કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય તો પણ પ્રેમ કુમાર શાબ્દિક શુભેચ્છા પાઠવી દે.પણ જાય નહિ. લગ્નગાળાની સીઝન શરુ થાય અને પ્રેમકુમાર લગ્નની ખાણીપીણી ઉપર પોતાનું જ્ઞાન વ્યકત કરવા લાગે!!
“હું વિચારું છું કે આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં લગ્નગાળો એટલે બીમારીનું ઉદ્ભવ સ્થાન!! કેટલું બધું તેલ ,ઘી અને મસાલા આપણે વાપરીએ છીએ!! આપણે ત્યાં જેટલા લોકો ભૂખમરાથી મરે છે તેના કરતા વધારે લોકો વધારે ખાવાથી મળે છે! અને જમણવારમાં પણ કેટલી બધી વાનગીઓ.. બસ ચારે બાજુ તેલનો અને ઘી નો ધોધ છૂટ્યો હોય એવું લાગે!! જમણવારમાં કોઈ મેનર્સ આપણે પાળતા જ નથી. ઋતુ પ્રમાણે ખાવાનું બાજુમાં રહ્યું પણ આ તો કડકડતી ઠંડીમાં કેરીનો રસ, મઠો અથવા શ્રીખંડ દાબતા હોય બોલો!! જમવા વખતે રીતસરની ભીડ જામે!! જેવી રીતે અડધો કલાકથી બંધ રહેલું રેલવે ફાટક ખુલે અને જે રીતે અરાજકતા અને અંધાધુંધી થાય એ જ રીતે જમવાના કાઉન્ટર પર રીતસરની ધડબડાટી બોલે!! અમુક લોકો તો એ રીતે થાળીઓ ભરી ભરીને ખાય કે આપણને એમ થાય કે આનો જન્મ નક્કી દુષ્કાળમાં થયો હોવો જોઈએ!! અકરાંતિયાની જેમ ખાય બોલો આવું બધું જોઇને જ મને ઉબકા આવે એટલે બને ત્યાં સુધી હું કોઈ આવા જમણવારમાં જતો જ નથી!!”
પણ તોય પ્રેમકુમારને એક લગ્ન પ્રસંગમાં જવું જ પડેલું!! વાત એમ હતી કે ફાઈનલ યરની એક છોકરી નામે સુરેખાના તાત્કાલિક મેરેજ ગોઠવાયા હતા. એમનું હજુ હમણા જ સગપણ થયેલું હતું મુરતિયો એન આર આઈ હતો. એટલે ઘડિયા લગ્ન લેવાયા હતા. સુરેખાએ પ્રેમકુમારના હાથમાં કંકોતરી મુકતા કહ્યું.

“સર તમારે તો આવવું જ પડશે.. એમાં નહિ ચાલે.. ક્લાસના લગભગ વિસેક છોકરા છોકરીઓ આવવાના છે એટલે તમને જરા પણ અજાણ્યું નહીં લાગે. લગ્ન પછી હું બે વરસમાં અમેરિકા શિફ્ટ થઇ જઈશ.. તમને ત્યાં ફરવા પણ બોલાવીશ અને મેં ચેતનને વાત કરી છે તમારા વિષે અને કહ્યું કે અમારા પ્રોફેસર ખુબજ મહા વિદ્વાન છે. બહુજ ઊંચા પ્રકારનું અને રેરેસ્ટ ઓફ ધ રેર કહી શકાય એવી વિદ્વતા ધરાવે છે એટલે ચેતનની પણ ખુબજ ઈચ્છા છે કે તમે અમારા આ શુભ પ્રસંગમાં સદેહે હાજર રહો ફક્ત શાબ્દિક શુભેચ્છાઓ નહિ ચાલે!!” સુરેખાએ ખુબ આગ્રહ કર્યો એટલે પ્રોફેસર પ્રેમકુમાર પીગળી ગયા. લગ્નના દિવસે એ સવારે જ સુરેખાના ઘરે પહોંચી ગયા!!
સુરેખાના મિત્રો તો એક દિવસ અગાઉ જ પહોંચી ગયા હતા.પ્રેમકુમારનું સ્વાગત કરવામાં આવ્યું.બપોર પછી જાન આવી. રાતના તોરણ હતા. સાંજના છ વાગ્યે વરઘોડો ચડ્યો. આઠેક વાગ્યે વરઘોડો માંડવે આવ્યો અને સહુ જમણવારમાં ગોઠવાઈ ગયા. વિશાલ ખેતરમાં જમણવાર હતો. પ્રેમકુમારે પણ ડીશ લીધી. થાળીમાં ફક્ત થોડું સલાડ અને બાફેલા ચણા જ લીધા. એક વાટકો દહીં વડાનો લીધો. પણ બાજુમાં જ સરસ મજાની સુગન્ધ આવતી હતી. જોયું તો અલગ અલગ પ્રકારના ભજીયા બનતા હતા. કટકીના ભજીયા ઉપરાંત આખા મરચાના ભજીયા તેમજ પટ્ટીના પણ ભજીયા તેમજ દાળ વડાની સરસ સુગંધ આવતી હતી. પ્રેમ કુમારે આડા અવળું જોયું. કોલેજના વિદ્યાર્થીઓ વળી દૂર હતા એટલે ચુપચાપ ડીશમાં દરેક પ્રકારના ભજીયા લઇ લીધા સાથે ત્રણ રંગની અલગ અલગ સ્વાદ વાળી ચટણી પણ લીધી. અને પ્રેમ કુમાર બધું જ જ્ઞાન સાઈડમાં મુકીને ભજીયા દાબવા લાગ્યા. શિયાળાનો સમય અને વાતાવરણમાં ઠંડી પણ સારી એવી હતી અને એમાં દેશી લસણ. દેશી કોથમીર ના ગરમાગરમ ભજીયા પ્રેમકુમાર પેટમાં પધરાવી રહ્યા હતા. ફટાફટ એ એક ડીશ ખાઈ ગયા. પણ ભજીયા તો જાણે દાઢે વળગ્યા હતા. પેમકુમારે બીજી ઇનિંગ શરુ કરી અને હવે એ એક ખુણામાં બેસીને ભજીયામય થઇ ગયા હતા. ભજીયા ખાઈને એ ડીશ મુકવા જતા હતા ત્યાં સામેના કાઊન્ટર પર ભજીયા કરતા પણ સરસ મજાની સુગંધ આવતી હતી. ત્યાં જઈને જોયું તો એક તપેલા પર લખેલું હતું” આખી ડુંગળીનું શાક” અને બાજરાના એક અડધા રોટલા અને માખણ સાથે એક છાલિયું શાકનું ખાઈ ગયા. જીંદગીમાં આવી રીતે એ પહેલીવાર ખાઈ રહ્યા હતા. વળી બે ત્રણ લાલ ભરેલા મરચાં પણ ખાઈ ગયા.અને પછી પીધી ત્રણ ગ્લાસ છાસ!! પ્રેમકુમારને તો જામો પડી ગયો અને મનમાં વિચાર્યું કે સુરેખાના લગ્નમાં ન આવ્યો હોત તો સ્વાદનો આવો મહામુલો અવસર ચુકી જાત!! મનમાં એને એમ પણ થયું કે લોકો જે રીતસરની ભીડ કરે છે જમવાટાણે એ કદાચ આ સ્વાદને કારણે જ હશે!! જે હોય તે પણ પ્રેમકુમારને આ દેશી ખોરાક બરાબરનો જામી ગયો હતો. રાતના બારેક વાગ્યે લગ્નવિધિ પૂરી થઇ. બધાએ સુરેખાને વિદાય આપી. પ્રેમકુમારે બધાને કાલના કાર્યક્રમ વિષે જણાવ્યું તો સુરેખાના બધાજ મિત્રો સોમનાથ અને દીવ જવાનું વિચારતા હતા. એટલે પ્રેમકુમારને એકલા પરત ફરવાનું હતું. સવારમાં સાત વાગ્યે એક ટ્રેન જતી હતી. પ્રેમકુમાર એમાં જવાનું ગોઠવ્યું. સવારમાં વહેલા ઉઠીને એ રેલવે સ્ટેશન તરફ જવા નીકળ્યા. સ્ટેશન બહુ દૂર નહોતું. લગ્નસ્થળથી લગભગ અડધો કિલોમીટર દૂર હતું.
રેલવે સ્ટેશન ખાસ મોટું નહોતું. રોજની ચાર પેસેન્જર ટ્રેઈન ત્યાં ચાલતી હતી. મીટર ગેઇજ લાઈન હતી એટલે લાંબા અંતરની ટ્રેઈન અહીંથી ઉપલબ્ધ નહોતી. રેલવે સ્ટેશનની પાસે જ એક નાનકડી હોટેલમાં ફાફડા અને ગાંઠિયા બની રહ્યા હતા. પ્રેમકુમાર ને વળી રાત વાળી સુગંધ આવી. જે કાલે ભજીયા બનતી વેળાએ આવતી હતી એવી જ સુગંધ!! પ્રેમ કુમાર હોટેલ પાસે રોકાયા. મરી ને હિંગના મસાલાથી ગરમાગરમ ફાફડાની સુગંધ તેના દિલને તરબતર કરી રહી હતી. બધો જ પ્રોટોકોલ મુક્યો તડકે અને પ્રેમકુમાર જીવનમાં પહેલી વાર નાનકડી હોટેલના ભાંગલા તૂટેલા વળ ખાઈ ગયેલા બાંકડા પર બસો ગ્રામ ફાફડા મંગાવીને ચટણી અને સંભારા સાથે ઝાપટવા લાગ્યા. ફાફડાના એક એક બટકા સાથે પેટની અંદરથી એક અવિસ્મરણીય આનંદ ઉપજી રહ્યો હતો!! બરાબર ખાઈને પ્રેમ કુમાર ઓડકાર ખાઈને ઉભા થયા. રેલવે સ્ટેશન પર જઈને ટિકિટ લીધી અને પ્લેટફોર્મ પર ટહેલવા લાગ્યાં!! અને પહેલો મિસકોલ આવ્યો!!

રાતના ખાધેલા ભજીયા, ડુંગળીનું શાક,અને અત્યારે ખાધેલા ભાજીયાને કારણે પેટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી!! સળવળાટ શરુ થઇ ચુક્યો હતો!!. પડઘમ વાગી ચુક્યા હતા!!. ગમે ત્યારે હવે રણ સંગ્રામ ફાટી નીકળે એવી સ્થિતિ હતી!!! પ્લેટફોર્મ પર તે બને બાજુ પર આંટો મારી આવ્યાં પણ પ્રેમકુમારને ટોઇલેટ દેખાયું જ નહિ. કાલે સવારે એ આવ્યા ત્યારથી ટોઇલેટ ગયા નહોતા. ગામડાના ટોઇલેટ એને ફાવતા નહિ!! બે ત્રણ વાર પેશાબ કરવા ગયા ત્યારે પણ આંખો બંધ કરીને એ બહાર નીકળ્યા હતા!! પણ હવે શું કરવું?? આ તો ભારે થઇ!! ગાડી આવવાને હજુ થોડી વાર તો હતી!! સિગ્નલ હજુ અપાયું નહોતું.!! પેટમાં સિગ્નલ અપાઈ ચુક્યું હતું. પ્રેમકુમારે બધી જ તાકાત લગાવી દીધી અને બળ કરી કરીને એ બળવો રોકી રહ્યા હતા. એક એક ડગલું એ જાળવી જાળવી ને ચાલતા હતા. પ્લેટફોર્મ પર એક જણાને ટોઇલેટ માટેનું પૂછી જોયું.

“એ સામે પાણી નું પરબ છે ને ત્યાં બીસ્લેરીની ખાલી બોટલો પડી હશે એક બોટલમાં પાણી ભરી લો અને સામેના બાવળિયા દેખાય છે ત્યાં જતા રહો પણ ઝડપ કરજો ટ્રેન હમણા જ આવશે અને બીજી ટ્રેન ઠેઠ અગિયાર વાગ્યે આવશે” બીડી બીડી પીતા પીતા માણસે જવાબ આપ્યો.
“પણ ગાડીમાં તો સગવડ હશે ને ત્યાં સુધી રોકાઈ જાવ” પ્રેમકુમારને ખબર હતી કે તેના શબ્દો પર તેમને જ વિશ્વાસ નહોતો. હવે વધારે રોકાવામાં તો આબરૂ જાય એમ હતું તોય એ બોલ્યા.

“એવી ભૂલ ના કરશો.. ટ્રેનમાં પાણી જ નથી આવતું.. જ્યાંથી ટ્રેન ઉપડે છે ત્યાં પાણી જ નથી.. આ ટ્રેનમાં પાણી આગળના સ્ટેશન પરથી ભરવામાં આવશે!! એટલે વગર પાણીએ જાવાની ટેવ હોય તો ટ્રેનમાં જાજો નહીતર આ પરબે થી ફટાફટ જઈ આવો. વખત બગાડોમાં” બીડીનું ઠુંઠું ફેંકીને પેલો ભાઈ બોલ્યો અને વાત પણ સાચી જ હતીને વખત બગાડવામાં ઘણું બધું બગડી જાય તેમ હતું!!

લગભગ ઉતાવળા પગલે પાછળથી વાંકાચૂંકા વાંકાચૂકા થતા પ્રેમકુમાર પરબ પાસે પહોંચ્યા પણ ત્યાં બોટલ જ નહોતી. જે બોટલ પડી હશે એ બધા લઈને બાવળિયામાં જતા રહ્યા હશે!! પ્રેમકુમારના ગાત્રો ઢીલા થઇ ગયા. આંખે અંધારા આવવા લાગ્યા. બળવો હવે ખાળી શકાશે નહિ એ ભયે એ વ્યાકુળ થઇ ગયા. એણે હવે છેલ્લી નજર ટ્રેનના સિગ્નલ તરફ માંડી. અને પછી આ બાજુ નજર કરી તો.. એક દસેક વરસનો છોકરો હાથમાં બીસ્લેરીની એક બોટલમાં પાણી ભરીને રેલવેના ટ્રેક ટપીને બાવળિયા તરફ મસ્તીથી જઈ રહ્યો હતો. અને પ્રેમકુમાર તેની તરફ લગભગ દોડ્યા. છોકરા પાસે જઈને ઉભા રહ્યા. છોકરો પરિસ્થિતિ સમજી ગયો. એણે પાણી ભરેલી બોટલ પ્રેમકુમાર તરફ લંબાવી અને બિલાડી ઉંદર પકડે એમ પ્રેમ કુમારે બોટલ પકડી ને બાવળિયા તરફ પ્રયાણ આદર્યું!!

પ્રેમકુમાર બધું જ ભૂલી ગયા હતા.. ભારતીય ગંદકી.. પોતાનો હોદ્દો.. ફક્ત અને ફક્ત તે હવે બાવળીયાનો વિસામો શોધી રહ્યા હતા.. અને પછી એકાદ મીનીટમાં એ એકદમ હળવાફૂલ થઇ ગયા હતા. જીવનમાં આવો આનંદ અને આવા સુખની અનુભૂતિ એણે આની પહેલા ક્યારેય માણી નહોતી. એ સ્વિત્ઝરલેન્ડની વાદીઓમાં ફરી આવ્યા હતા. આલ્પ્સમાં પણ ઘૂમી આવ્યા હતા. પણ બાવળિયાની કાટયમાં હળવા થયા પછી જે આનંદ આવ્યો એ શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ જ નહિ પણ નામુમકીન હતું. પછી તો એ દસ મિનીટ સુધી બેસી રહ્યા. આજુબાજુનું વાતાવરણ એને કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગ જેવું લાગતું હતું. થોડી જ વારમાં તે વિજયી અદામાં બાવળીયામાંથી બહાર આવ્યા. હોઠ વડે સીટી વગાડતા વગાડતા તે પોતાનું માનીતું ગીત “મન કયું બહેકારે રે બહેકા આધી રાત કો” ગાતા ગાતા પર રેલવે ટ્રેક ક્રોસ કરીને તે પ્લેટફોર્મ પર પહોંચ્યા. પેલો છોકરો ત્યાં ઉભો હતો એને બોટલ આપીને એના માથા પર હાથ ફેરવ્યો અને પ્રોફેસર મલકી ઉઠયા!!

ટ્રેન આવી અને ખુબ જ પ્રસન્ન મને તેઓ ટ્રેનમાં બેઠા. ભયાનક ઘાતમાંથી તે ઉગરી ગયાનો તેને ખુબ જ હરખ હતો. થોડા દિવસો પછી લેકચર લેતી વખતે એક છોકરી કાજલે તેને પ્રશ્ન કર્યો.
“સર એક્ચ્યુલી સુખની અને શાંતિની વ્યાખ્યા શું છે?? એ ક્યાંથી મળે..?” પ્રોફેસર પ્રેમકુમારે એને જવાબ આપ્યો.
“ગુડ ક્વેચ્ચન!! સુખ એ એક માનસિક સ્થિતિ છે એના કોઈ ખાસ માપદંડ કે પેરામીટર્સ નથી. કોઈ પણ અસહ્ય પરિસ્થિતિ પછી સુખ તરત જ ઉદ્ભવે છે.. સુખ માત્ર ભૌતિકવાદમાં જ નથી.. મારું માનવું છે કે સોરી અનુભવેલું છે કે સુખ એ પરિસ્થિતિ આધીન છે.. ઘણી વખત સુખ અને શાંતિ શોધવા માણસો કેરાલા કે કાશ્મીર જતા હોય છે પણ સુખ તમને બાવળિયાની કાટયમાંથી પણ મળી શકે છે. સુખ બધેજ સમાયેલું છે.. બધેજ.. બસ તમને શોધતા અને અનુભવતા આવડવું જોઈએ!!”

ક્લાસના બધા સાંભળતાં રહ્યા. પ્રેમકુમારનું આવા વલણનું કારણ તેઓ સમજી શક્યા નહિ. ફક્ત અને ફક્ત પ્રેમકુમાર બદલાવનું આ સાચું કારણ જાણતા હતા.!!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.મુ.પો ઢસાગામ. તા.ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author:
GujjuRocks Team
દરરોજ આવી અનેક મુકેશ ભાઈ ની લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.