વડોદરાનો ચકચારી કિસ્સો : એવી તો શું મજબૂરી હતી કે માતાએ બંને દીકરીઓેને ઝેર આપ્યું અને પછી પોતે કર્યો આપઘાતનો પ્રયાસ
Vadodara News : ગુજરાતમાંથી ઘણીવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં એક ચકચારી ભરેલો કિસ્સો વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી સામે આવ્યો છે, અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા દક્ષાબેન ચૌહાણ નામના મહિલાએ તેમની બંને દીકરીને પહેલા ઝેરી દવા પીવડાવી અને પછી તેમનું ગળું દબાવી બંનેને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો બાદ સમગ્ર વિસ્તાર સહિત વડોદરામાં અને ગુજરાતમાં પણ ચકચારી મચી ગઇ છે.
માતાએ પોતાની બે દીકરીઓને ઉતારી મોતને ઘાટ
જો કે, બંને દીકરીઓની હત્યા બાદ દક્ષાબેને પોતે ફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો પણ તેમને બચાવી લેવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે અને ઘટના પાછળનું કારણ આર્થિક ભીંસ હોવાનું કહેવાય છે. દક્ષાબેનની મોટી દીકરીને એર હોસ્ટેસ બનવા માગતી હતી અને તે TY B.COMમાં અભ્યાસ કરતી હતી. જ્યારે નાની દીકરી ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. દક્ષાબેને બંને દીકરીના હાથ-પગ બાંધ્યા અને તેમને ઝેરી દવા પીવડાવી પણ દીકરીઓ ન મરતાં તેમના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દીધી.
ઘટના પાછળનું કારણ આર્થિક ભીંસ
બંને દીકરીઓની હત્યા બાદ દક્ષાબેને પોતે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એવી વાતને ન નકારી શકાય કે દક્ષાબેન ચૌહાણ સાથે કોઇ અન્ય વ્યક્તિ પણ આ ઘટનામાં સામેલ છે. બી.66 અક્ષતા કો.હાઉસિંગ સોસાયટીમાં બીજા માળે 20 દિવસ પહેલાં જ દક્ષાબેન તેમની બે દીકરીઓ સાથે ભાડે રહેવા માટે આવ્યા હતા. આ ઉપરાંત મીડિયા રીપોર્ટ્સ અનુસાર, વહેલી સવારે 6 વાગ્યા આસપાસ દક્ષાબેનના ઉપરના માળે ભાડે રહેતી એક છોકરીએ એક યુવાનને દક્ષાબેનના ઘરમાંથી નીકળતા જોયો હતો અને તેણે ચોર સમજી બુમ પણ પાડી હતી.

દક્ષાબેને છેલ્લો ફોન ફોઈની દીકરીને કર્યો હતો
જો કે, આ દરમિયાન તે દક્ષાબેનના ઘરમાં તપાસ કરવા ગઇ તો તેણે દક્ષાબેનને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં તેઓને ઉતારી બે લાફા ઝીક્યા. તપાસમાં સામે આવ્યુ છે કે, દક્ષાબેને છેલ્લો ફોન ફોઈની દીકરી નિલમ મકવાણાને કર્યો હતો અને ઘટનાની જાણ થતા તે અમદાવાદથી વડોદરા પણ દોડી આવી હતી. નિલમ મકવાણાએ જણાવ્યુ કે, દક્ષાબેને તેને રાતે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, શું કરે છે એટલે તેણે કહ્યું કે ટાઇમ જો કેટલા વાગ્યા છે શું કરતી હોઇશ.

15 વર્ષ પહેલા જ થઇ ગયા હતા દક્ષાબેનના ડિવોર્સ
એટલે દક્ષાબેને કહ્યું કે, મોબાઈલમાં ટાઇમ સેટ નથી એટલે ખબર નથી કેટલા વાગ્યા. જે બાદ નિલમે કહ્યું કે, રાતના ત્રણ વાગ્યા છે પછી દક્ષાબેને કહ્યું કે, ઠીક છે તો સૂઇ જા. જણાવી દઇએ કે, દક્ષાબેનને 15 વર્ષ પહેલા ડિવોર્સ થઈ ગયા હતા અને વિરમગામમાં તેમનું સાસરુ હતું. થોડા સમય પહેલા સુધી તો તે પિતા સાથે જ રહેતા હતા. પછી તે ભાડાના મકાનમાં રહેવા ગઈ હતી.