‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અભિનેતા ગુરચરણ સિંહ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ગાયબ છે. તે 22 એપ્રિલના રોજ દિલ્હી સ્થિત તેના ઘરેથી મુંબઈ જવા રવાના થયો હતો. જો કે, તે ન તો એરપોર્ટ પર પહોંચ્યો કે ન તો પોતાના ઘરે પરત ફર્યો. ત્યારથી લઇને અત્યાર સુધી તેના વિશે કોઈ માહિતી મળી નથી. દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
ગુરુચરણના નજીકના મિત્રનું માનીએ તો તેની તબિયત કેટલાક સમયથી ખરાબ હતી. આ ઉપરાંત કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગુરુચરણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. જો કે, ગુરુચરણના પિતા હરગીત સિંહને આ વિશે કોઈ માહિતી નથી. દૈનિક ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યુમાં હરગીત સિંહે કહ્યું, ‘જ્યારે પણ હું મારા પુત્ર સાથે વાત કરતો હતો, ત્યારે તે હંમેશા કહેતો હતો કે તે ઠીક છે.
તેણે ક્યારેય મને તેની ખરાબ તબિયત વિશે જણાવ્યું નથી. મને મીડિયા રિપોર્ટ્સથી નાણાકીય કટોકટી વિશે જાણવા મળ્યું. ગુરુએ મને ક્યારેય આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા વિશે કહ્યું ન હતું. હા, આ વખતે ગુરુચરણ ઘરે આવ્યો ત્યારે તેઓ અસ્વસ્થ દેખાતો હતો. પણ તેની સાથે આ અંગે ક્યારેય કોઈ ચર્ચા થઈ નથી. હું મારા પુત્રના આવવાની રાહ જોઈને થાકી ગયો છું.
હું કોઈપણ ભોગે મારા પુત્રને જોવા માંગુ છું. ગુરુ જ્યાં પણ હોય, હું પ્રાર્થના કરું છું કે તે જલદી પાછો ફરે. અમે પોલીસ સાથે પણ સતત સંપર્કમાં છીએ. તેમણે ખાતરી આપી છે કે તેઓ એક-બે દિવસમાં ગુરુ વિશે અપડેટ આપશે. હું આશા રાખું છું કે તેઓ જે પણ માહિતી આપે તે હકારાત્મક હશે. ગુરુ સાથે અમારી છેલ્લી વાતચીત 21 એપ્રિલે થઈ હતી.