દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

“મંજુ કાકી એટલે મંજુ કાકી – “ધાર્યું ઘણીનું થાય ” એ કહેવતને સિદ્ધ કરતી આ સ્ટોરી વાંચીને જિંદગીના પડાવે પહોંચેલા કદાચ જીંદગીની પરિભાષા સમજે ને બાકીની જિંદગી જીવી બતાવે !!

ગામ આખામાં સમાચાર ફેલાઈ ગયા કે મંજુ કાકીને દવાખાને લઇ ગયા છે તે ત્યાં એને મગજમાં ગાંઠ નીકળી છે એટલે કાલે ઓપરેશન કરવાનું છે અને મગજનું ઓપરેશન હોય અઘરું બચે તો બચે. ગામમાં ઘરે ઘરે આ વાવડ ફેલાઈ ગયા હતા. કેટલીય સ્ત્રીઓએ મનોમન પ્રાર્થના પણ કરી અને શેરીની ચાર સ્ત્રીઓએ તો હનુમાન દાદાની માનતા પણ માની લીધી કે ગમે એમ કર્ય દાદા પણ અમારી મંજુ કાકીને કાઈ ન થવું જોઈએ. ગામમાં વાતો થવા લાગી.
“બિચારીએ કુટુંબ માટે જાત ઘસી નાંખી અને હવે બેય છોકરા પરણવા જેવા થયા ત્યારે જ ભગવાને મંજુ કાકી માથે આવી ઘાત નાંખી. ભગવાન પણ ઈર્ષાળુ હશે નહિ.” તો કોઈક મોટી ઉમરનું આવી વાત કરતુ.
“ચંપા મા હતા ભીંડાની જેમ ચીકણા તેથી કુટુંબની શાખા બગાડેલી તે આ મંજુ કાકીએ આવીને જ છાપ સુધારીને ? બાકી મધુ અને તેના બે ભાઈઓ અને તેની બે વહુઓ બધા ત્રાજવામાં એક કોર્ય અને એક કોર્ય આ મંજુ ને મુકો તોય ત્રાજવું મંજુ કોર્ય જ નમે!! આખી જિંદગી હસતા મોએ કાઢી અને એક પણ ફરિયાદ વગર ખેતી અને ઘર સંભાળી લીધું. કોઈ પ્રસંગમાં જાવા મળે કે ન મળે.. બીજા કેવા જલસા કરે એ વિષે પણ ન વિચાર્યું અને હવે એના બે છોકરા પરણવા જેવા થઇ ગયા છે ને ત્યારે જ આ એને મગજમાં ગાંઠ નીકળી.” ગામમાં જેટલા મોઢા એટલી વાતો થતી હતી પણ એક વાત સો ટકા સાચી કે બધા જ મંજુના વખાણ કરતા હતા!!

મંજુ ની ઉમર હશે લગભગ ૪૮ ની આસપાસ. મધુ કરશન જયારે મંજુને પરણીને આવ્યો ત્યારે મંજુની ઉમર માંડ ૧૬ વરસની હશે અને મધુય કાઈ મોટો નહિ. મધુ વીસની આજુબાજુનો. પણ મધુના બાપા કરશન પરબતનું ઘર ગામ કરતા એક પેઢી વા આગળ હતું એટલે મધુ ગામના ભાભાઓનો પણ કાકો થતો હતો. એટલે પરણીને આવીને તરત જ મંજુ ગામ આખાની કાકી થઇ ગઈ!! અને મંજુએ કાકીપણું પણ નિભાવ્યું પણ ખરું!! બહુ જાજુ ભણી નહોતી પણ આવતાની સાથે એણે ઘર અને ખેતીનું કામ ઉપાડી લીધેલું. બાકી જ્યાં સુધી મધુનું સગપણ નહોતું થયું ત્યાં સુધી ગામમાં બધાજ વાતો કરતા કે
“ આ મધુ કાકાના લગ્ન લાંબુ ટકશે નહિ.. મધુ તો લાખનો માણસ પણ એની મા ચંપા વહુને તોડાવી નાંખશે એટલું કામ કરાવશે.” અને વાતેય સાચી હતી. કરશન ભાભાના ખેતરમાં ગામના કોઈ દાડિયા ભાગ્યે જ જતા હતા. કરશન ભાભાનો તો વાંધો નહોતો પણ ચંપા મા દાડિયા ભેગા જ કામ કરે અને જરાક પોરો ના ખાય અને બધાને સારીપટના તોડવી નાંખતા. ગામના દાડિયા આવતા બંધ થયા પછી કરશન ભાભા બહારગામ થી પછી દાડિયા ગોતતા પણ જે એકવાર દાડીએ આવે એ બીજી વાર ના આવે. અડધી ખેતી ભાગવે પણ આપી જોઈ પણ ભાગીયો વરસ દિવસ માંડ કાઢે!! દર વરસે નવા ભાગિયા ગોતવાના અને એ પણ અજાણ્યા!! જાણીતા તો ડબલ પૈસા આપો તો પણ હા ન પાડે!! અમુક ભાગિયા કહેતા પણ ખરા કે ભૂખે મરી જાવું સારું પણ કરશન પરબત ને ત્યાં કામે ન જવું.. કરશન ભાભાનો વાંધો નહિ પણ એ ચંપા એટલું કામ કરાવે કે સાંજ પડ્યે તમારા બરડા દુખ્યા વગર ના રહે!! કરશન ભાભા પણ ચંપા મા ને ટોકી ટોકીને થાકી ગયેલા કે તારો સ્વભાવ સુધાર કાલ સવારે મધુની વહુ આવશે ને જો તારો આવોને આવો સ્વભાવ રહ્યો તો એ આવ્યા ભેગી જ જતી રહેશે. પણ ચંપા એને થોડી ગણકારે એ તો તરત જ બોલતી.

“ ઈ તમારે ઉપાધિ નય કરવાની હું મારી મેળે જ મધલાનું સગપણ ગોતીશ. અને વહુ પણ ચાકા જેવી ગોતવાની છે. મારા કરતા સવાયી ન લાઉં તો કેજો!! આ તો ગામનું મોટું ઘર છે. તમે બધા ભાયડા બેઠા બેઠા ગામ ગપાટા મારતા જ આવડે બાકી આ બસો વીઘાની ખેતી અને દસ દસ ભેંશુ બાયું સારી હોય તો જ પોસાય!!” કરશન ભાભા ચંપા મા આગળ ફક્ત એક જ વાર બોલતા. બીજી વાર બોલવાની હિમત કરશન ભાભા આખી જિંદગી નહોતા કરી શકયા.
અને મધલાનો સંબંધ ગોતી જાણ્યો.!! આઠેક ગાઉં છેટે ભૂરા લખમણની પેલા ખોળાની મંજુ સાથે કરશન પરબતનો પેલા ખોળાનો મધુ પરણ્યો. ગામ હવે વાટ જોતું હતું કે આ સંબંધ કેટલો ટકશે. એ વખતે લગ્ન પહેલા એક બીજાને જોયા પણ ન હોય એવા સંબંધો જન્મોજન્મ ટકતા હતા!! અને થયું પણ એવું. મંજુ તો સાસુના માથાની મળી. મંજુ આમ લોઠકી પણ ઉમર નાની એટલે ચંપાને થયું કે પેલેથી દાબ રાખીએ. પરણીને આવી ને તરત જ મંજુ ઘરના અને સીમના કામે વળગી ગઈ. ફટાફટ સાસુની સાથે એ કામ કરતી જાય. સાંજે સીમમાંથી સાસુ વહુ એક એક ભારો માથા પર મુકીને લઇ આવે. આમ તો બે ગાડા હતા પણ બાયું તોય ખેતરમાંથી ભારો માથે ઉપાડીને લાવે એમાં ગણતરી એવી કે મહેનત ન છૂટવી જોઈએ જો એક વખત મહેનત છુટી જાય તો આળસ ઘર કરી જાય અને જો ખેડું માણસમાં આળસ ઘૂસે તો પછી થઇ રહી ખેતી!!
અને એક જ મહિનામાં મંજુએ ચંપાને મીણ કેવરાવી દીધું.!! ઘર અને ખેતીનું કામ મંજુએ ઉપાડી લીધું. કાઈ કામ ન હોય તો ઘરના ગોદડા કાઢીને ધુએ અને વળી સાસુને મંજુ કહે પણ ખરી.

“બા હવે તમે આરામ કરો હું આવી ગઈ છું ને. તમારી અવસ્થા થઇ કહેવાય..તમે નિરાંતે બેસો” પણ ચંપા બેસે શાની?? બેસે તો વહુ આગળ એની આબરૂ જાય!! એ પણ ગોદડા ધોવા બેસી જાય!! ગોદડાનું પતે ત્યાં મંજુ વળી નવું કામ કાઢે.
“બા આ ભીંતડા કાળા મેશ થઇ ગયા છે. કાલ્ય ધોળ અને ખડી કરી નાંખવી છે. અને બે દિવસ પછી ઓશરીમાં ગાર લીંપવી છે.” ચંપા આ બધું સાંભળીને આભી જ થઇ જાય. તરત જ ગામની તળાવની પાળેથી મંજુ ખડી અને ગોરમટી લઇ આવે એમાં ગળી ભેળવીને એવો તો ધોળ કરેકે દીવાલો આભલાની જેમ ચમકી ઉઠે. બે દિવસમાં કુંવળને કચરી કચરીને એવું ગારીયું કરી નાંખે અને પછી મોરલા છાપ લીંપણથી ઓશરી ઝળહળી ઉઠે. બોલવાનું ઓછું અને કામ વધારે એક વખત પણ ચંપા ને સાસુગીરી કરવાનો મોકો ન આપ્યો.!! ગામ આખામાં મંજુ કાકીની એક વિશિષ્ટ છાપ પડી ગઈ. બધા કાકીને ભગવાનનું માણસ ગણતા!!

આખા કુટુંબને પણ મંજુએ સાચવી લીધું. કુટુંબમાં તો સાસુ સસરા, બે માણસ પોતે. એક નણંદ અને બે સહુથી નાના દિયર!! સાત જણાનું કુટુંબ!! બે વરસ પછી એની નણંદના લગ્ન થયા. તકિયા અને રજાઈ પર બધું જ ભરતકામ મંજુએ કરેલું અને ધામધુમથી નણંદ ના લગ્ન કર્યા. બે ય દિયર મોટા થવા લાગ્યા. પણ મંજુની સાચવણમાં કોઈ જ ફરક નહિ. એક તલભાર પણ મોઢાની રેખા ન ફરે!! મંજુને સારા દિવસો રહ્યા. સીમંત પછી એના પિયરીયા એને તેડી ગયા. બે જ દિવસમાં એ પાછી આવી ગઈ અને કહ્યું. મને ઘરની યાદ બહુ આવે. મને ત્યાં હવે ન ફાવે. હું તો અહી જ રહીશ!! ગામ આખાને નવાઈ લાગી કે આ તે કેવી વહુ કે જેને પિયર સાંભરતું પણ નથી. બસ પછી તો મોટા પ્રદીપનો જન્મ અષાઢ મહિનામાં થયેલો અને એ પણ વાડીમાં!!
અષાઢ મહિના એક બાજુ વરસાદ કહે મારું કામ!! ત્રણ દિવસથી સતત વરસાદ વરસતો હતો. અને બીજી બાજુ ઊંડા રસ્તામાં કાદવ કીચડ થઇ ગયેલો એટલે ગાડા ચાલી શકે એમ નહિ. અને આ બાજુ ભેંશોને નીરણ ખૂટેલી અને મંજુને સામો મહિનો બેસી ગયેલો.

“બા હું વાડીયેથી બે ભારા લઇ આવું. આ ભેંશુએ બે દિવસથી લીલું નથી ભાળ્યું” અને પેલી વાર ચંપાએ મંજુને કામની ન પાડી.

“ ના તારે હવે ક્યાય જવાનું નથી. મધુના બાપાને કહી દઉં કે એ પાગાનું ટ્રેકટર લઈને જાશે એટલે એક ટેલર નીરણ લેતા આવશે” પણ જેવા ચંપા મા સામેની ડેલીમાં ડોશીઓ પાસે બેસવા ગયા કે તરત પાછળની ખડકીમાંથી મંજુ દાતરડું લઈને નીરણ વાઢવા ઉપડી. જેવી એ વાડીએ પોગી કે તરત જ પ્રસવની પીડા ઉપડીને કલાક પછી એ પાછી આવી ત્યારે હાથમાં પ્રદીપ હતો. અને માથે એક નીરણનો ભારો હતો. પોતે પોતાની સુવાવડ જાતે જ કરેલી!! પછી તો ચાર વરસ પછી સંજય જન્મ્યો.. પછીનાં ત્રણ વરસે માનસી જન્મી!! આમ ત્રણ સંતાનો થયા!!

સમય સમયનું કામ કરતો ગયો. પહેલા સાસુ અને પછી સસરાનું અવસાન થયું. સાસુ અને સસરાના અવસાન પછી તો મંજુ આખા ગામના કોઈ પણ પ્રસંગમાં મદદરૂપ થતી. શાક પાંદડા થી લઈને દૂધ છાશ માટે ગામનું કોઈ પણ ખોરડું ગમે ત્યારે મંજુ કાકીના ઘરની સાંકળ ખખડાવી શકતું હતું પોતાના બે નાનકડા દિયર સુરેશ અને હરેશ મોટા થયા. એને પરણવાલાયક થયા અને પરણાવ્યા. એ બને સુરત સેટલ થયા. ઘરની સાથે સાથે ખેતીનું કામ પણ કરવાનું એટલે કરવાનું!! મંજુના બે ય દીકરા પણ કાકા ભેળા રહીને ત્યાં કામ શીખ્યા અને હવે બે ય દીકરા કાકાઓ કરતા પણ સવાયા નીકળ્યા.
સુરેશ અને હરેશ હીરામાં સારું કમાયા. આ બાજુ મધુને ખેડમાં પણ સવા રહ્યો. ગામડાના દેશી નળિયાવાળા ગારના લીંપણ વાળા મકાનો તોડીને આધુનિક મકાનો બની ગયા. ગાડાં વાડીયે પડ્યા રહ્યા અને ટ્રેકટરો અને થ્રેસર આવ્યા. સુરેશ અને હરેશે સુરતમાં બંગલા રાખ્યા. મધુના દીકરા પણ કાપડમાં પડ્યા અને એમાં પણ સારી એવી કમાણી થઇ. બધાની પાસે મોટર સાયકલતો હતાજ પણ હવે એ નાના પડવા લાગ્યા એટલે કાર આવી ગઈ. સુખ અને સમૃદ્ધિ જાણે કરશન પરબતના ખાનદાનમાં આળોટી રહી હતી. સુરત વાળા બધા વાર તહેવારે કે લગ્ન પ્રસંગમાં આવે. એની પત્નીઓ શહેરની લહેરમાં આવીને ફેશનેબલ બની ગઈ હતી. સુરત માટે એવું કહેવાય છે એનું પાણી જ એવું છે કે ગામડામાં રહેતી કોઈ સ્ત્રી એક વરસ સુરતમાં રહી જાય પછી એને જગત આખામાં ક્યાય ન ફાવે!! જયારે જ્યારે આ બેય દેરાણીઓ દેશમાં આવે ત્યારે એક માત્ર કામ કરે આરામ કરવાનું!! બધાયનું ખાવાનું મંજુ એકલપંડે તૈયાર કરે!! એમાં સહુથી નાની દેરાણી સોનલ તો એકદમ તૈયારની દીકરી હતી એ ચુલા પાસે બેસે ખરી અને પછી ચાંપલી થઈને કહે પણ ખરી!!

“જેઠાણી બા અમે શહેરમાં ઉછરેલા ને એટલે આ બધું રોટલા અને ખીચડી, કઢી ને ઢોકળી, હાંડવો અને થુલી આવું બધું અમને ન ફાવે!! અમે તો પીઝા બર્ગર અને હોટ ડોગ ખાઈએ.. ઢોસા ખાઈએ.. મ્ચુરીયન અને ભેળ ખાઈએ.. આવું બધું ખાવું હોય તો કાઠીયાવાડી હોટેલમાં ખાટલા પર બેસી ને ખાઈ લેવાનું પણ આ ચૂલામાં અમને ના ફાવે અને તમારી જેવું તો ન જ આવડે!! તમને કેવું સરસ આવડે છે નહિ!! એક મિનીટ પ્લીઝ” કહીને પોતાનો લાખ ખોટનો મોબાઈલ કાઢીને મંજુ રોટલો ઘડતી હોય ને એનો ફોટો લે તૈયાર થયેલા રોટલા ઉપર માખણ ચોપડે..બે ડુંગળીના ફાડિયા મુકે એક નાનકડું ગોળનું દડબુ મુકે અને પછી એક હાથમાં આ બધું રાખીને બીજે હાથે ફોન પકડીને વાંકું ચુંકુ વાયડાઈથી ભરપુર એવું મોઢું કરીને ત્રણેક સેલ્ફી લે અને પછી એને ફેસબુક પર અપલોડ કરીને લખે!!

“રીયલ ફૂડ!! રીયલ ટેસ્ટ!! રીયલ દેશી!! લવ યુ કાઠીયાવાડ!! લવ યુ અનલિમિટેડ!! ઇટ્સ સો યમ્મી!!!”
બધાના કપડા ધોવાનું પણ મંજુ જ કરે પણ મોઢા પર એક નારાજગીની રેખા ન દેખાય. ગામમાં વાતો થતી કે એક મંજુને કારણે આખું કુટુંબ ભેગું ટકી રહ્યું છે. આજુબાજુમાં ક્યાય ફરવા જાવાનું હોય તો આખું ધામચડું ઉપડે ઘરે હોય મંજુ અને મધુ બે ય જણા!! ઘરે ભેંશો દોહવાની હોયને?? ખેતરમાં કામ હોયને!! મંજુ ફરે તો કામ કોણ કરે !! સગા સંબંધી કહેતા ભગવાને પણ મંજુને બનાવીને હાથ જ ધોઈ નાંખ્યા છે. થાકનું પણ નામ નહીને નખમાય રોગ નહિ. જીવન આખું એવું મહેનતના ઘાટે ઘડાયેલું છે કે બીમારીને એમાં ક્યાં પેસવું એ જ સવાલ છે!!

પ્રદીપનું સગપણ પણ ગોઠવાયું. સંબંધ વખતે છોકરીવાળા બોલેલા કે સાસુ કહું વેવાઈ આ સંબંધ માટે અમે ફક્ત મંજુબેન ને જોયા છે.. મંજુબેનની શાખાએ આ દીકરી દેવામાં આવે છે. બાકી તમારી ધન સંપતિ , મુરતિયો અને જાહોજલાલી એ બધું રહ્યું સાઈડમાં બસ આ વેવાણને જોઇને જ અમે નક્કી કર્યું છે!! છોકરી પણ સુરતની અને લગ્ન પણ સુરત જ ગોઠવવાના નક્કી થયા. છોકરીવાળા આમ તો કાઠીયાવાડના જ પણ વરસોથી સુરતમાં રહેલા હતા. સગાઈના દિવસે પણ મંજુ તો સાદા જ ડ્રેસમાં. સામેવાળા પણ આભા બની ગયા કે કેતકીને કેટલી સાદી અને સરળ સાસુ મળી છે. બોલવાનું સાવ ઓછું અને આટલી ઉમરે એ ખેતીના અને ઘરના કામ પણ કરે છે. ઘરે અઢળક જાહોજહાલી છે. ત્રણ તો ફોર વ્હીલ છે. પણ કોઈ ખોટા ખર્ચા જ નહિ ને.. નહિતર અત્યારના યુગમાં આવી સાસુ શોધવી એ કુંવળના ઢગલામા સોય ગોતવા જેવું કપરું છે.!!
અને હવે લગ્નને છ મહિના બાકી હતા ને મંજુને જીવનમાં પહેલી વાર તાવ આવ્યો. એક દિવસ તો કોઈને એણે કળાવા પણ ના દીધું પણ બીજા દિવસે એ ઓશરીમાં પડી ગઈ. શેરીની અને ગામની સ્ત્રીઓને ખબર પડી તે અરધું ગામ મંજુકાકીના ફળિયામાં હાજર થઇ ગયું. મંજુને ખાટલામાં સુવડાવી. ડોકટરને બોલાવ્યા. ડોકટરે કીધું કે મગજમાં તાવ ચડી જશે એમ લાગે છે મોટા દવાખાને શહેરમાં લઇ જાવ. મધુ મૂંઝાયો કારણ કે આ ઘરમાં લગભગ બીમારી નહોતી આવી. સુરત ફોન કર્યો. મધુનો દીકરો અને મધુનો ભાઈ તરત જ શહેરમાં આવી ગયા. ડોકટરે લોહી પેશાબ ના રીપોર્ટ જોયા.સીટી સ્કેન કરાવ્યું અને કહ્યું.
“મગજમાં નાની અને સાદી ગાંઠ છે. હજુ ગાંઠ પ્રાથમિક તબક્કામાં જ છે એટલે ઓપરેશનથી કાઢી શકાય એમ છે. લગભગ કોઈ વાંધો નહિ આવે.પણ જો ગાંઠ અંદર જ ફૂટી જાય તો પછી નક્કી નહિ”

“જે કરવું હોય એ કરો પણ આને કાઈ થવું ન જોઈએ સાબ!! આખી જિંદગી આ મારી પત્નીએ અમારા માટે ગાળી છે એણે સપનામાં પણ કોઈનું ખરાબ નથી કર્યું એને છેલ્લે છેલ્લે આવો રોગ” મધુ ગળગળો થઇ ગયો!!

બીજે દિવસે સવારે ઓપરેશન શરુ થયું. ચાર કલાક પછી ઓપરેશન પૂરું થયું.ઓપરેશન સફળ રહ્યું હતું. ડોકટર બોલ્યા.

“ બે કલાક પછી મંજુબેન ભાનમાં આવી જશે..!! ચિંતાની કોઈ વાત નથી તમે તમારા ઘરે સમાચાર આપી દ્યો” મધુ અને પ્રદીપે ગામડામાં અને સુરત સમાચાર આપી દીધા. આ બાજુ મધુના ઘરે સ્ત્રીઓ સવારની બેઠી હતી. સુરતથી મંજુની બેય દેરાણીઓ સવારથી જ ગામડે આવી ગઈ હતી. પોતાની જેઠાણીની ગામમાં કેટલી ઈજ્જત છે એ જોઇને એ આભી જ બની ગઈ હતી.

આ બાજુ બે કલાક થયા પણ મંજુએ આંખો ન ખોલી. ડોકટરને નવાઈ લાગી. સામાન્ય રીતે વધુમાં વધુ બે કલાકે તો પેશન્ટ ભાનમાં આવી જ જાય.

“કઈ તકલીફ નથીને ડોકટર સાહેબ”?? મધુ ચિંતાગ્રસ્ત અવાજે બોલ્યો.
“ ના કઈ તકલીફ નથી.પણ મગજમાં ગાંઠ હતી એટલે કદાચ દર્દીના સ્વભાવમાં થોડો ઘણો ફેરફાર થાય એવું મેં જોયેલું છે. મગજ એ કુદરતી રીતે ફીટ થયેલ હોય ત્યાં સુધી જ એ સારું કહેવાય. એક વાર એને ખોલો પછી એનું કઈ કહી ના શકાય. પણ આ કેસમાં તો એવું કશું જ નથી થયું થોડી રાહ જુઓ”!!
અને અરધી કલાક પછી મંજુએ આંખ ખોલી. બધાએ રાહતનો શ્વાસ લીધો.!! એકાદ દિવસના રોકાણ મંજુને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી.
“મારે જ્યુસ પીવું છે એ પણ મોસંબીનું જાવ લઇ આવો આમ મારી સામે શું કામ ઉભા છો.??” હોસ્પીટલની બહાર એક જ્યુસ સેન્ટર હતું એ તરફ જોઇને મંજુ બોલી. પ્રદીપ જ્યુસ લઇ આવ્યો મંજુ એ પી ગઈ અને વળી બોલી.

“ આ ગળ્યું જ્યુસ હતું મારે ખાટું મીઠું પીવું છે બીજું લઇ આવ્ય” બધા સામું જોઈ રહ્યા હતા. મધુ અને તેના ભાઈની સમજમાં આવી ગયું હતું કે જે ડોકટરે કીધું હતું કે મગજમાં કદાચ તકલીફ થાય અને સ્વભાવ કદાચ ફરી જાય આવા કિસ્સામાં!! મંજુનો સ્વભાવ ફરી ગયો હતો!! ગામ આખામાં વળી વાત થવા લાગી. મંજુ કાકી હવે બહુ બોલવા લાગ્યા છે.. ઘરમાં એ કહે એટલું જ થાય છે!!

અને પછી એવું જ થયું!! મંજુ કાકી હવે પહેલા જેવા મંજુ કાકી નહોતા રહ્યા!! હવે એ અચાનક જ બદલાઈ ગયા હતા. ઘરે મળવા આવતી સ્ત્રીઓને પણ આ અનુભવ થઇ ગયો હતો. એ હવે ખુબ ખુબ વાતો કરવા લાગ્યા હતા. દેરાણીઓ પર અને દિયર પર હુકમ ચલાવતા હતા.
“મારે મારા દીકરા લગ્ન અહી ગામડામાં કરવા છે. તમે વેવાઈને કહી દેજો.. એને અહી એને ગામ કરવા હોય તો ય વાંધો નથી અને સુરત કરવા હોય તો પણ આપણને વાંધો નથી.આપણે અહીંથી બે બસ ભરીને જાન લઇ જાવાની છે. આ ગામમાં બધા લગ્નમાં હું ગઈ છું. એટલે બધા જ મારા દીકરાના લગ્નમાં આવે એવી મારી ઈચ્છા ન હોય?? સુરત રાખીએ તો બધા ભાડા ખર્ચીને ન પણ આવી શકે અને બળ્યા એ સુરતના લગ્ન!! નાના એવા ગાળામાં લગ્નને માણવાનો ગાળો જ નથી રહેતો!! ઉભા ઉભા જ્યાં ત્યાં ભટકી ભટકીને ધક્કામુકીમાં ખાવા કરતા અહી ગામડામાં તમે બેસીને જમી તો શકો ને” મંજુ કાકીનું ફરમાન છૂટ્યું એટલે માન્યા વગર પાર જ નહોતો. મધુ હમણા જ દવાખાને જઈ આવ્યો હતો. જ્યાં મંજુનું ઓપરેશન થયું હતું. ડોકટરને મંજુના સ્વભાવ વિષે બધી જ વાત કરી હતી.ડોકટર આટલું જ બોલ્યા.

“ આ સ્વભાવ તો સારો કહેવાય. બાકી મગજનું કાઈ નક્કી નહિ. ઘણીવાર આવા ઓપરેશન કરાવેલા દર્દીઓ ગાળો જ બોલ્યા કરે. તમારે તો સારું છે કે એવું કશું નથી. સમય આવતા આવતા બધું જ ઠીક થઇ રેશે.. બાકી આની કોઈ જાતની દવા નથી આવતી.. સ્વભાવની દવા દુનિયામાં હજુ શોધાઈ નથી અને ક્યારેય શોધાશે પણ નહિ. તમારી પત્નીનો સ્વભાવ એ તમારા ભાગ્ય ઉપર આધાર રાખે છે” ડોકટર બોલ્યાં અને બોલતી વખતે મધુને એવું લાગ્યું કે ડોકટર નથી બોલતો પણ ડોકટરની બળતરા બોલે છે એનો અનુભવ બોલે છે.

“મારે લગ્ન વખતે આઠ હજારની ત્રણ ત્રણ સાડી લેવાની છે. અને હા બનારસીની સાથે સાથે બે દક્ષિણી પણ લેવાની છે અને ચણીયા ચોળી પણ આગલી રાતે દાંડિયા રાસ લેવા માટે અને તમે મને બે દિવસ પહેલા કહેતા હતા ને કે સુરત થી તારે માટે એક નવો કલરિંગ ફોન મંગાવ્યો છે એ ક્યારે આવવાનો છે કે પછી હું આ તમારો ફોન લઇ લઉં પછી હું પાછો નહિ આપું” મંજુ મધુને કહેતી હતી. બે દિવસમાં મંજુ માટે ફોન આવી ગયો.

બધાને ખબર હતી કે ઓપરેશન કરાવ્યા પછી મંજુનું મગજ ફરી ગયું છે એટલે એ કઈ પણ કહે કોઈએ ખોટું લગાડવું નહિ. એ જે કહે એ પ્રમાણે કરવું. બે ય નાના ભાઈઓએ પણ મોટાભાઈને કહી દીધું હતું.
“ભાઈ ભાભી કહે એમ જ કરવાનું છે. એ ક્યાં કોઈ ખોટી વસ્તુ કહે છે??. એની ઈચ્છા પ્રમાણે થાય એ એની તબિયત માટે સારું છે. એણે કોઈ દિવસ મોજશોખ નથી કર્યા. પોતાના માટે એ જીવ્યા જ નથી. બસ અત્યાર સુધી ઘર માટે જ જીવતા રહ્યા છે” બેય દેરાણીઓ હવે લગ્ન આવે ત્યાં સુધી ઘરનું કામ કરતી રહી. મંજુને મન થાય તો એ કામ કરે બાકી ટીવી જોવે.. મંજુ કાકીના હાથમાં રીમોટ હોય ત્યાં સુધી બીજા કોઈ ટીવી પાસે જાય પણ નહિ!!
“લગ્ન પછી પ્રદીપને કહી દે જો કે એક મહિનો એ ગામમાં રોકાઈ જાય..સુરત તો આખી જિંદગી કાઢવાની છે ને.. ગામની બધી બાયું મને કહી ગઈ છે એટલે રોજ બપોર પછી કેતકી સાથે મારે બે બે ઘરે ચા પીવા જાવાનું છે. અરજણ આતાના ફળીયાથી માંડીને વશરામઆતાના ફળીયા સુધી પોગતા પોગતા એક મહિનો નીકળી જશે.. કેતકી વહુ એક મહિનો તો મારી સાથે રહેશે. જ .પછી ભલે એ સુરત જઈને સુખી થાય!! અને તમે પેલો સુટ સીવાડ્યો કે નહિ.. હવે લગ્ન આંબી ગયા છે..આ વખતે લઘર વઘર નહિ હાલે” મધુ બસ સાંભળ્યા કરતો. મંજુ કાકી બોલ્યા કરતા.

બસ પછી તો માનસીના કપડા પ્રદીપથી નાના ભાઈના તમામ કપડા બધું જ મંજુ ખરીદી કરી આવી અરે લગ્નના રસોડાનો વહીવટ પણ એણે જ કર્યો.

“જુઓ બધા ધરાઈ ધરાઈને ખાવા દેવાનું છે એટલે નીચે બેસારીને જમાડવાના છે.તમારા આદમી આદમી ની કડય ભાંગી ગયું હોય અને ડોલ લઈને પીરસવાનું હવે ના ફાવે તો મને કહી દેજો મારી પાસે બાયુંની એક આખી ટુકડી છે પીરસવા વાળી અમે પીરસી દેશું!! મંજુ બધું આયોજન મધુને કહેતી. અને એ પ્રમાણે જ કરવાનું હતું.

અને ધામધુમથી લગ્ન થયા. અને વળી ગામડામાં જ ગોઠવાયા. મંજુ કાકી એના લગ્નમાં તૈયાર નહોતા થયા એટલા તૈયાર એના દીકરાના લગ્નમાં થયા હતા. પુરા પાંચ હજાર દઈને એણે બાજુના મોટા ગામમાંથી બ્યુટી પાર્લર વાળી બોલાવી હતી. એક એકથી ચડિયાતી સાડી અને મેચિંગ પર્સ અને ઉંચી એડીના સેન્ડલમાં શોભતી મંજુ કાકી મુંબઈના મહારાણી જેવા લાગતા હતા. પોતાની બહેનપણીઓ સાથે વારે વારે સેલ્ફીઓ લેતા હતા. ઘડીક બે આંગળી ઉંચી રાખીને સેલ્ફી લે તો ઘડીક મોઢું ત્રાંસુ કરીને સેલ્ફી લેતા હતા. પડોશમાં રહેતી અને કોલેજ કરતી છોકરીઓ પાસેથી એ ત્રણ દિવસમાં પૂરો મોબાઈલ સમજી ગયા હતા. ખાસ તો ફોટા કેમ પાડવા અને બીજાને કેમ મોકલવા એટલું જ એ શીખી ગયા હતા. બધા એને જોઇને આનંદ પામી ગયા હતા. લગ્ન પુરા થઇ ગયા પછી પોતાની વહુ સાથે ગામના તમામ ઘરે એ ચા પી આવ્યા હતા. બસ પછી તો બેમાંથી એક દેરાણીએ ચાર ચાર મહિના અહી દેશમાં રોકાવું એવું નક્કી થયું હતું. મંજુ કાકીની ઘરની સાર સંભાળ લેવા માટે શેરીમાં કોઈને કોઈ સ્ત્રી આખા દિવસમાં ગમે ત્યારે ઘરે આંટો મારી જતી હતી. ખેતીકામ લગભગ હવે ભાગીયાને આપી દીધું હતું.
બે મહિના વીતી ગયા પછી એક વાર પોતાના પતિ મધુની બાઈક પાછળ બેસીને મંજુ વાડીએ ગઈ અને પોતાના પતિને કહ્યું.

“આજ તમને એક વાત કહેવી છે. તમે એ કોઈને કહેશો નહિ તો જ મને વચન આપો”
“કોઈને નહિ કહું તું તારે જે કહેવું હોય એ કહે” મધુ બોલ્યો.

“હકીકતમાં મને કશું જ નથી થયું. મારો સ્વભાવ પહેલા જેવો જ છે. હું હોસ્પીટલમાં ભાનમાં આવી જ ગઈ હતી. ડોકટર તમને જે કહેતા હતા એ મેં સાંભળી લીધું હતું. ડોકટર તમને કહેતા હતા કે કદાચ દર્દીનો સ્વભાવ બદલી જાય ખરો. અને મને એમ થયું કે ચાલ ને આ મગજના બહાના હેઠળ મારો સ્વભાવ થોડો બદલી નાંખું!! શું થાય છે એ જોઈ લઉં!! મારે વરસોથી કેટલીક ઈચ્છાઓ હતી એ પાર પાડવી હતી. મારે દોડવું હતુંને ઢાળ મળી ગયો. દેરાણીઓને જેટલી ખબર પડેને એના કરતા મને વધારે ખબર પડે છે. મને પણ ઘણી વખત કહેવાની ઈચ્છા હતી પણ કદાચ બધા ને ખોટું લાગે ને નાના બે ય જુદા થઇ જાય તો!! કુટુંબ માટે મેં ઢસરડા કર્યા અને પછી એ કુટુંબ તૂટે એમાં શો સ્વાદ?? કુટુંબ તૂટે એ મારે કરવું નહોતું.. પણ આખરે તો હું ચંપામા નીચે તૈયાર થયેલ છુ એટલે એમાં ખામી શું હોય!! કોઈને પણ મનદુઃખ ન થાય એવો મારગ મેં શોધી લીધો છે. પણ એક વાતનો ખટકો હતો કે હું તમને છેતરી રહી છું. આજ તમને હું આ વાતની જાણ કરી દઉં છું કે હું આ નાટક કરું છું. અને સમયાંતરે હું આ નાટક આગળ શરુ રાખીશ. હા કોઈને આનાથી તકલીફ નહિ થાય. પણ મારે પણ જીવનના થોડા લ્હાવા હવે લેવા છે. હવે આપણો એક દીકરો તો પરણી ગયો. બે વરસ પછી બીજો પણ પરણી જશે.. બસ પછી એક માનસીને વળાવવાની છે!! ત્યાં સુધીમાં હું મારા વરસોથી ધરબેલા અભરખા પુરા કરી લઈશ. મહિના દિવસ પછી તમારે મને એક મહિનો હરિદ્વાર લઇ જવાની છે.. શું સમજયા” મધુ તો મંજુની સામે જોઈ રહ્યો અને પછી એનો હાથ પકડીને મરડીને બોલ્યો!!

“ તું જેટલી દેખાય છો એટલી ભોમાં છો હો મંજુડી”

“તે હોય જ ને તમારી મા નીચે તૈયાર થઇ છું..યાદ કરો તમારા મા ગામમાં છેલ્લે છેલ્લે શું કહેતા હતા કે મંજુએ તો મને મીણ કેવરાવી દીધું એટલી કામગરી છે, બસ અત્યાર સુધી જીવ્યા બીજાને માટે હવે આપણે આપણા માટે જીવવાનું છે બીજી બધી પળોજણ મુકીને બાકીના વરસો માણવાના છે. આપણે ક્યાં કોઈને નડ્યા છીએ પણ મારો આ સ્વભાવ બદલી ગયો છે એ બહાના હેઠળ હવે હું બધાને લાઈન દોરીએ અને સીધી પાટીએ ચડાવી દેવાની છું એ નક્કી છે. તમારે પેલાની જેમ મૂંગું જ રહેવાનું છે. કુટુંબના સારા માટે જ હું બધું કરીશ તમતમારે જોયા કરવાનું..”

રાત્રીના અંધકારના ઓળા ધરતી પર ઉતરી આવ્યા હતા. મધુની પાછળ મોટરસાયકલ પર બેસીને મંજુ ઘરે આવી.

બસ પછી તો દર છ છ મહીને મધુ અને મંજુ રામેશ્વરમ હોય કે પછી ઉજ્જૈન હોય!! ક્યાંકને ક્યાંક ફરતા હોય છે!! થાય એટલું ઘરનું કામ કરે ખેતી ભાગિયા કરે. ગામ લોકો વાતો કર્યે રાખે!!

“મંજુ કાકી એટલે મંજુ કાકી!! એના જેવું કોઈથી ન થવાય.. ભગવાને બીમારી તો આપી પણ પાછળ કેવું સુખ જોડી દીધું નહીતર બીમાર નહોતી ત્યારે જીવનભર સારો સાડલો નહોતો ભાળ્યો. પણ હવે ઈ જે બોલે એ હાજર થાય..મગજની ગાંઠનું ઓપરેશન કર્યા પછી જીભને વાચા ફૂટી કે ધડ દઈને બોલી નાંખે અને જે બોલે એ થાય જ બોલો આનું નામ ભાગ્ય કહેવાય!! સાચા માણસ બીમાર પડેને એમાય ભગવાન તમારી સામું જોવે બોલો!!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ ,હાશ શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.,મુ.પો. ઢસા ગામ તા .ગઢડા જી . બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks