આ વ્યકિત ઑફિસ જવા માટે દરરોજ પ્લેનમાં મુસાફરી કરે છે, કારણ જાણીને ચોંકી જશો
મોટાભાગના લોકો રોજિંદા જીવનમાં ઓફિસ જવા માટે જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરતા હોય છે, જયારે અમુક લોકો પોતાની ગાડી લઈને ઓફિસ જતા હશે પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ રોજ પ્લેનથી ઓફિસ જતું હોય!

હા, વાત સાવ સાચી છે, આ પૃથ્વી પર એક એવો વ્યક્તિ છે કે જે રોજ પોતાની ઓફિસ ફલાઈટથી આવે અને જાય છે. લોસ એન્જેલિસના કર્ટ વોન બડિંસ્કી વ્યવસાયે મિકેનિકલ એન્જીનીયર છે અને એક ટેક કંપનીના કો-ફાઉન્ડર પણ છે. તેમનું ઘર લોસ એન્જેલિસમાં છે અને તેમની ઓફિસ સાન ફ્રાન્સિસ્કોમાં છે. તે ચર્ચામાં રહે છે કારણ કે તે રોજ પોતાના ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે ફ્લાઈટમાં મુસાફરી કરે છે.

તે અઠવાડિયાના પાંચ દિવસ ઓફિસ જાય છે અને તેમના ઘર અને ઓફિસ વચ્ચેનું અંતર 568 કિલોમીટર છે, જે કાપતા તેમને ત્રણ કલાક થાય છે એટલે કે તેઓ રોજના છ કલાક મુસાફરીમાં કાઢે છે. રોજ સવારે ૫ વાગે ઉઠીને તેઓ 15 મિનિટનું ડ્રાઈવ કરીને એરપોર્ટ પહોંચે છે અને ત્યાંથી તેઓ ફ્લાઇટ પકડીને દોઢ કલાકની મુસાફરી કરીને ઓકલેન્ડ એરપોર્ટ પહોંચે છે અને ત્યાંથી કાર ડ્રાઈવ કરીને ઓફિસ પહોંચે છે. તેઓ ઓફિસ સવારે 8.30 વાગે પહોંચે અને પાછા સાંજે 5 વાગે ઓફિસથી ઘરે જવા નીકળે છે.

ફરીથી તેઓ એ જ રીતે ડ્રાઈવ કરીને એરપોર્ટ અને પછી ત્યાંથી પ્લેન પકડીને લોસ એન્જેલિસ આવીને ત્યાં મુકેલી પોતાની કાર ડ્રાઈવ કરીને પોતાના ઘરે પહોંચે છે. ફ્લાઇટના ભાડા તરીકે તેમને દર મહિને લગભગ દોઢ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. રોજ તેઓ 5 વાગે ઘરેથી નીકળે છે અને રાતે 9 વાગે ઘરે પહોંચે છે.

કર્ટે સિંગલ-એન્જીન ટર્બોપ્રોપ એરોપ્લેનની સર્વિસ લીધી છે, અને મહિને દોઢ લાખ રૂપિયા ભાડું ચૂકવે છે. પણ ખાસ વાત એ છે કે આટલા ભાડામાં તેઓ અનલિમિટેડ ટ્રાવેલ કરી શકે છે. પોતાની સર્વિસ હોવાને કારણે તેમને એરપોર્ટ પર સિક્યોરિટી ચેકમાંથી પણ પસાર થવું નથી પડતું. એટલે તેઓ એરપોર્ટ પર પોતાની કાર પાર્ક કરીને સીધા જ પોતાના પ્લેન તરફ જતા રહે છે. દોઢ કલાકની ફલાઇટ દરમ્યાન કર્ટ પોતાનું કામ કરતા રહે છે.

કર્ટનું કહેવું છે કે બીજા લોકો તેમને રોજ આ રીતે ફ્લાઇટ લઈને ઓફિસ જતા જોઈને ચોંકી જાય છે અને કોઈ તેમની વાતનો વિશ્વાસ નથી કરતું. રોજ આટલા દૂર સુધીની મુસાફરી કરવી થોડી અઘરી પડી જાય છે કારણ કે બંને શહેરો વચ્ચે ઘણું અંતર છે અને ત્યાંના વાતાવરણમાં પણ ઘણો ફરક હોય છે. ઘણીવાર એવું બને છે કે લોસ એન્જેલિસમાં તડકો હોય અને સાન ફ્રાન્સિસ્કોમાં ધુમ્મસિયું વાતાવરણ હોય.