કૌશલ બારડ લેખકની કલમે

મહારાજ,આખો હાથી જતો હોય તો એનો શણગાર ઉતારવાનો ના હોય! વાંચો એક રાજપૂતાણીએ ભાવનગર મહારાજને આપેલો જબરદસ્ત જવાબ

ભાવનગરના છેલ્લાં રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના નામ આગળ માત્ર મહારાજા કે રાજા નહી, પરંતુ ‘પ્રાત:સ્મરણીય’ જેવો પરમ આદરભાવી શબ્દ લગાડવામાં આવે છે. આ વાત પરથી સાફ જણાય આવે કે, કૃષ્ણકુમારસિંહજીએ કેટલી લોકચાહના મેળવી હશે?! ઉલ્લેખનીય છે કે, આઝાદ ભારતના સંધાણ માટે બધાં રજવાડાંને એકસંઘમાં વિલીન કરવાના દસ્તાવેજ પર પ્રથમ સહી ભાવનગર રાજ કૃષ્ણકુમારસિંહજીએ જ કરેલી.

કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલના મહારાજ ભોજરાજના દિકરી વિજયાકુંવરબા સાથે ૧૯૩૧માં થયેલાં. દેશ આઝાદ થયો અને કૃષ્ણકુમારસિંહજીએ વિલીનીકરણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યાં એ વખતનો એક પ્રસંગ જાણવા જેવો છે.

માનવામાં આવે છે કે, હસ્તાક્ષર કરતા પહેલાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર પટેલ પાસે થોડી ક્ષણોની પરવાનગી માંગેલી. મહારાજાએ કહેલ, “મને થોડી મિનીટોની પરવાનગી આપો તો મારે મહારાણી સાથે વાત કરવી છે.”

“મહારાજ! તમારે પરવાનગી લેવાની ના હોય. તમારે કારણે જ આ કાર્ય શક્ય બન્યું છે.” સરદાર ભાવુક થઈ ઉઠ્યાં. સરદાર પટેલ મહારાજાના ખાસ મિત્ર હતા.

એ પછી કૃષ્ણકુમારસિંહજી મહારાણી વિજયાકુંવરબાના કક્ષમાં ગયાં. મહારાણીને જણાવ્યું કે,

“રાજ્ય વિલીનીકરણના દસ્તાવેજો પર હું સહી કરું છું, એ સાથે જ રાજ્યની સંપત્તિ પણ હું સરકારને હસ્તક કરું છું.”

“મહારાજ! એ જ તો આપના સંસ્કાર છે. એમાં મને પૂછવાની શું જરૂર છે?” વિજયાકુંવરબાના મુખ પર ઓજસ્વી નારીના તેજ હતા.

“એમ નહી પણ તમે ગોંડલથી કરિયાવરમાં જે દાગીના ને સંપત્તિ લાવ્યાં છો તેના પર તો મારો કે રાજનો કોઇ હક્ક ના કહેવાય. એ તમારા પિયરની છે માટે એના પર આપનો જ અધિકાર છે. એટલે હું એમ કહેવા માંગું છું કે, એ સંપત્તિનું શું કરવું છે?”

એ વખતે ભાવનગર ધણીના આ પ્રશ્નથી મહારાણી મૃદુ હસી પડ્યાં અને એણે ઉત્તર આપ્યો,

“મહારાજ, આખો હાથી જતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ના હોય…!”

આને કહેવાય ખાનદાની..! લોહીમાં આવે છે આવી ખાનદાની, જેને મેળવવી દોહ્યલી હોય છે. મિત્રો! ખાસ વિનંતી છે કે, આ વાતો જો નાનપણથી જ તમારા સંતાનને દૂધ ભેગી પાશો તો ચોક્કસપણે એ કોલેજ જવા જેવડાં થશે ત્યાં સુધીમાં એ જાણી જશે કે, કેવો હતાં બાપદાદા..! કેવી હતી આ ધરતીની ખાનદાની! એક હાકલે આખું ભાવેણું કુરબાન કરી દેતાં મહારાજની વાતો કહેશો તો એનામાં ભવિષ્યમાં કોઇ નોધારાને પાંચ રૂપિયાં આપવાની પ્રેરણા થશે. થોથાંમાંથી ભણીને પેટીયું તો રળી લેશે પણ આ લોહીની વાતો તો તમારે જ રેડવી પડશે.

આર્ટીકલ સારો લાગ્યો હોત તો આપના મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. અને આવી જ વાતો જાણવા લેતાં રહો મુલાકાત આપણા પેજની. ધન્યવાદ!

લેખક: કૌશલ બારડ GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.