ખબર

હવે દેશમાં અહીં લાગ્યુ લોકડાઉન, 8 મેથી 16 મે સુધી સંપૂર્ણ લોકડાઉન

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેર પણ વધુ ઘાતક સાબિત થઇ રહી છે અને આ બધા વચ્ચે કેરળમાં પણ હવે સંપૂર્ણ લોકડાઉન લાગ્યું છે.

કોરોનાના વધતા કેસ વચ્ચે હવે કેરળ સરકારે લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. કેરળમાં 8મી મેથી સવારે 6 વાગ્યાથી 16મી મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ દરમિયાન ફક્ત જરૂરિયાતની સેવાઓને જ છૂટ મળશે.

કેરળમાં કોવિડ-19ના મામલામાં રોજેરોજ થઈ રહેલી વૃદ્ધિની વચ્ચે રાજ્ય સરકારે સ્થિતિનો સામનો કરવા માટે મેડિકલનો અભ્યાસ કરી રહેલા સ્ટુડન્ટ્સ અને સરકારી અધિકારીઓની તૈનાતી કરી કોરોના વાયરસ સંક્રમણની વિરુદ્ધ ઉપાયોને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે.

કેરળમાં બુધવારે કોવિડ-19ના 41,953 કેસ સામે આવ્યા હતા જે એક દિવસમાં સૌથી વધુ છે. મુખ્યમંત્રી પિનારાઇ વિજયને સ્થિતિને ગંભીર કરાર કરતાં કહ્યું કે, સંક્રમણને રોકવા માટે વધુ કડક પગલાં ભરવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 4,12,262 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 2,10,77,410 પર પહોંચ્યો છે. જેમાંથી 35,66,398 લોકો હજુ પણ સારવાર હેઠળ છે.

સમગ્ર દેશમાં લોકડાઉન અંગેના લોકોના સવાલ પર નીતિ આયોગના સભ્ય અને કોવિડ-19 ટાસ્કફોર્સના અધ્યક્ષ ડો.વી કે પોલને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે ખુલીને જવાબ આપ્યો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સંક્રમણની ચેઈન તોડવા માટે રાજ્યોને લોકડાઉન અંગે દિશાનિર્દેશ આપી ચૂકી છે.

તેમણે કહ્યું કે જ્યારે વાયરસનું સંક્રમણ વધે છે તો ચેઈન તોડવા માટે બીજા ઉપાયોની સાથે સાથે પબ્લિક મૂવમેન્ટ ઉપર પણ પ્રતિબંધ મૂકાય છે. તેને લઈને 29 એપ્રિલના રોજ એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જેમાં સંક્રમણ રોકવા માટે રાજ્યોને નિર્દેશ અપાયા હતા.

પ્રતિકાત્મક તસવીર

તેમણે વધુમાં કહ્યું કે રાજ્યોને કહેવાયું હતું કે આપણે ટ્રાન્સમિશન રોકવાનું છે અને જે વિસ્તારોમાં સંક્રમણ દર 10 ટકાથી વધુ છે ત્યાં નાઈટ કરફ્યૂ લગાવવામાં આવે. જો કે તે અંગે નિર્ણય રાજ્ય સરકારોએ લેવાનો છે.

આ ઉપરાંત સામાજિક, રાજનીતિક, ખેલ, ધાર્મિક કાર્યક્રમો પર રોક છે. શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા ઘર, રેસ્ટોરા, બાર, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વીમિંગ પૂલ, ધાર્મિક સ્થળ વગેરે બંધ રાખવાના નિર્દેશ અપાયા છે.