બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાનનું બુધવારે 54 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ મંગળવારે સવારે તેમના ઘરના બાથરૂમમાં પડી ગયા હતા. ત્યારબાદ તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ખૂબ ગંભીર હતી. ડોકટરોના જણાવ્યા અનુસાર, તેમની કોલન ઇન્ફેક્શનની સમસ્યા વધી ગઈ હતી.

ડિરેકટર શૂજિત સરકારે ઇરફાન ખાનના નિધનની જાણકારી ટ્વિટ કરીને આપી – મારો પ્રિય મિત્ર ઇરફાન. તું લડ્યો અને અને લડ્યો અને લડ્યો. મને હંમેશાં તારા પર ગર્વ રહેશે. આપણે ફરી મળીશું. સુતાપા અને બાબિલ પ્રત્યે મારી સંવેદના. તમે પણ લડાઈ લડી. સુતાપાએ આ લડાઈમાં જે તું આપી શકતી હતી, તે બધું આપ્યું. ઓમ શાંતિ. ઇરફાન ખાનને સલામ.
My dear friend Irfaan. You fought and fought and fought. I will always be proud of you.. we shall meet again.. condolences to Sutapa and Babil.. you too fought, Sutapa you gave everything possible in this fight. Peace and Om shanti. Irfaan Khan salute.
— Shoojit Sircar (@ShoojitSircar) April 29, 2020
બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેતાઓમાં સામેલ ઇરફાન ખાનના અચાનક જ ચાલ્યા જવાથી તેમના ચાહકો અને બોલીવુડના સેલેબ્સને આંચકો લાગ્યો છે. ઇરફાનને બે વર્ષ પહેલાં માર્ચ 2018 માં ન્યૂરો-ઇન્ડોક્રાઇન ટ્યુમર નામની બિમારી હોવાનું નિદાન થયું હતું. આ સમાચાર તેણે ખુદ ચાહકો સાથે શેર કર્યા છે.

તેમને કરીને જણાવ્યું હતું, ‘જીવનમાં અચાનક કંઈક એવું થઇ જાય છે કે જે તમને આગળ લઈ જાય છે. મારા જીવનના છેલ્લા કેટલાક દિવસો આવા જ રહ્યા છે. મને ન્યુરો ઇન્ડોક્રાઇન ટ્યુમર નામની બીમારી છે. પરંતુ, મારી આસપાસના લોકોના પ્રેમ અને તાકાતે મને આશા આપી છે.’ બીમારીની જાણ થતાં ઇરફાન ખાન સારવાર માટે લંડન ગયા હતા. તે ત્યાં લગભગ એક વર્ષ રહ્યા અને ત્યારબાદ એપ્રિલ 2019માં ભારત પાછા આવ્યા હતા. ભારત પાછા આવ્યા બાદ ઇરફાન ખાને અંગ્રેજી મીડીયમમાં કામ કર્યું હતું. પણ કોને ખબર કે આ ફિલ્મ ઇરફાન ખાનના જીવનની છેલ્લી ફિલ્મ સાબિત થશે.

જોકે ઇરફાન ડોકટરોને બતાવવા માટે લંડન આવતા-જતા રહેતા હતા. પરંતુ છેલ્લા દોઢ મહિનાથી ચાલતા લોકડાઉનને કારણે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તેથી, તેઓ મુંબઈની બહાર જઇ શક્યા ન હતા.
ઇરફાને ‘મકબુલ’, ‘લાઇફ ઇન અ મેટ્રો’, ‘ધ લંચ લોક્સ’, ‘પીકુ’, ‘તલવાર’ અને ‘હિન્દી મીડિયમ’ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને ‘હાસિલ’ (નેગેટિવ રોલ), ‘લાઇફ ઇન અ મેટ્રો’ (બેસ્ટ એક્ટર), ‘પાન સિંહ તોમર’ (બેસ્ટ એક્ટર ક્રિટિક) અને ‘હિન્દી મીડિયમ’ (બેસ્ટ એક્ટર) માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમને ‘પાન સિંહ તોમર’ માટે રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને કલાના ક્ષેત્રમાં દેશનો ચોથો સર્વોચ્ચ સન્માન પદ્મશ્રી પણ મળી ચુક્યો છે.
પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના…