રહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -2

0

હેશટેગ લવ (ભાગ-૨)

પહેલાં માળ ઉપર જ ત્રીજા નંબરનો રૂમ મારો હતો. મારા રૂમમાં કુલ ચાર બેડ હતાં, ત્રણ બેડ ઉપર થોડો થોડો સમાન રાખેલો હતો, અને ચોથો બેડ ખાલી હતો. તેની પાસે રાખેલા એક કબાટમાં તાળું ચાવી સાથે લટકાવેલું હતું. બાકીના બેડ પાસેના કબાટના તાળાં બંધ હતાં, એટલે મારો બેડ એજ છે એમ સમજી મારી બેગ મેં એ બેડ પાસે મૂકી. બીજો સમાન લેવા પાછી નીચે ગઈ. પપ્પા અને મમ્મીની નજર મારા રૂમ તરફ જ મંડાયેલી હતી. જેવી ગેલેરીમાં મને બહાર આવતાં જોઈ પપ્પા બીજી બેગ લઈને પગથિયાં પાસે આવી ગયા. ડોલ, ગાદલું, તકિયા, નાસ્તો, કપડાં બધો જ સમાન મેં ચાર વખત દાદરા ચઢી રૂમ સુધી પહોંચાડ્યો. સમાન ઉપર મૂકી જ્યારે હું નીચે આવી ત્યારે મારુ શરીર થાકી ગયું હતું. બેડમાં જ આડા પડી જવાનું મન હતું.પણ મમ્મી પપ્પાને નીકળવાનું હતું એટલે એમની સાથે થોડો સમય પસાર કરવો હતો. પપ્પાએ મારા ચહેરા પરનો થાક વાંચી લીધો. નીચે આવતાંની સાથે જ એમને મને બેસવા માટે કહ્યું. પપ્પા બહાર જઈ અને જ્યુસ લઈ આવ્યા. જ્યુસ પી અને મને પણ સારું લાગ્યું. હોસ્ટેલમાં રહેલી છોકરીઓ ગેલરીમાં આવી અમારી સામે જોઈ રહી હતી. મારા માટે એ સૌ ચહેરા નવા હતાં, હું અહીંયા રહી અને કોને કોને મિત્ર બનાવીશ એ મને નથી ખબર પણ થોડા જ સમયમાં આ બધાની સાથે હું ચોક્કસ જોડાઈ જવાની છું અને ક્યારેક કોઈ માતા પિતા પોતાની દીકરીને અહીંયા મુકવા આવશે ત્યારે આ લોકોની જેમ હું પણ ગેલેરીમાં ઊભી ઊભી એમને જોયા કરીશ. મારા આજના આ દિવસને એ દિવસે હું પણ યાદ કરતી હોઈશ જેમ આજે એ ગેલેરીમાં ઉભેલી છોકરીઓ મને જોઈ એમના મા-બાપ ને યાદ કરતી હશે.
એક કલાક સુધી હું મમ્મી પપ્પા સાથે બેઠી. પપ્પા મને હિંમત આપતાં રહ્યાં. મમ્મીએ મને સમયસર જમવાનું અને ભણવામાં ધ્યાન રાખવાની સલાહ આપી. જીવનમાં પહેલીવાર ઘર છોડીને આ રીતે હોસ્ટેલમાં હું રહેવા આવી હતી. મારા માટે બધું જ નવું હતું. પપ્પા મમ્મીનો જવાનો સમય આવ્યો ત્યારે મારી આંખોમાં આંસુ છલકી ઉઠ્યા. મમ્મી અને પપ્પાની આંખો પણ આંસુઓથી ભરાઈ આવી. જીવની જેમ સાચવેલી પોતાની દીકરીને અજાણ્યા શહેરમાં, અજાણ્યા લોકોની વચ્ચે એકલા મૂકતા એમને પણ દુઃખ થતું હતું. પણ મારા ઉજ્જવળ ભવિષ્ય માટે એ આંસુઓ પી, હસતાં મુખે મને વિદાય આપી ઘર તરફ જવા રવાના થયા.

હું મારી રૂમ તરફ મારા આંસુઓ લૂછતી પાછી ફરી રહી હતી ત્યારે ઓફિસના પટવાળાએ “મેડમ બોલાવે છે.” એમ કહ્યું. રૂમાલથી મોઢું બરાબર સાફ કરી હું ઓફિસમાં ગઈ. મેડમ મારી સામું જોઈ અને કહેવા લાગ્યા :
“આજ પહેલા દિન હૈ તો થોડી પરેશાની હોગી, મમ્મી પપ્પા કી યાદ ભી આયેગી, મગર કલસે સબ દોસ્ત યહાઁ બન જાયેંગે. ફિર અકેલા નહિ લગેગા, તુમ્હારે રૂમ મેં તીન લડકીયા હૈ, શોભના, સુસ્મિતા ઔર મેઘના. વૉ તીનો ગુજરાત સે હી હૈ ઈસી લિયે તુમ્હે ઉનકે સાથ અચ્છા લગેગા, શોભના દો સાલ સે ઔર સુસ્મિતા એક સાલ સે યહાઁ રહ રહી હૈ, મેઘના અભી પીંછલે મહિને ઈધર આઈ, મગર વૉ ઉન લોગો કે સાથ ઘુલમિલ ગઈ. તુમ ભી સબકે સાથ સેટ હો જાઓગી.”

હું ચૂપચાપ મેડમને બોલતાં સાંભળી રહી હતી. એ બોલતાં ત્યારે હું ફક્ત માથું હલાવી એમની વાતનો જવાબ આપી રહી હતી. મેડમે મને જમવાનો સમય જણાવ્યો અને મારી કોલેજના સમય વિશે મને પૂછ્યું. મેડમની એક વાતથી મને કંઈ ના સમજવા છતાં ઘણું બધું સમજાઈ ગયું. એમને કહ્યું :

“સિર્ફ કૉલજ હી જાના હૈ યા ફિર કૉલેજ કે બાદ કોઈ કામ ભી કરના હૈ ?”

મેં જવાબ આપ્યો.

“નો મેમ, મુજે સિર્ફ કૉલેજ મેં હી જાના હૈ, ઔર આકે પઢાઈમે ધ્યાન રખના હૈ.”

“ચલો ઠીક હૈ, પહેલે તો સભી લડકીયા યહીં કહેતી હૈ, મગર કુછ સમય કે બાદ ખર્ચ નિકાલને કે લિયે કુછ ના કુછ કામ મેં લગ હી જાતી હૈ, ચલો અભી ઉપર જાકે આરામ કરો, વૉ તીનો લડકીયા થોડીદેરમે આયેગી, બાકી કા તુમ ઉનસે શીખ લેના.”
મેડમની વાત હું બરાબર સમજી શકી નહોતી કે એ કેવા કામ વિશે કહી રહ્યાં છે. હું ફક્ત “જી મેમ” કહીને મારા રૂમ તરફ પાછી વળી. સાંજના ૭:૩૦ નો સમય થયો હતો.મારા સમાનને કબાટની અંદર ગોઠવી ગાદલાંને બેડ ઉપર પાથરી આડી પડી. મમ્મી પપ્પાને અને ઘરને યાદ કરવા લાગી. હોસ્ટેલની દીવાલો સાથે મારા ઘરની દીવાલોને સરખાવવા લાગી. બધું જ જુદું હતું. કાવ્યા કાવ્યા કહીને બોલાવતી મારી મમ્મીનો અવાજ મને દૂર દૂર સુધી ક્યાંય સંભળાવવાનો નહોતો, કાવું કાવું કહીને મને વ્હાલ કરતાં મારા પપ્પા મારી બાજુમાં નહોતા. રૂમમાં હું એકલી જ હતી. મમ્મી પપ્પા અને ઘરને યાદ કરી મારી આંખો ભરાઈ આવી. થોડીવાર તકીયાને વળગી રડતી રહી. રડતાં રડતાં ક્યારે મારી આંખ મીંચાઈ ગઈ મને ખબર જ ના રહી.

રૂમમાં થોડો અવાજ શરૂ થઈ ગયો હતો જેના કારણે મારી આંખ ખુલી. સામે જોયું તો ત્રણ છોકરીઓ વાતો કરી રહી હતી. મારા જાગવાથી એમને વાતો બંધ કરી અને મારી સામે જોવા લાગ્યા. એક છોકરીએ કહેવા લાગી :

“મોર્નિંગ થઈ તારી એમ ?”

અને બાકીની બે છોકરીઓ હસવા લાવી. હું પણ સહેજ હસી અને બેડમાંથી બેઠી થઈ અને કહ્યું :

“ટ્રાવેલિંગનો થાક લાગ્યો હતો અને કોઈ હતું નહીં એટલે કંટાળી સુઈ ગઈ.”

“અહીંયા તો એવું જ રહેવાનું ડિયર” બીજી છોકરી બોલી. ત્રીજી એ કહ્યું : “મેડમે અમને કહ્યું કે તમારા રૂમમાં એક ગુજરાતી છોકરી નવી આવી છે એને સાચવજો. શું નામ છે તારું ?”

“મારુ નામ કાવ્યા દેસાઈ, હું નડીઆદથી છું. અને તમે ?”
“હું શોભના. સુરતથી. આ સુસ્મિતા જામનગરથી અને આ મેઘના છે અમદાવાદથી.” શોભનાએ બધાનો પરિચય આપી કહ્યું “ચાલો હવે નીચે જમવા જઈએ. આજે મોડું થઈ ગયું છે નહીં તો ભૂખ્યા સુવાનો વખત આવશે. ત્યાં જ સુસ્મિતાએ શોભનાને કહ્યું :”તું છે ને અમારી લેડી ડોન.તું હોય ત્યાં સુધી અમારે થોડું ભૂખ્યા રહેવાનું થાય ડિયર ?” હું એ ત્રણેની મસ્તી બેડમાં બેઠા બેઠા જોઈ રહી હતી. એમની વાતોથી મને એટલું સમજાયું કે શોભના બધી રીતે પહોંચેલી છે. અને મને આ રૂમમાં જગ્યા મળી એ મારા માટે સારી બાબત છે.

જમવા માટે નીચે મેસમાં ગયા. અત્યાર સુધી ઘર બહાર હોટેલમાં કે કોઈ મંદિરમાં પ્રસાદી તરીકે જમવાનું થયું હતું. આજે પહેલીવાર હોસ્ટેલની મેસમાં જમવાનું હતું. ટી.વી.માં હોસ્ટેલના બોરિંગ જમવા વિશે જોયું હતું પણ આજે આ જમવાનું મારે જમવાનું છે. એ વિચારે જ મને કંઈ કંઈ થતું હતું. શોભના, સુસ્મિતા અને મેઘનાની સાથે હું પણ જમવાની લાઈનમાં ડિસ લઈ ઊભી થઈ ગઈ.
આજે જમવામાં ઈડલી સાંભર હતાં. જે મને પહેલેથી જ નહોતા ભાવતા. અને એમાં પણ હોસ્ટેલનું જમવાનું. ડિસમાં એક જ ઈડલી લીધી. સાંભર વિના જ કોરી ઈડલી લઈને હું આગળ આવી ગઈ. મેઘનાએ મારી ડિસ જોઈ. હસી અને કહેવા લાગી :

“અરે આ શું કાવ્યા ? એક જ ઈડલી અને તે પણ સાવ લુખ્ખી ખાઈશ ?”

હું કઈ બોલું એ પહેલાં જ શોભનાએ કહ્યું :

“આજે પહેલો દિવસ છે ને એટલે આવું થશે, ધીમે ધીમે તું પણ ટેવાઈ જઈશ. અમે નવા આવ્યા ત્યારે પણ આમ જ થતું હતું. પણ કેટલા દિવસ આમ ભૂખે રહેવાય ? અને આ તો મુંબઈ છે, અહીંના ખર્ચા પણ ના પોસાય.”

“હા, ડિયર. જે મળે એ ખાઈ લેવાનું, ભાવે કે ના ભાવે. હોસ્ટેલમાં રહીએ એટલે ટેસ્ટને ઘરે જ મૂકી દેવાના” સુસ્મિતાએ કહ્યું. સુસ્મિતાને ડિયર કહીને વાત કરવાની આદત છે એ પણ મને સમજાયું. એમના કહેવા છતાં મેં ફક્ત એક જ કોરી ઈડલી ખાઈ પાણી પી લીધું.
જમ્યા બાદ અમે પાછા અમારા રૂમમાં ગયા. રૂમમાં બેસી બધા પોતાની વાતો કરવા લાગ્યા. મારા વિશે પણ એમને ઘણી બધી વાતો પૂછી, મેં એમને મારા પરિવાર, મારા શોખ, મારા ભણવા વિશે જણાવ્યું, એમને પણ એમના ભણવા અને શોખ વિશે વાતો કરી. વાતોમાં જાણવા મળ્યું કે એ ત્રણેયની કોલેજનો સમય સવારનો છે, અને કૉલેજ બાદ એક કોલ સેન્ટરમાં ત્રણે સાથે જોબ પણ કરે છે. કૉલેજ છૂટી હોસ્ટેલમાં જમવા માટે અને કપડાં બદલવા માટે આવે. અને પછી બપોરે જોબ પર સાથે નીકળી જાય છે. મેડમની કામ કરવાની વાત મને હવે થોડી થોડી સમજાવવા લાગી હતી. મને પણ મેઘનાએ કહ્યું કે “તારી કૉલેજ પણ સવારની છે તો તું પણ અમારી સાથે જોબ કરવા આવી જા. થોડો હાથ ખર્ચો પણ નીકળી જશે. મારે આવ્યાને હજુ તો એક મહિનો જ થયો, હું પણ પહેલાં જોબ કરવાની ના કહેતી હતી, પણ પંદર જ દિવસમાં કૉલેજથી હોસ્ટેલ પર આવી આખો દિવસ કંટાળી જતી હતી એટલે મેં પણ જોબ શરૂ કરી દીધી.” મેં એ લોકોને “હું જોબ નહિ કરું, હોસ્ટલે ઉપર આવીને હું વાંચીશ” એમ જણાવ્યું. રાત્રે મોડા સુધી વાત કરી એ ત્રણ સુઈ ગયા.
શોભના, સુસ્મિતા અને મેઘના સાથે થોડી જ ક્ષણોમાં મારી મિત્રતા થઈ ગઈ. એ લોકો પણ ગુજરાતી હોવાના કારણે મને એમની સાથે ભળતાં વાર પણ ના લાગી. મને ઊંઘ નહોતી આવતી. બેડમાં પડી પડી વિચારી રહી હતી. બીજા દિવસે સવારે કૉલેજમાં જવાનું હતું. નવું શહેર, નવા લોકો, નવી કૉલેજ, નવો કલાસ બધું જ અહીંયા મારા માટે નવું હતું. મનમાં એમ પણ થતું હતું કે મુંબઈ ભણવા આવવાનો નિર્ણય મેં જાતે જ કર્યો છે. શું એ ખોટો તો નથી કર્યો ને ? મારા શહેરની આસપાસ પણ ઘણી કૉલેજો હતી, ઇચ્છતી તો ત્યાં મમ્મી પપ્પા સાથે રહી ને પણ ભણી શકી હોત. પણ મને અંદરથી જાણે મુંબઈ બોલાવી રહ્યું હતું અને હું આવી ચઢી અહીંયા. મારે બધા કરતાં કઈક અલગ કરવું હતું. શોભના, સુસ્મિતા અને મેઘના જેવી ચાલાક હું નથી, પણ મારે એ લોકો જેવું બનવું પડશે. મારે પાછું નથી જવું. અહીંયા આવી હું હવે કંઈક બનવા માંગુ છું. મારા સપનાઓને પૂરાં કરવા માગું છું. મારુ એક અલગ નામ કરવાની ઈચ્છા સાથે જ મેં મુંબઈની પસંદગી કરી હતી. કંઈપણ થશે હું અહીંયા રહીશ. આજે પહેલો જ દિવસ હતો. દિવસ પણ ક્યાં હતો ? માત્ર ગણતરીના કલાકો મારા આવ્યાને થયા છે. પણ હું કરી લઈશ. મારી જેમ જ દૂર દૂરથી આવીને બધા અહીંયા સેટ થઈ ગયા છે તો હું કેમ નહિ થાઉં ? ઘણાં હકારાત્મક અને નકારાત્મક વિચારો મારા મનમાં ચાલી રહ્યાં હતાં. પણ બધા વિચારોની વચ્ચે મારે અહીંયા જ રહેવાનું છે એમ નક્કી કરી સુવાનો પ્રયત્ન કરવા લાગી.

(કેવો રહેશે કાવ્યાનો કૉલેજનો પહેલો દિવસ ? શું કાવ્યા ટકી શકશે આ શહેરમાં ? કયું સપનું લઈને કાવ્યા મુંબઈમાં આવી હતી ? જાણવા માટે વાંચતા રહો “હેશટેગ લવ”ના હવે પછીના પ્રકરણો…)

ભાગ 1 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 1
ભાગ 3 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 3

લે. નીરવ પટેલ “શ્યામ”
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here