પહેલી ગુજરાતી ફિલ્મ, જેમાં કોઈ અભિનેતા નથી પરંતુ 9 અભિનેત્રીઓ શરૂઆતથી અંત સુધી દર્શકોને જકડી રાખે છે, વાંચો “હલકી ફુલકી” ફિલ્મ રીવ્યુ

સિનેમા જગતમાં દર વર્ષે ઢગલાબંધ ફિલ્મો બનતી હોય છે, બોલીવુડથી લઈને ઢોલીવુડ સુધી અલગ અલગ વિષયો ઉપર ફિલ્મો બની અને થિયેટર સુધી આવતી હોય છે. છેલ્લા દોઢ-બે વર્ષથી કોરોનાના કારણે થિયેટરમાં કોઈ ફિલ્મ રિલીઝ થઇ નહોતી, પરંતુ આ વર્ષે ઘણી બધી ફિલ્મો પડદા ઉપર પ્રસારિત થઇ રહી છે.


ગઈકાલે શુક્રવારના રોજ એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ રિલીઝ થઇ જેનું નામ છે “હલકી ફુલકી” Halkie Fulkee આ ફિલ્મ જોવાની એટલા માટે પણ આતુરતા હતી કે આ ફિલ્મમાં કોઈ મુખ્ય અભિનેતા નહોતો પરંતુ આ ફિલ્મમાં 9 અભિનેત્રીઓ હતી અને તમામ અભિનેત્રીઓ મુખ્ય કિરદારમાં જોવા મળી હતી. ત્યારે આ ફિલ્મ જોવાનું એક નહિ પરંતુ અનેક કારણો છે.

“હલકી ફુલકી” Halkie Fulkee ફિલ્મની વાર્તા અને ડાયરેક્શન (Jayant Gilatar) જયંત ગિલાટરના હાથે થયું છે. તો ફિલ્મને યુવા પ્રોડ્યુસર શત્રુજ્ઞસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું છે. ગઈકાલે 17 ડિસેમ્બરથી આ ફિલ્મ દર્શકો માટે થિયેટરમાં રિલીઝ કરવામાં આવી, જેનું મોટાભાગનું શૂટિંગ રાજકોટમાં થયું છે અને થોડું શૂટિંગ જામનગરમાં પણ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં આમ તો 10 અભિનેત્રીઓ છે પરંતુ 9 અભિનેત્રીઓ તમને લીડ રોલમાં જોવા મળશે. જેમાં નેહા મહેતા, આનંદી ત્રિપાઠી (Aanandee Tripathi), જયકા યાજ્ઞિક, ભાવિની ગાંધી, રચના પકાઈ, માનસી જોશી, પૂર્વી દેસાઈ, સાત્વી ચોક્સી, દિશા ઉપાધ્યાય સાથે આંચલ શાહ પણ છે. આ બધા ઉપરાંત અભિનેત્રી કિંજલ રાજપ્રિયાએ ગીતમાં ગેસ્ટ એપીરીયન્સ પણ આપ્યું છે.

ફિલ્મની વાર્તા પણ દરેક વ્યક્તિના હૃદયના ઊંડાણ સુધી પહોંચી જાય તેવી છે કારણ કે આખી ફિલ્મ કોઈ એક વ્યક્તિ ઉપર કે કોઈ એક જ પાત્ર ઉપર કેન્દ્રિત નથી પરંતુ નવ અભિનેત્રીઓ તેમના જીવનની એક એવી કહાની લઈને આવે છે, જે દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલી હોય શકે છે. આ ફિલ્મ જોતા આ નવ અભિનેત્રીઓના પાત્રોમાંનું એક પાત્ર તમે તમારું ખુદનું પાત્ર છે એવો ચોક્કસ અનુભવ કરી શકશો.

હલકી ફુલકી ફિલ્મ તમને પેટ પકડીને હસાવશે પણ ખરી અને કેટલાક દૃશ્યોમાં તમારી આંખોના પોપચાં ભીના પણ કરશે. ઘણા લોકોને એમ થતું હશે કે આ ફિલ્મ માત્ર સ્ત્રીઓને જ અનુલક્ષીને બની હશે, પરંતુ એવું નથી, આ ફિલ્મ જોનારા દરેક પુરુષને પણ કંઈક અલગ જાણવા મળશે, તમારા ઘરમાં રહેલી તમારી બહેન, માતા, દીકરીને પણ તમે આ ફિલ્મની કહાની દ્વારા સારી રીતે સમજી શકશો.

આ આખી ફિલ્મ રાજકોટની એક સોસાયટીના મહિલા વૉટ્સએપ ગ્રુપ(કીટી પાર્ટી) ઉપર આધારિત છે, જે થોડા થોડા સમયે મળે છે, આનંદ માણે છે, પોતાના સુખ દુઃખની વાતો શેર કરે છે. એક બીજા સાથે મજાક મસ્તી કરે છે અને જીવવને સાચી રીતે જીવી જાણે છે. એવું પણ નથી કે આ ગ્રુપમાં ફક્ત ઊંચા ઘરની સ્ત્રીઓ જ છે. આ ગ્રુપમાં બેકગ્રાઉન્ડ નહીં પરંતુ દિલનું ગ્રાઉન્ડ જોવા મળે છે.

આ ફિલ્મ એક અલગ સંદેશ પણ આપે છે, ખાસ કરીને આજના બાળકો જે દિશા તરફ જઈ રહ્યા છે તેમને પણ એક મોટી સમજ આપી જાય છે. આ ફિલ્મમાં જોવા મળતું આંચલ શાહનું પાત્ર આજની યુવા પેઢીનું સુંદર ચિત્રણ રજૂ કરે છે. આંચલ પણ આજના ઘણા યુવાનોની જેમ ખોટા રસ્તા તરફ વળી જાય છે. પરંતુ તે ખોટા રસ્તે કેમ જાય છે તેની પણ કહાની અધભૂત રીતે રજૂ થઇ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ફિલ્મ હોય તો ગીતો તો હોવા જ જોઈએ. ત્યારે “હલકી ફુલકી” ફિલ્મમાં પણ ત્રણ ગીતોનો જોવા મળે છે. જેમાં તેનું ટાઇટલ સોન્ગ તો એકવાર સાંભળ્યા પછી ગણગણવાનું મન થાય. બીજું એક ગીત ચાનો નશો ચઢાવી દે તેવું છે તો ત્રીજું ગીત ક્લબની અંદર તમારા પગને પણ થરકતા કરી દેશે. ગીતોનું સંગીત પણ ખુબ જ શાનદાર છે જે તેના લય અને તાલ સાથે તમને જકડી રાખશે.

કુલ મળીને કહીએ તો આ ફિલ્મ સહ પરિવાર સાથે જોવા લાયક એક ખુબ જ સરસ ફિલ્મ છે. ગુજરાતી સિનેમામાં આજ સુધી 9 અભિનેત્રીઓ અને તે પણ લીડ રોલમાં જોવા મળતી હોય તેવી આ પહેલી ફિલ્મ છે. જેમાં આજના સમાજની, આજની સ્ત્રીની વાત કરવામાં આવી છે. ફિલ્મ વિશે જો વધુ જાણવા માંગતા હોય તો એકવાર સિનેમા ઘરમાં જઈને રૂબરૂ નિહાળી આવો. તમે પણ ખુશ થઇ જશો અને તમારો પરિવાર પણ હલકી ફુલકી મુવી જોઈને હલકો ફુલકો બની જશે.

Niraj Patel