ગુજરાતમાં ઘણા એવા ગામો છે કે જેને જોઈને લાગે જ નહિ કે આ ગામડાં છે. ગુજરાતના ઘણા ગામો એવી રીતે વિકાસ પામ્યા છે કે આ ગામમાં ચોખ્ખા રસ્તાઓ, વાઇફાઇ, સોલાર પેનલ્સ અને ઘરે-ઘરે પીવાનું પાણી આવવા લાગ્યું છે. ત્યારે આ ગામોને જોઈને લાગે કે હવે તો આ ગામો પણ શહેરને ટક્કર આપવા લાગ્યા છે અને આદર્શ ગામ બનવા લાગ્યા છે.

આજે વાત કરીએ મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાનું હાંડીયા ગામ વિશે કે જે આ તાલુકાના 62 ગામોમાંથી સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની અદ્યતન સુવિધાઓથી વિકાસ પામેલું પ્રથમ નંબરનું ગામ ગણાય છે. એક આદર્શ ગામમાં હોવી જોઈએ તેવી તમામ સુવિધાઓ હાંડીયા ગામમાં છે. મુખ્યત્વે બારોટની વસ્તી ધરાવતા આ ગામને બાલાસિનોરના નવાબ સરકારે ઇનામમાં ભેટ આપ્યું હતુ.

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાનું અંદાજે 2000 લોકોની વસ્તી ધરાવતું હાંડીયા ગામ સમગ્ર રાજ્યમાં ઉચ્ચ સ્થાને છે. આ ગામના સરપંચના અથાગ પ્રયત્નો અને ગામ લોકો-સરકારના સહકારથી આ ગામે પ્રગતિ કરી છે. આ ગામ સુખ-સુવિધા અને સગવડો જેવી અનેક બાબતે માપદંડ પણ બન્યું છે.

હાંડીયા ગામમાં બારોટ, પ્રજાપતિ, સુથાર, વાળંદ, પંચાલ વગેરે જ્ઞાતિના લોકો હળીમળીથી રહે છે. હાંડિયા ગામની અંદાજે 2 હજારની વસ્તીમાં 200 ઘર છે. આ ગામમાં 150થી વધુ શિક્ષકો, ડોક્ટરો, એન્જિનિયરો, ઈન્ડીયન આર્મી, પ્રોફેસર તેમજ ક્લાસ 1-2 અધિકારીઓ છે, જે ગામ અને જિલ્લામાં જિલ્લામાં તેમજ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવે છે. ટૂંકમાં આ ગામમાં ભાગ્યે જ એવું ઘર હશે જે જે નોકરીથી વંચિત હોય.

હાંડીયા ગામમાં સામાન્ય ઝઘડાને વડીલો ઉકેલે છે. અત્યાર સુધી આ ગામમાં FIR નોંધાઇ નથી. આ ગામ 100 ટકા સાક્ષર છે, કુપોષણ મુક્ત છે. ગામમાં બધા ઘરો ગટર સાથે જોડાયેલા છે અને 100 ટકા શૌચાલયો છે. શૌચાલયનું બાંધકામ મજબુત અને આકર્ષક છે. ગામના દરેક ઘરોમાં અપોતાનું ગેસ કનેક્શન છે, એટલે કે ગામ સંપૂર્ણપણે ધુમાડા રહિત છે. ગટરલાઇનની વ્યવસ્થા છે અને ગામમાં ગંદકી ક્યાંય જોવા મળતી નથી.

ગામમાં પીવાના પાણી માટે સામુહિક મલ્ટી આરો પ્લાન્ટ પણ હાલ કાર્યરત છે, જેમાંથી ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી વિનામુલ્યે આપવામાં આવે છે અને ઘર વપરાશનું પાણી પણ દિવસમાં 2 વાર આપવામાં આવે છે. ગામમાં 50 જેટલાં CCTV નાઈટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા છે.

ગામ આખામાં અને બહાર પણ બે કિલોમીટર સુધી વાઈફાઈની સુવિધા છે. ગામના દરેક ચાર રસ્તા પર અને આખા ગામમાં સોલાર સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા છે, જેથી અંધારું થતા જ આખું ગામ સોલાર ઉર્જાથી ચાલતી એલઇડી લાઇટ્સથી ઝગમગી ઉઠે છે.

ગામના દરેક રસ્તાઓ આરસીસીના બનાવવવામાં આવ્યા છે. જેથી તમને ગામમાં કશે પણ ધૂળ કે માટી નહિ જોવા મળે. સાથે જ રસ્તાની બંને બાજુએ કુંડાઓ અને ક્યારીઓમાં થોડા થોડા અંતરે છોડવાઓ વાવ્યા છે. ઘરેથી ખેતર પણ જવુ હોય અને પગમાં ચંપલ પણ ન હોય તો પણ તમારા પગમાં કાંટો કે કાંકરો ચુંભે નહી એવા રસ્તાઓ છે. ગામમાં એક પણ જગ્યાએ ઘર કે ઘરની આસપાસ ઉકરડો નથી.

હાંડિયા ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પોસ્ટ ઓફિસ, દૂધ મંડળી અને અધતન ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ છે. ગામમાં સીસીટીવીથી સજજ પંચાયત ઘર, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા છે. તેમજ બાળકો માટે આધુનિક સાધનો સાથે પ્લેસ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે.

પંચાયત દ્વારા ગામ માટે પોતાનુ ફોગીંગ મશીન વસાવવામાં આવ્યું છે, જેનો ઉપયોગ અવારનવાર કરવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા ગામ લોકોના મનોરંજન માટે ગામમાં ઓપન એર થીયેટર પણ બનાવવામાં આવ્યુ છે. ગામના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે વધુ સંકળાયેલા છે.

માહિતી અનુસાર, આ ગામમાં છેલ્લા 15 વર્ષથી એક પણ સુવાવડ ઘરે નથી થઇ. ગામમાં શારીરીક કસરત માટે કસરતના તમામ સાધનો સરપંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેના કારણે ગામના લોકોને કસરત કરવાની એક નવી આદત પડી ગઈ છે. ગામમાં વિશાળ પાર્ટીપ્લોટ છે, જેમાં ગામના સાંસ્કૃતિક કાર્યક્રમો અને સારા નરસા પ્રંસગોની ઉજવણી થાય છે.

એટલું જ નહીં ગામમાં પબ્લિક એડ્રેસીંગ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેમાં ગામના ઘરે ઘરે સંભળાય તેવી સાઉન્ડ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેના દ્વારા સરકારી યોજનાઓ કે લોકઉપયોગી કામોની જાહેરાત કરવામાં આવે છે. આ ઉપરાંત ગામના સરપંચ દુનિયાના કોઈ પણ ખૂણેથી ગામલોકોને સંબોધી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

ગામના લોકોએ 8 હજારથી વધુ સરગવા અને સાગના વૃક્ષો પણ વાવ્યા છે અને પર્યાવરણ પ્રત્યે પોતાની ફરજ અદા કરી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.