દિલધડક સ્ટોરી નારી વિશે નીરવ પટેલ પ્રસિદ્ધ રસપ્રદ વાતો લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન

ઘર છૂટ્યા ની વેળા.. ભાગ – ૧ થી ૨૫

ભાગ ૧


રોહન : “હેલ્લો, અવંતિકા”

અવંતિકા : “હા બોલ, પપ્પા બાજુની રૂમમાં જ છે એટલે ધીમે થી વાત કરી રહી છું.”

રોહન : “ઓકે વાંધો નહી, પણ આજે રાત્રે બાર વાગે તું નીચે આવી જજે, થોડે આગળ જ વરુણની કારમાં હું તારો વેઇટ કરીશ, બસ આજનો જ દિવસ પછી હંમેશને માટે આપણે એક થઇ જઈશું. અને હા, તારા બધા જ ડોક્યુમેન્ટ લઈને આવજે, કઈ ઘરે રહી ના જાય.”

અવંતિકા : “ઓકે, બધું જ મેં રેડી કરી લીધું છે, પણ મને ડર લાગે છે, પકડાઈ જઈશું તો ?”

રોહન : “કઈ નહી થાય, તું ચિંતા ના કર, બસ તું ગમેતેમ કરી ઘરની બહાર નીકળી જા, આગળ હું સાચવી લઈશ, બસ આજની તારી થોડી હિંમત આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવી દેશે. પછી આપણે ક્યાંક દૂર ચાલ્યા જઈશું, જ્યાં કોઈ જ ઓળખીતું નહી હોય, જ્યાં આપણને કોઈનો ડર નહિ હોય, માત્ર હું અને તું.”

અવંતિકા : “રોહન, જે આપણે કરી રહ્યા છે તે યોગ્ય તો છે ને ? મારા મમ્મી પપ્પા મને ખુબ જ પ્રેમ કરે છે, એ મારા વગર કેવી રીતે રહી શકશે ? માન્યું કે તારું ફેમેલી મારા જેટલું સક્ષમ નથી અને આપણી જ્ઞાતિ અલગ છે એટલે લગ્ન થવા શક્ય નથી ? પણ તોય મનમાં એક ડર સતત સતાવ્યા કરે છે.”

રોહન : “તું અત્યારે એ બધું ના વિચાર અને આપણે થોડો સમય સાથે રહીશું એટલે એમને પણ તારી ખોટ લાગશે, અને આજે નહિ તો કાલે એ આપણા સંબંધને સ્વીકારી લેશે, દરેક માં બાપ પહેલા આવું જ કરતા હોય છે પણ સમય જતાં એ સ્વીકારી જ લે છે, અને એમ પણ તું એમની એકની એક દીકરી છું, માટે તને બહુ જલ્દી માફ કરી દેશે. અને તું જોજે એ તને સામેથી લેવા માટે આવશે. તને મારી ઉપર વિશ્વાસ છે ને ?”

અવંતિકા : “હા, મને તારી ઉપર પૂરે પૂરો વિશ્વાસ છે. સારું હવે હું ફોન મુકું છું, થોડો સમય હવે મારા ફેમેલી સાથે વિતાવી લઉં, પછી ખબર નહિ ક્યારે એ સમય પાછો મળશે ?”

રોહન : “ઓકે, હું બરાબર ૧૨ વાગ્યે તારા ઘરથી થોડે જ દૂર તારી રાહ જોઇશ, લવ યુ બાય.”

ફોન મૂકી અવંતિકાએ પોતાના ફેમેલી સાથે સમય વિતાવવા લાગી, ઘરમાં કોઈને પણ અણસાર નાં આવ્યો કે અવંતિકા આ ઘરમાં માત્ર થોડા જ સમયની મહેમાન છે, પોતાનાને છોડી હવે તે કાયમ માટે બીજા કોઈ પારકા વ્યક્તિને પોતાનો કરી એની સાથે જોડાઈ જવાની છે.

રોહન પણ બધી તૈયારી કરી ચુક્યો હતો, તેને તો માત્ર રાત્રે ૧૨ વાગે એની રાહ જોઇને જ બેઠો હતો, સમય પણ આજે કીડીવેગે પસાર થઇ રહ્યો હતો, કેટલીકવાર તો એને ઈચ્છા થઇ કે ઘડીયાળના કાંટા પોતાના હાથથી ફેરવી નાખી બાર વગાડી દઉં, પણ સામે અવંતિકાના ઘરમાં પણ બાર નહિ વાગે એ વિચારે એ બેસી રહ્યો, રાત્રે નવ વાગ્યાથી એ વરુણ પાસે જતો રહ્યો, રોહનના ઘણાં મિત્રોમાં વરુણ એનો સૌથી ખાસ મિત્ર હતો, અને એને પોતાની કાર પણ હતી, બધી જ વ્યવસ્થા વરુણે જ ગોઠવી આપી હતી.

રોહન અને વરુણ બેઠા બેઠા પોતાના પ્લાનિંગ ને રીપીટ કરી રહ્યાં હતા. અવંતિકાના ઘરેથી કાર સીધી એમને સ્ટેશન ઉતારી દેશે અને ત્યાંથી ટ્રેનમાં એ સીધા જ ચંડીગઢ જવા રવાના થવાના હતા, ત્યાં વરુણના એક મિત્રએ થોડા દિવસ રહેવા માટેની વ્યવસ્થા પણ કરી લીધી હતી, રોહન પાસે પૂરતા પૈસા પણ નહોતા પણ વરુણે શક્ય તેટલી તમામ મદદ કરી હતી. અવંતિકા અને રોહન બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા, કૉલેજના કેટલાક મિત્રોએ પણ થોડીઘણી મદદ કરી હતી, અને સહકાર આપ્યો હતો, પણ રોહન અને અવંતિકા ક્યાં જવાના છે તે તો માત્ર વરુણ જ જાણતો હતો.

રોહન વારે વારે સમય ચેક કરતો હતો, બરાબર અગિયાર વાગ્યા, અવંતિકાને મેસેજ કર્યો, “તું તૈયાર છું ને ?” જવાબ આવ્યો, “હા, ઘરે બધા જ સુવા માટે જતાં રહ્યા છે, હું પણ મારા રૂમની લાઈટ બંધ કરી અને બેડમાં જ છું, બાર વાગે નીકળી જઈશ,”

સાડા અગિયાર વાગે રોહન અને વરુણ કાર લઈને અવંતિકાના ઘર તરફ નીકળ્યા, ઘરથી થોડે દૂર કાર ઉભી કરી અને બંને અંદર જ બેસી રહ્યા, અવંતિકા તેના નિર્ધારિત સમયે પોતાની બેગ લઇ ચોર પગે રૂમની બહાર નીકળી, બેગ સોફા ઉપર મૂકી મમ્મી પપ્પાના રૂમ પાસે ગઈ, બંને મીઠી ઊંઘ માણી રહ્યાં હતાં. ઘરના મંદિરમાં પગે લાગી પોતે કરી રહેલી ભૂલની માફી માંગવા લાગી, અને પછી બેગ લઈ ધીમેથી ઘરની બહાર નીકળી ગઈ, રોહનને મેસેજ કરી દીધો કે હું નીકળી ગઈ છું, વરુણે કાર સ્ટાર્ટ કરી દીધી, અવંતિકાને આવતી જોઈ પાછળની સીટ માં બેઠેલા રોહને દરવાજો ખોલ્યો અને અવંતિકા એક ડર સાથેના હાસ્ય સાથે કારમાં પ્રવેશી.

રોહન સાથે ભેટતા અને અવંતિકા સાથે હાથ મિલાવતા રેલ્વે સ્ટેશન ઉપર વરુણે કહ્યું : “wish you happy journey & happy marriage life.” રાત્રીનો સમય હતો અને સ્ટેશન ઉપર થોડા જ માણસો હતો, એક ખાલી બેંચ ઉપર રોહન અને અવંતિકા બેઠા, અવંતિકાએ માથું રોહનના ખભા ઉપર મૂકી દીધું અને મૌન બની ગઈ. રોહને પૂછ્યું : “શું થયું કેમ કઈ બોલતી નથી ?” અવંતિકા કઈ જ બોલી નાખી શકી, ગાલ ઉપર આવેલું આંસુ લુછી પ્લેટફોર્મની સામે જ જોઈ રહી. રોહને ફરી પ્રશ્ન ના પૂછ્યો, પણ એના જ પ્રશ્નનો જવાબ પોતે જ આપી દીધો. : મને ખબર છે, તારા માટે પરિવારથી દૂર થવું મુશ્કેલી ભર્યું છે પણ તું તારી ખુશીનું તો વિચાર, તારા મમ્મી પપ્પા તને સારા ઘરના કોઈ પૈસાવાળા છોકરા સાથે પરણાવી ને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઇ જાત પણ એ છોકરો તને મારા જેટલો પ્રેમ નાં આપી શકતો, ભલે મારી પાસે અત્યારે પુરતા પૈસા નથી પણ તને હું ખુશ રાખી શકીશ, પૂરે પૂરો પ્રેમ આપીશ, અને પૈસા કરતાં પ્રેમ આ દુનિયામાં ઘણો મહત્વનો છે. તું ચિંતા ના કર બધું જ સારું થઇ જશે.” ટ્રેન આવી અને બંને પોતાના સ્થાન ઉપર બેસી ચંડીગઢ તરફ રવાના થયા.

સવાર થતાં અવંતિકાના ઘરે ખબર પડી કે અવંતિકા ઘરમાં નથી, એની શોધખોળ શરુ થઇ, તેના નંબર ઉપર ફોન કરવામાં આવ્યો પણ ફોન તેના બેડ પાસે જ પડેલો મળ્યો, અને તેના મમ્મી પપ્પાને ચિંતા વધવા લાગી. તેની મિત્રોને ફોન કરી તપાસ કરવામાં આવી પણ એ લોકો પણ નથી ખબર નો જવાબ આપી દીધો. અવંતિકાના મમ્મીની આંખો ચોધાર આંસુએ રડવા લાગી બાળપણથી લઇ અને વીસ વર્ષ સુધી જે દીકરીને હથેળી ઉપર રાખી હતી એ દીકરીના કોઈ સમાચાર ના હોવાથી અવંતિકાની મમ્મીનું દુઃખી થવું સ્વાભાવિક હતું. એના પપ્પા એ પણ શક્ય એટલા તમામ પ્રયત્નો કર્યા પણ કોઈ ખબર ના મળી, અવંતિકાના મમ્મી ને છેલ્લો રસ્તો ઈશ્વર પાસે દેખાયો અને તે ઘરમાં રહેલા ભગવાનના મંદિર પાસે હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા, ત્યાં જ એમને એક પત્ર દેખાયો. પત્ર ખોલતા જ અવંતિકાના હસ્તાક્ષર ઓળખી ગયા. અને તરત પોતાના પતી પાસે આવી એ વાંચવા લાગ્યા.. :

“પ્રિય મમ્મી, અને વહાલા પપ્પા.

જીવનમાં પહેલીવાર એક એવું પગલું ભરી રહી છું જેને કદાચ તમે નહિ સ્વીકારો, આજ સુધી તમે મને મારા જીવનની દરેક ખુશી આપી છે, મને કોઈ વસ્તુ માત્ર ગમી હોય તો પણ તમે તે મારા માટે લઇ આવ્યા છો, મને જીવનમાં ક્યારેય કોઈ દુઃખ થાય એવું તમે નથી કર્યું, પણ આજે મારે જે જોવતું હતું એ તમે મને આપી શકવાના નથી, માટે મારે આ પગલું ભરવું પડ્યું છે, તેના માટે હું આપની કસુરવાર છું.

હું મારી કૉલેજના એક છોકરાને ખુબ જ પ્રેમ કરું છું, પણ એ છોકરો આપણી જ્ઞાતિ નો નથી, કે આપણા જેટલા પૈસા વાળો પણ નથી, પણ એ મને ખુબ જ પ્રેમ કરે છે, કદાચ હું એને નહિ મળું તો એ જીવી નહિ શકે, માટે હું એની સાથે જઈ રહી છું, મેં ઘણીવાર તમને આ વાત કહેવાનું વિચાર્યું પણ મને ડર લાગતો હતો, જો હું તમને કહીશ અને તમે ના કહી દેશો તો મારે મારો પ્રેમ સદાય માટે ખોઈ દેવો પડશે, તમે મારી કૉલેજ બંધ કરાવી મારા લગ્ન કોઈ અજાણી વ્યક્તિ સાથે કરાવી દેશો, જે હું કરવા નહોતી માંગતી. પપ્પા તમે એવું ના સમજતા કે હું તમને પ્રેમ નથી કરતી !! હું તમને અને મમ્મી ને પણ ખુબ જ પ્રેમ કરું છું, પણ સાથે સાથે હું મારા પ્રેમને પણ ખોવા નથી માંગતી. મેં જે કર્યું છે એના માટે મને માફી તો મળવાની નથી તેમ છતાં હું આપની પાસે માફી ની અપેક્ષા રાખું છું, થઇ શકે તો મને માફ કરી દેજો…

આપની લાડલી દીકરી
અવંતિકા

ભાગ ૨


૨૩ કલાકની સફર બાદ રોહન અને અવંતિકા ચંડીગઢ સ્ટેશન ઉપર ઉતર્યા. રોહનની આંખોમાં એક અજબ ચમક હતી, સવારના ૪ વાગ્યા હતા, છતાં સ્ટેશન ઉપર ઘણીખરી માનવ મહેરામણ જામેલી હતી, પણ હવે પોતાના વતન સગાવહાલા ચિતપરિચિત લોકોથી ઘણે દૂર આવી ગયેલા અવંતિકા અને રાહુલને એ ભીડમાં પણ કોઈનો ડર નહોતો. વરુણનો મિત્ર જગ્ગી પોતાની કાર લઈને સ્ટેશનની બહાર પ્રતિક્ષામાં ઉભો જ હતો, વરુણે બંનેને ઓળખની નિશાની આપી હતી, એ દ્વારા રોહન અને જગ્ગી એકબીજાનો પરિચય કેળવી શક્યા, જગ્ગી પોતાની કારમાં બેસાડી સેક્ટર ૨૩ માં આવેલ રેન બસેરા (જેમ ગુજરાતમાં રાત્રી રોકાણ માટે ધર્મશાળા હોય છે તેમ પંજાબમાં રેન બસેરા) માં લઇ ગયો. જગ્ગીએ ત્યાં સુવાની વ્યવસ્થા કરી આપી અને કહ્યું કે “ હું બપોરે પાછો આવીશ અને તમને બીજા એક ઠેકાણે મૂકી જઈશ. અત્યારે તમે થાકેલા હશો તો અહિયાં જ આરામ કરવો અનુકુળ પડશે, હું તમને કોઈ હોટેલમાં પણ લઇ જઈ શકતો હતો, પણ અત્યારે ચેકિંગ ખુબ ચાલી રહ્યું છે અને તમારા આઈડીમાં પણ તમારું નામ મેચ ના થઇ શકે એટલા માટે હું તમને અહી લઇ આવ્યો છું. અહિયાં તમે સાથે તો નહિ રહી શકો પણ કાલની નાઈટ તમારા જીવનની ખાસ બનાવવાની જવાબદારી મારી.”  રોહને મર્માળુ સ્મિત આપી જ્ગ્ગીનો આભાર વ્યક્ત કર્યો, જગ્ગી પોતાની કાર લઇ રવાના થયો. ૫.૩૦ જેવો સમય થયો હતો, સવારમાં ઊંઘ પણ મીઠી આવે, અવંતિકા સ્ત્રીઓ માટે બનાવેલા ઉતારામાં ગઈ અને રોહન પુરુષોના ઉતારા તરફ.

અવંતિકા સુતા સુતા પોતાના નિર્ણય વિષે સતત વિચારી રહી હતી, “પોતાના મમ્મી પપ્પા એ મને કેવી સમજી હશે, આજ સુધી મારી કોઈ વાત મારા મમ્મી પપ્પા એ માની ના હોય એમ બન્યું નથી, મારી દરેક ખુશીનું એમને ધ્યાન રાખ્યું છે, મારી આંખમાંથી એક આંસુ પણ ક્યારેય આવવા નથી દીધું. મારા વગર એ લોકોની હાલત કેવી થઇ હશે ? શું પપ્પા મારા ઘર છોડ્યાનો આઘાત સહન કરી શક્યા હશે ? મમ્મીની પણ રડી રડીને પાગલ થઇ ગઈ હશે.” અવંતિકાની આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. પણ પછી એને રોહનના શબ્દો પણ યાદ આવ્યા “ એક ના એક દિવસ તો મમ્મી પપ્પા મને પાછા બોલાવી જ લેશે. અને હું રોહન વગર કેમની રહી શકીશ, એ પણ મને ખુબ જ પ્રેમ કરે છે, મારા વગર એ પણ નહિ જીવી શકે, થોડા સમય પછી હું જ મમ્મીને સામેથી ફોન કરી અને માફી માંગી લઈશ, એ જરૂર મને માફ કરી દેશે.” વિચારોમાં અને આંખોમાંથી વહેતા આંસુઓમાં ક્યારે સવાર થઇ ગઈ એની ખબર જ ના રહી. સવારે ગુરુદ્વારામાં પંજાબી ભાષામાં કીર્તન શરુ થયા. શાંત પહોર અને નિરવ શાંતિમાં કીર્તનના શબ્દો સ્પષ્ટ કાન ઉપર આવી રહ્યાં હતાં..

  • १ऊ सित नामु करता पुरखु निरभउ निरवैरु अकाल मूरित अजूनी सैभं गुर प्रसादि ॥
  • ॥ जपु ॥
  • आदि सचु जुगादि सचु ॥
  • है भी सचु नानक होसी भी सचु ॥
  • सोचै सोचि न होवई जे सोची लख वार ॥
  • चुपै चुप न होवई जे लाइ रहा लिव तार ॥
  • भुखिआ भुख न उतरी जे बंना पुरीआ भार ॥
  • सहस सिआणपा लख होहि त इक न चलै नालि ॥
  • किव सिचआरा होईऐ किव कूड़ तुटै पालि ॥
  • हुकिम रजाई चलणा नानक लिखिआ नालि ॥

અવંતિકા અર્થ સમજી શકતી નહોતી પણ મગજમાં એક ઠંડક એ શબ્દો પ્રસરાવી રહ્યા હતાં,  થોડા શબ્દો સમજમાં આવવા લાગ્યા,  सोचै सोचि न होवई जे सोची लख वार ॥ આ શબ્દો એ અવંતિકાને વિચારવા ઉપર મજબુર કરી નાખી, “મારા માતા પિતાએ મારી માટે કેવા કેવા સપના જોયા હશે ?? અને હું શું કરી રહી છું ? દરેક માં બાપની ઈચ્છા હોય છે કે પોતાના સંતાનો મોટા થઇ અને પોતાના માતા પિતાનું નામ રોશન કરે, પણ મેં તો એમનું નામ સમાજમાં બોળ્યું છે, એ કેવી રીતે બધાનો સામનો કરી શકશે ? હું તો એમની એકની એક દીકરી છું, મારી ખુશી માટે એમને બીજું સંતાન પણ એમના જીવનમાં આવવા ના દીધું, મને દીકરાની જેમ ઉછેરી અને મેં બદલામાં એમને શું આપ્યું ? મારે આમ કરવું જોઈતું નહોતું, પણ હવે હું શું કરીશ ? હું તો એમને એક અંધકારમાં મૂકી અને હજારો કિલોમીટર દૂર ચાલી આવી છું, હું ક્યા છું એની પણ એમને ખબર નથી, મારા ઘરે આવવામાં જો સહેજ મોડું થઇ જતું હતું ત્યારે મમ્મી પપ્પા કેવા ચિંતા કરતા હતા, મારા ગયા પછી એમની હાલત કેવી હશે ?? શું મારે પાછા ચાલ્યા જવું જોઈએ ?? મારે એમની માફી માંગી લેવી જોઈએ ?? એ મને માફ તો કરી દેશે ને ??” અવંતિકા પોતાની જાત સાથે જ મનોમંથન કરી રહી હતી. કેટલાક પ્રશ્નોના જવાબ આપણી અંદર જ પડેલા હોય છે, પણ મનુષ્ય બીજાની સલાહમાં વધુ માનતો હોય છે, પોતાની જાત કરતાં મોટો સલાહકાર દુનિયામાં બીજું કોઈ નથી. પણ આપણે સમજી શકતા નથી. અવંતિકા આજે પોતાની જાતના જ સલાહકાર પાસે સલાહ માંગી રહી હતી અને એક નિર્ણય પર આવી, અવંતિકાએ નક્કી કરી લીધું કે પોતે ઘરે પાછી ચાલી જશે, માતા પિતાની માફી માંગી લેશે, ‘છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય એ વિચાર અવંતિકાના મનમાં તાજો થયો. અને એને રોહનને મળીને પોતાનો નિર્ણય જણાવી દેવાનું વિચારી લીધું.

નાહી ધોઈ તૈયાર થઇ અવંતિકા અને રોહન એકબીજાને મળ્યા, રોહન મળતાની સાથે જ બોલવા લાગ્યો : “અવંતિકા આજે હું ખુબ જ ખુશ છું, લાગે છે મારા જીવનની મોટામાં મોટી ખુશી મને મળી ગઈ છે, ઘણાં લોકો પ્રેમ કરતા હોય છે પણ એમનો પ્રેમ ત્યારે જ પૂર્ણ થાય જ્યારે એ બંને વ્યક્તિ એક થઇ જતાં હોય છે, આજથી આપણા જીવનની નવી શરૂઆત થવા જઈ રહી છે, હું આજે તારી સાથે કોઈ મંદિરમાં જઈ અને લગ્ન કરીશ, તારા સેથામાં સિંદુર ભરીશ, તારા ગળામાં મંગળસૂત્ર બાંધીશ, આજની રાત પણ આપણા જીવનની બેહદ ખાસ રાત્રી હશે, આજ પહેલા ક્યારેય આપણે એકબીજાની એટલા નજીક નથી આવ્યા જેટલા આજે રાત્રે આવીશું. હું ખુબ જ ખુશ છું અવંતિકા.”

અવંતિકા ચુપચાપ રોહનને સાંભળી રહી હતી, પણ તેના ચહેરા ઉપર સહેજપણ ખુશીનો ભાર દેખાતો નહોતો. રોહનને ખુશ જોઈ એને બોલવા દીધો, વચ્ચે અવરોધ બનવાનું કામ એને ના કર્યું. મન મક્કમ કરી અને અવંતિકા બોલવા લાગી :

“રોહન, હું ઈચ્છું છું કે આપણે પાછા ઘરે ચાલ્યા જઈએ.”

“કેમ ?” રોહનથી આશ્ચર્ય સાથે બોલી દેવાયું.

“મને લાગે છે કે આપણે ઘર છોડી ખુબ જ મોટી ભૂલ કરી છે, તારે તો એક ભાઈ છે જે તારા મમ્મી પપ્પાને તારા ના હોવા છતાં પણ સાચવી શકશે, મારા માતા પિતાનું તો હું એકનું એક સંતાન છું, મારા પપ્પાનું સમાજમાં ખુબ જ મોટું નામ છે, અને હું આ રીતે એમને જણાવ્યા વગર આવી ગઈ છું તો એ લોકોની ઈજ્જત શું રહેશે સમાજમાં ? એ કોઈને મોઢું બતાવવાને લાયક નહિ રહે.” અવંતિકા આંસુ વહાવતા બોલી ઉઠી.

“અવંતિકા આપણે થોડા જ સમયમાં પાછા ચાલ્યા જઈશું, આપણે એમના પગમાં પડી માફી માંગી લઈશું અને એ આપણને જરૂર માફ કરી દેશે.” રોહન ગળગળો થઈને બોલવા લાગ્યો.

“રોહન, ત્યારે ખુબ જ મોડું થઇ ગયું હશે, ત્યારે કદાચ એ મને માફ ના કરી શકે, અને એ માફ કરવા ઈચ્છે તો પણ સમાજના ડરથી મને માફ નહિ કરે, કદાચ હું તારી સાથે ભાગીને આવી છું એ વાત સમાજમાં ફેલાતા એમના વ્યવસાય ઉપર પણ મોટી અસર પડશે,  અને એ આઘાત મારા પપ્પા સહન પણ નહિ કરી શકે, એ ખુબ જ નરમ દિલના માણસ છે, અને અત્યારે એટલું મોડું નથી થયું, સમાજમાં અને શહેરમાં વાત પણ નહિ ફેલાઈ હોય માટે જો અત્યારે પાછા ચાલ્યા જઈશું તો એ મને માફ કરી શકે છે.” અવંતિકા એક આત્મવિશ્વાસ સાથે બોલવા લાગી.

“ઓકે, તે આ વિચાર્યું છે તો બરાબર, પણ સાથે તે એ વિચાર્યું છે કે મારું શું થશે ? તારા મમ્મી પપ્પા મને કોઈ કાળે સ્વીકારવા તૈયાર નહી થાય, હું કેમ કરી રહી શકીશ તારા વગર ?” રડમસ અવાજે રોહને પોતાની ચિંતા વ્યક્ત કરી.

“રોહન, હું સમજી શકું છું, પણ આપણા સંબંધ વિશે મેં ક્યારેય મારા ઘરે કહ્યું નથી, એમની હા કે ના જાણ્યા વગર જ હું તારી સાથે ચાલી નીકળી હતી, હવે એમને પણ આપણા સંબંધો વિશે ખબર પડી ગઈ હશે.  અને હું પાછી જઈશ તો મારી સાથે તારું પણ સન્માન રહેશે, અને કદાચ એ લોકો આપણા સંબંધ સ્વીકારવા માટે તૈયાર પણ થઇ જાય.” અવંતિકાએ આશાભર્યા શબ્દો ઉચ્ચાર્યા.

થોડીવારની ચર્ચા બાદ રોહન અવંતિકાની વાત સાથે સહમત થયો.  અને ઘરે પાછા ફરવા માટે રાજી થઇ ગયો. પોતાનો સામાન લઇ અને રેન બસેરાની બહાર મુકેલા બેંચ ઉપર બેસી જ્ગ્ગીના આવવાની રાહ જોવા લાગ્યા, થોડીવાર બાદ જગ્ગી પણ પોતાની કાર સાથે આવી પહોચ્યો, રાહુલ અને અવંતિકા સામે આવી બંને સાથે હાથ મિલાવ્યા, આરામ તો બરાબર મળ્યો ને ? કોઈ તકલીફ તો નથી થઇ ને અમારા ચંડીગઢમાં ?” ફોર્માલીટી વાળા શબ્દો સાથે જગ્ગી એ રોહન અને અવંતિકાની સામે જોતા જોતા કહ્યું. રોહને જવાબમાં માત્ર “સરસ” નો ઉત્તર આપ્યો. જગ્ગી એ કહ્યું :

“મેં તમારા લોકો માટે એક ફ્લેટ જોઈ લીધો છે, આજથી તમે ત્યાં રહી શકશો.”

“ના, હવે એની જરૂર નથી, અમે લોકો પાછા અહેમદાબાદ જઈ રહ્યા છીએ.” રોહને જવાબમાં કહ્યું.

“ઓય, કેમ અચાનક ? વરુણેતો કહ્યું હતું કે તમે હવે અહિયાં જ રહેવાના છો ? એકદમ શું થઇ ગયું ?” આશ્ચર્ય પામતા જ્ગ્ગીથી પૂછી લેવાયું.

“અમને અમારી ભૂલો સમજાઈ ગઈ છે જગ્ગીભાઈ.” અવંતિકા એ જવાબ આપતા કહી દીધું.

“ચંડીગઢથી અહેમદાબાદ માટે પ્લેન મળી રહેશે આજે જ ?” અવંતિકાએ જ્ગ્ગીને પૂછ્યું.

“હું મારા ફ્રેન્ડને ફોન કરી પૂછી લઉં, જો હોય તો હું ટિકિટ પણ કરાવી લઈશ.” જગ્ગી એ જવાબ આપ્યો.

જગ્ગીએ ફોન ઉપર પોતાના મિત્રને પૂછ્યા બાદ બંને ને કહેવા લાગ્યો..

“૩ વાગ્યાની એક ફ્લાઈટ છે, તમને એ દિલ્હી ઉતારશે અને ત્યાંથી અડધા કલાક બાદ બીજી ફ્લાઈટ તમને અહેમદાબાદ ઉતારી દેશે.”

“થેન્ક્સ જગ્ગી ભાઈ.” કહી અવંતિકાએ પોતાના પર્સમાંથી ટીકીટના પૈસા કાઢી જ્ગ્ગીને આપ્યા. જે તે પોતાની પોકેટમની માંથી બચાવી રાખ્યા હતા અને રોહન પાસે એટલા પૈસા નહિ હોય તે જાણતી હતી, માટે એ સાથે જ લઈને આવી હતી, બીજું ઘરમાંથી એ પોતાના કપડા અને ડોક્યુમેન્ટ સિવાય કઈ લાવી નહોતી.”

રોહન અને અવંતિકા પોતાનો ફોન સાથે લાવ્યા નહોતા, પકડાઈ જવાના ડરથી માટે અવંતિકાએ જ્ગ્ગીનો મોબાઈલ માગ્યો, પોતાના ઘરે પછી ફરી રહી છે એના સમાચાર આપવા માટે. જગ્ગીએ ફોન આપ્યો. અવંતિકા મમ્મી કે પપ્પાને કોણે ફોન કરું એ જ અવઢવમાં હતી, અને છેલ્લે તેને પોતાની મમ્મી સુમિત્રાને ફોન કરવાનું નક્કી કર્યું…….

લે. નીરવ પટેલ “શ્યામ”

ભાગ


અવંતિકાએ પોતાની મમ્મીનો નંબર ડાયલ કર્યો…..

એક રડમસ અવાજે સામા છેડાથી અવાજ આવ્યો :

“હેલ્લો”

અવંતિકાને જાણે કંઇક અજુકતું બન્યું હોય એવો આભાસ એની મમ્મીના અવાજમાં સંભળાઈ રહ્યો હતો,

“હેલ્લો મમ્મી, હું અવંતિકા બોલું છું,” અવંતિકા એક અપરાધ ભાવ સાથે બોલવા લાગી.

અવંતિકાની વાતને વચ્ચે જ કાપી નાખતાં એની મમ્મીએ થોડા ગુસ્સો બતાવી બોલવા લાગી :

“ક્યાં છે તું ? અમને જાણ કર્યા વગર જ તે ઘર છોડી દીધું ? આ બધું જે થઇ રહ્યું છે તેની પાછળ તું જ જવાબદાર છે. આજે તારા પપ્પા…..!!!!” આટલું બોલતા જ અટકી જઈ સુમિત્રા ચોધાર આંસુએ ફોન ઉપર જ રડવા લાગી.

“મમ્મી, પપ્પાને શું થયું છે ? તું કેમ રડી રહી છે ? બધું બરાબર તો છે ને ??” અવંતિકા એક ગભરામણ સાથે એની મમ્મી ને પૂછવા લાગી, સામા છેડે સુમિત્રાનો માત્ર ડુસકા ભરવાનો અવાજ અવંતિકાના કાને પડી રહ્યો હતો.

“મમ્મી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે જ મેં પાછો આવવાનો નિર્ણય લઇ લીધો છે, હું સાંજ સુધીમાં ઘરે આવી જઈશ.” અવંતિકા પોતાની મમ્મીને દિલાસો આપતા વાક્યો કહેવા લાગી.

“બેટા, તું જલ્દી આવીજા, તારા પપ્પાને સી.આઈ.એમ.એસ. હોસ્પીટલમાં દાખલ કર્યા છે, તું જલ્દી આવીજા.” આટલું બોલી અને સુમિત્રાએ ફોન કટ કરી નાખ્યો.

અવંતિકા રડતા રડતા જમીન ઉપર જ બેસી ગઈ. રોહન અવંતિકાની સામે બેસી પૂછવા લાગ્યો :

“શું થયું અવંતિકા ? બધું બરાબર તો છે ને ?”

અવંતિકાએ રોહનના હાથ પકડી રડતાં રડતાં બોલવા લાગી…

“ રોહન, આપણે બહુ ખોટું પગલું ભરી લીધું છે, મારા કારણે આજે પપ્પા હોસ્પીટલમાં છે, એમને કઈ થઇ જશે તો હું મારી જાતને ક્યારેય માફ નહિ કરી શકું !”

રોહને અવંતિકાને ઊભી કરી, અવંતિકા રોહનની છાતીએ વળગી રડવા લાગી. રોહને અવંતિકાના ખભા પકડી એની આંખોના આંસુ લૂછતાં દિલાસો આપવા લાગ્યો. :

“અવંતિકા, તું ચિંતાના કર, આપણે પાછા જઈએ છીએ, એમને કઈ નહિ થાય, તને એકવાર એ જોઈ લેશે પછી, એ પહેલા જેવા સાજા થઇ જશે.”

જગ્ગીએ પણ અવંતિકાને હિમ્મત આપતા કહ્યું : “બહેન, તમે ચિંતાના કરો, વાહે ગુરુ બધું બરાબર કરી દેશે. ચાલો આપણે નીકળીએ, એક વાગી ગયો છે, બે કલાક પછી તમારી ફ્લાઈટ છે, સિક્યોરીટી ચેકીંગમાં પણ સમય લાગશે અને હજુ તો તમે કઈ જમ્યા પણ નથી તો ચાલો પહેલા આપણે કોઈ હોટેલમાં જમી લઈએ અને પછી હું તમને એરપોર્ટ મૂકી જાઉં.”

અવંતિકા થોડી સ્વસ્થ થઇ અને જગ્ગીને કહેવા લાગી, :

“જગ્ગીભાઈ તમારો ખુબ ખુબ આભાર, પણ મારી જમવાની ઈચ્છા નથી, અને હું પપ્પાનું મોઢું જોયા વગર પાણી પણ નહિ પીવ. રોહનને તમે બંને જમી લો.”

“ના મારી પણ ઈચ્છા નથી, આપણે સીધા એરપોર્ટ પર જ ચાલ્યા જવું જોઈએ.” રોહને અવંતિકાનો હાથ પકડતા જગ્ગીને કહ્યું.

જગ્ગીએ વરુણને ફોન કરી તમામ હકીકત જણાવી, વરુણે રોહન અને અવંતિકા સાથે વાત કરી બંનેની હિંમતમાં વધારો કર્યો. અને બંનેને એરપોર્ટ ઉપર પોતાની કાર લઇ લેવા આવવા માટે અને અવંતિકાને હોસ્પિટલ સુધી મૂકી જવા માટે પણ કહ્યું.

જગ્ગીની કાર સેક્ટર ૨૩ થી મોહાલીમાં સ્થિત એરપોર્ટનું  ૨૪ કિલોમીટર અંતર કાપી પહોચી. એરપોર્ટ ઉપર રોહન સાથે ગળે મળી અને અવંતિકાને દિલાસો આપી જગ્ગી રવાના થયો, સિક્યોરીટી ચેકિંગ પૂર્ણ કરી, બોર્ડીંગ પાસ મેળવી અવંતિકા અને રોહન ફ્લાઈટની રાહ જોવા લાગ્યા, બરાબર ૩ વાગે મોહાલી એરપોર્ટ ઉપર સ્પાઇસ જેટની ફ્લાઈટ નંબર એસ.જી. ૨૫૩ એનાઉન્સ થઇ. રોહન અને અવંતિકા એરહોસ્ટેસના કાલ્પનિક સ્મિતનો જવાબ આપી પોતાની સીટ ઉપર ગોઠવાયા.

અવંતિકાને બારી પાસેની સીટ મળી હતી, રોહન એની બાજુની સીટમાં જ હતો, એક કલાકને દસ મીનીટના સફરમાં અવંતિકા સતત બારી બહારના આકાશમાં જાણે કઈ શોધતી હોય એમ નિહાળી રહી, અવંતિકાની આંખો સામે બારી બહાર જાણે એનું બાળપણ તરવરવા લાગ્યું, પોતાના પપ્પા અનીલ બાળપણની અવંતિકાને હાથમાં લઇ ઉછાળતા હોય અને એને લાડ લડાવતા હોય એવું દ્રશ્ય રચાવવા લાગ્યું. અવંતિકાની આંખોમાંથી એક આંસુનું ટીપું બહાર વહેવા આવ્યું. પોતાના બાળપણમાં પિતા સાથે વિતાવેલી પળો, પિતાનો પ્રેમ એ બધું જ અવંતિકાના વિચારોમાં જીવંત થવા લાગ્યું, “હું નાની હતી ત્યારે પપ્પા માથે હાથ ફેરવી અને  સુવાડતાં. એકવાર રસ્તામાં એક ટેડી બીઅર પસંદ આવી ગયું હતું, પણ પપ્પાને મેં જણાવ્યું નહિ, હું રસ્તામાં ચાલતાં ચાલતાં એ ટેડી બીઅરને જ પાછું વળી વળી જોઈ રહી હતી. પણ પપ્પા જાણે મારા મનની વાત સમજી ગયા હોય તેમ રાત્રે ઓફિસથી પાછા ફર્યા ત્યારે સાથે લઈને આવ્યા હતા, અને મને સરપ્રાઈઝ આપવા માટે જયારે હું સુઈ ગઈ અને સવારે પાછી ઉઠી એ પહેલા મારી બાજુમાં મૂકી અને સંતાઈ ગયા, હું જ્યારે ઉઠી ત્યારે એ ટેડી બીઅરને જોઈ કેટલી ખુશ થઇ હતી, અને મારી ખુશી જોઇને પપ્પા પણ કેટલા ખુશ થયા હતાં, હું પપ્પાને ગળે વળગી એમના ગાલ ઉપર ઘણા બધા ચુંબન પણ આપી દીધા હતા.” પ્લેનમાં થયેલા એનાઉન્સમેન્ટે અવંતિકાને વિચારોમાંથી બહાર કાઢી. દિલ્હી આવવાની તૈયારીમાં હતું, દિલ્હીથી અહેમદાબાદની ફ્લાઈટ ૬.૨૦ વાગે હતી. સાડા ચાર સુધીમાં રોહન અને અવંતિકા દિલ્હી ઇન્દિરા ગાંધી એરપોર્ટ ઉપર પહોચી ગયા, દિલ્હીથી એર ઇન્ડિયાની એરબસ એ- ૩૨૦ એમને અહેદાબાદ લઇ જવાની હતી. બરાબર ૬ વાગે ફલાઈટનું એનાઉન્સમેન્ટ થયું. પ્લેનમાં પ્રવેશતા પહેલાની એજ ઔપચારિકતાઓ માંથી પસાર થઇ રોહન અને અવંતિકા પોતાના સ્થાને ગોઠવાયા.

સુર્યાસ્ત થવાની તૈયારીમાં હતો, આ વખતે બારી પાસેની સીટ મળી નહોતી, બારી પાસે કોઈ ફોરેનર પુરુષ બેઠો હતો, એની બાજુમાં રોહને સ્થાન લીધું, અને બાજુની સીટમાં અવંતિકા બેઠી. રોહન ફ્લાઈટ ટેક ઓફ થતા, રોહને અવંતિકાનો હાથ પકડી લીધો. અને કહેવા લાગ્યો.. :

“અવંતિકા, તું ચિંતા નાં કર, બધું જ સારું થઇ જશે, તારા પપ્પા પહેલા જેવા સાજા સમા થઇ જશે, અને જોજે એ તને તરત માફ પણ કરી દેશે, હું પણ તારી સાથે હોસ્પિટલ આવી શકતો, પણ આ સમય યોગ્ય નથી, કદાચ એ મને જોઈ એમનો ગુસ્સો વધી જાય તો વધારે તકલીફમાં મુકાઈ શકે છે, હું તને ખુબ જ પ્રેમ કરું છું, અને હું તારી રાહ જોઇશ, પહેલા તારા પપ્પા સ્વસ્થ થઇ જાય પછી હું આવી એમની માફી માંગી લઈશ, અને આપણા લગ્નની વાત કરીશ. આપણે હમણાં મળીયે પણ નહિ, તું તારો બધો જ સમય તારા મમ્મી પપ્પા માટે પસાર કરજે. બસ મને સમાચાર આપતી રહેજે.”

જવાબમાં અવંતિકા કઈ બોલી શકી નહિ માત્ર રોહનના હાથને વધુ ભાર પૂર્વક દબાવી એના ખભા ઉપર માથું ઢાળી દીધું. રોહન પણ અવંતિકાના માથા ઉપર હાથ ફેરવી એને દિલાસો આપતો રહ્યો.

બરાબર ૭ વાગે અને ૫૦ મીનીટે અહેમદાબાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડ થયું. બેગ કન્વેયર બેલ્ટ ઉપરથી પોતાનો સમાન મેળવી ૮.૧૫ વાગ્યા સુધીમાં એરપોર્ટની બહાર નીકળ્યા, સામે વરુણ પણ એ લોકોની પ્રતિક્ષા કરતો ઊભો જ હતો.

વરુણની કાર સોલા સ્થિત સી.આઈ.એમ.એસ. હોસ્પિટલ તરફ દોડવા લાગી. વરુણ પરિસ્થિતિ જાણતો હોવાથી કારમાં કઈ વધુ વાત ના કરી, પહેલા અવંતિકાને જેમ બને તેમ જલ્દી હોસ્પિટલ પહોચાડવી જરૂરી હતી. હોસ્પીટલના મુખ્ય ગેટ પાસે પહોચી અવંતિકાએ રોહનને કહ્યું :

“રોહન, મારી બેગ તારી પાસે રાખજે, હું જયારે ઘરે જઈશ ત્યારે હું તને કહું ત્યારે મને આપી જજે. અને તારું ધ્યાન રાખજે. બાય.” કહી અવંતિકા ઝડપભેર હોસ્પીટલમાં પ્રવેશી, રીસેપ્શન ઉપર પૂછી સીધી આઈ.સી.યુ. તરફ દોડવા લાગી, સુમિત્રા આઈ.સી.યુ.ની બહાર બેંચ ઉપર પોતાના આંસુ લુછતી બેઠી હતી, સાથે કોઈ નહોતું. અવંતિકાને સામેથી આવતી જોઈ બંને માં દીકરી ભેટી બરાબર રડવા લાગ્યા. અવંતિકા એ રડમસ આવજે પૂછ્યું :

“પપ્પા કેમ છે ? શું થયું હતું એમને ?”

“એમને માઈનોર હાર્ટ એટેક આવ્યો હતો, જલ્દી હોસ્પિટલ આવી ગયા તેથી અત્યારે સારું છે, ડોકટરે કહ્યું છે કે ચિંતા કરવા જેવું કઈ નથી, પણ હવે ધ્યાન રાખજો તેમને તકલીફ થાય એવું ના કરતાં, નહિ તો બીજીવારના એટેકમાં કઈ નક્કી નહી.” નિરાશા અને એક વિનંતી સાથે સાથે સુમિત્રાએ અવંતિકાને કહ્યું.

“મમ્મી, હું પપ્પાને મળવા અંદર જાઉં ? તે એમને કહ્યું હું આવું છું એમ ?” અધીરી બની અવંતિકા બોલી ઉઠી.

“હા, હજુ થોડીવાર પહેલા જ એ થોડા સ્વસ્થ થયા છે અને મેં એમને તારો ફોન આવ્યો હતો એમ જણાવી તારા આવવાના સમાચાર આપ્યા, પણ કઈ બોલ્યા નહિ, બસ એટલું જ કહ્યું કે એ આવે તો મારી પાસે પહેલા મોકલજે.” સુમિત્રા એ નજર ફેરવતા કહ્યું.

અવંતિકા આઈ.સી.યુ.નો દરવાજો ખોલી અંદર પ્રવેશી, તેના પપ્પાના બેડ પાસે પહોચી, અનિલની આંખો બંધ હતી. બેડ પાસે ઉભા રહીને પપ્પાની હાલત જોઈ અવંતિકાની આંખો આંસુઓથી ઉભરાવવા લાગી, એની આંખોનું એક આંસુ અનિલના હાથ ઉપર જઈ પડ્યું અને અનિલની આંખો આંસુ સારનાર વ્યક્તિને જોવા માટે ખુલી.

લે. નીરવ પટેલ “શ્યામ”

ભાગ


સામે ઉભેલી અવંતિકાને જોઇને અનિલની આંખોમાં પણ આંસુ વહેવા લાગ્યા, આ જોઈ અવંતિકા પોતાના હાથ જોડી માફી માંગતી કહેવા લાગી :

“પ્લીઝ પપ્પા મને માફ કરી દો, આ બધું જે કઈ થયું છે એ મારા કારણે થયું છે, તમે આજે હોસ્પીટલમાં પણ મારે કારણે જ આવ્યા છો, પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, હું જીવનમાં ફરી આવું ક્યારેય નહિ કરું, તમારીથી દૂર જઈ અને મને સમજાયું છે કે માતા પિતાનો પ્રેમ શું હોય છે, મને માફ કરી દો પપ્પા.” બોલતા બોલતા અવંતિકા ચોધાર આંસુએ રડવા લાગી.

સુમિત્રા પણ અવંતિકાની પાછળ જ આવીને ઊભી હતી, તેને અવંતિકાની પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું :

“બેટા, તું સમયસર પાછી આવી ગઈ છે, હજુ સુધી કોઈને ખબર નથી આ વાતની, તારા પપ્પાને એજ વિચારે એટેક આવ્યો છે કે પોતે હવે સમાજમાં અને શહેરમાં પોતાનું શું મોઢું બતાવશે, પણ ભગવાનની કૃપા છે કે એ માઇનોર એટેક હતો અને તું પણ પાછી આવી ગઈ છું એટલું જ અમારા માટે પુરતું છું, તારા પપ્પાને રજા આપી દેશે પછી ઘરે જઈને આપણે બધી ચર્ચા કરીશું, અહિયાં હોસ્પીટલમાં બધી વાત કરવી ઠીક નથી. તું આવ મારી સાથે આપણે ડોક્ટરને મળી અને પૂછી લઈએ કે ક્યાં સુધી એમને રજા મળી શકે છે.”

અવંતિકા અને સુમિત્રા ડોકટરના કેબીનમાં જાય છે અવંતિકા માથું નીચું રાખીને ચાલી રહી છે, સુમિત્રાએ અવંતિકાનો હાથ પકડી રાખ્યો છે, બંને કેબીનમાં પ્રવેશે છે.

અવંતિકા : “ સર, મારા પપ્પાને ક્યાં સુધી રજા મળી શકશે ?”

ડૉ.મહેતા : “બહેન, તમે ઈચ્છો તો રજા આજે જ લઇ શકો છો, એમને નોર્મલ એટેક જ આવ્યો હતો, પણ તમારે એમની હવે કાળજી રાખવાની જરૂર છે, એમને કોઈ માનસિક તાણ હવે ના આપતા, કોઈ એવી વાત એમની સામે ના કરતા જેના કારણે એમને દુઃખ થાય, કારણ કે બીજીવાર પણ આ એટેકનો ખતરો માથા પર જ છે, આતો સમયસર સુમિત્રાબહેન એમને હોસ્પિટલ લઇ આવ્યા એટલે મોટી હોનારત ટળી ગઈ. પણ દરેક સમયે તમે બધા સાથે જ હોઈ શકો એ પણ ગેરેંટી નથી, કદાચ એ એકલા હોય અને ત્યાં આવું બને અને ઇમરજન્સી સારવાર પણ ના મળી શકે તો તકલીફમાં મુકાઈ શકે છે માટે એમને હવે કોઈ વાતનું ટેનશન ના થાય એની ખાસ કાળજી રાખજો..

સુમિત્રા : જી સાહેબ. અમે હવે એમની પૂરતી કાળજી રાખીશું. એમને કોઈ તકલીફ નહિ થવા દઈએ.”

ડોકટર મહેતા એ નર્સને બોલાવી અનિલભાઈને રજા આપી દેવાનું કહ્યું, અને જરૂરી દવાઓનું લિસ્ટ અવંતીકાના હાથમાં આપ્યું. સુમિત્રા અને અવંતિકા બંને ડૉક્ટરના કેબિનની બહાર નીકળ્યા. સુમિત્રા કાઉન્ટર ઉપર હોસ્પિટલનું બિલ ભરવા માટે ગઈ અને અવંતિકા મેડિકલ સ્ટોરમાં દવા લેવા માટે.

અવંતિકા દવા લઈ અને સુમિત્રા પાસે આવી. બન્ને અનિલની કેબીન તરફ ચાલવા લાગ્યા ત્યાં જ  સ્ટ્રેચર ઉપર એક ૫૦ -૫૫ વર્ષની ઉંમરના એક ભાઈને લઈને હોસ્પિટલનો સ્ટાફ ખુબ જ ઉતાવળમાં અંદર દાખલ થતો હતો, સાથે એ વ્યક્તિનો પરિવાર પણ આંખોમાં આંસુઓ સાથે પાછળ દોડી રહ્યો હતો, ડોક્ટર પણ ખુબ જ ઉતાવળા એ દર્દી પાસે પહોચ્યા, અવંતિકા અને સુમિત્રા આ દૃશ્ય જોઈ રહ્યા હતા, ડોકટરે એ વ્યક્તિને તપાસતા, “I M SORRY, તમે થોડા મોડા પડી ગયા છો, જો થોડા વહેલા આવી શક્ય હોત તો એ બચી શકતા હતા, પણ હવે કઈ થઇ શકે એમ નથી.He Is No More…” કહી ડોકટર પાસે ઉભેલા તેમના પત્નીને આશ્વાસન આપી પોતાના કેબીન તરફ પાછા ફર્યા.

આ દૃશ્ય જોઈ અવંતિકા અને સુમિત્રાની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા, સુમિત્રાએ અવન્તીકાનો હાથ બરાબર જોરથી પકડી લીધો, સ્ટ્રેચર ઉપર સુઈ રહેલી વ્યક્તિમાં તે પોતાના પિતાની કલ્પના કરવા લાગી, સુમિત્રા પણ આ દૃશ્ય જોઈ પોતાના પતિ સાથે આવું નાં બને એવી ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી. પાસે રહેલી બેંચ ઉપર સુમિત્રા અને અવંતિકા બેસી ગયા, બંને જાણે એકબીજાને કંઇક કહેવા માંગતા હતાં પણ કોઈ બોલી શક્યું નહિ, અને સુમિત્રાએ જ પહેલ કરી અને અવંતિકાને ને કહી ધીધુ :

“બેટા, હું આ પરિસ્થિતિ આપણા ઘરમાં આવવા દેવા નથી માંગતી, તે જે આ ભૂલ કરી હતી એના કારણે તારા પપ્પાને પણ હોસ્પિટલમાં આવવાનો વખત આવ્યો, પણ બીજીવાર આવું બનશે તો હું એ સહન નહિ કરી શકું, સારું છે હજુ તારા ઘર છોડવાની વાત કોઈને ખબર નથી, અને તું વેળાસર પાછી આવી ગઈ છું, એટલે સમાજમાં નામ બદનામ થતાં બચી ગયું છે, જો બધાને ખબર પડી ગઈ હોત તો અમે આ દુનિયામાં જ ના રહી શકતા.” બોલતા બોલતા સુમિત્રાની આંખો ભીની થવા લાગી.

અવંતિકાએ તરત સુમિત્રાના હાથ પકડતા બોલવા લાગી :

“મમ્મી, મેં ભૂલમાં આ પગલું તો ભરી દીધું, પણ હું જ્યારે ઘરેથી નીકળી ગયા બાદ મેં ખુબ વિચાર કર્યો, અને ત્યારે મારા મનમાં તમારી જ ચિંતા વધી અને એટલે જ મેં ઘરે પાછા ફરવાનો નિર્ણય કરી લીધો. હવે હું ફરી ક્યારેય આમ નહિ કરું.”

“પણ, તું ક્યાં ગઈ હતી, કોની સાથે ? અને એની સાથે જતાં પહેલા તે અમારો સહેજ પણ વિચાર ના કર્યો ??”  સુમિત્રા આંખોના ડોળા કાઢી પૂછવા લાગી.

“મમ્મી, હું મારી કોલેજમાં સાથે ભણતા રોહન સાથે ગઈ હતી, એ ખુબ જ સારો છોકરો છે, અને ખુબ જ મહેનતુ પણ છે, પણ એ આપણી જેમ પૈસાવાળા નથી, અને આપણી જ્ઞાતિ પણ અલગ પડે છે, માટે પપ્પા આ સંબંધને ક્યારેય ના સ્વીકારતા, અને હું એને ખોવા નહોતી માંગતી, એટલે હું એની સાથે ચંડીગઢ ચાલી નીકળી, આખી રાત્રી અમે ટ્રેનમાં જ વિતાવી, ચંડીગઢમાં અમે રેન બસેરમાં રોકાયા હતા, અને ત્યાં મહિલાઓના ઉતારામાં હું સુઈ ગઈ ત્યારે મોડા સુધી તમારા વિચારો મેં કર્યા. મને તારી અને પપ્પાની ચિંતાઓ થવા લાગી, પપ્પાની સમાજમાં અને શહેરમાં જે નામના છે એ મારા કારણે માટીમાં મળી જશે, પપ્પા જ્યાં માથું ઊંચું રાખીને ચાલી શકતા હતા ત્યાં એમને નીચું જોઈ અને ચાલવાનો સમય આવશે, એ બધા વિચારે મારી આંખ પણ ના મીંચાઈ, અને મેં નક્કી કરી લીધું કે સવારે હું રોહનને આ વાતની જાણ કરી દઈશ, અને પાછા ઘરે જવા માટે નીકળી જઈશું, સવારે ઉઠી તૈયાર થઇ હું રોહનને મળી અને મેં મારા વિચારો રોહનને જણાવ્યા, રોહન પણ મારી વાત સાથે સંમત થયો અને મારે જેમ બને તેમ જલ્દી ઘરે પહોચવું હતું, રોહનના એક મિત્ર દ્વારા મેં પ્લેનની ટિકિટ કરાવી લીધી, જેના કારણે હું જલ્દી તમને લોકોને મળી શકું, મેં રોહનના મિત્રના ફોનથી જયારે હિમ્મત કરી તને ફોન કર્યો ત્યારે પપ્પા વિષે જાણી મારી ચિંતામાં ખુબ જ વધારો થઇ ગયો અને મેં નક્કી કર્યું કે પપ્પાનું મોઢું જોઇને જ હું પાણી મોઢામાં મુકીશ. રોહનનો બીજો એક મિત્ર અમને એરપોર્ટ લેવા આવી ગયો, અને એની કારમાં હું સીધી હોસ્પિટલ આવી ગઈ, મારો સામાન પણ મેં રોહન પાસે જ રહેવા દીધો છે.” અવંતિકા પોતાનો ગુન્હો કબુલ કરતા સુમિત્રાને સમજાવવ લાગી.

“સારું કર્યું બેટા તું પાછી આવી ગઈ, પણ મારી એકવાત યાદ રાખજે, તારા પપ્પાને હવે ક્યારેય દુખ થાય એવું કઈ નાં કરતી, એ જેમ કહે એમ જ કરજે, અમે તારા મા બાપ છીએ, અમે ક્યારેય તારું ખોટું ના વિચારી શકીએ, જે કરીશું એ તારા સારા માટે જ હશે, તું અમારી એકની એક દીકરી છે, અને અમે તારા બાદ બીજું કોઈ સંતાન અમારા જીવનમાં આવવા નથી દીધું, કારણ કે, અમે તારો પ્રેમ વહેચવા નથી માંગતા, તારા પપ્પા પણ એજ કહેતા હતા કે મારી દીકરીને હું દીકરાની જેમ ઉછેરીશ, અને તારા આવવાથી જ તારા પપ્પાની પ્રગતિ થઇ હતી, ત્યારે અમે પણ માન્યું કે અમારા ઘરે સાક્ષાત લક્ષ્મીજી અવતર્યા છે. બસ બેટા મારી આટલી વિનંતી છે કે તારા પપ્પા તારા કારણે દુખી થાય એવું કોઈ કામ ના કરતી.” અવંતિકાને સમજાવતા સુમિત્રા બોલી.

“હા, મમ્મી હું તને વચન આપું છું, કે આજ પછી ક્યારેય કોઈ એવું કામ નહિ કરું કે તને અને પપ્પાને મારા કારણે દુઃખ પહોચે.” અવંતિકા એક વિશ્વાસ સાથે એની મમ્મી ને કહ્યું.

હોસ્પિટલનો બધો વિધિ પતાવી અનીલ, સુમિત્રા અને અવંતિકા ટેક્ષી લઇ પોતાના ઘરે પાછા ફર્યા, ૩ દિવસ ઘરથી દુર રહેલી અવંતિકા જાણે વર્ષો બાદ પોતાના ઘરે પાછી ફરી રહી હોય એમ એને લાગવા લાગ્યું, એક બારીકાઇથી પોતાના ઘરને નિહાળતી રહી, તેને મનોમન નક્કી કરી લીધું કે હવે તે પોતાના મા બાપ જેમ કહેશે તેમ જ આગળ કરશે, પોતાના જીવનના તમામ ફેસલા એને પોતાના મમ્મી પપ્પા ઉપર છોડી દીધા.

ઘરે પહોચી અવંતિકાએ જમવાનું બનાવ્યું, બધા સાથે જમ્યા, પપ્પાને દવા આપી રાત્રે મોડા સુધી અનિલના રૂમમાં સુમિત્રા સાથે બેસી અવંતિકા પોતાના રૂમમાં પાછી ફરી, પોતાનો મોબાઈલ લઇ અને રોહનનો નંબર જોડ્યો…

રોહન : હેલ્લો, અવંતિકા.. કેમ છે તારા પપ્પાને ? બધું બરાબર છે ને ?

અવંતિકા : હા, પપ્પા હવે બરાબર છે, ચિંતા કરવા જેવું નથી. પણ એ બધી વાત હું તને પછી કહીશ કાલે સાંજે તું મને રીવર ફ્રન્ટ મળવા માટે આવજે, મારે તારી સાથે થોડી વાત કરવી છે, અત્યારે હું ફોન મુકું છું. “

રોહન : “ઓકે, હું કાલે સાંજે તને મળીશ, બાય…”

નીરવ પટેલ “શ્યામ”

ભાગ


રોહન સાથે ફોન કરી અવંતિકા મોડા સુધી વિચારતી રહી, ૩ દિવસનો થાક પણ તેના શરીરમાં હતો, આંખોમાં ઊંઘ પણ ભરપુર ભરાયેલી હતી, પણ પોતાના જીવન સાથેના સંઘર્ષો અવંતિકાને જગાડી રહ્યા હતા, એક તરફ તેના પપ્પાની તકલીફ હતી તો બીજી તરફ રોહન સાથેના પ્રેમ સંબંધ. બંનેમાંથી હવે કોઈ એક સંબંધ ઉપર મહોર મારવી હવે જરૂરી થઇ પડ્યું હતું, ઘણા જ મનોમંથન કર્યા બાદ પોતાના પિતાનો પ્રેમ જીતી ગયો, દરેક દીકરી માટે તેના પિતા જ સર્વસ્વ હોય છે, સાચી સમજણ મેળવ્યા બાદ કોઈ છોકરીના જીવનમાં જો કોઈ પુરુષને પહેલો પ્રેમ કર્યો હોય તો એ છે એના પિતા, દુનિયાની તમામ ખુશીઓ એક તરફ અને પિતાનું વાત્સલ્ય બીજી તરફ. એટલે જ કન્યા વિદાયમાં જો છાના ખૂણે કોઈ સૌથી વધુ રડતું હોય તો એક પિતા છે. દરેક પિતા માટે પણ એની દીકરી પ્રેમની મૂર્તિ છે, બાળપણથી લઇ લગ્નના દિવસ સુધી જો કોઈ સ્ત્રી એક પુરુષને નિઃસ્વાર્થ ભાવે ચાહતી હોય તો એ છે દીકરી. બાપ અને દીકરીના સંબંધો વિષે પણ ઘણાં કવિઓ ઘણા લેખકોએ પુસ્તકો ભરી ભરીને પોતાનો પ્રેમ ઠાલવ્યો છે. અને અવંતિકા પોતાના પિતાને ખુબ જ પ્રેમ કરતી હતી. માટે રોહનને તે ભુલાવી શકે પણ પોતાના પિતાના પ્રેમને ભૂલવો તેના માટે અશક્ય હતો.કાલે સાંજે રોહન સાથે મળી અને બંનેના પ્રેમ સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકવાનું નક્કી કરી લીધું. મનમાં મક્કમતા અનુભવતા આંખ પણ મીચાઈ ગઈ.

સુમિત્રા સવારે ૯ વાગ્યાની આસપાસ અવંતિકાના રૂમમાં ગઈ, જોયું તો અવંતિકા સુઈ રહી હતી, માં પણ દીકરીની હાલત સમજી શકતી હતી, ૩ દિવસનો થાક, ઉજાગરો, માનસિક તાણ એ બધાથી ઘેરાયેલી અવંતિકાના નજીક જઈ એના માથે હાથ ફેરવવા લાગી, અવંતિકા સ્પર્શ પામતા ઉઠી ગઈ, સુમિત્રા એ કહ્યું :

“બેટા, સુઈ જા, કઈ કામ નથી, બધું જ કામ પતાવી દીધું છે, તારા પપ્પા પણ બહાર ગેલેરીમાં બેસી છાપું વાંચે છે, મારે કઈ કામ નહોતું એટલે તારા રૂમમાં આવી.”

“ના મમ્મી, હવે મને પણ ઊંઘ નહિ આવે,” એટલું બોલતા અવંતિકા સુમિત્રાના ખોળામાં માથું મૂકી અને વાતો કરવા લાગી. અવંતિકાનું ખોળામાં માથું મુકતાં જ સુમિત્રાની મમતા જાણે ઉભરાઈ ગઈ. અવંતિકાના માથા ઉપર હાથ ફેરવવા લાગી.

અવંતિકા કહેવા લાગી :

“મમ્મી મેં નક્કી કરી લીધું છે, પપ્પા જેમ કહેશે એમ જ હું કરીશ, હું રોહનને ભૂલી જઈશ, આજે સાંજે હું રીવર ફ્રન્ટ ઉપર રોહનને મળવા જવાની છું. મારો સમાન પણ હજુ એની પાસે જ છે તો એ પણ લઇ આવીશ, અને સાથે સાથે એને મારો નિર્ણય પણ જણાવી દઈશ. એ ખુબ જ સમજુ છું અને મારી વાત એ ચોક્કસ માનશે.”

સુમિત્રા : “બેટા, જે પણ કરું એ જોઈ વિચારીને કરજે, તારા પપ્પાને દુઃખના થાય એનું ખાસ ધ્યાન હવે તારે રાખવાનું છે, એકવાર તે આ પગલું ભરી લીધું એનું પરિણામ તું જોઈ શકે છે, તારા પપ્પાને તું ખુબ જ વહાલી છે, એ તને ખુબ જ પ્રેમ કરે છે, અને તારા ઉપર એમને ખુબ જ વિશ્વાસ હતો, પણ તે આવું કરી એમના એ વિશ્વાસમાં તિરાડ નાખી દીધી છે, હવે એ તિરાડને ભરવાનું કામ પણ તારે જ કરવાનું છે. તારા પપ્પાનો વિશ્વાસ તારે પાછો જીતવાનો છે.”

અવંતિકા : “હા મમ્મી, હું પપ્પાનો વિશ્વાસ જીતી લઈશ, એમને ક્યારેય નિરાશ નહિ કરું.”

સુમિત્રા : “બેટા, તને એકવાતની હજુ ખબર નથી, પણ આજે સમય એવો છે એટલે મારે તને કહેવું જ જોઈએ, તારા પપ્પાએ તારી કોલેજ પૂરી થાય પછી આ વાત તને કહેવાનું નક્કી કર્યું હતું, પણ હવે રાહ જોવાય એમ નથી, તારે એ વાત જાણવી જ પડશે.

અવંતિકા ખોળામાંથી માંથું લઇ અને બેડમાં બેથી થઇ ગઈ, અને એની મમ્મી સામે બેસી પૂછવા લાગી :

“મમ્મી, એવી તો કઈ વાત છે, જે મને પણ ખબર નથી, તમે દરેક વાત તો મારી સાથે શેર કરો છો તો આ એવી તે કઈ વાત છે ?”

સુમિત્રા : “હું તને જે વાત કહેવા જઈ રહી છું એ વાતના કારણે પણ તારા પપ્પાને ચિંતા હતી, સમાજને ખબર પડશે એ વાત તો પછીની હતી પણ આ વાતથી તારા પપ્પાની ચિંતામાં વધારો થયો હતો.”

અવંતિકા : “મમ્મી જલ્દી કહેને કઈ વાત હતી એ, હવે મને પણ ચિંતા થાય છે કે એવી કઈ વાત જે હું નથી જાણતી અને એના કારણે પપ્પાને એટેક આવ્યો હતો ?”

સુમિત્રા : “તું પપ્પાના મિત્ર સુરેશભાઈ ને ઓળખે છે ને ?”

અવંતિકા : “હા, જે લંડનમાં રહે છે, અને પપ્પાના ખાસ ફ્રેન્ડ છે, જયારે એ ઇન્ડિયા આવે છે ત્યારે સીધા આપણા ઘરે આવે છે, અને મને બેટા બેટા કહીને ખુબ લાડ લડાવે છે એ જ ને ?”

સુમિત્રા : “હા, એજ એમનો દીકરો રોહિત જે તારા બાળપણનો મિત્ર હતો, તમે સાથે મોટા થયા, પણ સુરેશભાઈ પોતાના બીઝનેસ માટે કાયમી લંડન શિફ્ટ થઇ ગયા. રોહિત પણ તને યાદ જ હશે.”

અવંતિકા : “હા, અમે બાળપણમાં સાથે જ રમતા હતા, અને એ ખુબ જ શરમાળ છોકરો હતો, સ્કુલમાં પણ એ મારી સાથે વાત નહોતો કરતો, એને મારી પણ બહુ જ શરમ આવતી હતી, પણ ધીમે ધીમે અમે સારા મિત્રો બની ગયા હતા, મેં એની શરમ છોડાવી દીધી હતી, પણ એમની એ વાત સાથે પપ્પાના એટેકને અને મારાથી છુપાવવા સાથે શું મતલબ છે ?”

સુમિત્રા : “સુરેશભાઈ અવારનવાર ઇન્ડિયા આવે છે, અને એમને તને નાનેથી મોટી થતા જોઈ છે, અમને તારા સંસ્કાર અને અમારી પરવરીશ ખુબ જ ગમી અને જયારે સુરેશભાઈ ગયા વર્ષે ઇન્ડિયા આવ્યા હતા, ત્યારે એમને રોહિત સાથે તારા લગ્નની વાત કરી હતી, તારા પપ્પા એ વાતથી ખુબ જ ખુશ હતા, પણ સાથે સાથે તારી કોલેજ ચાલુ હોવાના કારણે એમને ના પાડી દીધી, સુરેશભાઈ એ ખુબ જ વિનંતી કરી પણ તારા પપ્પાએ એમને જણાવી દીધું કે ‘જો તમે એની કોલેજ પૂરી થાય ત્યાં સુધી રાહ જોઈ શકો તો મને મંજુર છે, હું એનું ભણવાનું ના બગડી શકું.’ સુરેશભાઈએ પણ કહ્યું કે ‘મારા દીકરા માટે જો અવંતિકા જેવી છોકરી મળતી હોય તો ૩ નહિ ૫ વર્ષ રાહ જોવા માટે તૈયાર છું.’ અને ત્યારે જ અમે સાકરના કરી અને સવા રૂપિયો આપી દીધો હતો, પણ તારું ભણવાનું ના બગડે એટલે અમે તને આ વાત જણાવી નહોતી, સુરેશભાઈ જેવો પરિવાર દીવો લઈને શોધવા જતા પણ ના મળી શકે, પૈસાની રીતે તો ઠીક પણ સંસ્કારોમાં પણ સુરેશભાઈ આપણા કરતા ઘણા આગળ છે. મને પણ એ વાતની ખુશી હતી પણ તારું ભરેલું પગલું અને તારા પપ્પાએ સુરેશભાઈને આપેલું વચન એના કારણે તારા પપ્પાની ચિંતા વધી હતી.”

અવંતિકાની મૂંઝવણ જાણે વધવા લાગી, પોતે હવે શું કરવું તેની કાંઈ જ ખબર ના રહી, થોડીવાર સુધી તો એ મૌન બેસી રહી, સુમિત્રા સામે નજર પણ ના મેળવી શકી. સુમિત્રાએ જ વાત નો દોર આગળ વધાર્યો…

સુમિત્રા : “હું જાણું છું બેટા, કક સમયે તું કોઈ નિર્ણય લેવા માટે સક્ષમ નથી, અને એટલે જ તને અમે આ વાત નહોતી જણાવી, પણ આ જે કાંઈ થઈ રહ્યું છે એટલે આ વાતથી તું જેટલી માહિતગાર થાય એટલું સારું છે. અને સુરેશભાઈનો પરિવાર પણ ખૂબ જ સારો છે, આપણાં ઓળખીતા અને વિશ્વાસુ માણસ છે, રોહિતસુરેશભાઈને પોતાના બિઝનેસમાં સાથ આપે છે, સારું ભણ્યો પણ છે, તને એમનાં ઘરે કોઈ તકલીફ નહિ આવી શકે.”

થોડુંવિચારી અને અવંતિકા બોલી ઉઠી …

“મમ્મી, તમે લોકોએ મારા માટે જે વિચાર્યું છે તે યોગ્ય જ હશે, અને હવે તમે કહો એમ જ હું કરીશ, પપ્પાની અને તારી ખુશીમાંજ મારી ખુશી છુપાયેલી છે, જો હું તમારી વાત ના માનું અને મારું ધાર્યું કરું તો મારા સંસ્કાર લાજે, અને એવું હું કોઈ કાળે બનવા નહિ દઉં. મારા કરતાં વધારે તમે જીવન જોયું છે, માટે તમે મારા કરતાં પણ વધારે સારી રીતે સમજી શકો છો, હું તો હજુ નાદાન બુદ્ધિની છોકરી છું, કદાચ ઉતાવળમાં મારુ લીધેલું પગલું મને જ ભવિષ્યમાં મુશ્કેલીમાં મૂકી શકે છે, માટે હવે તમે કહેશો એમ જ હું કરીશ.”

“મારી ડાહી દીકરી”બોલતાં જ સુમિત્રાએઅવંતિકાને ગળે લગાવી લીધી, બંને એકબીજાને થોડીવાર ભેટી રહ્યાં, સુમિત્રાની આંખોમાં માતૃત્વ છલકાઈ ઉઠ્યું, આંખોમાં પાણી આવી ગયું, એ લૂછતાં અવંતિકાને કહેવા લાગી …

“ચાલ હવે, તૈયાર થઈ જા, હું તારા પપ્પા પાસે જઈ આવું અને એમને આ વાત જણાવું, એ પણ ખુશ થઈ જશે.”

અવંતિકા : “હા, ઈચ્છા તો મારી હતી કે હું પપ્પા સાથે આ વાત કરું પણ, અત્યારે તું એમને કહીશ તો સારું રહેશે, હું તૈયાર થઈ અને પછી આવું બહાર, ભૂખ પણ લાગી છે સખત તું જમવાનું તૈયાર રાખજે, બપોર થવા આવ્યું હવે ચા નાસ્તો કરવાનું નહિ ગમે.”

સુમિત્રા : “સારું, તું આવ પછી”

સુમિત્રા આટલું કહી રૂમની બહાર નીકળી ગઈ….

અવંતિકા બાથરૂમમાં પહોંચી, સામે લગાવેલા મોટા અરીસામાં થોડીવાર તો પોતાની જાતને જોતી રહી અનેસાથે જ વિચારોમાં ખોવાઈ ગઈ, અને વિચારવા લાગી કે મમ્મી પપ્પાએ મારા સારા માટે જ નિર્ણય લીધો હશે, રોહન સાથે જો હું લગ્ન કરી લેતી તો એ મને પ્રેમમાં ક્યારેય કમી ના આવવા દેતો પણ પ્રેમ એકલાથી કાઈ પેટ ઓછું ભરાય છે, કાલે કદાચ અમારે જવાબદારી વધી, કોઈ બાળક હોય એને પણ સારું જીવન આપવું, સારી સ્કૂલમાં ભણાવવું એ બધા ખર્ચ રોહનના ઉઠાવી શકતો, મને તો મમ્મી પપ્પાએ જે ખુશી અને જે સુખ આપ્યું છે તે અમે અમારા બાળકને ના આપી શકતા, અને ક્યાં સુધી અમે ઘરેથી ભાગીને ભટકતા, અને શરમના માર્યા પાછા પણ ના આવી શકતા, પપ્પા મમ્મીએ મારા ભવિષ્યનો વિચાર કર્યો છે, મારું સુખ અને સન્માન જોયું છે, તો હું એમના વિચારને કેવી રીતે અવગણી શકું હું એમની વાત માનીશ, રોહન હોય કે રોહિત શું ફર્ક પડે છે ? હું જેની સાથે વફાદાર રહું, મારૂ આગળનું જીવન અને મારા બાળકોનું જીવન સુખમય બને એજ મારી દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે. હું આજે સાંજે રોહનને બધી જ વાત જણાવી મારો નિર્ણય સ્પષ્ટ કરી દઈશ.

તૈયાર થઈ અવંતિકા બેઠક રૂમમાં આવી, અનિલ અને સુમિત્રા સોફામાં બેઠા હતા, બંને ના ચહેરા ઉપર ખુશીનો ભાવ દેખાતો હતો, અનિલ અવંતિકાને આવતા જોઈ તરત પોતાની પાસે બોલાવી અને બાજુમાં જ બેસાડી, માથે હાથ ફેરવવા લાગ્યા, અને કહેવા લાગ્યા :

“મારી દીકરી હવે મોટી થઈ ગઈ છે, મને ગર્વ છે બેટા તારા ઉપર, ભલે તે નાદાનીમાં આ પગલું ભરી લીધું, પણ અમે તને એના માટે દોશી નથી માનતા, એક સપનું સમજી ભૂલી જવું જોઈએ, ભવિષ્યના વિચાર સાથે આગળ વધવું જોઈએ. અને તું એ કરી શકીશ.”

જવાબમાં માત્ર અવંતિકા થોડું હસી અને અનિલની છાતી ઉપર માથું મૂકી નાના બાળકની જેમ વળગી પડી.

સુમિત્રએ જમવાનું કાઢ્યું, જમતા જમતા પણ વાતો ચાલુ જ રહી, બે દિવસ કરતા હવે ઘરનું વાતાવરણ આજે જુદું લાગતું હતું, શાંત પડેલું એ ડાઇનિંગ ટેબલ આજે કલવલાટ કરી રહ્યું હતું, સૌના ચહેરા પર ખુશી હતી, અવંતિકાના મનમાં મૂંઝવણો અને ઘણાં પ્રશ્નો હતા પણ એ સૌને દબાવી રાખી એ પોતાના ચહેરા ઉપર ખુશીના ભાવ જ આવવા દેતી હતી.

સાંજે રોહનને મળવા માટે જવાનું હતું, અવંતિકાએ તેની મમ્મીની રજા લઈ પોતાનું એક્ટિવા લઈ ઘરેથી રિવર ફ્રન્ટ જવા નીકળી………

ભાગ – ૬


નક્કી કરેલા સમયે અવંતિકા રીવરફ્રન્ટ પહોચી ગઈ. રોહન પણ અવંતિકાની રાહ જોઇને બેસી રહ્યો હતો.

અવંતિકાને આવતા જોઈ રોહને ઉભા થઇ અને તરત પૂછ્યું :

“કેમ છે તું ? તારા પપ્પાની તબિયત કેવી છે ?”

અવંતિકા : “હું મઝામાં છું, અને પપ્પાની તબિયત પણ પહેલા કરતાં ઘણી સારી છે.”

રોહન : “તો તું આટલી મૂંઝાયેલી કેમ લાગે છે ? કઈ થયું છે ? આપણે જયારે પહેલા મળતા અને આજે તું મને મળી એ બંને પરિસ્થિતિ ખુબ જ જુદી હોય એમ લાગે છે, આજે જાણે હું કોઈ અપરિચિત વ્યક્તિને મળી રહ્યો હોય એવો અનુભવ થાય છે.”

અવંતિકા : “પહેલા આપણે શાંતિથી બેસીએ, મારે તારી સાથે ઘણી બધી વાતો કરવી છે.”

બંને રીવર ફ્રન્ટ ઉપર બનાવેલી પાળી ઉપર બેઠા, રોહનની આંખો અવંતિકા શું કહેવાની છે એ જાણવા માટે ઉતાવળી હતી, એના મનમાં ઘણા પ્રશ્નો એ ઘર કરી લીધું હતું, અવંતિકા પણ શરૂઆત ક્યાંથી કરવી એજ મૂંઝવણમાં હતી. રોહનથી વધુ પ્રતિક્ષા ના થઇ શકી અને પૂછી જ લીધું :

“બોલને અવંતિકા શું વાત છે ? મને ચિંતા થાય છે.”

અવંતિકા :”રોહન, આજે મને વાત કેવી રીતે કરવી એજ ખબર નથી પડતી, પણ આજે આપણે જે કઈ નિર્ણય કરીશું એ બંને એ માન્ય રાખવો પડશે, વાત કરતાં પહેલા તારે મને વચન આપવું પડશે !”

રોહન : “પહેલા મને એ કહે કે વાત શું છે ?વાતની ખબર પડ્યા પહેલા હું તને કેવી રીતે વચન આપી શકું ?”

અવંતિકા : “વાત આપણા જીવન સાથે જોડાયેલી છે, કદાચ આ આપણી છેલ્લી મુલાકાત પણ હોઈ શકે છે !!”

રોહન : ” કેમ આજે આવી વાતો કરે છે ? તું મને ખુલી ને બધી વાત કર. મને ખુબ જ ચિંતા થાય છે ?

અવંતિકા કઈ બોલી શકતી નહોતી, રોહન વાત સાંભળી કઈ આડું અવળું કરી ના લે તનો ડર તેને સતાવતો હતો, પણ આ વાત તેને યોગ્ય રીતે સમજાવવી પડે તેમ હતું, માટે તે પોતાના દરેક શબ્દ ને ખુબ જ કાળજી પૂર્વક મુકવા માંગતી હતી.

અવંતિકા : “રોહન મને પહેલા વચન આપ કે મારી વાત તું યોગ્ય રીતે સમજીશ, અને કોઈ ખોટો નિર્ણય ક્યારેય નહિ લઉં.”

રોહન : “અવંતિકા મને પહેલા વાત તો કર પછી હું તને વચન આપું.”

અવંતિકા : “ના પહેલા તું મને વચન આપ”

રોહન સમજી ગયો કે અવંતિકાએ કોઈ મોટો નિર્ણય લઇ લીધો છે, પણ હું એને વચન નહિ આપું ત્યાં સુધી એ મને ચોખ્ખી વાત નહિ કરે. બે ક્ષણ માટે તો અવંતિકાના ચહેરાને જોઈ રહ્યો, અવંતિકા નીચું જોઈ અને ઉદાસ ચહેરે બેસી રહી હતી, અવંતિકાની જીદ સામે ઝુકી જઈ અને રોહને કહ્યું :

“ઓકે ચાલ બસ પ્રોમિસ કરું છું કે હું તારા નિર્ણયમાં તારો સાથ આપીશ અને કોઈ ખોટો નિર્ણય નહિ કરું.”

અવંતિકા : “થેન્ક્સ….”

“બોલ હવે” રોહન ઉતાવળો થતાં પૂછવા લાગ્યો.

અવંતિકા : “મારા પપ્પાએ થોડા સમય પહેલા મારા લગ્ન એમના એક મિત્રના દીકરા સાથે નક્કી કરી દીધા છે.”

“શું ? તે મને જણાવ્યું પણ નહિ.” થોડો ગુસ્સો બતાવતા અને આશ્ચર્ય પામતા રોહન બોલી ઉઠ્યો.

“મને પણ આ વાતની આજે જ ખબર પડી છે, મમ્મી પપ્પા મારું ભણવાનું ના બગડે એટલા માટે હમણાં મને કઈ જ જણાવવાના નહોતા, પણ મેં જે કર્યું તેના કારણે મમ્મી એ આજે મને એ વાત કહી દીધી, પપ્પાને એટેક પણ એજ વિચારમાં આવ્યો હતો.” રોહનને શાંત કરતાં અવંતિકા એ કહ્યું.

રોહન : ” ઓકે, તો તે શું નિર્ણય કર્યો છે ?”

અવંતિકા : “હું મારા મમ્મી પપ્પાના નિર્ણયમાં સાથ આપીશ, કારણ કે હું મારા પપ્પાને ખોવા નથી માંગતી, ડોકટરે પણ કહ્યું છે કે હવે એમને વધુ ટેન્શન ના આપતા. બીજીવાર જો આવું થયું તો કઈ નક્કી નહિ, અને હું મારા પપ્પાને ખુબ જ પ્રેમ કરું છું, એમની ખુશીમાં જ મારી ખુશી છુપાયેલી છે, મારા જન્મથી લઇ અત્યાર સુધી એમને મારા ઉછેરમાં કોઈ કસર છોડી નથી તો હવે હું એમને કેવી રીતે નિરાશ કરી શકું ? એમને પણ મારા માટે કેટ કેટલા સપના જોયા હતા, પણ હું એમના પ્રેમને ઓળખી ના શકી ! (અવંતિકા આંખોમાં આવેલા આંસુઓને લૂછતાં લૂછતાં પોતાની વાત ચાલુ જ રાખી) રોહન, મને અત્યાર સુધી તારા તરફથી કોઈ ફરિયાદ નથી આવી, તને અને તારા પ્રેમને હું ક્યારેય નહિ ભૂલી શકું પણ મારા માતા પિતા આગળ હું તારા પ્રેમની સરખામણી નથી કરી શકતી, ઘણી છોકરીઓ પોતાના માતા પિતાને છોડીને ચાલી જતી હોય છે અને સમય જતાં ખુબ દુઃખી પણ થતી હોય છે, મને ખબર છે કે તું ક્યારેય મારા માથે દુખ ના આવવા દેતો, પણ મારા મા બાપ તો દુઃખી જ થવાના હતા, માટે હું એમ નહિ કરી શકું, થઇ શકે તો મને માફ કરી દેજે, મને તારા જેવું ના કોઈ મળ્યું છે ના કોઈ મળશે. પણ આ ક્ષણે આપણું અલગ થઇ જવું જ મને યોગ્ય લાગે છે. હજુ આપણે આપણા સંબંધમાં એટલા આગળ નથી વધ્યા કે આપણને પછતાવો થાય સંબંધ તોડવાનો. મમ્મી પપ્પાએ જો આપણો સંબંધ સ્વીકાર્યો હોત તો મને ખુશી થતી, પણ એમને મારા માટે જે વિચાર્યું છે એ હું નકારી ના શકું.

રોહન : “તું એકવાર આપણી વાત તો કરી શકતી હતી ને ઘરે ?”

અવંતિકા : “રોહન, મેં એમ વિચાર્યું હતું કે પપ્પાને સારું થઇ જશે તો હું વાત કરવાની હતી, પણ એના માટે મેં થોડા મહિના રાહ જોવાનું વિચાર્યું હતું, કારણ કે આપણે હમણાં જ આ ખોટું પગલું ભરી ચુક્યા હતાં અને એનું પરિણામ શું આવ્યું એ આપણે બંને સારી રીતે જાણીએ છીએ. અને આજે સવારે જ પપ્પા મમ્મીએ મારા વિષે લીધેલા નિર્ણયની મને કરી, અને એમને પણ મારી પાસે વચન માંગ્યું પપ્પાને ક્યારેય દુઃખી નહિ કરવાનું. અને મને પણ એમનો સાથ આપવાનું યોગ્ય લાગ્યું. તું સમજી શકે છે ને મારી વાત ?

રોહન : “અવંતિકા તે નિર્ણય લઈ જ લીધો છે તો હું શું કહી શકું ? એમ પણ તે મને પહેલા જ મારી પાસે વચન લઇ બાંધી લીધો છે. હવે કઈ કહેવા માટે મારી પાસે બચતું જ નથી, હા પણ એક વાત હું તને આજે  ચોક્કસ કહીશ, જો તે આ નિર્ણય લીધો છે તો હું પણ આજે એક નિર્ણય લેવા માંગુ છું, અને તારે પણ મને કઈ જ નહિ કહેવાનું મારા આ નિર્ણય વિષે. છે મંજુર ?”

અવંતિકા : (આશ્ચર્ય સાથે ) “કેવો નિર્ણય ? કોઈ ખોટું પગલું ભરવાનો નિર્ણય તો તું નથી કરી રહ્યો ને ?”

રોહન : “ના, હું એવો કોઈ નિર્ણય કરું. અને આત્મહત્યા જેવા નિર્ણયો તો કાયરો કરે, હું તો જીવીશ કોઈ ખોટું પગલું નહિ ભરું.”

અવંતિકા : “તો તું કરવા શું માંગે છે એ કહે ને !”

રોહન : “અવંતિકા હું તને ખુબ જ પ્રેમ કરું છું, મેં તારી સાથે જ જીવન વિતાવવાના સપના જોયા હતા, આ દુનિયામાં તારા સિવાય મારું કોઈ નથી, મેં તને જ મારું સર્વસ્વ માની હતી, પણ હવે હું નિર્ણય કરું છું કે હું મારા જીવનમાં બીજા કોઈને નહિ આવવા દઉં, હું ક્યારેય લગ્ન નહિ કરું, તને પ્રેમ કર્યો છે અને બસ તને જ પ્રેમ કરતો રહીશ.”

અવંતિકા : “આવી ગાંડા જેવી વાતો નાં કર, એકલા જિંદગી ના જીવાય, હમણાં તો તારા હાથ પગ ચાલે છે એટલે તને કોઈ તકલીફ નહિ પડે પણ જયારે તું ઉંમરના એક એવા પડાવ પાસે પહોચીશ ત્યારે તને પાસે રહેલા કોઈ વ્યક્તિની જરૂરિયાત સમજાશે, ત્યારે તું કોઈની હુંફ ઝંખતો હોઈશ પણ ત્યારે તારી સાથે કોઈ નહિ હોય, તારા આ વિચારમાં હું તારી સાથે નથી.”

રોહન : “ચંડીગઢથી પાછા આવીને મેં આજ વાત વિચારી હતી, મને અંદાઝો હતો કે જે બન્યું છે તેનાથી તારા પરિવારમાં મારો ક્યારેય સ્વીકાર નહિ થાય, એક આશા જરૂર હતી પણ આજે એ આશા પણ પૂર્ણ થઇ ગઈ, ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે હું આ શહેર છોડી દઈશ, ક્યાંક દૂર ચાલ્યો જઈશ જ્યાં કોઈ જ ઓળખીતું ના હોય, આ શેહરમાં રહીશ તો મને તારી યાદ સતાવશે, ઓળખીતા લોકો તારા વિષે પૂછ્યા કરશે, જેના જવાબ હું એમને નહિ આપી શકું. અને મારા માટે સૌથી મોટી વાત એ છે કે મારા માથે કોઈ બીજી વ્યક્તિની જવાબદારી નથી. માટે મને એકલું રહેવામાં પણ કોઈ તકલીફ નહિ પડે. તું ભલે મારા આ નિર્ણયમાં સાથ નહિ આપે પણ મારો આ નિર્ણય હવે બદલાઈ નહિ શકે, જેમ તારો નિણર્ય નહિ બદલાઈ શકે એમ હું પણ હવે આ વાત મક્કમ પણે નક્કી કરી લીધી છે. અને આજે બીજો એક નિર્ણય, તારા લગ્નના દિવસે જ હું આ શહેરથી ક્યાંક દૂર ચાલ્યો જઈશ.”

અંધારું થવા જઈ રહ્યું હતું, અવંતિકા અને રોહન બંને મૌન બનીને બેસી રહ્યા હતા, અવંતિકા શું જવાબ આપે રોહનને તેની કઈ ખબર જ નહોતી પડી રહી.

અવંતિકા : “રોહન, તને કહેવા મારી પાસે કઈ શબ્દો નથી, પણ એટલું ચોક્કસ કહીશ કે હજુ બરાબર વિચાર કરજે તારા નિર્ણય માટે, અને જીવનમાં કોણ ક્યારે આવી જાય એ નક્કી ના હોય, પણ જો કોઈ વ્યક્તિ તને ચાહતી આવી જાય તો એનો સ્વીકાર કરી લેજે.”

રોહન : “આ દિલના દરવાજા હવે કાયમ માટે અંદરથી જ બંધ થઇ ગયા છે જે ક્યારેય ખુલવાના નથી, એમાં બસ એક જ ચહેરો સદાય માટે રહેશે અને એ તારો હશે. ચલ હવે બહુ મોડું થઇ ગયું છે, ઘરે તારા મમ્મી ચિંતા કરતાં હશે, જો વહેલી નહિ જાય તો એમને એમ થશે કે રોહન પાછો ભગાવીને લઇ ગયો એમની દીકરીને (વાતાવરણ ને હળવું બનાવવા રોહને મઝાક કર્યો.)

અવંતિકા મર્માળુ હસી, અને કહ્યું : “હા, સામાન પણ તારી પાસે જ છે ને મારો, તો એવું જ થશે, સારું ચાલ હું નીકળું હવે. થોડા દિવસ પછી હું તને મળવા માટે કહીશ.”

રોહન : “ઓકે, હું રાહ જોઇશ તને મળવાની.”

પોતાની બેગ રોહન પાસેથી લઈ અને અવંતિકા પોતાના ઘર તરફ જવા નીકળી, રોહન મોડા સુધી સાબરમતીના કિનારા પાસે ઉભો રહી અને વહેતા પાણી ને જોઈ રહ્યો………

ભાગ – ૭


ઘરે આવી અવંતિકા થોડી અપસેટ લાગતી હતી, સુમિત્રા પણ દીકરીના હાલ સમજી શકતી હતી, એ પોતાની રૂમમાં ચાલી ગઈ, ઘણીવાર સુધી રૂમની અંદર રડ્યા કરી, સુમિત્રા એ પણ પહેલા વિચાર્યું કે અવંતિકાને થોડીવાર માટે એકલા રહેવા દઉં, પણ એક માનું હૃદય ક્યાં સુધી રોકાઈ શકે ? અવંતિકાના રૂમનો દરવાજો ખખડાવ્યો, અવંતિકા આંસુને પોતાના દુપટ્ટાથી લુછી દરવાજો ખોલવા માટે ઉભી થઇ, આ સમય એની મમ્મીના આવવાની જ કલ્પના કરી હતી અને સાચી પડી, અવંતિકાની આંખમાંથી તાજા સુકાયેલા આંસુ અને ફૂલેલી આંખોએ અવંતિકાના દિલના હાલ સુમિત્રાએ વાંચી લીધા. રૂમની અંદર ચાલતા ચાલતા સુમિત્રાએ અવંતિકાની પીઠ ઉપર હાથ મુક્યો અને કહ્યું :

“બેટા, જે થાય છે તે સારા માટે થાય છે, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું, જો શક્ય હોત તો અમે તારા લગ્ન રોહન સાથે કરાવી આપતા, પણ તારા પપ્પાએ એમના મિત્ર સુરેશભાઈને વચન આપી દીધું છે, એમને અંદાજો નહોતો કે તું આમ કરીશ, તારા ઘર છોડ્યાના સમાચાર સાંભળી એ ખુબ જ રડ્યા હતા, (બેડ પાસે પહોચતા અવંતિકાને બેસાડતા સુમિત્રાએ વાતનો દોર ચાલુ જ રાખ્યો) તને ખબર છે ! તારા પપ્પાને તારું રોહન સાથે ભાગી જવાનું દુઃખ જેટલું નહોતું એટલું દુઃખ તે પળવારમાં અમને પારકા માની લીધા એ વાતનું હતું, એમને તારી ખુશીની ચિંતા હતી,

અવંતિકા : “મમ્મી મેં મારો નિર્ણય રોહનને જણાવી દીધો છે, અને હવે પપ્પા અને તું જ્યાં ઇચ્છશો ત્યાં જ લગ્ન કરીશ, તમે મારા સારા માટે જ નિર્ણય લીધો છે હું જાણું છું, અને આજે એટલે જ મેં રોહનને ભૂલવાનો નિર્ણય કરી લીધો છે, મારા માટે તમારા કરતાં એ વધારે કીમતી નથી, હું મારી મરજીનું કરવા ચાલી હતી, અને એ ભૂલી ગઈ હતી કે મારી ઉપર હજુ સંપૂર્ણ અધિકાર તમારો છે. જીવનમાં ફરી કોઈ કામ એવું નહિ કરું જેના કારણે તારે કે પપ્પાને શરમથી માથું નમાવવાનો સમય આવે.”

સુમિત્રા : “બેટા, અમને ગર્વ છે કે તારા જેવી દીકરી અમને મળી છે, આજકાલના સંતાનો માતા પિતાનું સાંભળતા નથી અને પછી જયારે તકલીફમાં મુકાય છે ત્યારે એમની પાસે પસ્તાવવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી, અને કેટલાય સંતાનો માં બાપથી દૂર થઇ જઈ જયારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે કોઈનો સાથ ના મળતાં કેટલીકવાર મુર્ત્યુંને વહાલું કરે છે. પણ અમને તારા ઉપર વિશ્વાસ છે કે તું આવું કોઈ પગલું નહિ ભરે, અને તારા દિલમાં પણ અમારા માટે માન સન્માન છે એટલે જ તું રોહન સાથે ભાગી જઈને પણ પાછી આવી છું, જો તારા મનમાં અમારા માટે પ્રેમ ના હોત તો તું પાછી આવી જ ના હોત, ચલ હવે તારા પપ્પા જમવા માટે રાહ જોઈને બેઠા હશે, કહેશે કે માં દીકરી અંદર વાતો એ વળગ્યા અને હું ભૂખ્યો છું એનું પણ ધ્યાન ના રાખ્યું.”

અવંતિકા અને સુમિત્રા રૂમની બહાર નીકળ્યા, બધા સાથે જમી અને રાત્રે અનીલના રૂમમાં જ સાથે બેઠા, અને વાતો શરુ કરી. અનીલ અવંતિકાને કઈ પૂછવા માંગતો હતો પણ મનમાં થોડી મૂંઝવણ અનુભવતો હતો છતાં પણ પૂછી જ લીધું…

“બેટા, હવે તે આગળ શું કરવાનો વિચાર કર્યો છે ?”

અવંતિકા : “પપ્પા, હવે હું કોલેજ જવા નથી માંગતી, તમે સુરેશ અંકલને જે વચન આપ્યું છે એ હું નિભાવવા માટે તૈયાર છું, તમે એમને આપણા તરફથી હા કહી શકો છો.”

અનીલ : “દીકરા આમ તારું અધવચ્ચે ભણવાનું છોડી દઈશ તો કેમ ચાલશે ? હું સમજુ કે તું આ નિર્ણય કેમ લઇ રહી છે ? પણ તારા ભણતરનો ભોગ આપી અમારે તને પરણાવી નથી દેવી !”

અવંતિકા : “ના પપ્પા, હું મારી ઇચ્છાથી જ કહું છું, અને જો મારી ભણવાની જ ઈચ્છા હશે આગળ તો હું લંડનમાં જઈને ભણી શકીશ, સુરેશ અંકલ પણ ના પાડે એમ નથી, પણ મારે આં જગ્યા ઉપર રહી અને જૂની યાદોને વધારે પમ્પારવી નથી, જે થયું છે તે હું ભૂલવા માંગું છું, મને મારી ભૂલ ઉપર અત્યારે ખુબ જ પછતાવો થાય છે, જે કઈ થયું છે એમાં બધો વાંક મારો જ છે. હું મારી આ ભૂલ માટે મારી જાતને ક્યારેય માફ નહિ કરી શકું !” બોલતા બોલતા અવંતિકાની આંખો આંસુઓથી છલકાવવા લાગી.

અનીલે અવંતિકાને પોતાની છાતી સાથે ચોપી અને માથે હાથ ફેરવતા કહેવા લાગ્યા …

“બેટા જે થયું એમાં તારો પણ વાંક નથી એ તારી નાદાની હતી, અને હવે તું જે કરી રહી છું એ તારી સમજણ છે, સવાર નો ભૂલ્યું સાંજે ઘરે આવે એને ભૂલ્યું ના કહેવાય. બધી જ વાતો હવે ભૂલી જા અને નવી રીતે જીવનની શરૂઆત કર, અમે તારી સાથે છીએ.”

થોડીવાર માટે રૂમમાં મૌન પ્રસરી ગયું. સુમિત્રા એ મૌનને તોડવા અને વાતાવરણને બદલવા અનીલને કહેવા લાગી  :

“સુરેશભાઈને ફોન તો કરો, ખબર અંતર પૂછવા ના બહાને વાત કરી લેજો કે રોહિત ક્યારે ઇન્ડિયા આવે છે ?”

અનીલ : “હા એ વાત તે સારી કીધી, રોહિત ક્યારે આવવાનો છે એ જાણી લઇએ પણ ફોન કરતા પહેલા મારે અવંતિકાને કાંઇક પૂછવું છે !”

અવંતિકા : “હા પપ્પા પૂછો ને ?”

અનીલ : “દીકરા, તું રોહિત સાથે લગ્ન કરવા તારી મરજીથી તૈયાર છે ને કે મારા એટેક અને તારી મમ્મીના સમજાવવાના કારણે જ તું લગ્ન કરવા તૈયાર થઇ છે ?”

અવંતિકા : “ના પપ્પા, મેં આ નિર્ણય ખુબ જ વિચારી ને લીધો છે, હું માત્રે પ્રેમ જ જોતી હતી પણ જીવવા માટે માત્ર પ્રેમ જ હોવો જરૂરી નથી એ મને સમજાઈ ગયું છે, હું મારા જીવનમાં એકલી નથી, મારી સાથે તમારું પણ જીવન જોડાયેલું છું, કોઈ માતા પિતા પોતાના સંતાનને દુઃખી ના જોઈ શકે. હું રોહન સાથે ખુશ તો હોત પણ જવાબદારીઓના ભાર નીચે દબેયેલી હોત, એ સારો છોકરો છે મને ક્યારેય તકલીફ ના આપી શકતો પણ હું એની સાથે જીવન તો વિતાવી શકતી, પણ આગળની જીંદગીમાં મારા બાળકોનું ભવિષ્ય કેવું હશે એની કલ્પના પણ હું ના કરી શકતી ! મેં મારા બાળપણને મારા બાળકોના બાળપણ સાથે તોલ્યું તો એમાં માર બાળપણનું જ પલડું ભારે આવ્યું, તમે મને જે બાળપણમાં ખુશીઓ આપી એ હું મારા સંતાનોને ના આપી શકતી, મારે અને રોહને જીવનની શરૂઆત એક નવી રીતે કરવાની હતી, રહેવાનું તો ઠીક પણ જમવાનું પણ પહેલા શોધવું પડે એમ હતું, મને રોહન ઉપર પૂરો વિશ્વાસ હતો કે એ બધું જ કરી શકતો પણ ક્યાં સુધી અમે બંને એજ પરિસ્થિતિનો સામનો કર્યા કરતા. એના કરતા રોહનથી મારું અલગ થવું જ મને યોગ્ય લાગ્યું, હું એની સાથે હોત તો એ મારા કારણે પોતાના મનનું ના કરી શકતો, જો હું એની સાથે નહિ હોઉં તો એ કંઇક કરી બતાવશે એ મને ખબર છે, એ ખુબ જ હોશિયાર પણ છે, હું પણ એને સાથ આપવા માંગતી હતી, પણ મારું એની સાથે હોવું એની કમજોરી બની જાત. જે હું બનવા દેવા માંગતી નહોતી, તમે પણ વહેલા મોડા મને આપનાવી લેતા અને હું તમારી એકની એક દીકરી હોવાના કારણે આ બીઝનેસ, ઘર બધું જ મને મળતું અને રોહન એ સાચવી પણ શકતો, પણ આમ કરવાથી પણ રોહનની સમાજમાં કોઈ ઈજ્જત ના રહેતી, હું અને તમે કદાચ આ વાત સમજી શકતા પણ દુનિયા તો એવું જ માનતી કે રોહને મારી સાથે પૈસા અને આ બીઝનેસ માટે જ લગ્ન કર્યા છે, એનું કોઈ સ્વમાન રહેતું નહિ. અમારા બંને ના ભવિષ્ય માટે હું એનાથી અલગ થઇ છું, રોહિત સાથે લગ્નનો નિર્ણય તમારો ચોક્કસ હતો, પણ આ પરિસ્થિતિમાં રોહિત સિવાય બીજી કોઈ વ્યક્તિ મને યોગ્ય નથી લાગતી, સુરેશ અંકલ સાથે આપણે ઘણાં વર્ષો જૂનો સંબંધ છે, હું એમના સ્વભાવને સારી રીતે ઓળખું છું, એ મને એક દીકરીની જેમ જ સાચવશે. માટે હું રોહિત સાથે મારી મરજીથી જ લગ્ન કરવા માટે તૈયાર થઇ છું.”

અનીલ : “વાહ બેટા, તું તો ખુબ સમજદાર થઇ ગઈ છે, કદાચ તારા જેવું બીજા સંતાનો પણ વિચારી શકતા હોત તો એમના મા બાપને ક્યારેય દુખી થવાનો સમય ના આવતો, ખરેખર દીકરા, આજે હું ખુબ જ ખુશ છું. અમે તને જે સંસ્કાર આપ્યા, તારો ઉછેર જે રીતે કર્યો તેમાં તું ખરી ઉતરી છું, અમને ગર્વ છે કે તું અમારી દીકરી છું, તારી જગ્યાએ કદાચ હું હોત તો પણ આટલું ના વિચારી શકતો જેટલું આજે તે વિચાર્યું છે, I M PROUD OF YOU.”

એક ખુશી સાથે બોલતા અનીલે અવંતિકાના કપાળ ઉપર વાત્સલ્યભર્યું ચુંબન કર્યું.

અવંતિકા પોતાના પપ્પાને ભેટતા બોલી “I LOVE U PAPA. કદાચ તમારા જેવા મા બાપ પણ દરેક સંતાનને મળતા, તો પોતાની દિલની વાત કહેવા કોઈ ત્રીજી વ્યક્તિને શોધવાની જરૂર ના રહેતી, પોતાના દિલનીની વાત પોતાના મા બાપ સમજી શકે એવી કોઈ બીજી વ્યક્તિ ના સમજી શકે.”ઘરમાં એક ખુશીનું વાતાવરણ જેવું છવાઈ ગયું, સૌની આંખો ભીની હતી પણ એમાં આંસુ ખુશી અને ગર્વના હતા.

રાત્રીના ૧૨:૩૦ થવા આવ્યા હતા. લંડનમાં આ સમયે સાંજના ૭:૦૦ વાગવા આવ્યા હશે, અત્યારે બધા જ ઘરે હશે એમ માની  અનીલે પોતાના ફોનમાંથી સુરેશભાઈને નંબર જોડ્યો…..

નીરવ પટેલ “શ્યામ”

ભાગ – ૮


અનીલ : “કેમ છો સુરેશભાઈ ?” (અનિલે ઉત્સાહ દર્શાવતા પૂછ્યું)

સુરેશભાઈ : “બસ, એકદમ ફાઈન, તમે કેમ છો ? કેમ આજે અચાનક આટલી મોડી રાત્રે ફોન ? તમારે તો રાત્રીના ૧૨:૩૦ થવા આવ્યા હશે ! બધું બરાબર તો છે ને ?”

અનીલ : “હા, બધું જ ઓકે છે. તમારા લંડન વાળા સાથે અમારે દિવસ હોય ત્યારે વાત ક્યાં થઇ શકે છે ? એટલે અમારે તો તમારી સાથે વાત કરવા માટે રાત્રે મોડા સુધી તો જાગવું પડે ને !”

સુરેશભાઈ : “હા, એ વાત સાચી હો, અમારો દિવસ તો કેમનો પૂરો થઇ જાય ખબર જ નથી પડતી, એક નવી મોટેલ શરુ કરી રહ્યા છીએ, તો એના કામ કાજ માં ખુબ જ બીઝી રહીએ છીએ હમણાં તો. રોહિત પણ સવારથી ત્યાં છે હજુ પાછો નથી ફર્યો એનો જ વેઇટ કરીને બેસી રહ્યા છીએ. એ આવે પછી બધા સાથે ડીનર લઈશું.”

અનીલ : “ઓહો, સરસ… તમે તો દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યા છો એ જાણી આનંદ થયો. તો હવે એમ કહો કે આ નવી મોટેલની પાર્ટી ક્યારે આપો છો ?”

સુરેશભાઈ : “ઇન્ડિયા આવું એટલે પાર્ટી પાકી જ સમજો, હું હમણાં તો નહિ આવું પણ રોહિતને ઇન્ડિયા મોકલું છું, એને ઘણા વર્ષો થઇ ગયા છે ઇન્ડિયા આવે, અને એ કામમાં એટલો વળગેલો છે કે પોતાના માટે પણ રજા જ નથી લેતો. એટલે આ વખતે એને ઇન્ડિયા મોકલવો છે મીની વેકેશન પણ એને મળી જાય અને એ બહાને અવંતિકાને પણ મળી લેવાય. બરાબરને ?”

અનીલ : “આ તો ખુબ જ સરસ વિચાર છે તમારો, અને અમે પણ ખાસ એજ પૂછવા માટે ફોન કર્યો હતો કે રોહિત ક્યારે ઇન્ડિયા આવે છે ? પણ તમે જ અમને સમાચાર આપી ખુશ કરી નાખ્યા. ક્યારે આવે છે એ ?”

સુરેશભાઈ : “આવતા વિકમાં એની ટિકિટ છે, ગુરુવારની ફ્લાઈટમાં એ ઇન્ડિયા આવી જશે.”

અનીલ : “ઓકે, તો હવે રોહિતને અમે લેવા માટે એરપોર્ટ જઈશું, અને એ અમારા ઘરે જ રહેશે.”

સુરેશભાઈ : “અરે.. ના..ના…. રોહિતને એવી તકલીફ આપવી નહિ ગમે, એને તો પહેલાથી જ હોટેલ લેન્ડમાર્કમાં બુકિંગ કરાવી પણ દીધું છે.”

અનીલ : “પોતાના ઘરનો દીકરો પોતાનું ઘર હોવા છતાં પણ હોટેલમાં રહે એ કેમ ચાલે ? અને અમારે ક્યાં તકલીફ થવાની છે, આવડું મોટું ઘર છે એ હોટેલથી થોડું ઓછુ છે ?”

સુરેશભાઈ : “અભાર તમારો અનિલભાઈ પણ રોહિતને આ બધું હમણાં નહિ ગમે, એકવાર તમારો જમાઈ બની જવાદો પછી તમારા ઘરે જ રાખજો..” (હા હા હા કરતાં સુરેશભાઈ હસવા લાગ્યા સામા છેડે અનિલ પણ સુરેશભાઈની વાત સાંભળી હસવા લાગ્યા.)

અનીલ : “ઓકે, ચાલો જેવી અમારા જમાઈની ઈચ્છા..” (અનીલે પણ હસતા હસતા વાત આગળ વધારી.)

સુરેશભાઈ : “ઓકે ચાલો ત્યારે રોહિતને ફોન કરું હવે કેટલે રહ્યો નહિ તો કામમાં જમવાનું પણ યાદ નહિ રાખે. એટલે જ એને ખીલે બાંધી દેવાનું નક્કી કરી લીધું છે, એકવાર અવંતિકા આ ઘરમાં આવી જાય પછી એ સમયસર ઘરે આવી જશે.”

અનીલ : “હા, હો, પરણ્યા પછી જીવન કેવું બદલાઈ જાય છે ? તમે અને હું જ જોવોને, પહેલા આખી રાત બહાર ફરતા હતા અને હવે તો સમયસર ઘરે પહોચવું પડે છે.” (બંને પાછા હસવા લાગ્યા).

અનીલ : “ઓકે, ચાલો તમે રોહિતને ફોન કરો, અને જમી લો. જય શ્રી કૃષ્ણ.”

સુરેશભાઈએ “જય શ્રી કૃષ્ણ” કહી ફોન મુક્યો, અવંતિકાના ઘરમાં અનીલ અને સુમિત્રા બંને ખુશ હતા, પણ અવંતિકા બનાવટી ખુશી સાથે ખુશ થવામાં સાથ આપી રહી હતી. થોડી વાર બધા સાથે બેસી અવંતિકા પોતાના રૂમમાં પાછી ફરી, ઊંઘતો આવતી નહોતી છતાં આંખો બંધ કરી અને વિચારવા લાગી, રોહનના વિચારો સતત મનને મુંઝવતા હતા.

આ તરફ રોહનની પણ રાતોની ઊંઘ હરામ થઇ ગઈ હતી, પોતાને હવે અવંતિકા વિના કઈ રીતે જીવવું એના જ વિચારો ચાલી રહ્યા હતા, પોતાના નિર્ણય માટે રોહન મક્કમ હતો, તેને નક્કી કરી રાખ્યું હતું કે અવંતિકાના લગ્નના થોડા દિવસ પહેલા અવંતિકાને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ આપી અને લગ્નના દિવસે જ આ શહેરને છોડી દઈને જતું રહેવું, પણ અવંતિકાના લગ્ન સુધીનો સમય કાઢવો તેના માટે મુશ્કેલી ભર્યો હતો, રોજ સવારે ઉઠી પોતાના મિત્ર વરુણ સાથે ફર્યા કરતો, ક્યારેક તેની આગળ રડી પણ લેતો, વરુણ આ સમય દરમિયાન તેને એક સાચા મિત્રની જેમ સાચવી રહ્યો હતો, દિવસ આખો તે રોહનની સાથે જ રહેતો, એના જમવાનું પણ પૂરું ધ્યાન રાખતો, સતત તેનો ઉત્સાહ વધારતો રહેતો હતો, અને રોહને લીધેલા નિણર્ય બદલવા માટે પણ કહ્યા કરતો હતો, પણ રોહન પોતાના નિર્ણય માટે તટસ્થ છે એમ જ જણાવી બીજી વાતો કરવાનું કહેતો, રોહન ક્યાં જશે ? શું કરશે ? એની કોઈને ખબર નહોતી, રોહન ખુદ પણ જાણતો નહોતો કે હવે પોતે આગળ શું કરવું છે, બસ આ શહેરને છોડી દેવું છે એજ ખબર હતી.

અવંતિકાએ પોતાનો નિર્ણય લઇ લીધો હતો, અને એની સાથે બળજબરી કે કોઈ પણ પ્રકારની ધમકી આપી અને પોતે એને પામવા નહોતો માંગતો, રોહન ખુબ જ સમજુ છોકરો હતો, આજના યુવાનોની જેમ મોજ શોખ માટે કોઈ છોકરી સાથે હરી ફરી એનો ફાયદો ઉઠાવી અને પછી છોડી દેવામાં તે માનતો નહોતો, રોહન પ્રેમને એક ભક્તિ માનતો હતો, માટે અવંતિકા સાથે આટલા સમયનો સાથ હોવા છતાં પણ ક્યારેય એનો ફાયદો ઉઠાવ્યો નહોતો, બંને વચ્ચે પહેલું ચુંબન પણ અવંતિકાની મરજીથી થયું હતું. સાવ ભોળો લાગતો રોહન બુદ્ધિવાન હતો, અને પોતાની જાતે કંઇક કરવાની આવડત ધરાવતો હતો, કોઈની આગળ ક્યારેય હાથ નહોતો લંબાવતો, અને એ બધા કારણોના લીધે જ અવંતિકા રોહન તરફ આકર્ષાઈ હતી.

રાત્રીના અંધકારમાં કોલેજના એ દિવસનો યાદ રોહનના મનમાં તાજી થઇ રહી હતી, કેવી રીતે અવંતિકા સાથે તેની મુલાકાત થઇ ? રોજ વણકહ્યા શબ્દોમાં કેટ કેટલી વાતો આંખોથી જ કરી લેતા હતાં એ બધું આંખો સામે તાજું થવા લાગ્યું……….

કોલેજનો પહેલો જ દિવસ હતો, અવંતિકા પોતાનું એકટીવા લઇ અને કોલેજ પહોચી હતી, સુંદર ચહેરો અને લાંબા વાળ એની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા, પ્રમાણસરની ઉંચાઈ, શરીર પણ મધ્યમ, ખાતા પિતા ઘરની એક સુખી સપન્ન છોકરી, કપડામાં પણ એક સાદાઈ હતી, બ્લેક કલરના ડ્રેસમાં તે વધુ સુંદર લાગી રહી હતી. ચહેરા ઉપર સહેજ પણ અભિમાનનો ભાવ નહિ, ચહેરા પર ચમકતી નિર્દોષતા એના સ્વભાવનો પરિચય આપી રહી હતી. કોલેજમાં આવી અવંતિકા પોતાનો ક્લાસ નોટીસબોર્ડ ઉપર શોધી રહી હતી, કોલેજમાં બેઠેલા મોટા ભાગના છોકરાઓની નજર અવંતિકા તરફ જ હતી, એ છોકરાઓની અંદરો અંદર કોમેન્ટ પણ પસાર થવા લાગી હતી, બ્લેક કલરના ગોગલ્સ અને અમીર બાપના એક છોકરા એ કહ્યું : “યાર, શું છોકરી છે ? ભગવાન કરે આ આપણા જ ક્લાસમાં આવે.” બાજુમાં બેઠેલા તેના એક મિત્ર એ તરત કહ્યું : “તું ક્લાસમાં થોડો લેકચર ભરવા જવાનો છે ?” “અરે યાર, જો આવી છોકરી મળતી હોય તો હું પણ રોજ ક્લાસમાં જતો થઇ જાઉં.” બધા છોકરાઓ સાથે મળી હસવા લાગ્યા.

અવંતિકા પોતાનો ક્લાસ શોધી અને એ તરફ ચાલવા લાગી. ક્લાસ હજુ શરુ થયા નહોતા, ક્લાસમાં પ્રવેશતાની સાથે જ પહેલી બેંચ ઉપર બેઠેલા રોહન ઉપર તેની નજર પડી, નજર પણ એટલા માટે જ પડી કે ક્લાસમાં બધા નવા આવેલા છોકરા છોકરીઓ પોતાના મિત્રો સાથે વાતો કરી રહ્યા હતા અને રોહન બધાથી અલગ બેઠો બેઠો હાથમાં ચેતન ભગતની નવલકથા “રેવોલ્યુશન ૨૦૨૦” વાંચી રહ્યો હતો. રોહન પણ બધાથી સાવ અલગ જ હતો, પાસેથી નીકળતી અવંતિકાને પણ તેની જોઈ સુદ્ધાં નહિ, જ્યાં બીજી તરફ કોલેજ ના બધા જ છોકરાઓ અવંતિકાની સામે એકીટશે જોઈ રહેતા હતાં ત્યાં રોહન સાવ જુદી પ્રકૃતિનો જ વ્યક્તિ દેખાયો. અવંતિકાને મનોમન થયું કે આ એક વ્યક્તિ મિત્રતા કરવા યોગ્ય લાગે છે, પણ હજુ એના વિષે એ કઈ જ જાણતી નથી, અને એકદમ કોઈ ઉપર વિશ્વાસ કરવો એ પણ યોગ્ય ના ગણાય એમ અવંતિકા માનતી હતી. પણ રોહનના આ ગુણે અવંતિકાના મનમાં પોતાની એક સારી છાપ ઉભી કરી હતી.

અવંતિકા સાથે સ્કુલમાં ભણતી તેની એક મિત્ર સરસ્વતી એજ ક્લાસમાં હતી, અવંતિકાને જોતા જ એને બોલાવી પાસે બેસાડી. અવંતિકાને હવે એકલું લાગે એમ નહોતું. કલાસમાં બંને સાથે જ બેઠા અને રોહન પહેલી બેંચ ઉપર બેસીને જ ધ્યાન પૂર્વક ભણી રહ્યો હતો, અવંતિકા થોડા થોડા સમયે એને જોઈ રહી હતી. ક્લાસ પૂર્ણ થતાં મોટા ભાગના છોકરા છોકરીઓ કેન્ટીન તરફ જવા લાગ્યા જયારે રોહન લાઈબ્રેરી તરફ ગયો, અવંતિકા અને સરસ્વતી પણ કેન્ટીન તરફ જ ગયા, રોહન લાઈબ્રેરીમાં બેઠો બેઠો વાંચી રહ્યો હતો, અવંતિકા પણ કેન્ટીનમાં જ્યુસ પી અને સરસ્વતીને લાઈબ્રેરીમાં જવા માટે કહ્યું, બંને લાઈબ્રેરી તરફ ગયા, ત્યાં રોહન પણ ખૂણા માં બેસી વાંચી રહ્યો હતો, અવંતિકા અને સરસ્વતી એક ટેબલ ઉપર જઈને બેઠા, બહુ ખાસ છોકરાઓ ત્યાં નહોતા, અવન્તીકાનું ધ્યાન રોહન તરફ ગયું. એને જોતા જ અવંતિકા મનોમન ઝીણા સ્વરે બોલવા લાગી. “બુક પૂરી કરી દેવાનો લાગે છે આજે.” સરસ્વતીએ અવંતિકાની વાત સાંભળી લીધી, અને કહ્યું “ઓળખે છે તું આને ?” “ના હું નથી ઓળખતી, આ તો હું ક્લાસમાં આવી ત્યારે ક્લાસમાં બધા વાતો કરતાં હતા અને આ મહાશય નોવેલ વાંચવામાં વ્યસ્ત હતાં એટલે યાદ રહી ગયા.” જવાબ આપતા અવંતિકાએ કહ્યું. બંને પોતાના સ્કુલ સમયની વાતોમાં વ્યસ્ત થઇ ગયા, રોહન પણ ત્યાંથી નીકળી ગયો એની અવંતિકાને ખબર જ ના રહી, કૉલેજ છૂટ્યા બાદ અવંતિકા પોતાનું એકટીવા લઇ પાછી ઘર તરફ નીકળી.

રસ્તામાં એક સિગ્નલ પાસે ટ્રાફિક હોવાથી અવંતિકાએ એકટીવા થોભ્યું, ત્યાં આજુ બાજુ નજર ફેરવતા તેની નજર એક દુકાનમાં ગઈ. તમાં એક વ્યક્તિ મહિલાને સાડી બતાવી રહ્યો હતો. એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ કોલેજમાં જે નોવેલ વાંચી રહ્યો હતો તે રોહન જ હતો. સિગ્નલ ખુલતા અવંતિકાને વિચારવાનો સમય ના મળ્યો……

નીરવ પટેલ “શ્યામ”

ભાગ – ૯


ઘરે આવી અવંતિકાના મમ્મી પપ્પાએ કોલેજ ના પહેલા દિવસ વિષે પૂછ્યું, અવંતિકાએ પોતાના વીતેલા દિવસ વિષે વાત કરી, રાત્રે જમી અને પોતાના રૂમમાં સુવા માટે ચાલી ગઈ, પોતાના બેડ ઉપર આળોટતા, નોવેલ વાંચી રહેલા એ છોકરા વિષે વિચારવા લાગી, અવંતિકા વિચારી રહી હતી “કોણ હતો એ છોકરો, દિવસમાં કોલેજમાં સતત વાંચ્યા કરતો હતો, અને સાંજે કોઈ સાડીની દુકાનમાં હતો, શું એ દુકાન એની હશે ? લાગતું નહોતું, આવડી મોટી દુકાનના માલિકનો દીકરાને વાંચનમાં આટલો રસ ના હોઈ શકે ?” આ બધા વિચારો અવંતિકાને સુવા દેતા નહોતા, અંતે એને એમ વિચાર્યું કે કોઈપણ હોય !! મારે શું ? અને સુવાનો પ્રયત્ન કરવા ગઈ પણ છતાં કોણ જાણે કેમ ઊંઘ એની આંખોથી દુર ભાગી રહી હતી અને એ અજાણ્યા છોકરાના વિચારો પાસે આવી રહ્યા હતા, મનમાં ચાલેલી ઘણી ગડમથલ બાદ છેલ્લે આંખ મીંચાઈ.

કોલેજ માટે તૈયાર થઇ અવંતિકા પોતાનું એકટીવા લઇ જવા માટે નીકળી, આજે તેને બ્લેક જીન્સ અને રેડ ટોપ પહેર્યા હતાં. કોલેજના મેદાનમાં રોજની જેમ આજે પણ બાપના પૈસા બગાડવા માટે આવતા છોકરાઓ પોતાની બાઈક ઉપર બેઠા બેઠા આવતી જતી છોકરીઓ સામે તાકી રહ્યા હતા, અવંતિકા પોતાનું એકટીવા પાર્ક કરી અને થોડે આગળ જતાં જ પેલા છોકરાઓ અંદરો અંદર મશ્કરીઓ કરવા લાગી ગયા, અવંતિકાને જોઇને બોલ્યો : “અરે યાર આજે તો જાણે ચાંદ જમીન પર ઉતરી ગયો હોય એમ લાગે છે, ભાઈ આનું કંઇક કરવું જ પડશે, આટલી મસ્ત છોકરી આપણી કોલેજમાં હોય અને આપણી બાઈક પાછળ ના બેસે તો યાર કેમ ચાલે ?” બીજો બોલ્યો “કરીએ યાર હવે આનું પણ કંઇક હજુ કાલે તો કોલેજ શરુ થઇ છે, અને ધીમે ધીમે એ આપણને પણ ઓળખી જશે, આજ કાલની છોકરીઓને હરવા ફરવાનું જોઈએ, થોડા દિવસ બધાને બતાવે કે અમે ભણવા માટે આવીએ છીએ પછી કંટાળી અને આપણી પાસે જ તો આવે છે ગયા વર્ષે પેલી પૂર્વી તને યાદ નથી ? કેવી ભણવા માટે આવતી હતી અને પછી મેં એને પટાવી લીધી હતી.” “હા, ભાઈ તમે તો ખરેખર જીનીયસ છો.. છોકરીને પટાવવાનું તો કોઈ તમારાથી શીખે.” દરેક કોલેજની બહાર આવા છોકરાઓ જોવા મળે જે પોતે તો ભણે જ નહિ પણ બીજાને પણ ભણવા ના દે. કેટલીય છોકરીઓનું જીવન પણ બગાડી દેતા હોય છે.

અવંતિકાને કોલેજના ગેટ પાસે જ સરસ્વતી મળી ગઈ, બંને સાથે ક્લાસમાં ગયા, આજે પણ રોહન પહેલી બેંચ ઉપર બેસી વાંચી જ રહ્યો હતો, પણ આજે તેના હાથમાં કોઈ બીજું પુસ્તક હતું. આજે તે દોસ્તોએવસ્કીની “ક્રાઈમ એન્ડ પનીશમેન્ટ” નોવેલ વાંચી રહ્યો હતો. અવંતિકાની નજર એને જોઈ રહી હતી પણ રોહને પોતાના પુસ્તકમાંથી માથું ઊંચું કર્યું પણ નહિ, પોતાની બેંચ ઉપર જઈ અને અવંતિકા અને સરસ્વતી બેઠા. આજે આજુ બાજુની બેન્ચની છોકરીઓએ પણ સાથે વાતો કરી અને નવી ફ્રેન્ડ બનાવી લીધી.

રોહને હજુ કોઈ મિત્ર બનાવ્યો નહોતો, ભણવામાં હોશિયાર. ભણવાની સાથે સાથે વાંચનમાં પણ એને ઘણો રસ, બાળપણમાં જ પોતાના માતા પિતાને એક અકસ્માતમાં ખોઈ બેઠો હતો, પોતાના સગા કાકાએ કપટ કરી બધી મિલકત હજમ કરી લીધી. રોહનને તો એ બધાનું ભાન પણ નહિ. ગામડે રહેતા મામાના ઘરે રહી ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, પણ મામીના અણગમતા વર્તનના કારણે તેને ગામમાં મામાનું ઘર છોડી અમદાવાદ જેવા શેહરમાં આવવું પડ્યું, મામાનો જીવ તો નહોતો ચાલતો પણ રોહન હવે મોટો થતો હોવાના કારણે એ પણ એના મામીના મહેણા ટોણા ક્યાં સુધી સહન કરે એમ વિચારી શહેરમાં રહેતા પોતાના એક મિત્રની મદદથી રોહનને નોકરીની અને રહેવાની વ્યવસ્થા મામાએ કરી આપી હતી. સવારે કોલેજ જઈ બપોરે એક સાડીની દુકાનમાં નીકરી કરતો, જમવાનું પણ જાતે જ બનાવી લેતો. રાતનું બનાવેલું સવારે જમી કોલેજ જતો અને ત્યાંથી સીધો જ દુકાન ઉપર, દુકાનેથી રાત્રે ઘરે જઈ જમવાનું બનાવી જમી ને મોડા સુધી વાંચ્યા કરતો. બસ આજ એનું રોજિંદુ જીવન બની ગયું હતું, આ સિવાય ના કોઈ મિત્ર ના કોઈ સગા સંબંધી, પોતાની આસપાસ રહેતા લોકોને પણ એની સાથે ઝાઝી ઓળખાણ થઇ નહોતી, રજાના દિવસે પણ તે આખો દિવસ ઘરમાં બેસી વાંચ્યા કરતો.

કોલેજના એક પછી એક દિવસો વીતવા લાગ્યા, અવંતિકાને રોહન વિષે જાણવાની તીવ્ર ઈચ્છા થતી હતી, પણ ક્યારેય એવો સમય ના મળ્યો કે રોહન સાથે વાત થઇ શકે, કોલેજ ના ઘણાં બધા છોકરાઓની નજર અવંતિકા તરફ ઢળેલી હતી પણ અવંતિકાનું દિલ જીતી શકે એવી નજર કોઈની નહોતી, બધાની નજરમાં વાસના જ ભરેલી દેખાતી હતી. રોહને આજ સુધી અવંતિકા સામું નજર ઉંચી કરી ને જોયું નહોતું, વળી એને તો એ પણ ખબર નહોતી કે અવંતિકા નામની કોઈ છોકરી એના ક્લાસમાં છે, તેના માટે બસ વાંચવું અને લેક્ચરમાં ધ્યાન દઈ ભણવું હતું, તેની બેંચ ઉપર જ એક છોકરો બેસતો તેનું નામ વરુણ હતું, વરુણ પણ પૈસા વાળા ઘરનો છોકરો હતો, પણ તેને પૈસાનું અભિમાન નહોતું તેને પણ ભણવામાં રસ હતો, બંને એક બેંચ ઉપર બેસતા હોવા છતાં એકબીજા સાથે ભણવા સિવાય કોઈ વાત થતી નહોતી.

એક દિવસ કોલેજ છૂટી ઘરે જઈ અવંતિકા અને તેની મમ્મી બજાર જવા માટે નીકળ્યા, અવંતિકાની મમ્મીને સાડી લેવી હતી, માર્કેટમાં અવંતિકાને અચાનક યાદ આવ્યું કે રોહન જે દુકાનમાં બેસે છે એ દુકાન સાડીની જ છે તેની મમ્મીને તેને એજ દુકાનમાં જવા માટે કહ્યું, બંને ત્યાં સાડી જોવા માટે ગયા, રોહન ત્યાં જ હતો, રોહનને જોઈ ને અવંતિકા થોડી શરમ લાગવા લાગી, રોહન સામે તો અવંતિકા અપરિચિત  ગ્રાહક જ હતી, જેમ દરેક ગ્રાહકને સાડી બતાવે તેમ જ તે અવંતિકાને પણ સાડી બતાવવા લાગી ગયો. ગ્રાહકને લુભાવવાની વાક્છટા જોઈ અને અવંતિકા રોહનથી પાછી પ્રભાવિત થઇ, બોલવામાં ચપળ અને ચહેરા ઉપર રમતું હાસ્ય આવેલા કોઈપણ ગ્રાહકને રોહન પાસે સાડી ખરીધ્યા વગર જવા જ ના દે એ પ્રકારનું હતું. ઘણીવાર સુધી અવંતિકા અને સુમિત્રાએ સાડી પસંદ કરી, ૩ સાડી લેવાનું નક્કી કરી ને આવ્યા હતાં પણ રોહનના વેચવાના અંદાઝ સામે ૫ સાડી ખરીદીને ઘરે ગયા.

રોહનના ગ્રાહકને લુભાવવાની આજ આવડતના કારણે તેના સેઠ તેને સારી રીતે રાખતા હતાં, કોલેજની ફીસ પણ તેઓ ભરતાં, અને સારો એવો પગાર પણ આપતા, રોહન તેમના માટે એટલો વિશ્વાસુ માણસ બની ગયો હતો કે ક્યારેક દુકાન પણ તેના હવાલે સોપી અને પોતાના કામ માટે બહાર જતાં હતા, રોહને પણ ક્યારેય એમના વિશ્વાસનો દુરપયોગ કર્યો નહોતો. પૂરી ઈમાનદારીથી તે કામ કરતો.  એટલે જ શેઠનો વિશ્વાસપાત્ર માણસ હતો.

બીજા દિવસે અવંતિકા કોલેજમાં થોડી મોડી પહોચી, લેકચર શરુ થઇ ગયા હતા, ચાલુ લેક્ચરમાં આવેલી અવંતિકાને જોઈ આખો ક્લાસ થોડી ક્ષણો માટે ડીસ્ટર્બ થયો, આજે રોહનની નજર પણ અવંતિકા ઉપર પડી, રોહન આજે અવંતિકાને ઓળખી ગયો કે ગઈકાલે આવેલ ગ્રાહક જેને પાંચ સાડી વેચી હતી એજ આ છે, પણ તે એના જ ક્લાસમાં હશે તેની કલ્પના નહોતી, અવંતિકાએ પાસે આવતા રોહનને મીઠું સ્મિત આપ્યું જવાબમાં રોહને પણ સામે સ્મિત આપ્યું. ઘણાં બધા ની નજર આજે એ બંનેના સ્મિતને ઘેરી રહી હતી.

આજે લાઈબ્રેરિયન પણ રજા ઉપર હતા, રોહન આજે લાઈબ્રેરીમાં વાંચવા માટે જઈ ના શક્યો, વરુણે તેને આજે કેન્ટીનમાં સાથે આવવાની ઓફર કરી, પહેલા પણ ઘણીવાર તેને ઓફર કરી હતી પણ રોહન લાઈબ્રેરીમાં જવાનું કહી ના કહી દેતો, પણ આજે તેની પાસે કોઈ રસ્તો નહોતો, માટે બંને કેન્ટીનમાં ગયા, અવંતિકા પણ પોતાની મિત્રો સાથે કેન્ટીનમાં ગઈ. વરુણ રોહન અને પોતાના માટે બે ગ્રીલ સેન્ડવીચ અને પાઈનેપલ જ્યુસ લઈને આવ્યો, બંને વચ્ચે પહેલા તો થોડી ભણવાની જ વાત થઇ પણ વરુણે બીજી પર્સનલ વાત પણ શરુ કરી.

વરુણ : “તો રોહન તું રહે છે ક્યાં વિસ્તારમાં ?”

રોહન : “મજુરગામ. અને તું ?”

વરુણ : “હું સી.જી. રોડ ઉપર રહું છું., પરિવારમાં કોણ કોણ છે ?”

રોહન : “હું એકલો જ રહું છું, મમ્મી પપ્પા બાળપણમાં જ ગુજરી ગયા હતા, મામા મામી સાથે ગામડે રહી મોટો થયો અને હવે વધુ મોટો બનવા માટે અમદાવાદમાં આવ્યો છું.”

વરુણ : “ઓહ, સોરી… જાણીને દુઃખ થયું, તો તું કોલેજ આવે તો જમવાનો અને ઘરખર્ચ કેવી રીતે કાઢી શકે છે ?”

રોહન : “હું કોલેજ છૂટ્યા બાદ એક દુકાનમાં નોકરી કરું છું, મારા શેઠ મારો ભણવાનો ખર્ચો આપે છે, અને જે કામ કરું છું એના પગારમાંથી મારું ભરણ પોષણ થઇ રહે છે, અને વળી એકલા માણસને જીવવા જોઈએ કેટલું ? એકવાર ગ્રેજ્યુએટ થઇ જઈશ પછી આગળનું વિચારીશ હમણાં તો આ પુરતું છે.”

વરુણ : “દોસ્ત, તારી લાઈફ જોઇને તો મને આજે ખરેખર એમ થાય છે કે મારી લાઈફ અને તારી લાઈફ કેટલી જુદી છે, મારા પપ્પા ને પોતાનો બિઝનેસ છે, મારે કઈ કામ કરવું પડતું નથી, ઘરેથી કોલેજ અને કોલેજથી છૂટી ઘર.”

રોહન : “પણ મેં તો સાંભળ્યું છે કે પૈસાવાળા ઘરના છોકરા ભણવામાં ધ્યાન નથી આપતા, તું તો રોજ ક્લાસમાં હાજર હોય છે ?”  (રોહને થોડો મઝાક કર્યો.)

વરુણ : “સાચી વાત છે દોસ્ત, આપણી કોલેજની અંદર જ કેટલાય એવા છોકરાઓ છે, સાંજે એ સૌ મારી સાથે ક્લબમાં હોય છે, હું એ બધાને ઓળખું છું અને મને એ લોકો નથી ગમતા, મારા પપ્પા પાસે પણ પહેલા કઈ જ નહોતું એમને પણ ઘણી મહેનત કરી અને પોતાનો બીઝનેસ સેટ કર્યો છે, જો હું આ બધાની જેમ જ જલસા કરવા લાગુ તો મારા પપ્પાએ જે ભેગું કર્યું છે એ બધું જ પૂરું થઇ જાય. એટલે હું ભણી અને મારા પપ્પાના બિઝનેસને વધુ ઉંચાઈએ પહોચાડવા માંગું છું.”

રોહન : “વાહ દોસ્ત મને પણ આજે તારા વિષે જાણી આનંદ થયો., પૈસાવાળા બાપના છોકરા પણ આવું વિચારી શકે એ મને નહોતી ખબર. ચાલ હવે બ્રેક પૂરો થવા આવ્યો છે, આપણે ક્લાસમાં જઈએ, બીજી વાતો પછી કોઈવાર કરીશું.”

વરુણ : “હા, ચોક્કસ દોસ્ત, વાતો કરવા માટે તો ૩ વર્ષ છે, પણ પટેલ સાહેબનું લેકચર મિસ થશે તો પછી પાછુ નહિ આવે. ચાલ.”

બંને ક્લાસ તરફ ચાલવા લાગ્યા, અવંતિકા વિચારી રહી હતી કે આ ક્ષણે રોહન સાથે વાત કરું પણ વરુણ સાથે વાત કરતો જોઈ અવંતિકાને કઈ બોલવાની ઈચ્છા ના થઇ.

નીરવ પટેલ “શ્યામ”

ભાગ – ૧૦


બીજા દિવસે કોલેજમાં જયારે અવંતિકા પહોચી ત્યારે રોજની જેમ જ રોહન બેંચ ઉપર બેસી વાંચી રહ્યો હતો, આજે અવંતિકાએ નક્કી જ કર્યું હતું કે રોહન સાથે વાત કરવી જ છે, તેના વિષે જાણવાની તેની તીવ્ર ઈચ્છા તેના દિલને રોકી રાખે એમ નહોતી દિવસે દિવસે રોહન વિષે જાણવાની તેની જીજ્ઞાસા વધતી જતી હતી, આજે તેને હિમ્મત કરી અને રોહનની બેંચ પાસે ઉભી રહી અને હોઠ આપો આપ ખુલી ગયા :

અવંતિકા : “હેલ્લો ?”

રોહન : (પુસ્તકમાંથી આંખો બહાર કાઢી ને… “ઓહ હેલ્લો તમે ?”

અવંતિકા : “હા, ઓળખી ગયા લાગો છો એમ ને ?”

રોહન : “અરે કેમ ના ઓળખું, પણ મને એ ખબર નહોતી કે તમે આજ ક્લાસમાં છો ?”

અવંતિકા : “ઓહ ખરેખર, અને ખબર હોત તો તમે મને સાડીમાં ડિસ્કાઉન્ટ આપતા એમ ને…” (અવંતિકા બોલતા બોલતા હસવા લાગી.. રોહન પણ હસવા લાગ્યો..)

હસતા હસતા જ રોહને કહ્યું : “ખરેખર હું આ કોલેજમાં કોઈને ખાસ નથી ઓળખતો, તમે તે દિવસ દુકાને આવ્યા એટલે જ તમને ઓળખી શક્યો.”

અવંતિકા : ” ચાલો ને એ બહાને ઓળખાણ તો થઇ, હું પણ કોઈને ખાસ નથી ઓળખતી, તમને મેં કોલેજમાં જોયા હતા, તમને વાંચવાનો ખુબ જ શોખ લાગે છે ?”

રોહન : “હા, મને બાળપણથી જ વાંચવાનું ખુબ જ ગમે છે, એમ કહો કે પુસ્તકો જ મારા મિત્રો છે.”

અવંતિકા : “વેરી ગુડ, તમને મળી ને ઘણો આનંદ થયો, ચાલો ક્લાસનો સમય થવા આવ્યો છે હું મારી જગ્યા ઉપર જાઉં. તમને વાંધો નાં હોય તો બ્રેકમાં આપણે કેન્ટીનમાં મળીયે.”

રોહન : “સોરી, હું બ્રેકમાં લાઈબ્રેરીનો ઉપયોગ કરું છું, કોઈવાર સમય હશે તો ચોક્કસ કેન્ટીનમાં તમારી સાથે બેસીસ.”

અવંતિકા : “ઓકે નો પ્રોબ્લેમ, અરે આટલી વાતો કરી અને તમારું નામ તો મેં પૂછ્યું જ ના.. !!”

રોહન : “મારું નામ રોહન છે, અને આપનું ?”

અવંતિકા : “મારું નામ અવંતિકા, ચાલો ત્યારે બાય..”

રોહન : “બાય..”

અવંતિકા પોતાની બેંચ તરફ ચાલવા લાગી, વરુણ થોડા સમય પહેલા ક્લાસમાં દાખલ થઇ રહ્યો હતો, પણ રોહન અને અવંતિકાને વાત કરતાં જોઈ અને એ બહાર નીકળી ગયો હતો, પણ અવંતિકાના જતાં જ ક્લાસમાં પાછો દાખલ થયો અને રોહનને ચીડવવા લાગ્યો….

વરુણ : “ઓહો શું વાત છે, આજે તો નવી ફ્રેન્ડ પણ બનાવી લીધી અને તે પણ એવી છોકરી જેની ફ્રેન્ડશીપ પામવા માટે આખી કોલેજ આંટાફેરા કર્યા કરે છે ? એવું તે શું કર્યું તે દોસ્ત ?”

રોહન : “અરે એવું કઈ નથી યાર, આ બે દિવસ પહેલા હું જે દુકાને નોકરી કરું છું ત્યાં એની મમ્મી સાથે સાડી લેવા માટે આવ્યા હતાં, તો એના કારણે ઓળખાણ થઇ, નહિ તો તને તો ખબર જ છે ને કે મારી પાસે એવો સમય જ નથી કોઈ સાથે મિત્રતા કરવાનો તારી સાથે રોજ જોડે બેસું છું તે છતાં કોલેજ શરુ થયાના આટલા દિવસ બાદ આપણી વચ્ચે કાલે આટલી વાત થઇ.”

વરુણ : “હા, યાર એ વાત તારી સાચી છે, ચલ કઈ નહિ એ બહાને તારા ફ્રેન્ડ લીસ્ટમાં વધારો તો થયો.”

વરુણ અને રોહન વાતો કરતાં જ હતા ત્યાં જ ક્લાસ શરુ થવાનો બેલ રણક્યો, પ્રોફેસર ક્લાસમાં આવ્યા. અવંતિકાને રોહનનો વાત કરવાનો અંદાઝ પણ પસંદ આવ્યો, સરસ્વતીએ પણ અવંતિકાને રોહન સાથે વાત કરતાં જોઈ અને પૂછ્યું, અવંતિકા એ પણ સામાન્ય જવાબ જ આપ્યો.

થોડા દિવસ કોલેજમાં અવંતિકા અને રોહન વચ્ચે સામાન્ય સ્મિત અને થોડા શબ્દોની જ આપ લે થતી હતી, પણ રોહન અને વરુણ ધીમે ધીમે ઘાઢ મિત્રો બની રહ્યા હતા,  વરુણનો જન્મ દિવસ આવી રહ્યો હતો, વરુણે રોહનને પાર્ટી માટે આમંત્રિત કર્યો, રોહને થોડી આનાકાની કરી પણ વરુણે તેને આવવા માટે માનવી લીધો, કોલેજમાં બીજા કોઈને ખાસને આમંત્રિત કરવામાં આવ્યા નહોતા, રવિવારનો જ દિવસ હતો, સાંજે સી.જી. રોડ ઉપર આવેલા વરુણના ઘરે રોહન પહોચ્યો, પોતાના આલીશાન ઘરની બહારના બગીચામાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, રંગબેરંગી લાઈટીંગથી વુર્ક્ષોને શણગારવામાં આવ્યા હતા, ઓરકેસ્ટ્રા વાળા સુમધુર સંગીતની સાથે ગીતો ગઈ રહ્યા હતા. વેઈટરો એક અદબથી જ્યુસની ટ્રે સાથે ફરી રહ્યા હતા, વરુણના પપ્પા અમદવાદના મોટા ઉદ્યોગપતિ હતા, માટે ઘણીખરી મોટી હસ્તીઓ આ પાર્ટીમાં રોનક જમાવી રહી હતી, રોહન પ્રવેશ્યો ત્યારે વરુણ બધાના આવકાર ઝીલી રહ્યો હતો, અને મહેમાનો દ્વારા અપાતી ગીફ્ટને લઇ બાજુમાં રહેલા ટેબલ ઉપર મૂકી રહ્યો હતો, રોહનને આવતો જોઈ વરુણ તેની સામે ગયો, રોહને હાથ મિલાવી જન્મ દિવસની શુભેચ્છા પાઠવી, અને ગીફ્ટ ના લાવવા માટે માફી માંગી,  પણ વરુણે કહી દીધું.. “યાર તું આવ્યો એજ માટે સૌથી મોટી ગીફ્ટ છે, મને ખુબ જ આનંદ થયો તારા આવવાથી, અને અહી હાજર રહેલા મોટાભાગના વ્યક્તિઓ મારા મમ્મી પપ્પાના ઓળખીતા છે, જો હું કોઈને સારી રીતે ઓળખતો હોય એવો એક તું જ છે, તું આવ્યો તો મને કોઈ પોતાનું મારી સાથે છે એવો અહેસાસ થયો છે.” રોહનનો હાથ પકડી રાખીને જ વરુણે રોહનને સમજાવ્યો.

રોહનનો હાથ પકડી અને વરુણ તેના મમ્મી પપ્પા પાસે લઇ ગયો, અને રોહનની ઓળખાણ આપી, રોહને બંનેને હાથ જોડી પ્રણામ કર્યા. વરુણની મમ્મી એ કહ્યું કે :વરુણ તારા ખુબ વખાણ કરે છે, તારા વિષે અમને બધું જ એને કહ્યું છે.”

રોહન : “આંટી, તમારો વરુણ પણ બહુ સારો વ્યક્તિ છે, તમે એને ખુબ જ સારા સંસ્કાર આપ્યા છે, અને એને જરા પણ અભિમાન નથી.”

રોહનને વચ્ચે જ રોકતા વરુણ બોલવા લાગ્યો… “બસ ભાઈ બસ, મારા બહુ વખાણ ના કર.” બધા હસવા લાગ્યા.

રોહનના પપ્પા એ કહ્યું : “ચાલો હવે કેક કટિંગ કરીએ, મહેમાનો રાહ જોઈ રહ્યા છે. વાતો તો પછી પણ થયા જ કરશે.”

બધા સ્ટેજ ઉપર મુકેલી કેક તરફ આગળ વધ્યા, જ્યાં પાર્ટીમાં ઉભા રહેલા મોટાભાગના લોકોની નજર પહેલેથી જ હતી, કારણ કે કેક કેવી હશે એ જાણવાની ઈચ્છા સૌને હતી.અત્યાર સુધી કેક બંધ કવરમાં હતી, આમ પણ દરેક માણસને ઢાંકેલી વસ્તુ જોવામાં વધારે રસ હોય છે. ક્યારે એના ઉપરથી પડદો હટે અને ક્યારે આંખોને ઠંડક મળે, ક્યારના એ કેક ને જોવા માટે તલપાપડ થતાં લોકો સ્ટેજ પાસે પહોચી ગયા, વરુણ કેક પાસે પહોચ્યો અને ત્યાં રહેલા એક વેટરે કવર હટાવ્યું, એક મોટી કેક વરુણના સ્પર્શનો રાહ જોઈ રહી હતી. વરુણના કેક સુધી પહોચવાની સાથે જ ઉભેલા સૌ મહેમાનો તાળીઓ વગાડવા લાગ્યા, એ કેકનું સ્વાગત કરી રહ્યા હતા કે વરૂણનું સમજાતું નહોતું, પણ વાતાવરણમાં એક અલગ રોમાંચ પ્રસરી ગયો હતો, રોહન સ્ટેજથી થોડે દૂર ઉભો રહ્યો હતો, વરુણે તેને પોતાની સાથે આવવા માટે કહ્યું હતું, પણ રોહને ના પાડી. કારણ એ જ હતું કે વરુણના પહેરવેશ સામે રોહનનો પહેરવેશ ખુબ જ ફિક્કો દેખાતો હતો, વરુણને એની ચિંતા નહોતી પણ આવેલા મહેમાનો અંદરો અંદર કઈ વાતો કરવા લાગશે એમ સમજી રોહન દૂર રહ્યો હતો. એમ પણ ધનિક લોકોમાં આ બાબત વધુ ચર્ચાય છે, એમને બધું પરફેક્ટ જોઈએ. પગથી લઇ માથા સુધીના પહેરવેશ બહુ બારીકાઇથી જોતા હોય છે.

કેક કટિંગ વખતે પણ તાળીઓનો ગડગડાટ શરુ જ હતો. સાથે સાથે ઓરકેસ્ટ્રા પાર્ટી વાળા પણ હેપ્પી બર્થ ડે ટુ યુ વરુણ ગાઈ રહ્યા હતા. રોહન પણ સૌની સાથે તાળીઓ વગાડી રહ્યો હતો, અને વરુણના વૈભવની નીરખી રહ્યો હતો. વરુણે તેના મમ્મી પપ્પાને કેક ખવડાવી, પછી વેટર કેકના પીસ કરી બધાને આપવા માટે નીકળ્યો, વરુણ કેકનો એક ટુકડો લઈ રોહન પાસે આવ્યો અને પોતાના હાથથી ખવડાવ્યો. મહેમાનો ડીનર લેવા લાગ્યા, વરુણે રોહનને પણ પ્લેટ લેવા માટે કહ્યું પણ રોહને સાથે જમીએ એવી ઈચ્છા દર્શાવી. વરુણને પણ ગમ્યું, અને બોલી ઉઠ્યો, : “ચાલો એ બહાને મને તો કોઈનો સાથ મળશે, મમ્મી એમના મિત્રો સાથે અને પપ્પા એમના મિત્રો સાથે જમી લેશે હું એકલો જ રહી જાત, ચાલ હું તને મારું ઘર બતાવું !”

વરુણ તેના પપ્પા મમ્મીને રજા લઈ રોહનને ઘર બતાવવા માટે પોતાના બંગલોની અંદર લઇ ગયો, રોહને ઘર જોતા જ લાગ્યું કે વરુણ જેટલો ધનિક લાગતો હતો તેના કરતાં પણ ખુબ જ ધનિક છે, છતાં પણ અભિમાની નથી. ઘરના બધા જ રૂમ વરુણે એકપછી એક બતાવ્યા અને અંતમાં પોતાના રૂમમાં જઈને બંને બેસી વાતો કરવા લાગ્યા…

વરુણ : “તો રોહન તને કેવું લાગ્યું અમારું ઘર ?”

રોહન : “અદભૂત, હું તો મારા જીવનમાં પ્રથમ વખત આવી કોઈ પાર્ટી કે આવા કોઈ ઘરમાં પ્રવેશ્યો હોઈશ, મામાના ગામમાં સૌથી મોટું ઘર ગામના સરપંચનું જ જોયું હતું. અને શહેરોમાં બધા મકાન બહારથી જોયા આજે મોટા ઘરને અંદરથી જોવાનું સપનું પણ પૂરું થયું. ખરેખર તું ખુબ જ સુખી માણસ છે. તને તો મઝા આવતી હશે ને આવડા મોટા ઘરમાં રહેવાની, મોટા મોટા લોકોને મળવાની.?”

વરુણ : “દોસ્ત તું વિચારે છે એટલા સુખી નથી હોતા અમે શ્રીમંત લોકો, આલીશાન ઘરની અંદર કેટલી ગુંગળામણ થાય છે તે હું જ જાણું છું, શ્રીમંત પરિવારોમાં કોઈની પાસે કોઈના માટે સમય નથી, અને શ્રીમંતોના પ્રસંગોમાં મોટાભાગે ફોર્માલીટી જ વધુ થતી હોય છે, કોને સારું બતાવવું, કોને કેટલી રીસ્પેક્ટ આપવી એ બધું અહિયાં જોવાય છે, ઘણીવાર હું મારી કાર લઈને શહેરની બહાર નીકળું ત્યારે ગરીબ પરિવાર કે કોઈ મધ્યમ વર્ગના પરિવારને આનંદમાં જોઇને મને એમ થાય કે હું આ પરિવારમાં જન્મ્યો હોત તો કેટલું સારું હતું ? રસ્તા ઉપર વરઘોડામાં મસ્ત બનીને નાચતા એ લોકોને જોઈ ક્યારેક એમની સાથે નાચવાનું પણ મન થઇ જાય, રોહન ખરેખર કહું તો હું આ બધાથી ઉબાઈ ગયો છું, કંટાળી ગયો છું. ક્યારેક એવું થાય કે આ બધું છોડી ને ચાલી જાઉં ક્યાંક દૂર.. પણ….

રોહન પોતાના દિલમાં દુખતી વાત આજે રોહન સામે કરી રહ્યો હતો, આજ સુધી એને ઘણાં લોકો મળ્યા પણ પોતાની વાત એ ક્યારેય કોઈની સામે ના કરી શક્યો કારણ કે એની વાતને કોઈ સમજી શકે એવી કોઈ વ્યક્તિ આજ સુધી એને મળી જ નહિ, બધા એવું જ વિચારતા હતા, કે આટલા શ્રીમંત પરિવારનો છોકરો કેટલો સુખી હશે પણ તેના મનમાં ખૂંચતી વાત કોઈ જાણી શકતું નહોતું તેથી આજે તેને રોહન સામે પોતાનું હૈયું ઠાલવવા મળ્યું….

નીરવ પટેલ “શ્યામ”

ભાગ – ૧૧


વરુણ પોતાનું દુઃખ રોહન સામે ઠાલવી રહ્યો હતો, મહેલમાં રહેતો વરુણ આજે રોહન સામે સાવ ગરીબ જેવો હતો, તેની પાસે પૈસો અને જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ હતી, પણ એકલતા તેને કોરી ખાતી હતી. અને તેથી જ તે આજે પોતાનું હૈયું રોહન સામે ખોલી રહ્યો હતો.

રોહન : “તો પણ યાર, આટલી સંપત્તિ છે તારી પાસે, તારા કોઈ વસ્તુ ખરીદવી હોય તો તારે કોઈને પૂછવું નથી પડતું, ગમે ત્યાં ગમે ત્યારે તું જઈ શકે છે પછી કેવું દુઃખ ?”

વરુણ : “દોસ્ત, પૈસાથી જ જો ખુશી ખરીદી શકાતી હોત તો જોવતું જ શું હતું, પણ દરેક ખુશી ક્યાં પૈસાથી મળે છે, તને એમ લાગે છે આ પાર્ટી, આટલી જાહો જલાલી મને ગમતી હશે ? સાચું કહું તો હું આ બધાથી કંટાળી જાઉં છું, અકળામણ થાય છે મને આ બધા થી, એક જુઠ્ઠા હાસ્ય સામે બધાની સામે ઊભા રહેવાનું, હાથ મિલાવવાના, બધાની સામે બનાવટી ચહેરા લઈને ફરવાનું મને નથી ગમતું, હું એક હકીકતમાં જીવવા માંગું છું. જેમ અત્યારે તું જીવી રહ્યો છે.”

રોહન : “દોસ્ત, તારી વાત સાચી છે, પણ તું મારા કરતાં પણ કિસ્મતવાળો છે, તારી પાસે મા-બાપ છે મારી પાસે તો એ પણ નથી, માતા-પિતા વિના હું નિરાધાર જિંદગી કેવી રીતે જીવ્યો છું એ મારું જ મન જાણે છે, તને ભૂખ લાગે ત્યારે તું ખાઈ શકે છે, મને જયારે ભૂખ લાગતી ત્યારે મારે હાથ લંબાવવા પડતા, રાહ જોઈ બેસી રહેવું પડતું. જો મારી મા હોત તો મારા એવા દિવસો તો ના હોત, મારા મામા મામીના ઘરે રહી હું મોટો થયો, મામા મને સારી રીતે રાખતા પણ મામી પારકાની દૃષ્ટિએ જ મને જોતા, અને તેના કારણે મારે તેમનું ઘર પણ છોડવું પડ્યું હતું. એટલે દોસ્ત મા – બાપ છે એજ સાચી સંપત્તિ છે, બાકી દોસ્ત જેના મા બાપ નથી એજ જાણે છે એમના ઉપર શું વીતે છે.”

વરુણ : “સમજી શકું છું દોસ્ત હું તારી હાલત, માતા પિતા વિના જીવવું સહેલું નથી, પણ તને ખબર જ છે કે તારું કોઈ નથી, એટલે તું તારી મરજીનું કરી શકે છે, તને રોકવા વાળું કોઈ નથી, તારા જીવનના નિર્ણયો તું તારી જાતે જ લઇ શકે છે, મારે તો મારા મમ્મી પપ્પાના નિર્ણય ઉપર ચાલવું પડે છે, જો કે અત્યાર સુધી એમને મારા માટે જે નિર્ણય લીધા છે એ બધા જ યોગ્ય છે, પણ મને ક્યારેક થાય કે હું મારો નિર્ણય ક્યારે લઇ શકીશ ?”

રોહન : “કઈ નહિ દોસ્ત, જેને જે મળે છે એમાં જ સાચો આનંદ માની લેવો જોઈએ, ભગવાને જે આપ્યું છે અને આપણને જે મળ્યું છે તેમાં આનંદ માણી અને જીવી લેવાનું.”

વરુણ : “સાચી વાત છે દોસ્ત, ચલ હવે નીચે જઈએ, નહિ તો મમ્મી પપ્પા એવું સમજશે કે આજે જન્મ દિવસના દિવસે પણ મિત્ર મળી ગયો એટલે અમને પણ ભૂલી ગયો.”

બંને સાથે નીચે ગયા, સાથે જમ્યા અને જમ્યા બાદ રોહને વરુણ પાસે ઘરે જવાની રજા માંગી, રાત્રે મોડું થઇ ગયું હતું, વરુણે રોહનને થોડીવાર સાથે બેસવા માટે અને પછી એ પોતે તેને પોતાની કાર લઈ મૂકી જશે તેમ જણાવ્યું. રોહન પણ વરુણને ના કહી શક્યો નહિ. મોડા સુધી બંને એ વાતો કરી, પોતાના ભવિષ્યના પ્લાનિંગ કરવા લાગ્યા, કઈ ફિલ્ડમાં જોબ કરવી, આગળ ક્યાં સુધી ભણવું એ બધી ચર્ચાઓમાં રાત્રીના ૧૨ વાગ્યા, રોહને હવે ઘરે નીકળવા માટે કહ્યું, વરુણ તેને પોતાની કારમાં મુકવા માટે આવ્યો.

મજુરગામ તરફના સાંકળા રસ્તા ઉપર રાત્રીનો સમય હોવાના કારણે ટ્રાફિક ઓછો હતો, રોહન રહેતો હતો તે ઘર સુધી ગાડી જઈ શકે એમ નહોતી માટે થોડે દુર કાર ઉભી રાખી, રોહને વરુણનો આભાર માન્યો અને ઘરે આવવા માટે કહ્યું, મોડું ઘણું થઇ ગયું હતું પણ વરુણની ઈચ્છા રોહન કેવી જગ્યામાં રહે છે એ જોવાની હતી, માટે તે પણ રોહનની સાથે ગયો.

સિમેન્ટના પતળાવાળા હારબંધ ઘરો હતા, બધા જ ઘરની બહાર બધું અસ્તવ્યસ્ત પડેલું હતું, ઘરના દરવાજા પણ એકદમ નીચા હતા, એકાદ ઘરમાંથી કોઈ ઘરડી વ્યક્તિના ખાસવાનો અવાજ પણ આવી રહ્યો હતો, ગટરના ખુલ્લા ઢાકણમાંથી બદબૂ રેલાઈ રહી હતી.  વરુણે ખિસ્સામાંથી હાથ રૂમાલ કાઢી અને પોતાના નાક ઉપર રાખ્યો, રોહનને આ જોઈ થોડું હસવું પણ આવ્યું. ચાલતા ચાલતા બંને રોહનના ઘર સુધી પહોચ્યા રોહને દરવાજો ખોલ્યો, વરુણ નીચો નમી અને અંદર પ્રવેશ્યો, એક નાની ઓરડી હતી, ઘરમાં વધારે પડતો સમાન નહોતો, રસોડા જેવું કઈ નહોતું, એક પ્રાઈમસ હતો, જે કેરોસીન નાખી ચાલતો હતો, અને તે પણ રૂમમાં નીચે જ મુકેલો હતો, થોડા જરૂરિયાતના વાસણ હતા, કપડા સૂકવવા માટે દીરી પણ રૂમમાં જ લટકતી હતી, જેના પર રોહનના કપડા લહેરાઈ રહ્યા હતા, દીવાલ ઉપર ખીલીથી એક કપડા લટકાવવા માટે હેંગર પણ લગાવ્યું હતું, જેના પર સુકા કપડા હતા, કપડાના થેલામાં થોડો સમાન જમીન ઉપર ભરેલો પડ્યો હતો, એક ખાટલો અને એક ખુરશી હતી, એક નાનના ટેબલ ઉપર પુસ્તકો હતા, અભ્યાસના અને કેટલીક નોવેલો. આંખ ઉંચી કરતાં જ એક નજરમાં સમાઈ જાય એટલા ઘરમાં રોહન રહેતો હતો એ જોઈ વરુણને થોડી નવાઈ લાગવા લાગી, અને મનમાં વિચારવા લાગ્યો કે “શું આટલી જગ્યા પણ ઘર ચાલી શકે ?” રોહનના ઘરથી મોટા તો એના ઘરના બાથરૂમ કે ટોઇલેટ હશે, વળી એના ઘરના નોકરો માટે પણ આવા ૩ રૂમ ભેગા કરે એટલી મોટી જગ્યા છે. વરુણની નજર રૂમમાં જ ફરી રહી હતી, રોહને તેને કહ્યું :

“જો દોસ્ત આ અમારું ગરીબખાનું. તારા મહેલની સરખામણીમાં તો આ કઈ જ નથી.”

વરુણ : “હા, દોસ્ત હવે મને સમજાય છે કે જીવનમાં પૈસાનું કેટલું મહત્વ છે, હું પહેલેથી જ એવા વાતાવરણમાં ઉછર્યો છું એટલે મને તો આ જોઇને નવાઈ લાગી, મને તો એમ થાય છે કે તું કેમનો એટલામાં જીવન વિતાવી શકે છે ?”

રોહન : “દોસ્ત હવે ટેવાઈ ગયો છું, અને જીવનમાં કંઇક મેળવવા માટે તો કંઇક વેઠવું જ પડે છે.”

રોહને વરુણને બેસવા માટે ખુરશી આપી અને પોતે ખાટલામાં બેઠો, વરુણની નજર તો ઘરમાં જ ફરી રહી હતી, બધી વસ્તુને જોઈ અને વિચારી જ રહ્યો હતો. રાત્રી વીતી રહી હતી, વરુણે કહ્યું : “ચલ દોસ્ત હવે હું રજા લઉં, ઘણું મોડું થયું છે, કાલે કોલેજમાં મળીશું.”

રોહન : “હા દોસ્ત, ફરી ક્યારેક નિરાંતે બેસીસું, ચાલ હું તને મૂકી જાઉં તારી કાર સુધી.”

બંને ઘરની બહાર નીકળ્યા, રોહને દરવાજો લોક ના કર્યો માત્ર સાંકળ લગાવી ચાલવા લાગ્યા, આ જોઈ વરુણે કહ્યું :

“કેમ દરવાજો લોક નહિ કરવાનો, કોઈ કઈ લઇ જશે તો ?”

રોહન : “અરે દોસ્ત, મારા ઘરમાં છે જ શું તો કોઈ કઈ લઇ શકે ?” અને બંને હસવા લાગ્યા.

વરુણને કાર સુધી મૂકી પાછા ઘરે આવી રોહન સુઈ ગયો, પણ બીજી તરફ વરુણની નીંદ આજે ઉડી ગઈ, રસ્તામાં ડ્રાઈવ કરતાં કરતાં પણ એને રોહણ વિષે ના જ વિચારો આવ્યા કરતાં હતા, ઘરે જઈને પણ તે વિચારવા જ લાગ્યો. તેના મનમાં સતત ચાલતું હતું કે રોહન માટે કંઇક કરે પણ તે એ પણ જાણતો હતો કે રોહન ખુબ જ સ્વાભિમાની માણસ છે, જો તે હું ઈચ્છીશ તો પણ એ મારી મદદ નહિ લઇ શકે, પણ રોહન માટે કંઇક તો કરવું છે, અને શું કરીશ એજ વિચારો વરુણને ચિંતામાં મૂકી રહ્યા હતા, એજ વિચારોમાં આંખ ક્યારે લાગી ગઈ ખબર જ ના રહી.

સવારે ઉઠી વરુણ તેના મમ્મી પપ્પા સાથે ડાઈનીંગ ટેબલ ઉપર નાસ્તો કરવા માટે બેઠો, વરુણ ના પપ્પા તેમના કોઈ મિત્ર સાથે ફોન ઉપર ધંધાકીય વાતો કરી રહ્યા હતા, વરુણના બેસતા જ એક નોકર કોફી અને નાસ્તો આપી ગયો. તેના પપ્પા (અશોકભાઈ) ની પણ વાત પૂરી થઇ, અને વરુણ સામે જોઈ અને કહેવા લાગ્યા : “કાલે મઝા આવીને બેટા, તારા ફ્રેન્ડને ગમ્યુંને આપણી સાથે ?”

વરુણ : “હા, પપ્પા ખુબ વખાણ કરતો હતો એ.”

વરુણની મમ્મી (શોભના) : “બેટા, રાત્રે ખુબ મોડો આવ્યો હતો કે શું ?”

વરુણ : “ના મમ્મી, કેમ ?  હું રોહનને ઘરે મૂકી તરત પાછો ફર્યો હતો.”

શોભના : “તારી આંખો કેટલી લાલ દેખાય છે, જાણે આખી રાતનો ઉજાગરો હોય !”

વરુણ :  “સાચું કહું મમ્મી મને રોહનના ઘરેથી આવ્યા પછી ઊંઘ જ નથી આવી. હું આખી રાત એના વિષે વિચારતો રહ્યો.”

અશોકભાઈ : “કેમ ? એવું તે શું થયું ત્યાં ? કે તું ઊંઘી જ ના શક્યો ?”

વરુણ : “પપ્પા, રોહનના ઘરે કાલે હું ગયો, ત્યાં મેં એ જે હાલતમાં રહે છે એ જોઈ અને મને ખુબ દુઃખ થયું, આપણી પાસે કેવડું મોટું ઘર છે, પણ એનું ઘર તો આપણા બાથરૂમ જેવડું પણ નથી, અને તે પણ પોતાનું નહિ, એનું આ દુનિયામાં કોઈ નથી એ તો મેં તમને પહેલા જ જણાવ્યું હતું.છતાં પણ એનો ઉત્સાહ અને એની મહેનત જોઇને મને એના ઉપર ગર્વ થાય છે. પણ એક વાતનો અફસોસ થાય છે કે હું એના માટે કઈ કરી નથી શકતો.”

શોભના : “દીકરા તારે એને મદદ કરવા માટે અમને પૂછવાની જરૂર નથી, તારા પપ્પા પણ તને ક્યારેય ના નહિ પાડે. એમને તો તારા ઉપર પૂરો વિશ્વાસ છે.”

અશોકભાઈ : “હા, વરુણ. તારી પાસે જો પૈસા ના હોય તો તું મારી પાસે માંગી શકે છે.”

વરુણ : “મમ્મી, પપ્પા… વાત પૈસાની નથી, રોહન એક સ્વમાની છોકરો છે, એ હું ઈચ્છીશ તો પણ મારી મદદ લેવા માટે તૈયાર નહિ થાય, મારે કઈ બીજો રસ્તો જ કરવો પડશે એને મદદ કરવા માટેનો.”

અશોકભાઈ : “જો એને વાંધો નાં હોય તો આપણા મણીનગર વાળા ખાલી પડેલા ફ્લેટમાં એ શિફ્ટ થઇ શકે છે, એમ પણ ખાલી ઇન્વેસ્ટમેન્ટ માટે જ તો એ લીધો હતો, ખાલી જ પડ્યો છે.”

વરુણ : “પણ પપ્પા તકલીફ એ છે કે એ આ રીતે માનશે નહિ. છતાં હું એને પૂછી જોઇશ.”

નાસ્તો કરી વરુણ કોલેજ માટે નીકળ્યો, તેના મનમાં ગમે તે રીતે રોહનને મનાવવાનો વિચાર હતો, કોઈપણ રીતે તે રોહનની મદદ કરવા માંગતો હતો.

નીરવ પટેલ “શ્યામ”

ભાગ – ૧૨


વરુણ  કોલેજમાં પ્રવેશ્યો ત્યારે રોહન પોતાના નિત્યક્રમ મુજબ વાંચી રહ્યો હતો, પાસે જઈ અને વરુણે કહ્યું :

વરુણ : “હેલ્લો, મારા વાચક દોસ્ત… શું ચાલી રહ્યું છે ?”

રોહન : “બસ કઈ ખાસ નહિ, ખુબ જ મઝાનું પુસ્તક છે, આજે કોઇપણ રીતે એને પૂર્ણ કરવું છે.”

વરુણ : “નાઈસ, મને તો આ બધું બોરિંગ લાગે છે યાર, તું કેમ કરી વાંચી શકે ? મારે તો દસ પેજ વાંચવામાં દિવસ નીકળી જાય, તું તો આખે આખી નોવેલ પૂરી કરી શકે છે… ગ્રેટ યાર….”

રોહન : “દોસ્ત, આ વસ્તુ શોખ સાથે જોડાયેલી છે, મને વાંચવાનો શોખ છે એટલે મને વાંચવું જ ગમે છે, તને જે શોખ હોય એ તને કરવું ગમે.”

વરુણ : “રાઈટ યારા… મને પણ એકલા લોંગ ડ્રાઈવ પર જાવું, ક્યાંક એકલાજ કલાકો બેસી રહેવું ખુબ જ ગમે છે. હું કોઈ એવી જગ્યા એ જાઉં તો મને સમયની પણ ખબર નથી પડતી, હું તો મારો ફોન પણ સ્વીટ્ચ ઓફ કરી દઉં છું.”

રોહન : “બસ તો એ તારો શોખ છે, અને પુસ્તકો વાંચવા મારો શોખ છે.”

વરુણ : “અરે રોહન, આ વર્ષે કોલેજમાં વન ડે ટુરનું આયોજન કર્યું છે, પાવાગઢ. તારે આવવાનું છે હો… કોઈપણ બહાનું જોઈએ નહિ.”

રોહન : “ના યાર, મારે જોબ છે અને ..” (રોહનને વચ્ચે અટકાવતા જ વરુણ બોલ્યો..)

વરુણ : “હું કઈ સંભળાવાનો નથી, તારી આ ટ્રીપ મારા તરફથી, ખુબ જ મઝા આવશે, અને તારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધી જ જવાબદારી મારી.”

રોહનનું મન ના હોવા છતાં તેને હા કહેવી પડી, ક્લાસ ચાલુ થયા, પ્રોફેસરે ક્લાસમાં આવી કોલેજની સ્ટાફ મીટીંગ હોવાના કારણે છેલ્લા બે લેકચર ફ્રી હોવાની જાહેરાત કરી. આજે સરસ્વતી પણ આવી નહોતી, અવંતિકા તેની બેંચ ઉપર એકલા જ બેઠી હતી, રોહન સાથે હજુ વધુ વાતો કરવાની તેની જીજ્ઞાસા સમી નહોતી, એ કોઈ એવા સમયની રાહ જોઈ રહી હતી જ્યારે રોહન સાથે વાત થઇ શકે, પણ રોહન દરેક ખાલી સમયનો ભરપુર ઉપયોગ કરતો હતો. તેના કારણે અવંતિકાએ રોહન સાથે વાત કરવાનો અવસર ક્યારેય મળ્યો નહોતો, ક્લાસના અને કોલેજના મોટા ભાગના છોકરાઓની નજર અવંતિકા ઉપર મંડાયેલી હતી, પણ અવંતિકાને એમાંથી કોઈનામાં રસ નહોતો, રોહન એક એવી વ્યક્તિ હતો, જેનાથી તે ઈમ્પ્રેસ્સ થઇ હતી, હજુ લાગણીનો ઉમળકો વધ્યો નહોતો પણ દિલના અંદરથી વારંવાર અવાજ આવી રહ્યો હતો, અવંતિકાનું હૃદય રોહન સાથે વાત કરવા માટે તડપી રહ્યું હતું. ગમે તેમ કરી રોહનનો ફોન નંબર મેળવી અને મેસેજ કે કોલમાં વાત કરવાનું વિચારી રહી હતી.

છેલ્લા બે લેક્ચરમાં શું કરવું તેના વિષે પણ રોહને અગાઉથી જ પ્લાનિંગ કરી રાખ્યું હતું, વરુણ આજે જલ્દી ઘરે ચાલ્યો જવાનો હતો, લાઈબ્રેરી બંધ હશે પણ પોતે કોલેજના મેદાનમાં બેસી અને શાંતિથી વાંચશે એવું આયોજન રોહનના મગજમાં ચાલી રહ્યું હતું, કોલેજ જેવી પૂરી થઇ રોહન અને વરુણ સાથે બહાર નીકળ્યા, વરુણે તેને પોતાની સાથે ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું પણ રોહને કહ્યું કે “હજુ ગઈકાલે તો  તારા ઘરે આવીને ગયો, ફરી કોઈવાર મુલાકાત લઈશ.” વરુણ સાથે કાર પાર્કિંગમાં રોહન સાથે જ ગયો, વરુણના નીકળ્યા બાદ, રોહન મેદાનમાં કોઈ શાંત જગ્યા શોધી રહ્યો હતો, અને એક ઝાડ નીચે તેને એવી જગ્યા મળી પણ ગઈ. રોહન ત્યાં બેસી અને વાંચવા લાગ્યો.

અવંતિકા બહાર નીકળી અને રોહનને શોધી રહી હતી, લાઈબ્રેરી તો બંધ હતી, અને રોહન કેન્ટીનમાં નહિ હોય એમ માની અને તે મેદાનમાં રોહનને શોધવા લાગી, આમ તેમ બધે નજર દોડાવી પણ ક્યાય રોહન દેખાયો નહિ, અવંતિકાની નજર રોહનને શોધી રહી હતી, જયારે કોલેજના મેદાનમાં બેઠેલા બીજા ઘણાં છોકરાઓની નજર અવંતિકાને જોઈ રહી હતી. ક્લાસમાં બનેલી કેટલીક નવી ફ્રેન્ડે અવંતિકાને એમના ગ્રુપમાં જોઈન થવા માટે આમંત્રણ આપ્યું પણ એ છોકરીઓની રાહ જોઇને ઉભેલા એમના ફ્રેન્ડને જોઇને અવંતિકાએ ના કહી દીધી.  બધે જ જોઈ લીધા બાદ અવંતિકા નિરાશ થઇ અને ઘરે જવા માટે પાર્કિંગમાં એકટીવા લેવા માટે ગઈ, ત્યાં થોડે જ દૂર તેને એક ઝાડની બાજુમાં કેટલાક પુસ્તકો દેખાયા, અને તેને લાગ્યું કે એ ઝાડની પાછળ રોહન જ હોવો જોઈએ, પોતાના એકટીવામાં લગાવેલી ચાવી પાછી કાઢી અને એ ઝાડની દિશામાં ચાલવા લાગી, ચાલતા ચાલતા વિચારી રહી હતી, કે : “આમ રોહન પાસે જવું યોગ્ય ગણાશે ? કદાચ એ મારા કારણે ડીસ્ટર્બ થશે અને એને નહિ ગમે તો ? પણ જો આજે એની સાથે વાત નહિ થાય તો ફરી ક્યારે સમય મળશે એ નક્કી નથી, એટલે આજે કઈ પણ થાય હું એની સાથે વાત કરીશ, અને જો મને એમ લાગશે કે એને મારું આવવું ખલેલ પહોચાડે છે તો હું થોડી જ વારમાં નીકળી જઈશ.” આમ વિચારી તે રોહન પાસે પહોચી.

રોહન પુસ્તક વાંચવામાં મશગુલ હતો, પાસે ઉભેલી અવંતિકા ઉપર તેની નજર પડી નહિ, અવંતિકા એક ક્ષણ માટે તો રોહનને જોઈ રહી, પછી બોલી ઉઠી :

અવંતિકા : “કેમ છો મિસ્ટર રીડર ??”

એક જાણીતો અવાજ સાંભળતા રોહને પુસ્તકમાંથી પોતાની આંખો ઊંચી કરતા, સામે ઉભેલી અવંતિકાને જોઈ આશ્ચર્યથી કહ્યું,

રોહન : “ઓહ, તમે અહિયા ??”

અવંતિકા : “હા, આજે વહેલા છૂટી ગયા તો થયું કોલેજનું મેદાન જોઈ લઉં, અને તમને જોયા તો ઉભી રહી ગઈ, હું કોઈને ખાસ ઓળખતી નથી એટલે કંટાળો આવતો હતો, મેં તમને ડીસ્ટર્બ તો નથી કર્યા ને ???”

રોહન : “ના, ના પરિક્ષા થોડી આપવાની છે કે હું ડીસ્ટર્બ થાઉં. આ તો વહેલા છૂટી ગયા તો થયું કે નોવેલ વાંચી લઉં.”

અવંતિકા : “વેરી ગુડ, હું તમારી સાથે બેસી શકું ?”

રોહન : “હા, કેમ નહિ.. બેસો ને….”

અવંતિકા : “થેન્ક્સ…”

અવંતિકા રોહન સામે જ બેઠી, રોહન જે પુસ્તક વાંચી રહ્યો હતો તેને બાજુમાં મુક્યું, અને અવંતિકાના બોલવાની રાહ જોઈ રહ્યો હતો, અવંતિકાના મનમાં પણ એજ પ્રશ્નો ઉદ્ભવતા હતા, કે “વાત ક્યાંથી શરુ કરું, હિમ્મત કરી અને રોહન સુધી તો પહોચી ગઈ પણ હવે બોલવા માટે હિમ્મત ક્યાંથી લાવવી…!! એજ સમજાઈ રહ્યું નહોતું, પણ વાત નહિ કરું તો રોહનનો પણ સમય બરબાદ થશે અને એ કદાચ મને ખોટી પણ સમજી લે.” માટે વાત કરવાની શરુ કરી…

અવંતિકા : “મમ્મી તમારી દુકાનની સાડીના ખુબ વખાણ કરતા હતા. આ વખતે દિવાળીમાં તમારી જ દુકાને શોપિંગ કરવાનું નક્કી કર્યું છે.”

રોહન : “થેન્ક્સ, પણ એ દુકાન મારી નથી હું તો ત્યાં નોકરી કરું છું.”

અવંતિકા : “નોકરી….??? મને તો એમ કે એ દુકાન તમારી હશે..”

રોહન : “ના… હું છેલ્લા થોડા સમયથી ત્યાં નોકરી કરું છું, સવારે કોલેજ અને કોલેજથી સીધો નોકરી.”

અવંતિકા : “બહુ મહેનત કરો છો તમે… તમારા પપ્પા શું કરે છે ?”

રોહન : “આ દુનિયામાં મારું કોઈ નથી, મમ્મી પપ્પા બાળપણમાં જ મને છોડીને ભગવાનના ઘરે ચાલ્યા ગયા છે.”

અવંતિકા : “ઓહ…સોરી… “

રોહન : “એમાં સોરી ના હોય, તમે જાણતા નથી એટલે સ્વાભાવિક છે તમે પૂછી લીધું.”

અવંતિકા : “તો જમવાનું અને બધું કઈ રીતે તમે સાચવો છો ?”

રોહન : “જાતે જ બનાવી લેવાનું ને બીજું કોણ કરી આપે ? બહાર જમવાનું પોસાય નહિ.”

અવંતિકા પાસે રોહનની વાત સાંભળી બોલવા માટે કઈ શબ્દો ના રહ્યાં… રોહનની વાત સાંભળી તેના વિષેનું માન અને આકર્ષણ વધવા લાગ્યું, પોતે એક સ્ત્રી હોવાના કારણે ઘરના કામ અને રસોઈ બનાવવાની મહેનતથી તે પરિચિત હતી. એક પુરુષ માટે આ કરવું ખુબ જ મુશ્કેલ હતું છતાં પણ રોહન પોતાની જાતે જ બધું કરતો અભ્યાસની સાથે સાથે નોકરી પણ કરતો આ સાંભળી અવંતિકાને મનોમન રોહન પ્રત્યે એક અલગ ભાવ જન્મવા લાગ્યો.

અવંતિકાને વિચારોમાં ખોવાયેલી જોઈ રોહન બોલ્યો : “શું વિચારમાં પડી ગયા.”

અવંતિકા : “એજ કે તમે કેટલી તકલીફોનો સામનો કરતા હશો.”

રોહન : “મને તો હવે આદત પડી ગઈ છે, મને તો આવો ફ્રી સમય મળે તો હવે ચિંતા થાય છે કે હું શું કરીશ ? બાકી કામમાં આખો દિવસ ક્યાં જતો રહે મને ખબર જ નથી રહેતી.”

અવંતિકા : “હા, એ પણ છે, જે આદત થઇ જાય પછી જો નવરાશ મળે તો કંટાળો આવે બરાબર ને…”

રોહન : “હા, એવું જ થાય છે. બધું મારા વિષે જ જાણી લેશો કે તમારા વિષે કઈ કહેશો ??”

અવંતિકા : “છોકરીઓને પૂછવાની જ આદત હોય.. અને જો પોતાના વખાણ કરવા બેસે તો તમને બોલવાનો મોકો જ ના મળે..”

બને હસવા લાગ્યા….

રોહન : “તો તમે પણ એવા જ છો કે શું ?”

અવંતિકા : (હસતાં હસતાં) “ના હો, મને તો કોઈને સાંભળવાનું ગમે, બીજી છોકરીઓને જેમ બકબક કરવાની ના ગમે… મારી લાઈફ તમારા જેવી સ્ટ્રગલ વાડી નથી, મારા પપ્પા બીઝનેસ કરે છે, મમ્મી હાઉસ વાઈફ છે, અને હું એમની એકની એક દીકરી છું એટલે મને ખુબ જ લાડ પ્રેમથી ઉછેરી છે, પણ ક્યારેય એમના પ્રેમ નો દુરુપયોગ નથી કર્યો, કોઈ ખાસ મિત્રો પણ નથી બનાવ્યા, તમારી જેમ મને પણ વાંચવાનું ગમે પણ હું ઘરે જ આખો દિવસ ફ્રી હોવ એટલે વાંચ્યા કરું.”

રોહન : “ઓહો તો તમે પણ મારી જેમ વાંચવાના શોખીન છો. એમ જ ને…”

અવંતિકા : “હા, પુસ્તકો જ આપણા સાચા મિત્રો છે, એમાંથી જ કંઇક જાણવા મળે છે, એટલે વાંચવું જ જોઈએ.”

રોહન : “સરસ લો, મને પણ એક વાંચકને મળી આનંદ થયો.”

અવંતિકા : “તો ગમશે ને મારી ફ્રેન્ડશીપ ??”

રોહન : “હા, કેમ નહિ.”

અવંતિકા : “તમે વન ડે ટૂરમાં આવવાના છો ?”

રોહન : “મારી ઈચ્છા તો નથી આવવાની પણ મારો મિત્ર વરુણ જબરદસ્તી મને લઇ જશે.”

અવંતિકા : “મારી પણ ઈચ્છા નથી, પણ હવે જોઈએ શું થાય છે ?.. ચાલો ઘણો સમય થઇ ગયો હું નીકળું હવે… તમે વાંચો શાંતિથી”

રોહન : “ના હું પણ હવે નોકરી ઉપર જઈશ…”

અવંતિકા અને રોહન બંને મેદાનમાં સાથે ચાલી ને આવતા હતા, કોલેજમાં બેઠેલા તમામની નજર એ બંને પર મંડાયેલી હતી, ત્યાં બેઠેલા કેટલાય ગ્રુપમાં કેટલીય ચર્ચાઓ થવા લાગી, બાઈક પર બેઠેલા મસ્તીખોર કોલેજીયનો તો એમ પણ કહેવા લાગ્યા કે “યાર આ બબુચક કરતા તો આપણે કેટલા હેન્ડસમ છીએ, તોય એનામાં એ શું જોઈ ગઈ ?” અને બધા હસવા લાગ્યા, અવંતિકા અને રોહન એ બધાની નજર ને અવગણી આગળ ચાલતા થયા, અવંતિકા પોતાનું એકટીવા લઇ રોહનને બાય કહી ઘર તરફ નીકળી, રોહન પણ કોલેજ બહાર નીકળી બી.આર.ટી.એસ.ના બસ સ્ટોપ પર પહોચી બસનો વેઇટ કરવા લાગ્યો.

નીરવ પટેલ “શ્યામ”

ભાગ – ૧૩


રોહન સાથેની મુલાકાતે અવંતિકાને તેના પ્રત્યેના આકર્ષણમાં વધારો કર્યો, તેના જીવન વિષે સાંભળી, તેની તકલીફોને જાણી રોહન તરફની એક નવી લાગણીનો જન્મ થવા લાગ્યો. રાત્રે પોતાના રૂમમાં સુતા સુતા તે રોહન વિષે વિચારવા લાગી. કદાચ આ લાગણી… આ ચિંતા… આ આકર્ષણ…અવંતિકામાં રોહન પ્રત્યેના પ્રેમના બીજનું રોપણ કરી રહ્યા હતાં,  અત્યાર સુધી અવંતિકાને કોઈ વ્યક્તિનો પ્રેમ સ્પર્શ્યો નહોતો, પણ રોહનને મળ્યા બાદ અવંતિકા તેના વિષે વિચારતી થઇ ગઈ, રોહન તેને ગમવા લાગ્યો હતો. પહેલીવાર જયારે રોહનને જોયો હતો ત્યારે તેને એમ વિચાર્યું નહોતું કે આ વ્યક્તિ સાથે મિત્રતા કરીશ, પણ રોહન સાથે વાત થયા બાદ, તેને મળ્યા બાદ, તેના જીવન વિષે જાણ્યા બાદ વધુ આકર્ષણ થયું અને એજ આકર્ષણ હવે પ્રેમ માં પરિવર્તિત થવા જઈ રહ્યું હતું.

રોજ ક્લાસમાં પ્રવેશતા અવંતિકા અને રોહનની આંખો ટકરાતી હતી, બંને ના હોઠ એકબીજાનો ચેહરો જોઈ મલકાતા હતા, પણ વાત કરવાનો અવસર મળતો નહોતો, પણ હવે અવંતિકાની આંખોમાં રોહન માટે ચોખ્ખો પ્રેમ છલકાતો જોવા મળી રહ્યો હતો, કોલેજમાં પણ ઘણા છોકરા છોકરીઓ એ બંનેની મુલાકાત બાદ વાતો તો કરવાની શરુ કરી જ દીધી હતી, પણ હજુ એનો અણસાર અવંતિકા કે રોહનના કાને આવ્યો નહોતો.

વન ડે ટૂરનો દિવસ આવી ગયો, વરુણની જીદ સામે રોહનને ઝૂકવું જ પડ્યું, અવંતિકા પણ રોહન આવવાનો છે એ જાણીને જવા માટે તૈયાર થઇ હતી. વહેલી સવારે કોલેજના મેદાનમાં બસ આવી પહોચી, અવંતિકાએ વાદળી ટી શર્ટ અને બ્લેક જીન્સ પહેરા હતા, સવારના વાતાવરણમાં એનો ચહેરો ગુલાબ સમાન નીખરી રહ્યો હતો, રોહન વરુણના આવવાની રાહ જોઈ રહ્યો હતો. અવંતિકા રોહન પાસેથી પસાર થતાં એક હળવી સ્માઈલ આપી, રોહને પણ જવાબમાં સ્મિત કર્યું. રોહનની સ્માઈલ મળતાં અવંતિકાના ચહેરા ઉપર અલગ પ્રકારની ચમક આવી ગઈ. વરુણ પોતાની કાર લઇ અને કોલેજ આવી ગયો, રોહન તેની પાસે જઈ અને કહેવા લાગ્યો, : “યાર, તું બહુ મોડું કરે છે ! હું ક્યારનો તારી રાહ જોઇને ઉભો હતો.”

વરુણ : “સોરી યાર, મમ્મીના કારણે મોડું થયું, એને મને કેટલી વસ્તુ ભરી આપી, નાસ્તો પણ કેટલો બધો લેવડાવ્યો, તારા માટે પણ વધારાના ડબ્બા પેક કરી આપ્યા.”

રોહન : “સારું ચલ હવે બસમાં જઈ આપણી જગ્યા લઈએ, નહિ તો છેલ્લે બેસવાનો વારો આવશે.”

વરુણ : “ચાલ યાર, આજે છેલ્લે જ બેસીએ, મઝા આવશે.”

રોહન : “ના ભાઈ ના, કોને ખબર રસ્તો કેવો હોય, પેટમાં દુખાવો થઇ જશે, અને પાછુ ત્યાં પહોચીને પાવાગઢ પણ ચઢવાનો છે.”

વરુણ : “કઈ નહિ થાય યાર, મઝા આવશે. અને પાવાગઢમાં તો રોપ વે પણ છે, આપણે નહિ ચઢાય તો રોપ વે માં ચાલ્યા જઈશું.”

રોહન : “ઓકે, ચલ છેલ્લી સીટે બેસવા માટે હું તૈયાર પણ, પાવાગઢ તારે મારી સાથે ચાલીને જ ચઢવું પડશે ! મંજુર ?

વરુણ : “ડન. રોપ વે માં નહિ જઈએ.”

વરુણ અને રોહન છોકરાઓની બસમાં બેઠા અને અવંતિકા સરસ્વતી સાથે છોકરી માટે મુકેલી અલગ બસમાં. અવંતિકાનું મન રોહન સાથે બેસવામાં હતું પણ કોલેજના કેટલાક નિયમોને અનુસરવા પડે એમ હતું. પણ પાવાગઢ જઈ ને રોહન સાથે વાત થઇ શકશે. કોલેજ લાઈફ છે, પ્રોફેસર પણ જુવાન હૈયાઓને સમજી શકતા હોય છે, પણ એ સાથે એક જવાબદારી પણ તેમના માથે હોય છે, ક્યાંક કોઈ આડું અવળું પગલું ભરી લે તો કોલેજની બદનામી થઇ શકે છે, માટે કેટલાક નિયમો પણ બસમાં જ આપવામાં આવ્યા.

સવારના બરાબર ૪.૩૦ વાગે બસ પાવાગઢ તરફ રવાના થઇ, પાવાગઢની સાથે સાથે આજવા નીમેટા, વડોદરા કમાટી બાગ અને આણંદ અમુલ ડેરીની મુલાકાત હતી. વરુણ બારી પાસેની સીટમાં બેઠો હતો, અને રોહન તેની બાજુમાં, સવારમાં અંધારું હોવાના કારણે બારી બહારનો નજારો સ્પષ્ટ દેખાઈ રહ્યો નહોતો, અને ઠંડીનું વતાવરણ પણ હતું. રોહન નોવેલ ખોલી અને વાંચવા લાગ્યો, વરુણે તેના હાથમાંથી નોવેલ લઇ લીધી અને કહેવા લાગ્યો :

વરુણ : “યાર, બસ આ નોવેલ પાછળ તું ગાંડો થઇ જઈશ, આપણે પીકનીક માટે જઈએ છીએ, કોઈ પરીક્ષાના ટેસ્ટ માટે કે કોઈ સેમીનાર માટે નહિ, એક દિવસ નોવેલ નહિ વાંચે તો કઈ બગડી નહિ જાય.”

રોહન : “સારું ચાલ, નથી વાંચતો નોવેલ, લાવ બેગમાં મૂકી દઉં.”

રોહને બેગમાં નોવેલ પાછી મૂકી અને વરુણ સાથે વાત કરવા લાગ્યો.

વરુણ : “રોહન તને એક પ્રશ્ન પૂછું ?”

રોહન : “હા પૂછ ને !”

વરુણ : “તારી લાઈફમાં આ નોવેલ સિવાય બીજું કોઈ નથી આવ્યું ?”

રોહન : “એટલે સમજ્યો નહિ હું !”

વરુણ : “અરે યાર…તે ક્યારેય કોઈ સાથે પ્રેમ કર્યો છે ?”

રોહન : “ના દોસ્ત… પ્રેમ તો શું આજ સુધી મેં કોઈ છોકરી ને મારી ફ્રેન્ડ પણ નથી બનાવી.”

વરુણ : “જુઠ્ઠું ના બોલ.. તે દિવસે તો તું અવંતિકા સાથે વાત તો કરતો હતો ? અને મેં તો એવું સાંભળ્યું છે કે તે દિવસે કોલેજ વહેલા છૂટ્યા બાદ તું અને અવંતિકા કોલેજના મેદાનમાં બેઠા હતા.”

રોહન : “અરે અવંતિકા સાથે તો હમણાં જ ફ્રેન્ડશીપ થઇ છે, અને તે દિવસે હું વાંચી રહ્યો હતો અને એ ત્યાંથી પસાર થઇ તો મારી સાથે થોડીવાર બેસી ને વાત કરી, એને પણ મારી જેમ વાંચવાનો શોખ છે. એટલે વાત થોડી વધારે લાંબી ચાલી, પણ આ વાતની તને ક્યાંથી ખબર ?”

વરુણ : “અરે જવા દે એ વાત, હું કઈ બીજું જ સમજતો હતો, પણ તું કહે છે તો સાચું જ હશે, મને તારા ઉપર વિશ્વાસ છે.”

રોહને વરુણના ચહેરા ઉપર વાત છુપાવવાનો ભાવ જોયો અને પૂછવા લાગ્યો..

રોહન : “વાત શું છે એ મને કહે ને, પ્લીઝ !”

વરુણ : “કોલેજમાં મેં કેટલાક છોકરાઓને વાત કરતાં સાંભળ્યા હતા, કે અવંતિકા અને તારા વચ્ચે કંઇક ચાલી રહ્યું છે. હું તને ઘણા દિવસથી પૂછવાનો હતો, પણ ચાન્સ ના મળ્યો.”

રોહન : “ના યાર, પ્રેમ મને ના થાય અને એ પણ અવંતિકા જેવી છોકરી સાથે, ઈમ્પોસીબલ. ક્યાં હું અને ક્યાં એ. હું એક ગરીબ ઘરનો છોકરો અને એ ધનવાન. ક્યાંથી મેળ થવાનો ? અને કોલેજની બહાર બેઠેલા છોકરાઓને બીજા કામ પણ શું હોય ? આવું નામ જોડવા સિવાય. બોલ્યા કરે એ લોકો તો.”

વરુણ : “દોસ્ત તારી એ વાત સાથે હું સહમત નથી કે પ્રેમ અમીરી ગરીબી જોવે છે. પ્રેમ વ્યક્તિત્વ જોવે છે ના કે પૈસા.”

રોહન : “ઓહો. તું તો પ્રેમ વિષે ઘણું જાણે છે. તે તો ચોક્કસ કર્યો હશે પ્રેમ.”

વરુણ : “તારાથી નહિ છુપાવું દોસ્ત, હું પણ એક છોકરીને ખુબ જ પ્રેમ કરું છું.”

રોહન : “કોણ છે એ ?”

વરુણ : “અત્યારે એ અમેરિકા છે, એનું ફેમેલી ત્યાં શિફ્ટ થઇ ગયું બે વર્ષ પહેલા, હવે કોઈ દિવસ ફોન અને મેસેજ થી વાતો થાય છે, ક્યારેક વિડીઓ કોલમાં.”

રોહન : “ઓહ.. ક્યાં મળ્યા હતા તમે ?”

વરુણ : “હું જ્યાં રહું છું એની સામે જ એ રહેતી હતી, એના પપ્પા અને મારા પપ્પા પણ મિત્રો હતા, અને વારંવાર મળવાનું થતું, એના ઘરે કોઈ પાર્ટી કે પ્રસંગ હોય કે અમારા ઘરે હોય એમાં અમે મળતા અને અમારી ઓળખાણ ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઇ ગઈ અમને ખબર જ ના રહી. પણ બે વર્ષ પહેલા તેનું ફેમેલી અમેરિકા શિફ્ટ થયું ત્યારબાદ અમે ક્યારેય મળ્યા નથી, એને અમેરિકામાં સ્ટડી સ્ટાર્ટ કર્યું છે.”

રોહન : “તો ઘરે વાત કરી અને બંને લગ્ન કરી શકશો ને ભવિષ્યમાં ?”

વરુણ : “ઈચ્છા તો એવી જ છે, પણ એ હજુ ભણવા માગે છે, અને હું પહેલા સેટ થવા માંગુ છું, લગ્ન કરી અને એવા કોઈ બંધનમાં બંધાઈ જવા નથી માંગતો.”

રોહન : “તારી લવ સ્ટોરી પણ અજીબ છે, હું જયારે લેખક બનીશ ત્યારે તારી પ્રેમ કહાની ઉપર નોવેલ લખીશ, ચેતન ભગતની જેમ.”

વરુણ અને રોહન બંને હસવા લાગ્યા..

વરુણ : “પણ તને કોઈવાર કોઈ સાથે પ્રેમ કેમ થયો જ નથી ?”

રોહન : “મને યાર કોઈ એવી વ્યક્તિ મળી જ નહિ, જેની સાથે પ્રેમ થઇ શકે, અને મારી ગરીબી જોઈ અને મેં પણ ક્યારેય પ્રેમ કરવાનું વિચાર્યું જ નથી, એમ પણ ભણવામાં અને વાંચવામાં હું કોલેજ લાઈફમાં પ્રવેશી ગયો અને પ્રેમ માટે કોઈ જગ્યા જ રહી નહિ.”

વરુણ : “તું ઘણો સારો છોકરો છે, તારી સાથે કોઈને પણ પ્રેમ થઇ શકે છે, અવંતિકા જો તને સારી લાગતી હોય તો એના વિષે વિચારી શકે છે, મને પણ એમ લાગે છે કે એને પણ તું ગમતો હોઈશ.”

રોહન : “ના યાર, એ તો ફક્ત ફ્રેન્ડ છે, મેં એને જોઇને એના વિષે એવું વિચાર્યું નથી.”

વરુણ : “દોસ્ત, પ્રેમને આપણે શોધી શકતા નથી, પ્રેમ જ આપણને શોધી લે છે, અને કોણ ક્યારે અને ક્યાં સમયે જીવનમાં આવી જાય એ નક્કી ના કહેવાય.”

રોહન :  “એ વાત જવા દે દોસ્ત, જયારે જે થશે એ જોયું જશે. આજે એન્જોય કરીએ.”

સૂર્ય પોતાનું અજવાળું ધીમે ધીમે રેલાવી રહ્યો હતો, બારી બહારનું વાતાવરણ ખુબ જ આહલાદ્ક બની રહ્યું હતું, લિલ્લા છ્છ્મ ખેતરો, પક્ષીઓના ટોળા ખુલ્લા આકાશમાં ઉડી રહ્યાં હતા, ખેડૂતો પોતાના બળદ લઇ અને ખેતર તરફ જઈ રહ્યા હતાં, કેટલીક મહિલાઓ પાણી ભરવા માટે માથે માટલા મૂકી અને જઈ રહી હતી, વરુણને આ દૃશ્ય ખુબ જ ગમવા લાગ્યું, એક નવી દુનિયામાં જાણે તે આવી ગયો હોય એમ લાગવા લાગ્યું, રોહન તેને ગામડાં વિષે અને ત્યાંની રહેણી કરણી વિષે જણાવી રહ્યો હતો. પાવાગઢ નજીક આવતા સૌનો ઉત્સાહ વધવા લાગ્યો, હાલોલ પસાર કરી અને બસ પાવાગઢ પહોંચી.

નીરવ પટેલ “શ્યામ”

ભાગ – ૧૪


પાવાગઢના કુદરતી સાનિધ્યને નિહાળતા સૌ જુવાન કોલીજીયનો એક નવું જ વાતાવરણ અનુભવી રહ્યા હતાં, શહેરના પ્રદુષણ થી મુક્ત કુદરતી હવા પોતાના શ્વાસમાં ભરી રહ્યાં હતાં, બસમાંથી ઉતરતા વેંત જ અવંતીકાની નજર રોહનને શોધવા લાગી, રોહન અને વરુણ પાર્કિંગ પાસેના વૉશરૂમમાં ગયા હતાં, જ્યાં થોડી ગંદકીના કારણે વરુણ બબડી રહ્યો હતો, અને રોહન વરુણને સાંભળતા હસી રહ્યો હતો, અવંતિકા અને સરસ્વતી પણ લેડીઝ માટેના વૉશરૂમમાં જતાં હતાં, એજ સમયે રોહન હસતાં હસતાં ચાલી રહ્યો હતો, રોહનની નજર અવંતિકા ઉપર ના પડી, પણ અવંતિકાની નજરે રોહનને શોધી લીધો. રોહનને હસતો જોઈ અને અવંતિકાનો ચહેરો પણ છૂપું મલકાયો.

કોલેજના બધા છોકરા છોકરીઓને એક સાથે એક જગ્યા ઉપર ઉભા રાખી થોડી સૂચનાઓ આપી. સવારના 8 વાગ્યા હતાં, બધાને 1 વાગ્યા સુધી આજ સ્થળે પરત ફરવાનું કહેવામાં આવ્યું, અને બધા નાના નાના ગ્રુપમાં રહેવા માટે પણ સૂચના આપવામાં આવી. ચાંપાનેરથી પગથિયાં ચઢી અને શિખર ઉપર બિરાજેલા મહાકાળી માનાં દર્શન કરવા જવાનું હતું, જે સ્ટુડન્ટ રોપ-વે દ્વારા જવા માંગતા હતાં એમને પણ પાછા આવી આજ સ્થળે રાહ જોવા માટે કહેવામાં આવ્યું. કોલેજીયનો માટે માતાજીના દર્શન કરવાનું એટલું મહત્વ નહોતું તેમના માટે આ એક એન્જોયમેન્ટ હતું, ઘણાં નવા સંબંધો આ પ્રવાસમાં બનવાના હતાં.

બધા પોતાના રીતે, જે જે મિત્રો બન્યા હતાં એમની સાથે ચાલવા લાગ્યા, રોહન અને વરુણ બંને સાથે ચાલ્યા તો બીજી તરફ અવંતિકા અને સરસ્વતી સાથે ચાલવા લાગ્યા…કોલેજીયન સ્ટુડન્ટનું જવાનીનું જોમ આજે પગમાં પણ દેખાઈ રહ્યું હતું, બધા ફટાફટ પગથિયાં ચઢી રહ્યાં હતાં, રોહન અને વરુણ પણ શરૂઆતમાં સડસડાટ ચઢવા લાગ્યા , પણ વરુણને થાક લાગવા લાગ્યો હતો, તેના માટે આ પ્રથમ વખત જ હતું. ક્યારેય એક કિલોમીટર ના ચાલનારો માણસ આજે પાવાગઢ ચઢી રહ્યો હતો.

વચ્ચે વચ્ચે થોડી થોડીવાર બેસતાં બંને ચઢી રહ્યા હતાં, ઘણાં છોકરાઓના એવા જ હાલ હતાં, અને કેટલાક તો છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે એમની પાછળ જઈ રહ્યાં હતાં,  સરસ્વતી અને અવંતિકા પણ ધીમે ધીમે ચઢવા લાગ્યા, કેટલાય છોકરાઓ એમની પણ પાછળ આવી રહ્યાં હતાં, એમને ઇપ્રેસ કરવા પણ એમને બધાની પાછળ જ રહેવાનું નક્કી કર્યું.

વરુણ થાકી જતાં કહેતો પણ કે :”બસ યાર હવે મારાથી આગળ નહિ ચલાય, ચાલ પાછા વળી જઈએ, અહીંયાથી જ દર્શન કરી ને આપણે પાછા વળી જઈએ.”

ત્યારે રોહન એને હિંમત આપતા કહેતો પણ : “કે જો યાર આ સામે જ દેખાય છે, થોડી જ વારમાં આપણે પહોંચી જઈશું, ચાલ હવે ઊભો થઈ જા.”

બંને એમ કરી ચાલવા લાગતા… એક સ્થળે બંને બેઠા હતાં અને નીચેથી અવંતિકા અને સરસ્વતીને આવતા વરુણે જોયા, અને કહેવા લાગ્યો…

વરુણ : “જો રોહન, અવંતિકા આવી રહી છે.”

રોહન : “તો મારે શું ? બધા પ્રવાસમાં આવ્યા છે તો એ પણ આવી જ હોય ને ?”

વરુણ : “અરે બબૂચક, ક્યારે તને આ બધું સમજ આવશે ?”

રોહન : “લે વળી, એમાં શું સમજવાનું ?

વરુણ : “અરે યાર, હમણાં આપણે બસમાં પ્રેમ વિશે વાત કરી હતી ને ?”

રોહન : “હા તો ?”

વરુણ : “તો તું અવંતિકા સાથે વાત આગળ વધારી શકે છે, આ સરસ મોકો છે વાત કરવા માટે.”

રોહન : “ના દોસ્ત, મારે આવા ચક્કરમાં નથી પડવું, અને એ પણ અવંતિકા જેવી છોકરી ?”

વરુણ : “કેમ અવંતિકા સારી નથી ?”

રોહન : “એવું નહીં યાર, એ બહુ સારી અને સીધી છોકરી છે, પણ એનો અને મારો મેળ થાય એમ નથી, તું સમજી શકે છે !”

વરુણ :”મેં તને સમજાવ્યું તો હતું, પ્રેમ એવો કોઈ મેળ જોતું નથી, એમાં તો બસ દિલ મળ્યા અને થઈ ગયો સમજો.”

રોહન : “તું ટાઈમ પાસ કરી રહ્યો છે, ચાલ હવે ઉપર ચઢિયે.”

વરુણ : “થોડો વેઇટ કર, એ લોકો ને અહીંયાથી નીકળવા દે, જો એ લોકો જસ્ટ ફોરમાલિટી કરે તો હું તને ક્યારેય અવંતિકા સાથે વાત કરવાનું નહિ કહું, પણ જો એ તારા માટે અલગ લાગણી બતાવે તો ચોક્કસ એના મનમાં કઈક હશે તારા માટે, અને પછી તારે પણ ટ્રાય કરવો પડશે ! બોલ છે મંજુર ?

રોહન : “હું એવા બધા ટ્રાય કરવામાં નથી માનતો, અને મારે આ પ્રેમ બ્રેમના ચક્કરમાં પડવું પણ નથી, તું ચાલે છે કે હું એકલો જ આગળ જાઉં  ?”

વરુણ : “ઓકે ઓકે, સોરી બસ. નથી કરવો એવો ટ્રાય આપણે, પણ એટલીસ્ટ એ લોકોને આવવા તો દે, આપણે સાથે રહીશું તો આપણા કોલેજની છોકરીઓ જ સેફ રહેશે, જો એમની પાછળ છોકરાઓ કેવી રીતે આવી રહ્યાં છે.”

રોહન : “ઓકે, આપણે એ લોકો પાછળ જઈએ, તારી આ વાત મને યોગ્ય લાગે છે.”

વરુણ અને રોહન એક પથ્થર ઉપર બેઠા હતાં, થોડે દૂરથી અવંતિકાએ રોહનને બેઠેલો જોયો અને મનમાં નક્કી કર્યું કે તેની સાથે જઈ અને વાત કરીશ, સરસ્વતીને રોહન વિશે કઈ ખબર નહોતી, એ એના ધૂનમાં જ મસ્ત હતી, રોહન પાસે પહોંચતા અવંતિકા એ રોહનને સ્માઈલ આપી અને કહ્યું.. ” હેલ્લો કેમ છો ?”

રોહન : “મઝામાં. તમે ?”

અવંતિકા : “અત્યારે તો થાકી ગઈ છું, તમારી જેમ મઝામાં નથી.”

અવંતિકાનું વાક્ય સાંભળી વરુણ અને રોહન હસવા લાગ્યા, સરસ્વતી સમજી નહોતી રહી કે “આ એકબીજા સાથે કેમ વાતો કરી રહ્યાં છે, આજ પહેલા તો અવંતિકાને કોઈ સાથે વાત કરતાં જોઈ નહોતી, અને આજે અચાનક એ કલાસના છોકરા સાથે વાત કરે છે.”

સરસ્વતી એ અવંતિકાને કહ્યું કે “ચાલ અવંતિકા આપણે ધીમે ધીમે ચઢવાનું છે, એક વાગ્યા સુધી નીચે પણ જવાનું છે, જઈશું ?”

અવંતિકા : “હા, આ મારી ફ્રેન્ડ સરસ્વતી છે, અને સરસ્વતી આ મારા નવા ફ્રેન્ડ રોહન છે, અને (વરુણ સામે જોતાં) તમે વરુણ છો બરાબર ને ?”

વરુણ : “ઓહ તમે મને પણ ઓળખો છો એમ ?”

અવંતિકા : “રોહને તમારા વિષે વાત કરી હતી.”

વરુણ : “ઓહ.. ઓકે..”

અવંતિકા : “ચાલો બાય, પછી મળીયે, અમે ચાલીએ આગળ”

બધાને બાય કહી અવંતિકા અને સરસ્વતી ચાલવા લાગ્યા,

વરુણ રોહન સામું જ જોઈ રહ્યો હતો..

રોહન : “આમ શું જોઈ રહ્યો છે ?”

વરુણ : “કઈ નહીં એ જોવે છું કે તારી ગાડી ધીમે ધીમે હવે પાટા ઉપર આવી રહી છે, તું ભલે અવંતિકા માટે કઈ ના વિચારે પણ એ તારા માટે ઘણું બધું વિચારી રહી છે એ નક્કી છે.”

રોહન : “એવું કંઈ ના વિચાર દોસ્ત, આપણે આગળ જવું છે કે પછી અહીંયા જ બેસવાનું છે ?”

વરુણ : “હું તો અહીંયા જ બેસવાનું કહું છું, પણ તું જવાનું કહે છે.”

રોહન : “ચાલ હવે બહુ નાટક કર્યા વગર ઉભો થા.’

બંને પગથિયાં ચઢવા લાગ્યા, અવંતિકા અને સરસ્વતી એ બંનેની આગળ જ ચાલી રહ્યાં હતાં, સરસ્વતીના મનમાં જાગેલા પ્રશ્નોના જવાબ હવે મળવાના હતાં…

સરસ્વતી : “હું એક દિવસ કોલેજ ના આવી એમાં તો તે એક ફ્રેન્ડ પણ બનાવી લીધો ને…!!”

અવંતિકા : “હું અને મમ્મી થોડા દિવસ પહેલા સાડીની ખરીદી માટે ગયા હતા એ દુકાનમાં રોહન જોબ કરે છે, અને એને અમને સાડી આપી હતી, એના કારણે હું એને ઓળખું છું, અને પછી મેં એમને કોલેજમાં જોયા એટલે વાત થઈ અને પછી ફ્રેન્ડશીપ.”

સરસ્વતી : “ખાલી ફ્રેન્ડશીપનો જ ઈરાદો છે કે પછી….??”

અવંતિકા : “બસ સરસ્વતી હો, બહુ બોલે છે તું.” અને હસવા લાગી. બન્ને પગથિયાં ચઢતા આગળ વધી રહ્યાં હતાં ધીમે ધીમે છેક માતાજીના મંદિર સુધી પહોંચ્યા, દર્શન માટે સ્ત્રી અને પુરૂષો માટે અલગ અલગ લાઈન હતી, રોહન અને વરુણ પુરુષો તરફ અને અવંતિકા અને સરસ્વતી સ્ત્રીઓની લાઈનમાં જોડાયા, સવારનો સમય હતો, શ્રદ્ધાળુઓ દર્શન માટે પ્રતીક્ષા કરી રહ્યાં હતાં, માતાજીની મૂર્તિના દર્શન હજુ મનભરીને થયા પણ ના હોય અને પૂજારી બધાને આગળ ધકેલવામાં લાગેલા હતાં, કલાકો જે માતાજીના દર્શન પાછળ રાહ જોઈ હોય એ જ માતાજીના દર્શન મનભરીને પણ ના થઇ શકે.  રોહને માતાજી સામે બે હાથ જોડ્યા અને આંખો બંધ કરી ત્યારે અવંતિકા પણ બાજુની લાઈનમાં માતાજી સામે ઉભી હતી, એને પણ ઓઢણી માથે રાખી અને હાથ જોડ્યા, દુઆમાં શું માંગ્યું એ તો એજ જાણતી હતી, પણ બંનેની આંખો ખુલતા નજર એક સાથે ટકરાઈ અને હોઠ પાછા હસવા લાગ્યા. જાણે અવંતીકાએ પ્રાર્થનામાં રોહનને માંગી લીધો હોય એમ શરમથી આંખો ઝુકાવી ચાલવા લાગી. રોહનની પાછળ રહેલા વરુણ ને અને અવંતિકાની પાછળ રહેલી સરસ્વતીને ધીમે ધીમે પાંગરી રહેલા પ્રેમની ગંધ આવી રહી હતી.

પાછા ઉતરતા સૌ ખરીદી કરતાં કરતાં નીચે ઉતરી રહ્યાં હતાં, દુકાનો કોલેજીયન છોકરા છોકરીઓથી ભરાઈ રહી હતી, કેટલાક શ્રદ્ધાળુઓ પણ ખરીદી કરી રહ્યાં હતાં, રોહન અને વરુણ એક હોટેલમાં કોલડ્રિન્ક અને નાસ્તા માટે બેઠા, અવંતિકા અને સરસ્વતી પણ ત્યાંથી પસાર થયા પણ કોઈએ એકબીજાને જોયા નહિ અને ચાલવા લાગ્યા. એક વાગ્યા પહેલા મોટાભાગના સ્ટુડન્ટ નિશ્ચિત કરેલી જગ્યા ઉપર આવી પહોંચ્યા, એક અને ત્રીસ મિનિટ બસ પાવાગઢથી નીકળી નજીકમાં આવેલા એક સ્થળ ધાબા ડુંગરી જવા માટે રવાના થઈ ત્યાં, બપોરના જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નીરવ પટેલ “શ્યામ”

ભાગ – ૧૫


પાવાગઢથી થોડા જ અંતરે આવેલા ધાબા ડુંગરી સ્થળ જવા માટે બસ રવાના થઇ, પાવાગઢ પાસેનું એ સ્થળ ઘણું જ રમણીય છે, ઘણાં દર્શનાર્થીઓને એ સ્થળ વિષે ખબર નથી હોતી, પણ જે લોકો એક વાર ત્યાં જાય છે પછી જેટલીવાર પાવાગઢ જશે એ સ્થળની મુલાકાત અવશ્ય લે છે, એક નાના શિખર ઉપર આવેલા એ સ્થળ પાસે બસ ઉભી રહી, આજુ બાજુ કુદરતી સૌન્દર્ય અને લીલાછમ ખેતરો હતા, પાવાગઢનો થાક સૌના મોઢા ઉપર ચોખ્ખો વર્તાઈ રહ્યો હતો. પણ આ સ્થળ ઉપર આવતા એમનામાં સ્ફૂર્તિનો સંચાર થવા લાગ્યો, બધા ઓળખીતા મિત્રો પોત પોતાના ગ્રુપમાં પોતાના નાસ્તા સાથે સારી સારી જગ્યા એ ગોઠવવા લાગી ગયા, વરુણ અને રોહન પણ પોતાની બેગ લઇ અને એક સ્થળ આગળ બેઠા.

અવંતિકા અને સરસ્વતી બેસવા માટે જગ્યા શોધી રહ્યાં હતાં, ત્યાં બેઠલા મોટા ભાગના છોકરા એમ વિચારતા હતા, કે આ બંને અમારી બાજુમાં આવીને બેસે તો કેવું સારું ? પણ અવંતિકા કે સરસ્વતી બંનેમાંથી કોઈના મનમાં એમાંથી કોઈની સાથે બેસવાની ઈચ્છા નહોતી. ત્યાં એક જગ્યા ઉપર વરુણ અને રોહનને બેઠેલા જોઈ, સરસ્વતીને અવંતિકાએ એ તરફ જવાનું કહ્યું.

અવંતિકા : “સરસ્વતી, ચાલ આપણે રોહન સાથે બેસીએ.

સરસ્વતીને કહી અને અવંતિકા એ તરફ ચાલવા જતી હતી અને તરત સરસ્વતીએ અવંતિકાનો હાથ પકડતા પૂછવા લાગી…

સરસ્વતી : “અવંતિકા, તું તો કોઈ છોકરા સામે ક્યારેય વાત પણ નથી કરતી અને આમ અચાનક આજે રોહન તરફ કેમ આટલી આકર્ષાઈ રહી છે ? સાચું કહેજે મને..”

અવંતિકા બે ડગલા પાછળ ફરી અને સરસ્વતી સામે ઉભી રહી અને કહેવા લાગી.

અવંતિકા : “તારી વાત સાચી છે, હું કોઈ છોકરા સાથે વાત પણ નહોતી કરતી, કારણ કે મને અત્યાર સુધી કોઈ એવો છોકરો મળ્યો નથી જેના ઉપર હું વિશ્વાસ કરી શકું. પણ જે દિવસથી રોહનને મળી છું મને એ બધા કરતાં અલગ લાગ્યો છે, એના વિચારો, એની રહેણી કરણી બધું જ અલગ છે, મેં એની સાથે આગળના સંબંધ વિષે કઈ વિચાર્યું નથી પણ હા, એને મારા એક ખાસ મિત્રમાં હું એને ચોક્કસ જોવા માંગીશ.”

સરસ્વતી : “હજુ તો રોહન સાથે તે થોડા દિવસથી વાત કરી છે, તેમ છતાં તને એના ઉપર આટલો વિશ્વાસ છે, પણ તું એની સાથે એક તરફી લાગણીથી જોડાઈ જાય અને પછી તને ખબર પડશે કે એના જીવનમાં બીજું કોઈ છે તો ?”

અવંતિકા : “મને એની વાતો પરથી ક્યારેય એવું લાગ્યું તો નથી જ. પણ જો એની લાઈફમાં બીજું કોઈ હશે તો પણ એની મિત્રતા તો રહેશે જ ને !”

સરસ્વતી : “ઓકે, પણ આપણે એક સ્ત્રી છીએ, એટલે આપણે દરેક બાબતે સાવચેત રહેવું સારું.”

અવંતિકા : “હા, ચલ હવે ભૂખ લાગી છે, તું કહું તો આપણે જઈએ રોહન પાસે નહિ તો બીજે ક્યાંક બેસીને નાસ્તો કરી લઈએ.”

સરસ્વતી : “અરે હું તો એમ જ કહું છું, ચાલ આપણે રોહન સાથે બેસીને જ નાસ્તો કરીએ.”

અવંતિકા અને સરસ્વતીને રોહન તરફ આવતા જોઈ વરુણ રોહનને કહેવા લાગ્યો..

વરુણ : “જો રોહન અવંતિકા આપણી પાસે જ આવી રહી છે.”

રોહન : “ભલે ને આવે એ ? આપણે શું ?

વરુણ : “યાર, તું ખરેખર બુદ્ધુ છે, એ તારામાં આટલો રસ દાખવે છે અને તું કઈ વિચારતો જ નથી, પછી જો તું આવું જ કરતો રહીશ તો એ એમ જ સમજશે કે આ બહુ ભાવ ખાય છે.”

રોહન : “એવું કઈ નથી યાર, હું એ બધા માટે હમણાં વિચારી શકું એમ નથી.”

વરુણ : “જો રોહન આવો ચાન્સ તને ફરી લાઈફમાં ક્યારેય નહિ મળે, અને એમાં પણ અવંતિકા જેવી છોકરી તો કિસ્મતથી જ મળે છે.”

રોહન : “બસ હવે એ લોકો નજીક આવે છે, હવે આ વાત ના કર.”

અવંતિકા અને સરસ્વતી નજીક આવ્યા, અને અવંતિકા એ રોહન સામે જોઈ કહ્યું :

“આપણે સાથે નાસ્તો કરી શકીએ, તમને વાંધો ના હોય તો ?”

રોહનના બોલતા પહેલા જ વરુણે જવાબ આપી દીધો. “ના, અમને કઈ પ્રોબ્લેમ નથી, મઝા આવશે બધા સાથે નાસ્તો કરીશું તો, બરાબર ને રોહન ?”

રોહન : “હા, મઝા આવશે.”

અવંતિકા રોહનની બાજુમાં બેઠી અને સરસ્વતી અવંતિકાની બાજુમાં. બધા એ પોત પોતાની બેગમાંથી નાસ્તાના ડબ્બા બહાર કાઢ્યા, રોહન કઈ લાવ્યો નહોતો પણ વરુણ રોહનનો પણ નાસ્તો લઈને આવ્યો હતો, બધા એ એકબીજાના નાસ્તાના ટેસ્ટ અને વખાણ કાર્ય, અવંતિકા તીખી પૂરી અને થેપલા લઈને આવી હતી, એ ખાતા જ રોહને કહ્યું :

“બહુ જ સરસ છે, ઘણાં વર્ષે આવું જમવા મળ્યું હોય એમ લાગ્યું.”

અવંતિકા : “આ મેં બનાવ્યા છે.”

વરુણ : “તમારા હાથમાં તો જાદુ છે, અવંતિકા, તમે જેની સાથે લગ્ન કરશો તેતો કિસ્મતવાળું હશે,(બોલી રોહન સામે જોઈ હસવા લાગ્યો) અવંતિકા પણ શરમ સાથે હસવા લાગી.

સરસ્વતીના પણ નાસ્તાના વખાણ થયા અને રોહનના ઘરનો પણ નાસ્તો વખણાયો. બધા એ ખુબ વાતો કરી અને મિત્રતા પાકી કરી, વરુણ અને સરસ્વતી પણ હવે રોહન અને અવંતિકા સાથે ભળી ગયા હતા.

ધાબાડુંગરી નામ થોડું નવાઈ પમાડે એવું હતું, પણ ત્યાનું વાતાવરણ સૌને સ્પર્શી ગયું, નીરવ શાંતિ ત્યાં પ્રસરેલી હતી, ત્યાં સ્થિત શંકર ભગવાનના મંદિરમાં સ્પીકર દ્વારા થતો ઓમનો ઉચ્ચારણ હૃદયને શાંતિ આપી રહ્યો હતો, બે કલાક જેવો સમય ત્યાં વિતાવી બસ આજવા નીમેટા જવા માટે રવાના થઇ.

સાંજના ૪ વાગવા આવ્યા હતા, આજવા નીમેટા, એક સુંદર બગીચો છે, ત્યાં ઘણી ફિલ્મોનું શુટિંગ પણ થયેલું છે, વળી જુવાન હૈયાઓને તો એ સ્થળ વધારે ગમતું કહેવાય. બસ એ તરફ રવાના થઇ, વરુણ રોહનને કહેવા લાગ્યો…

વરુણ : “રોહન, તારે હવે અવન્તિકા માટે કંઇક વિચારવું જોઈએ, એને તું ગમવા લાગ્યો છે, અને એ કોઈપણ બહાને તારા નજીક આવવા માંગે છે.”

રોહન : “મને પણ એવું લાગે છે, પણ યાર એના મનમાં એવું કઈ નહિ હોય તો ? એ માત્ર મને મિત્ર તરીકે જોવા માંગતી હશે તો ?”

વરુણ : “મોટાભાગના છોકરા છોકરીઓ આવું જ વિચારતા હોય છે, અને એટલે જ કેટલીય પ્રેમ કહાનીઓ સફળ નથી બનતી, પણ જો યાર, હું માનું છું ત્યાં સુધી કોઈ છોકરી પ્રેમમાં પહેલ કરતી નથી, પહેલ છોકરાએ જ કરવી પડે છે. તું મને એક વાતનો જવાબ આપ.. તને અવંતિકા નથી ગમતી ?”

રોહન : “એવું કઈ નથી દોસ્ત.. મને પણ અવંતિકા ગમે છે, પણ હું અત્યારે એ જગ્યા ઉપર નથી જ્યાં રહીને હું પ્રેમ કરી શકું. મારું ભણવાનું, નોકરી, વાંચનમાં હું પુરતો સમય નથી આપી શકતો તો હું અવંતિકાને કેમ કરી સમય આપી શકીશ ?”

વરુણ : “હું સમજુ છું દોસ્ત, કે તારા માથે જવાબદારી પણ ઘણી છે. પણ તું એકલા હાથે જે લડી રહ્યો છે એમાં તને જો અવંતિકા જેવી વ્યક્તિનો સાથ મળશે તો તું હજુ પણ કંઇક વધારે સારું કરી શકીશ, અને હું તો કાયમ તારી સાથે જ છું ને !”

રોહન : “વરુણ, મેં પુસ્તકોમાં વાંચ્યું છે, કે પ્રેમ જ્યાં સુધી નવો નવો હોય ત્યાં સુધી બધું જ સારું લાગે પણ સમય જતાં એકબીજાને સમય ના આપી શકવાના કારણે ઘણાં સંબંધો તૂટી પણ જતાં હોય છે.”

વરુણ : “એતો એકબીજાની સમજશક્તિ ઉપર બધો આધાર રહેલો છે, અને જ્યાં સુધી અવંતિકાને હું ઓળખું છું એ એવું તો નહિ જ બનવા દે.”

રોહન : “ચાલ માની લીધી તારી વાત, પણ ભવિષ્યનું શું ?ભવિષ્યમાં એના માતા પિતા એના લગ્ન મારી સાથે કરાવશે ?”

વરુણ : “દોસ્ત એ બધું જો અત્યારથી વિચારવા જઈશું તો ખરેખર દુઃખી જ થવાનો સમય આવશે, અને દરેક પ્રેમ સંબંધ લગ્નમાં જ પરિણમે એવું જરૂરી તો નથી ને, શ્રી કૃષ્ણ અને રાધાનું નામ આજે પણ લેવાય છે, પ્રેમનું એ સૌથી મોટું ઉદાહરણ છે તે છતાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન તો રુકમણી સાથે થયા, એટલે પ્રેમમાં લગ્ન થવા જરૂરી તો નથી જ.”

રોહન : “મનાવતા તો કોઈ તારી પાસેથી શીખે. સારું ચાલ હું અવંતિકા માટે વિચારીશ, પણ એ પહેલા અમારી મિત્રતા આગળ વધારીશ પછી જ કંઇક નક્કી કરીશું.”

વરુણ : “ઓકે, એજ બરાબર રહેશે, પહેલા તમે એકબીજાને બરાબર ઓળખી લો, થોડો સમય એકબીજા સાથે વાતો કરો અને પછી તું નક્કી કરજે બસ.”

રોહન : “હા..”

વરુણે રોહનના મનમાં અવંતિકા માટે પ્રેમની લાગણી જન્માવી અને અવંતિકા વિષે વિચારવા માટે મજબુર કર્યો, આ તરફ અવંતિકાના મનમાં પણ પ્રેમના બીજ રોપાઈ જ ગયા હતા સરસ્વતી તેને પાણી આપવાનું કામ કરી રહી હતી.

સરસ્વતી : “રોહન છે તો સારો છોકરો, પણ હવે વાત કેમ કરી આગળ વધારીશ.”

અવંતિકા : “હું એજ વિચારી રહી છું, મારી પાસે તો હજુ એનો મોબાઈલ નંબર પણ નથી, અને એ તો કોલેજમાં આવી વાંચવા લાગી જાય છે, અને કોલેજ છૂટી સીધો નોકરી ઉપર,”

સરસ્વતી : “એના ફેમેલીમાં બીજું કોણ છે ?”

અવંતિકા ; “કોઈ નથી, એ એકલો જ છે, બાળપણમાં એના માતા પિતા ગુજરી ગયા હતા, જાતે જ કમાઈ અને જાતે જ મહેનત કરી આગળ આવી રહ્યો છે, અને એનો આજ ગુણ મારા હૃદયને સ્પર્શી ગયો.”

સરસ્વતી : “ખરેખર તો તો એને જીવન જીવવા ખુબ સ્ટ્રગલ કરવી પડતી હશે ને ?”

અવંતિકા : “હા, મહેનત તો એ કરે જ છે. પણ હું એને કેવી રીતે સાથ આપું એજ વિચારી રહી છું !”

સરસ્વતી : “અવંતિકા, હું તો બસ એટલું જ કહીશ કે તું જે પણ કરે તે ખુબ જ વિચારી અને ધીરજથી કરજે, ઉતાવળમાં કોઈ એવું પગલું ના ભરતી જેના કારણે તારે જ દુખી થવાનું થાય, પ્રેમ કરવો બહુ સહેલો છે, પણ પ્રેમમાં જે પીડા મળે છે એ સહન કરવી ખુબ જ મુશ્કેલી ભરી છે.”

અવંતિકા : “તને કોઈ સાથે પ્રેમ થયો છે ?”

સરસ્વતી : “મેં એક છોકરા ઉપર આમ જ વિશ્વાસ કરી અને સંબંધ આગળ વધાર્યો હતો, પણ એને માત્ર મારા શરીરની જરૂર હતી, હું એને પ્રેમ સમજી બેઠી, એક દિવસ એકાંતનો ફાયદો ઉઠાવી એને એની હવસ પૂરી કરવા માટે ખોટું બહાનું કાઢી બોલાવી, એના પ્રેમમાં આંધળી બનેલી હું દોડી પણ ગઈ, પણ એના સ્પર્શથી એનો ઈરાદો મને સમજાઈ ગયો અને હું ત્યાંથી નીકળી ગઈ. ત્યારપછી પણ એને ઘણાં પ્રયત્નો કર્યા, પણ મેં એની સાથે વાત કરવાની જ બંધ કરી દીધી.”

અવંતિકા : “ઓહ..મોટાભાગના છોકરાઓ આવા જ હોય છે.”

સરસ્વતી : “હા, અને એટલે જ હું તને ચેતવું છું, ભલે રોહન સારો છોકરો હોય પણ આપણે આપણી રીતે સાવચેત રહેવું સારું.”

અવંતિકા : “હા, તારી વાત સાચી છે, હું પણ વિચારીને જ આગળ વધીશ, પહેલા રોહનને બરાબર ઓળખી લઈશ અને પછી જ કંઇક વિચારીશ.”

બસ આજવા નીમેટા પહોચવા આવી, બંને બસમાં અવંતિકા અને રોહન વિચારોમાં ખોવાયેલા હતા, પોતાના ભાવી માટે ચિંતિત હતા. પણ કિસ્મત આગળ બધું છોડી પ્રવાસની મઝા માણવા લાગ્યા.

નીરવ પટેલ “શ્યામ”

ભાગ – ૧૬


આજવાનો બગીચો સૌ કોલેજીયનનો થાક ઉતારી ઉત્સાહ વધારી રહ્યો હતો, સાંજ થવા આવી હતી, પ્રવાસનું આયોજન થોડું બદલાયું હતું, વડોદરા કમાટી બાગ અને આણંદ અમૂલ ડેરી જવાનું મુલતવી રાખવામાં આવ્યું અને તેના બદલે એ લોકોને આજવાના બગીચામાં રાત્રે આઠ વાગ્યા સુધીની મઝા માણવા માટે કહેવામાં આવ્યું,  સૌ કોલેજીયનોએ પણ અનુમતિ આપી, એમને તો મઝા જ આવતી હતી, ઉંમર પણ એવી હતી જેમાં પ્રાણીસંગ્રહાલય અને કોઈ સ્થળની મુલાકાતો લેવા કરતાં બગીચામાં ટહેલવું વધારે ગમે. ગુલાબ સાથે ગુલાબી ચહેરા પણ આનંદ લુંટવાનું સૌને વધારે અનુકુળ હતું.

સૌ જુવાન હૈયા બગીચામાં મન મુજબ ટહેલવા લાગ્યા, રોહન પણ વરુણ સાથે ફરવા લાગ્યો. અવંતિકા અને સરસ્વતી પણ રોહનની દિશામાં જ જવા લાગ્યા. અવંતિકા હવે રોહન માટે સંપૂર્ણ વિચારી રહી હતી, રોહન પણ તેના માટે વિચારવા માંગતો હતો, અને વરુણ એ માટે તેને વારંવાર સમજાવી રહ્યો હતો.

રોહન અને વરુણ આજવામાં આવેલા તળાવના કિનારા પાસે બેઠા, અવંતિકા પણ એ તરફ આવી રહી હતી, પણ આ વખતે સાથે નાં બેઠા, સરસ્વતી એ થોડા આગળ બેસવા માટે કહ્યું પણ ત્યાંથી પસાર થતાં રોહન અને અવંતિકાની આંખો ટકરાઈ અને હોઠો ઉપર શરમાળ હાસ્ય ફરી વળ્યું. અવંતિકાના ગયા બાદ વરુણે રોહન સાથે વાત શરુ કરી.

વરુણ : “મઝાની જગ્યા છેને રોહન. મને તો અહિયાં ખુબ જ ગમી ગયું છે, એવું થાય છે કે આ જગ્યા છોડીને જવું જ નથી, અહિયાં જ રોકાઈ જાઉં.”

રોહન : હસતા હસતા “પાગલ જેવી વાતો ના કર, અહિયાં રોકાઈ જઈશ તો તારા મમ્મી પપ્પાને તારી ચિંતા થશે. અને શોધતા અહિયાં આવી જશે.”

વરુણ : “હા યાર, એજ બધા ટેન્શન છે. કઈ નહિ હમણાં નહિ તો એક દિવસ હું જરૂર આવી કોઈ જગ્યા ઉપર રહેવા આવી જઈશ.”

રોહન : “ભગવાન તારી ઈચ્છા પૂરી કરે.”

બંને હસવા લાગ્યા.

તળાવના કિનારેથી પાવાગઢનું સુંદર દૃશ્ય દેખાઈ રહ્યું હતું. જેમ જેમ સાંજ ઢળી રહી હતી તેમ તેમ વાતાવરણ પણ પ્રફુલ્લિત બની રહ્યું હતું, વળી આજવાના બગીચામાં એક જોવા લાયક દૃશ્ય એ પણ હતું કે અંધારું થતાં બગીચામાં ડાન્સિંગ ફુવારા શરુ થઇ જતાં હતાં, જુદા જુદા રંગો સાથે એ ફુવારાનું પાણી પણ રંગીન બની જતું હોય તેમ લાગતું હતું, આ સમયની રાહ જોવા માટે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

વરુણ અને રોહન પણ તળાવની કિનારેથી બગીચા તરફ આવ્યા અને એક જગ્યા ઉપર બેઠા, થોડીવાર બાદ અવંતિકા અને સરસ્વતી પણ ત્યાં આવ્યા, અને એમની સામે જ બેસી ગયા. બધા વચ્ચે વાતો થવા લાગી.

વરુણ : “કેવું લાગ્યું તમને બધાને અહિયાં ?”

સરસ્વતી : “મઝા આવી ગઈ, અને એમાં આ ગાર્ડન તો મને બહુ જ ગમ્યો.”

અવંતિકા : “હા ખરેખર, ખુબ જ મઝાની જગ્યા છે.”

રોહન : “આ વરુણને તો અહિયાં જ રોકાઈ જવાની ઈચ્છા છે, એટલી બધી આ જગ્યા એને ગમી ગઈ છે, એને પાછા જ નથી આવવું.”

બધા હસવા લાગ્યા…

વરુણ : “હા, ભાઈ કોને ના ગમે આ જગ્યા, આપણા અમદાવાદની ભીડ અને પ્રદુષણમાં કેવું જીવન જીવીએ છીએ ? અને અહિયાં આ પ્રકૃતિના સાનિધ્યમાં રહેવું કોને ના ગમે.”

અવંતિકા : “સાચી વાત છે. તમારી.”

રોહન : “પણ વરુણ, શહેર જેવી સુખ સગવડો અહિયાં ના મળે. ભલે આપણે એમ વિચારીએ કે અહિયાં રોકાઈને શાંતિ મળશે, પણ થોડા દિવસમાં જ આ જગ્યાથી પણ આપણે ઉબાઈ જઈએ, આપણું રોજ બરોજ નું જીવન હવે શહેરી થવા લાગ્યું છે, આ બધું આપણને થોડા દિવસ સારું લાગે પછી જરૂરિયાતની ચીઝ વસ્તુઓ ના મળે એટલે ના ગમે, અહિયાં રહેતા લોકોને પણ શહેરમાં રહેવું છે અને આપણે શહેરવાળા ગામડામાં જીવવા માંગીએ છીએ.”

અવંતિકા રોહનના વિચારો સાંભળી રહી હતી, અને એને જ જોઈ રહી હતી.

સરસ્વતી : “રોહન, તમારી વાત એકદમ સાચી છે, માણસ પાસે જે છે એનો સંતોષ એને નથી હોતો, દરેક વ્યક્તિને બીજાની થાળીમાં રહેલો કોળીયો જ મોટો લાગે છે.”

રોહન : “હા, બસ આપણે વિચારી શકીએ કે આ સ્થળે આપણે રહી શકીશું, પણ જયારે સાચી પરિસ્થિતિ સામે આવે ત્યારે ખબર પડે છે. બોલવું અને કરવું એમાં બહુ ફર્ક છે.”

સરસ્વતી : “સો ટકા સાચી વાત, હું સહમત છું તમારી સાથે.”

વરુણ : “હું સહમત નથી, મને જો આવી જગ્યા ઉપર રહેવા મળે તો હું રહી શકું, મને ગમે આવા વિસ્તારમાં રહેવું. હું એમ પણ શહેરની સુખ સાહેબીથી કંટાળી ગયો છું.”

અવંતિકા : “હા, બહુ સુખ સાહેબી પણ ક્યારેક ભાર રૂપ લાગતી હોય છે, અને માણસે દરેક વસ્તુ સાથે સેટ થવું પડે, દરેક પરિસ્થિતિમાં જીવતા શીખવું પડે છે.”

વરુણ અને અવંતિકા પોતાના સુખથી ઉબાઈ ગયા હતાં તે તમની વાતોમાં દેખાતું હતું.

રોહન : “હું પણ માનું છું કે દરેક પરિસ્થિતિમાં જીવતા શીખવું પડે પણ, એવું દરેક વ્યક્તિની સાથે નથી થઇ શકતું, બહુ ઓછા લોકો પરિસ્થિતિ બદલાતા રહી શકે છે.”

વરુણ : “બસ યાર તમે બધાએ તો આ ચર્ચાને બહુ મોટું રૂપ આપી દીધું. ચાલો હવે કોઈ નાસ્તો લઈને આવ્યું હોય તો લાવો. ભૂખ લાગી છે હવે.”

બધા હસવા લાગ્યા, સરસ્વતીએ તેની બેગમાંથી ડબ્બો કાઢી અને ખોલ્યો.

રોહન : “જોયુંને જે માણસને થોડીવાર ભૂખ સહન ના થાય અને એ આવી રીતે બધા મોજ શોખ છોડી અને રહેવાનું કહે તે કેમ શક્ય છે ?”

સરસ્વતી : “તમે તો તાજું જ ઉદાહરણ આપ્યું ને..” બોલતા બોલતા જ હસવા લાગી…

વરુણ : હાથમાં મમરા પૌવાનો નાસ્તો લેતા “એ તો જયારે રહેવાનું થશે ત્યારે રહી લઈશ. અત્યારે તો આ ટેસ્ટી મમરા પૌવા ખાવા દે. દોસ્ત જ દુશ્મન બને છે.”

રોહન : “ના, યાર તું તો મારો જીગર જાન છે, તારા સિવાય મારું છે પણ કોણ લે તને મારા હાથે ખવડાવું.” કહી બિસ્કીટના પેકેટમાંથી એક બિસ્કીટ લઇ વરુણ ના મો માં મુક્યો.” બધા ફરી હસવા લાગ્યા.

બધા થોડીવાર માટે શાંત બની અને નાસ્તાની મઝા લેતા હતાં, અવંતિકા થોડા થોડા સમયે રોહનને જોઈ રહી હતી, રોહન પણ કોઈને ખબર ના પડે એ રીતે છુપી નજરથી અવંતિકાને જોઈ લેતો. હજુ એકબીજા એ પોતાના મોબાઈલ નમ્બર શેર નહોતા કર્યા. અવંતિકાની ઈચ્છા હતી કે રોહનનો ફોન નંબર મેળવી લઉં.

અવંતિકા : રોહન અને વરુણ સામે જોતા, “તમને આમારી ફ્રેન્ડશીપ ગમી કે નહિ ?”

વરુણ : “અરે કેમ ના ગમે, અને આ પ્રશ્ન તો અમારે તમને પૂછવો જોઈએ. એમ પણ અમે તો કિસ્મતવાળા કહેવાઈએ કે તમારા જેવા ફ્રેન્ડ અમને મળ્યા.”

અવંતિકા : “કિસ્મતવાળા તો અમે પણ કહેવાઈએ ને કે તમારા જેવા ફ્રેન્ડ અમને મળ્યા, નહિ તો કોલેજમાં મોટાભાગના છોકરાઓ છોકરીઓને કેવી નજરથી જુએ છે એ આપણે બધા જાણીએ છીએ.”

સરસ્વતી : “હા, સાચીવાત અવંતિકા તારી, અને એટલે જ અમે કોઈ સાથે વાત નહોતા કરતાં, અને તમારી સાથે પણ અવંતિકા દ્વારા જ વાત થઈ.”

રોહન કઈ બોલી રહ્યો નહોતો, અવંતિકા તેના બોલવાની રાહ જોઈ રહી હતી. પણ એ કઈ જુદા વિચારોમાં હતો.

અવંતિકા : રોહન તરફ જોતા… “પણ આપણે તો આ પ્રવાસ પૂરો થશે પછી કદાચ આ રીતે મળી પણ નહિ શકીએ ??”

વરુણ : “હા યાર, આવા પ્રવાસ રોજ આવતા હોય તો કેવું સારું..!!!”

રોહન : “બસ હવે તારે તો ભણવું નથી, અમને તો ભણવા દે ભાઈ.. અમારે રોજ પ્રવાસ નથી કરવા.”

વરુણ : “બસ આને તો ભણવાની જ વાત. આ સમય મોજ મસ્તી માટેનો પણ છે,”

રોહન : “જો સારું ભણીશું તો જીવનમાં મોજ મસ્તી છે, તારા પપ્પાનો બીઝનેસ તું સાંભળી લઈશ તો ચાલશે પણ મારે તો મારી નવી શરૂઆત કરવાની છે.”

વરુણ : “ના દોસ્ત, હું પણ મારી રીતે આગળ વધવા માંગું છું, અને હું તો ઈચ્છીશ કે તું પણ ખુબ આગળ આવે.”

સરસ્વતી અને અવંતિકા બંનેની વાતો સાંભળી એકબીજા તરફ જોઈ રહ્યા હતાં,

અવન્તીકાએ એ બંનેની વાતને વચ્ચે જ રોકતા કહ્યું.

અવંતિકા : “તમે તો કયાની વાત ક્યાં લઇ જાવ છો, હું એમ કહું છું કે ચાલો આપણે આપનું ચેટીંગ ગ્રુપ બનાવીએ અને એમાં રોજ વાતો કરીશું.”

વરુણ : “હા, આઈડિયા બહુ જ સરસ છે, પણ એક શરતે..”

અવંતિકા : “કઈ શરત…???”

વરુણ : “આ તમે તમે કહેવાનું આપણે છોડી દઈએ.. આપણે બધા ઓળખતા નહોતા ત્યાં સુધી બરાબર હતું હવે આ માન આપવાની કોઈ જરૂર નથી લાગતી… બરાબર ને ???”

સરસ્વતી : “હા, સાચી વાત છે, અને મને પણ ગમશે બધા સાથે વાતો કરવાની.”

વરુણ : “રોહન તારી શું ઈચ્છા છે ? તું કેમ બોલતો નથી ?”

રોહન : “મને યાર ચેટીંગ કરવું ઓછુ ગમે છે, હું કોઈ સાથે વાત નથી કરતો અને સમય પણ નથી મળતો. ફોનમાં નેટ હું આર્ટીકલ અને સ્ટોરી વાંચવા માટે રાખું છું. અને એ પણ મારા શેઠ જ મને કરાવી આપે છે.”

વરુણ : “તને જ્યારે સમય મળે ત્યારે કરજે વાત બસ, તને કોઈ ફોર્સ નહિ કરે અમે ત્રણ વાતો કરીશું, તારું મન થાય ત્યારે બધા મેસેજ વાંચી અને જીવ બાળજે…”

બધા હસવા લાગ્યા પાછા…

રોહન : “ઓકે બસ, મને સમય મળે ત્યારે વાતો કરીશ.”

અવંતિકાએ થેન્ક્સ કહી બધાના નંબર પોતાના મોબાઈલમાં સેવ કર્યા અને ચેટીંગ ગ્રુપ બનાવ્યું. અંધારું થઇ રહ્યું હતું, ડાન્સિંગ ફૂવાર શરુ થઇ ગયા હતા, બધા તે જોવા માટે બગીચામાં ફરવા લાગ્યા, રોહન વરુણ અને અવંતિકા અને સરસ્વતી પણ હવે ત્યાંથી છુટા પડી અલગ અલગ બગીચામાં ફરવા લાગ્યા. સૌને એ સ્થળ ખુબ જ ગમી ગયું, આઠ વાગ્યાનો નીકળવાનો સમય હતો તેમ છતાં પણ સાડા આઠ સુધી સૌને મઝા માણવા મળી તેમ છતાં પણ ના ઇચ્છવા છતાં સાડા આઠે પણ બસમાં બેસવું પડ્યું, પ્રવાસ બસ હવે આજવાથી સીધી જ અમદવાદ પોતાના મુકામ તરફ જવા રવાના થઇ.

આ નાનો એવો પ્રવાસ મોટી યાદો દિલમાં આપી ગયો, રોહન અને અવંતિકાની મિત્રતાનું રોપાણ અહિયાં થયું, બંનેના દિલમાં પ્રેમની લાગણી પણ આ પ્રવાસમાં જન્મી. હવે કોલેજના દિવસોમાં એ બંનેની મૈત્રીને પ્રેમનું રૂપ કેવી રીતે આપવું એ વિષે વરુણ વિચારી રહ્યો હતો, પણ રોહન માટે એ પહેલા કંઇક કરવાની ભાવના હતી, અવંતિકા અને રોહનને મળવવા અને રોહનની લાઈફ ને સેટ કેવી રીતે કરવી તેના વિષે વિચારી રહ્યો હતો.

મઝાક મસ્તી કરતાં કરતાં બસ રાત્રે ૧૧ :૩૦ થતાં કોલેજ કેમ્પસ પાસે પહોચી, બધા આનંદિત ચહેરે નીચે ઉતર્યા, રોહન અને વરુણ નીચે ઉભા હતા ત્યાં અવંતિકા અને સરસ્વતી આવ્યા.

અવંતિકા : બહુ જ મઝા આવી, અને તમે સાથે હતા તો પ્રવાસ વધુ આનંદિત બન્યો.”

વરુણ :  “વળી પાછુ તમે ?”

અવંતિકા : હસતા “સોરી. પણ સેટ થતાં વાર લાગશે.”

રોહન : “ઓકે વાંધો નહિ, કોઈ લેવા માટે આવે છે ?”

અવંતિકા : “હા, પપ્પા આવે છે, મેં કોલ કરી દીધો હતો. સરસ્વતીને પણ અમે સાથે લઇ જઈશું.”

રોહન : “ઓકે પહોચી ને મેસેજ કરી દેજો.”

અવંતિકા : “હા.. ચોક્કસ.”

વરુણ : “રોહન.. હું તને ડ્રોપ કરવા માટે આવું છું. પછી હું ઘરે જઈશ.”

અવંતિકાના પપ્પાની કાર આવતી દેખાઈ અવંતિકા એ બધાને બાય કહી સરસ્વતી સાથે નીકળી, રોહન અને વરુણ પણ વરુણની કાર તરફ નીકળ્યા.”

નીરવ પટેલ “શ્યામ”

ભાગ – ૧૭


પ્રવાસના બીજા દિવસે આરામ કરવા માટે રજા હતી કોલેજમાં, પણ રોહનને આરામની જરૂર ના લાગી. સવારે ઉઠી જમવાનું બનાવી, અધુરી નોવેલ લઇ બેઠો, પણ અવંતિકાનો ચહેરો, એની વાતો, એના વિચારો નોવેલની અંદરથી ડોકાઈ રહ્યા હતા, પહેલીવાર રોહન નોવેલને બંધ કરી દીવાલ સાથે ટેકો લઇ વિચારવા લાગ્યો, વિચારોમાં માત્ર અવંતિકા જ હતી, અવંતિકા હવે રોહનને પણ ગમવા લાગી હતી, પણ સાથે સાથે એ વિચાર આવતો હતો કે પોતે ગરીબ છે અને અવંતિકા એક પૈસાદાર ઘરની છોકરી, ભલે અવંતિકાને એ વાતથી કોઈ ફર્ક નહિ પડે પણ તેના ઘરના સભ્યોને તો ચોક્કસ પડશે જ અને એ એવું પણ સમજી લેશે કે રોહને અવંતિકાને પ્રેમમાં ફસાવી છે, માત્ર અને માત્ર પૈસા માટે. ત્યારે શું કરીશ ? એમ વિચારી રોહનનું દિલ પાછુ પડી રહ્યું હતું. હજુ એ વિચારો ચાલી જ રહ્યા હતા ત્યાં મોબાઈલમાં રીંગ વાગી, સ્ક્રીન ઉપર અવંતિકા જ લખેલુ હતું.

રોહન : “હેલ્લો…”

અવંતિકા : “હેલ્લો, કેમ છો તમે ?”

રોહન : “મઝામાં. તમે ?”

અવંતિકા : “હું પણ મઝામાં.”

રોહન : “કેમ અચાનક ફોન ??”

અવંતિકા : “કઈ નહિ એમ જ, ફ્રી બેઠી હતી, કઈ કામ નહોતું, તો વિચાર્યું કે તમને ફોન કરી લઉં, એકલા એકલા બેસી કંટાળો આવતો હતો. તમે કામમાં હોય તો હું પછી વાત કરું.”

રોહન : “અરે ના હું પણ ફ્રી જ છું, કામ પૂરું કરી શાંતિથી બેઠો જ હતો.”

અવંતિકા : “તો વાંધો નહિ, મને કોઈ મારા કારણે ડીસ્ટર્બ થાય એ પસંદ નથી.”

રોહન : “હા એ તો લાગે જ છે તમને જોઇને.”

અવંતિકા : હસતા હસતા. “એમ, બીજું કઈ તો નથી લાગતુંને મને જોઇને ?”

રોહન : “ના બીજું કઈ નહિ પણ તમે ખુબ જ સારા છો.”

અવંતિકા : “થેન્ક્સ” રોહન સામે નાં હોવા છતાં અવંતિકાની આંખો શરમથી ઝુકી ગઈ.

રોહન : “જમવાનું બનાવી લીધું તમે ?”

અવંતિકા : “હા, મેં અને મમ્મીએ બનાવી લીધું છે, હવે પપ્પા બપોરે ઓફિસથી આવે એટલે જમીશું, તમે શું જમશો ?”

રોહન : “મેં પણ વહેલા ઉઠી જમવાનું બનાવી લીધું છે. થોડીવાર પછી હું પણ જમીશ.”

અવંતિકા : “મને કોઈવાર તમારા હાથનું બનાવેલું જમવાનું ટેસ્ટ કરાવશો ? મેં ક્યારેય ઘરે કોઈ પુરુષે બનાવ્યું હોય એવું જમવાનું નથી જમી. હોટેલમાં તો મસાલેદાર વાનગી ઘણી ખાધી પણ ઘરનું ક્યારેય નથી જમી.”

રોહન : “ચોક્કસ, ક્યારેક ખવડાવીશ બસ.”

અવંતિકા : “થેન્ક્સ.”

રોહન : “અરે પહેલા ખવડાવવા તો દો અને મારી રસોઈ તમારા સ્ત્રીઓની જેમ ટેસ્ટી ના હોય, મારું બનાવેલું મને તો ભાવે છે, તમને ભાવે કે ના ભાવે એની ખાતરી ના આપી શકું. કારણ કે આજ સુધી મારી રસોઈ બીજા કોઈએ ટેસ્ટ નથી કરી.”

અવંતિકા : “ઓહો તો તો તમારી રસોઈનો ટેસ્ટ કરનાર હું પહેલી વ્યક્તિ હોઈશ, હું કેટલી ભાગ્યશાળી કહેવાય, હવે તો મને એ દિવસની ઉતાવળ રહેશે.”

રોહન : “ચોક્કસ, ક્યારેક મારી રસોઈના વખાણ હું બીજા કોઈના મોઢેથી સંભાળીશ, અત્યાર સુધી તો મેં જાતે જ મારી રસોઈના વખાણ કરી લીધા છે.”

અવંતિકા : “હા હા હા…(હસવા લાગી.) સારું ચાલો પછી વાત કરીએ, પપ્પાની કાર ગેટની અંદર આવી ગઈ છે, તમે પણ જમી લો અને હું પણ જમી લઉં, બાય.”

રોહન : “ઓકે, બાય..”

બંનેની વાત પૂર્ણ થયા બાદ અવંતિકા પોતાના પરિવાર સાથે જમવા બેઠી, આ તરફ રોહન પાછો વિચારોમાં ખોવાઈ ગયો, અવંતિકા પ્રત્યેનું આકર્ષણ તેને ખેચવા લાગ્યું, તેનો મીઠો અવાજ, કાળજી લેવાવાળો સ્વભાવ, તેની સુંદરતા રોહનને આકર્ષી રહી હતી, અત્યાર સુધી ક્યારેય જમવામાં ટેસ્ટના શોધતો રોહન આજે પહેલીવાર પોતાના જમવાનું પોતાની જાતે જ ચકાસવા લાગ્યો. અવંતિકા જયારે જમવા માટેનું કહેશે ત્યારે તેના માટે શું બનાવીશ ? એ અત્યારથી જ વિચારવા લાગ્યો.

એમ જ દિવસો વીતવા લાગ્યા, કોલેજમાં પણ હવે રોહન પુસ્તકો કરતાં મિત્રો પાસે વધુ સમય ફાળવવા લાગ્યો, લેકચર બાદ બધા સાથે કેન્ટીનમાં પણ બેસતા, ક્યારેક મેદાનમાં પણ બધા સાથે બેસતા. રોહન,વરુણ અવંતિકા અને સરસ્વતીની મૈત્રી ગાઢ થવા લાગી, રોહન અને અવંતિકા એકબીજાની નજીક આવવા લાગ્યા, વરુણ અને સરસ્વતી પણ એ સમજી શકતા હતા, અને એ બંને રોહન અને અવંતિકાને એક કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યા હતા, ક્યારેક ક્યારેક કોઈ કામનું બહાનું કાઢી વરુણ અને સરસ્વતી રોહન અને અવંતિકાને એકલા બેસવા દેતા, પણ બંનેમાંથી કોઈ પહેલ કરી શકતું નહિ. બસ એમની વાતોમાંજ રહેતા. ચેટીંગ ગ્રુપમાં પણ બધા રાત્રે મોડા સુધી વાતો કરતાં, રોહન રાત્રે થોડીવાર વાંચતો પછી એ પણ જોડાઈ જતો. ક્યારેક અવંતિકા સાથે પર્સનલ ચેટ પણ કરી લેતો. પણ ના ક્યારેય અવંતિકાએ પોતાનો પ્રેમ કબુલ કરવાની હિંમત કરી ના ક્યારેય રોહન કરી શક્યો. એટલા સમય દરમિયાન એ ચાર તમે માંથી તું કહેતા થઇ ગયા.

નવરાત્રીના દિવસોમાં કોલેજમાં ગરબાનું આયોજન રાખવામાં આવ્યું, એ ગરબા દિવસે જ રાખવામાં આવ્યા, બધા વિદ્યાર્થીઓ રંગબેરંગી કપડામાં કોલેજ આવ્યા, છોકરીઓ ચણીયા ચોળીમાં અને ઘણા છોકરાઓ કેડિયું અને કુર્તા પહેરી આવ્યા હતાં. રોહન એ દિવસે આવવાની ના પાડતો હતો પણ વરુણની જીદ અને અવંતિકાને પ્રેમે તેન આવવા ઉપર મજબુર કર્યો, વરુણ તેને લેવા માટે તેના ઘરે સવારે જ પહોચી ગયો અને પોતાની સાથે પોતાના ઘરે જ લઇ ગયો, ત્યાં વરુણે રોહન માટે ટ્રેડીશનલ કપડાં રાખ્યા હતાં, બંને તૈયાર થઇ વરુણની કારમાં કોલેજ આવ્યા.

સરસ્વતી પણ અવંતિકાના ઘરે જ તૈયાર થવા માટે ગઈ હતી, એ બંનેને અવંતિકાના પપ્પા જ કોલેજ મુકવા માટે આવવાના હતાં, ટ્રેડીશનલ કપડા પહેરી એકટીવા લઇ આવવું ફાવે એમ નહોતું. રોહને ગ્રુપમાં મેસેજ કર્યો હતો. પણ સરસ્વતી અને અવંતિકા તૈયાર થવામાં વ્યસ્ત હોવાના કારણે મોબાઈલ જોયો પણ નહિ.

વરુણ અને રોહન કોલેજ પહોચી અવંતિકાની રાહ જોવા લાગ્યા. ઘણીવાર થઇ ગઈ પણ અવંતિકા અને સરસ્વતીનું ઠેકાણું નહોતું.

રોહન : “આ છોકરીઓ કેમ તૈયાર થવામાં આટલી બધી વાર લગાવતી હશે ?”

વરુણ : “બીજા બધાની ખબર નહિ પણ અવંતિકાને જોવા માટે તું બેસી રહ્યો છું એટલે એ તારા માટે તૈયાર થવામાં આટલી બધી વાર લગાવતી હોય એમ લાગે છે.”

રોહન : “ના હો એવું કઈ નહિ હોય, સરસ્વતી પણ ક્યાં આવી છે હજુ ?”

વરુણ : “એ બંને સાથે જ આવવાના હશે, હજુ એ લોકોએ મેસેજ પણ નથી જોયા.”

રોહન : “હા યાર, જોને આ છોકરીઓ સજવા ધજવામાં કોઈ રાહ જોતું હોય એ પણ ભૂલી જાય”

વરુણ :”કઈ નહિ ભાઈ, આવતા જ હશે.”

રોહન હાથમાં મોબાઈલ લઇને વારંવાર અવંતિકાના ઓનલાઈન થવાની રાહ જોઈ રહ્યો હતો, થોડીવારે મોબાઈલ અને થોડીવારે રસ્તા તરફ નજર નાખ્યા કરતો. ગ્રુપમાં મેસેજ આવ્યો, મેસેજ સરસ્વતીનો હતો, “હું અને અવંતિકા નીકળી ગયા છીએ, પાંચ મીનીટમાં કોલેજ પહોચીશું. તમે થોડા દૂર ઉભા રહેજો, અવંતિકાના પપ્પા એમની કારમાં અમને મુકવા માટે આવે છે.” રોહને તરત રીપ્લાય આપ્યો : “હા. જલ્દી આવો.”

રોહનના ચહેરા પરની ખુશી જોતા વરુણે કહી દીધું : “અવંતિકાનો મેસેજ હતો ને ? કેટલીવારમાં આવે છે ?”

રોહન : “ના, સરસ્વતીનો હતો, ગ્રુપમાં. થોડીવારમાં જ આવી જશે, પણ એક પ્રોબ્લેમ છે, અવંતિકાના પપ્પા પણ સાથે આવે છે એટલે સીધા એ લોકોને આપણે નહિ બોલાવી શકીએ, એ નીકળી જાય પછી જ વાત થશે.”

વરુણ : “તો એમાં શું છે ? તું તો અવંતિકા સાથે વાત કરવા કેટલો ઉતાવળો થયો છે ? આટલી રાહ જોઈ છે તો થોડીવાર વધારે રાહ નહિ જોઈ શકે ?”

રોહન : “ખબર નહિ યાર મને કેમ આવું થાય છે ?”

વરુણ : “પ્રેમ થાયને એટલે આવું જ થાય, થોડીવારની રાહ પણ જાણે કલાકોની રાહ જોઈ હોય એવું લાગવા લાગે. પણ યાર તમે એકબીજાને પ્રપોઝ ક્યારે કરશો ?”

રોહન : “રાહ તો મારાથી પણ નથી જોઈ શકાતી, ઘણીવાર હિમ્મત કરી પણ કહી જ નથી શકતો.”

વરુણ : “તું કેમ ડરે છે એ મને જ ખબર નથી પડતી, એવું નથી કે અવંતિકા તને પ્રેમ નથી કરતી, એ પણ તને પ્રેમ કરે છે, એના મનમાં પણ તારા માટે ફીલિંગ છે, એટલે ના કહેવાનો પ્રશ્ન જ નથી એનો. એ એવું જ વિચારીને બેસી રહી હોય કે તું સામેથી પ્રપોઝ કરીશ.”

રોહન : “હા, મને પણ એવું જ લાગે છે કે પહેલ મારે જ કરવી પડશે.”

વરુણ : ” જો રોહન, આજે ખુબ જ સારો સમય છે, તમને આજે વાત કરવાનો સમય પણ મળી જશે, આપણે બપોરે મેદાનમાં બેસીસું, ત્યારે હું અને સરસ્વતી કોઈ બહાને તમને એકલા મુકીશું ત્યારે તું પ્રપોઝ કરી શકે છે.”

રોહન : “હું આજે પ્રયત્ન કરીશ.”

વરુણ : “પ્રયત્ન નહિ, કરવાનો જ છે આજે. તારાથી ના થઇ શકતો હોય તો હું અને સરસ્વતી વાત કરીએ, પણ અમે કહીશું અને તું કહીશ એમ ઘણો ફર્ક છે.”

રોહન : “ઓકે મારા ભાઈ બસ. આજે હું કરીશ પ્રપોઝ.”

વરુણ : “તો આજે મારા તરફથી પાર્ટી પાકી”

રોહન અને વરુણ હસવા લાગ્યા ત્યાં જ કોલેજના ગેટમાંથી એક કાર આવતી દેખાઈ, પ્રવાસના દિવસે અવંતિકાના પપ્પા લેવા માટે આવ્યા હતા એટલે રોહને કાર જોઈ હતી, કારને અંદર આવતા જોઈ રોહન ઓળખી ગયો અને વરુણને કહ્યું :”હાસ… આવી ગઈ રાજકુમારીઓ.”

કારમાંથી સરસ્વતી પહેલા ઉતરી, અને પાછળ અવંતિકા, આજુબાજુ ઉભેલા બધાની નજર અવંતિકાને જોઈ થંભી ગઈ, રોજ ડ્રેસ અને જીન્સ ટોપમાં આવતી અવંતિકા આજે ચણીયા ચોળી પહેરીને આવી હતી, જાણે કોઈ સ્વર્ગની અપ્સરા ધરતી ઉપર ગરબા રમવા માટે આવી હોય એવી લાગી રહી હતી. રોહન પણ દુર રહી તેને જોઈ સ્તબ્ધ થઇ ગયો હતો, અને મનોમન વિચારી રહ્યો હતો, કે અવંતિકા જેવી વ્યક્તિ તો કિસ્મત વાળાને જ મળે અને હું એ કિસ્મતવાળી વ્યક્તિ છું, આજે હું એને પ્રપોઝ ચોક્કસ કરીશ.”

કારમાંથી ઉતરી અવંતિકાની નજર રોહનને જ શોધી રહી હતી, અને દુર ઉભેલા રોહનને તેણે જોઈ પણ લીધો, માત્ર રોહન સમજી શકે એવું સ્મિત આપ્યું. અવંતિકાએ તેના પપ્પાને બાય કહ્યું, તેના પપ્પાની કાર રીવર્સ લઇ કોલેજની બહાર નીકળી, અવંતિકા જ્યાં સુધી કાર દેખાઈ ત્યાં સુધી જોતી રહી, કાર ના દેખાતા તરત રોહન તરફ ચાલવા લાગી.

રોહન પાસે પહોચી અવંતિકાએ કહ્યું : સોરી, થોડું મોડું થઇ ગયું.”

રોહન : “વાંધો નહિ, આજે તો તું બહુ સુંદર લાગે છે.”

અવંતિકા : “થેન્ક્સ, તું પણ આજે ટ્રેડીશનલ ડ્રેસમાં સરસ લાગે છે.”

વરુણ અને સરસ્વતી રોહન અને અવંતિકાને વાતો કરતાં જ સાંભળી રહ્યા હતાં, સરસ્વતીએ મઝાક કરતાં કહ્યું : “અમે પણ અહિયાં ઉભા છીએ હો..”

રોહન : “ઓહ સોરી. તું પણ સરસ લાગે છે સુરુ.”

વરુણ : “ચાલો હવે ગરબા રમવા જઈએ નહિ તો કોઈ એમ વિચારશે કે આ લોકો તૈયાર થઈને વાતો કરવા જ આવ્યા છે કે શું ? થોડીવાર ગરબે રમી અને પછી બહાર બેસીસું.”

બધા સાથે “હા ચાલો” એમ કહી કોલેજની અંદર જ્યાં ગરબા રાખ્યા હતા ત્યાં ગયા.”

કોલેજની યુવાની ગરબે હિલોળા લઇ રહી હતી, રોહન અને વરુણે થોડીવાર ગરબાના તાલે ઝૂમી એકતરફ ઉભા થઇ ગયા, અવંતિકા અને સરસ્વતી મન મુકીને ઝૂમી રહ્યા હતા, ઘણાંની નજર અવંતિકા તરફ જ હતી પણ અવંતિકા ગરબા રમતા પણ રોહનને જ જોઈ રહી હતી, થોડી થોડીવારે એકબીજા સામે હસી પણ લેતા હતા. બે કલાક જેવું ગરબે રમી અવંતિકા રોહન વરુણ અને સરસ્વતી કેન્ટીન તરફ જવા માટે નીકળ્યા, વરુણ બધા માટે જ્યુસ લઇ આવ્યો અને ત્યાંથી બધાએ મેદાનમાં બેસવા જવા માટેનું નક્કી કર્યું…

નીરવ પટેલ “શ્યામ”

ભાગ – ૧૮


બધા કોલેજમાં એક સ્થળે બેઠા, તમે માંથી તું થયા બાદ બધા એકબીજાની વધુ નજીક આવી ગયા હતાં, રોહન અને અવંતિકા વધુ નજીક આવ્યા હતા, બંને હવે ફોન ઉપર થોડીવાર વાતો કરી લેતા, મેસેજમાં પણ બંને વચ્ચે વાતો થતી, ક્યારેક બધા સાથે મળી ગ્રુપમાં પણ ચેટીંગ કરી લેતા તો ક્યારેક કેન્ટીમાં બેસી ગપ્પા પણ મારી લેતા. કોલેજમાં ઘણા લોકોને એ ચારની મિત્રતા જોઈ ઈર્ષા પણ થતી. તો કોઈ એમના વિષે ખરાબ વાતો પણ કરતાં પણ એ બધી વાતોનો એમના ઉપર કોઈ ફર્ક પડતો નહિ, મોટા ભાગે વરુણ રોહન અવંતિકા અને સરસ્વતી વચ્ચે ભણવાની વાતો થતી. ક્યારેક આ રીતે બહાર પણ બેસી મન હળવું કરી લેતા.

આજે રોહન ગમે તેમ કરી અવંતિકા સામે પોતાના પ્રેમની કબુલાત કરવાનો હતો, વરુણ અને સરસ્વતી સાથ આપવાના હતા, થોડીવાર બધા સાથે બેસી વરુણે સરસ્વતી સામે ઈશારો કરી આપણે ત્યાંથી જવું જોઈએ એમ કહ્યું. પણ ઉભું થવા માટે કોઈ બહાનું મળતું નહોતું.

થોડીવાર પછી વરુણે કહ્યું : “યાર હવે ભૂખ લાગી છે, હું કઈક ખાવા માટે લઇ આવું ?”

સરસ્વતી : “હા, યાર ભૂખ તો મને પણ લાગી છે, પણ કેન્ટીનનું બધું જ આપણે ખાઈ લીધું છે, આજે કંઇક નવું ખાવાની ઈચ્છા છે.”

વરુણ : “બોલો બધા શું ખાવું છે ?”

અવંતિકા : “મને તો જે હશે એ ચાલશે.”

રોહન : “મારી પણ કઈ ખાસ ફરમાઈશ નથી.”

સરસ્વતી : “યાર, ડોમિનોઝના પિઝ્ઝા ખાધે બહુ સમય થઇ ગયો છે.”

અવંતિકા : “ના, અત્યારે ડોમિનોઝમાં કોણ જાય ?”

વરુણ : “અરે જવાની ક્યાં જરૂર છે ? હું અને સરસ્વતી જઈને લઇ આવીએ. તમે બેસો શાંતિ થી. બરાબરને સરુ..??”

સરસ્વતી : “હા, ચલ આપણે બંને જઈએ.”

રોહન : “ઓકે જઈ આવો તો.”

અવંતિકા : “જલ્દી પાછા આવજો, પપ્પા લેવા આવવાના છે પછી !”

વરુણ : “હા, અમે જઈ ને તરત પાછા આવીએ, ત્યાં સુધી તમે બંને વાતો કરો.”

વરુણ અને સરસ્વતી જવા માટે નીકળ્યા, રોહન અને સરસ્વતી એકબીજાની સામે બેઠા હતા, રોહનને કહેવું ઘણું હતું પણ બોલી શકાતું નહોતું, અવંતિકા પણ રોહનના કંઇક કહે એની પ્રતિક્ષા કરી રહી હતી. રોહને ખુબ જ હિંમત કરી અને કહ્યું :

રોહન : “અવંતિકા, મારે આજે તારી સાથે એકવાત કરવી છે.”

અવંતિકા રોહન શું કહેવાનો છે એ સમજતી જ હતી છતાં પણ એને કહ્યું : “હા બોલને.”

રોહન : “મેં આજ પહેલા આ વાત કોઈને કરી નથી, શરૂઆત કેવી રીતે કરું એ મને ખબર નથી પડતી.”

અવંતિકા : “તું જે શબ્દ બોલીશ એને હું શરૂઆત માનીશ, તું બસ કહી દે જે કહેવું હોય તે.”

રોહન : “છેલ્લા ઘણાં સમયથી આપણે એકબીજાની નજીક આવી રહ્યા છીએ, એક સમય હતો જયારે હું તને કે તું મને પણ ઓળખતી નહોતી, આજે આપણે એવી જગ્યા ઉપર આવીને ઉભા થઇ ગયા છીએ કે આપણને એકબીજા વગર ચાલતું પણ નથી.”

અવંતિકા : “હા, એ વાત તો છે. આપણે ખરેખર ઘણાં નજીક આવી ગયા છીએ.”

રોહન : “હા, મારે તને એજ વાત કહેવી છે, હું, તું, વરુણ અને સરસ્વતી એક સારા ફ્રેન્ડ છીએ. અને હું ઈચ્છીશ કે આપણી મિત્રતા ક્યારેય ના તૂટે.”

અવંતિકા : “હા, આપણી મિત્રતા તો ક્યારેય નહિ તૂટે, પણ આજે કેમ આવી વાત કરું છું ?”

રોહન : “ખબર નહિ હું કંઇક વધારે સમજી લેતો હોઉં, અથવા મારી કોઈ ભ્રમણા હોય શકે, પણ મારા માટે આ વાત જાણવી ખુબ જ જરૂરી છે એટલે આજે તને કહેવા માંગું છું.”

અવંતિકા : “તું જે પણ વાત કરીશ એ વાતનો આપણી મિત્રતા ઉપર કોઈ ફર્ક નહિ પડે હું તને વચન આપું છું, કહી દે તું શું કહેવા માંગે છે ?”

રોહન : “તું તો જાણે જ છે, કે હું કેવી રીતે રહું છું, કેવી મહેનત કરું છું, મારા માટે આ બધું યોગ્ય નથી, છતાં પણ છેલ્લા કેટલાય દિવસથી મને બીજા કશામાં મન નથી લાગતું, જયારે સમય મળે ત્યારે તારા જ વિચારો આવે છે, કોઈ નોવેલ વાંચવા કરતાં પણ વધારે મને તારી સાથે વાત કરવાનું ગમે છે. તું જયારે મારી આંખો સામે હોય તને જોયા કરવાનું, તારી વાતો સાંભળવાનું મન થયા કરે છે. જે દિવસે આપણે પ્રવાસમાંથી આવ્યા એના પછીના દરેક દિવસો મારા માટે કંઇક જુદા જ બની ગયા છે, પહેલા હું જીવતો હતો પણ કોણ જાણે કેમ ખુશ નહોતો રહેતો, પણ જ્યારથી હું તારી નજીક આવ્યો છું, હું ખુશ રહેવા લાગ્યો છું, મારા દિવસો કેમના પસાર થઇ જાય છે હું ખુદ નથી સમજી શકતો. રોજ સવારે ઊઠતાં જ કોલેજ તરફ ભાગવાનું મન થાય છે, કેમ કરી તારી નજીક રહું એમ જ વિચાર્યા કરું છું, કોલેજ છૂટતાં બીજા દિવસની રાહ જોયા કરું છું. પહેલા હું જમવાનું બનાવતો હતો ત્યારે એમાં કોઈ સ્વાદ નહોતો શોધતો. જેવું બનતું એવું જ જમી લેતો પણ હવે મારા બનાવેલા જમવામાં પણ હું સારો સ્વાદ શોધું છું, ભલે તું એ ટેસ્ટ કરવા નથી આવવાની છતાં એમ થાય છે કે તને આવું નહિ ગમે, આ ટેસ્ટ તને ગમશે એમ વિચારી જમવાનું બનાવું છું. તું આંખો સામે ના હોય તે છતાં ઘણીવાર એકાંતમાં તારી સાથે વાતો કરી લઉં છું. આ પ્રેમ છે કે શું છે એ મને નથી ખબર, પણ મને આ રીતે જીવવાનું હવે ગમી રહ્યું છે, તારા મનમાં મારા માટે શું લાગણી છે એ મને ખબર નથી, મારા દિલના હાલ વરુણ સમજી ગયો અને એને જ મને ઘણીવાર તને કહેવા માટે કહ્યું પણ મારી હિંમત ના થઇ શકી, પણ આજે તને જોઈ હું મારી જાતને રોકી શક્યો નહિ. અવંતિકા તું મારા માટે શું વિચારે છે એ જાણવું મારા માટે ખુબ જ મહત્વનું છે, મેં મારા દિલની હાલત તારી આગળ ઠાલવી છે. હવે મારે તું શું વિચારે છે એ જાણવું જરૂરી છે.”

અવંતિકા નીચું જોઈ અને મંદ મંદ હસી રહી હતી. રોહને પોતાની વાત પૂરી કરતાં અવંતિકા એ પણ પોતાનો જવાબ રજૂ કર્યો.

અવંતિકા : “રોહન સાચું કહું તો તને મળ્યા પછી મારી પણ એવી જ હાલત છે, હું પણ રોજ તારા જ વિચારો કર્યા કરું છું. હું જે દિવસે કોલેજમાં આવી એ પહેલા જ દિવસથી તારા માટે મને એક અલગ લાગણી જન્મી છે. તું બધા કરતાં મને સાવ અલગ લાગ્યો અને જે દિવસે તારા જીવન વિષે મેં જાણ્યું એ દિવસથી મને તારા પ્રત્યે વધારે લાગણી જન્મવા લાગી. હું પણ નહોતી સમજી શકતી કે આવું કેમ થઇ રહ્યું છે, પણ તું મને ગમવા લાગ્યો હતો. હું પણ તારા નજીક રહેવાના બહાના જ શોધતી હતી. તે દિવસે હું કોઈ કામથી નહિ પણ તને શોધતા જ મેદાનમાં આવી હતી. અને તારી સાથે બેઠી. પ્રવાસમાં પણ તારી નજીક રહેવાનું મને ગમ્યું. તારો સ્વભાવ, તારી મહેનત મને આકર્ષી રહ્યા હતા, મેં પણ અત્યાર સુધી કોઈ માટે કઈ જ વિચાર્યું નથી, પણ જ્યારથી હું તને મળી છું ત્યારથી તારા માટે જ વિચારવાનું મન થાય છે, ઘણીવાર તારી ચિંતા પણ થાય છે. કદાચ આજ પ્રેમ છે એ હું સમજી નથી શકતી, પણ હા, મને તારા પ્રત્યે લાગણી જરૂર છે.”

રોહન અવંતિકા સામે જ જોઈ રહ્યો હતો, તેને બોલતા સાંભળી રહ્યો હતો. પણ પોતે અત્યારે કેવી પરિસ્થિતિમાં જેવી રહ્યો છે તેનું એને ભાન હતું. તે અવંતિકા સામે પોતાના જીવન વિષે પણ ચોખવટ કરવા માંગતો હતો.

રોહન : “અવંતિકા, તારા પપ્પા સારા બીઝનેસમેન છે, તું બધી જ રીતે સુખી છું, પણ હું તને કઈ આપી શકું તેમ નથી. અને….”

અવંતિકા : (રોહનને વચ્ચે જ રોકતા…) રોહન, મારા માટે તું અમીર છું કે ગરીબ એ મહત્વનું નથી. અને મેં એવું ક્યારેય નથી વિચાર્યું કે મને પ્રેમ કરનાર વ્યક્તિ પણ અમીર જ હોય. મારા માટે વ્યક્તિ કેવું છે એ મહત્વનું છે, એના વિચારો મારા માટે મહત્વના છે. અને તારી આ મહેનત કરવાની અને સ્વમાનથી જીવન જીવવાની રીતે જ મને આકર્ષી છે. મને પણ કોઈના સાચા પ્રેમની શોધ હતી, અને તને જોતા મને લાગ્યું કે એ વ્યક્તિ તું જ છું જેને હું ચાહી શકીશ. ભલે તું મને મળે કે નહિ હું તને એકતરફી પ્રેમ કરતી રહીશ.”

રોહન : “તો હું આ જગ્યા ઉપર ખોટો નથી, તારા દિલમાં પણ મારા માટે લાગણી છે. અવંતિકા ભલે હું તને કઈ નહિ આપી શકું પણ પૂરી વફાદારીથી તને પ્રેમ કરતો રહીશ. તને ફરિયાદનો કોઈ મોકો નહિ આપું.”

અવંતિકા : “રોહન, હું પણ ક્યારેય તને તકલીફ થાય એવું કે ક્યારેય તારા જીવનમાં મારા કારણે મુશ્કેલી ઊભી નહિ થવા દઉં. એ પણ હું તને વચન આપું છું.”

થોડીવાર બંને એક બીજા સામે જોતા શરમાઈ રહ્યા હતા. રોહન હજુ તેની સામે બેસી ને જ બોલી રહ્યો હતો, અને અવંતિકા પણ રોહનની વાત સાંભળી ખુશ હતી. શરમથી તેની આંખો ઝુકેલી હતી. અવંતિકા જાણતી હતી કે રોહન થોડો શરમાળ છે, એ નોવેલ જેવી વાતોમાં પ્રેમની કબુલાત કરશે પણ “આઈ લવ યુ” નહિ બોલે. જે સાંભળવા માટે અવંતિકા રાહ જોઈ ને બેસી રહી હતી.

અવંતિકા : “રોહન તે આટલું બધું કહી દીધું પણ જે સાંભળવા હું માંગુ છું એ તો તું કહેતો જ નથી ?”

રોહન : “શું કહું ? હું આજે એટલો ખુશ છું કે મને કઈ યાદ જ નથી આવતું.”

અવંતિકા : “તું સાવ બુધ્ધુ છે, આજથી મારે તારું નામ બદલી નાખવું પડશે.”

રોહન : “કેમ મારા નામ માં શું ખોટું છે, અને તું શું નામ આપવા માંગે છે ?”

અવંતિકા : “તારી વાતો અને વિચારો જોઇને તો મને તને “ભગત” કહેવાનું મન થાય છે.”

રોહન હસવા લાગ્યો. અને કહ્યું : “ઓકે, બસ આજથી હું તારા માટે ભગત.”

અવંતિકા : “રોહન..મને ખબર છે તું નથી બોલવાનો, લાવ ચલ હું જ કહી દઉં.”

રોહન : “શું કહેવાનું છે ?”

અવંતિકાએ રોહન સામે પોતાનો હાથ લંબાવ્યો .. અને કહ્યું “આઈ લવ યુ. ભગત..”

રોહનને આ શબ્દ સાંભળી રુંવાડા ઉભા થઇ ગયા, નોવેલ અને ક્યારેક ટી.વી,માં જોયું હતું કે પ્રેમનો ઇજહાર કોઈ કરે ત્યારે શું કહેવું એ રીતે એને પણ પોતાનો હાથ અવંતિકાના હાથમાં મૂકી “આઈ લવ યુ ટુ” કહી અવંતિકાના મુલાયમ હાથને જ પકડી રાખ્યો. બંને થોડીવાર સુધી એમ જ એકબીજાના હાથ પકડી, એકબીજાની આંખોમાં જોઈ રહ્યા, અને એ બંને જાણે બીજી દુનિયામાં ખોવાઈ ગયા. વરુણનો ફોન રોહનના મોબાઈલ ઉપર આવ્યો અને ફોનની રીંગ વાગતા બંને અસલ દુનિયામાં પાછા ફર્યા. રોહને એક હાસ્ય સાથે અવંતિકાના હાથમાં રહેલો પોતાનો હાથ લીધો અને ફોન પકડ્યો.

વરુણ : “હેલ્લો રોહન શું થયું ભાઈ ? બાત બની કે નહિ ?”

રોહન અવંતિકાથી થોડે દૂર ગયો વાત કરવા માટે, ફોન ઉપર વાત કરતાં પણ રોહન ના ચહેરા ઉપર એક હાસ્ય રમી રહ્યું હતું, અવંતિકા રોહનને જોતા જ સમજી ગઈ હતી કે વરુણ તેને શું થયું એના વિષે જ પૂછવાનો હતો અને એટલે જ રોહન વાત કરવા માટે દૂર ગયો છે.

વરુણ બોલી જ રહ્યો હતો…

“અરે બોલને ભાઈ શું થયું, તે તારા દિલની વાત અવંતિકાને કરી કે નહિ, કે આજે પણ ટાય ટાય ફીસ કરી નાખ્યું.”

રોહન : “મને તો બોલવા દે ભાઈ.”

વરુણ : “હા બોલ ભાઈ જલ્દી, હું અને સરસ્વતી ક્યારના આ કેક શોપ સામે ગાડી ઉભી કરી ને રાહ જોઈએ છીએ.”

રોહન : “તમે તો પિઝ્ઝા લેવા ગયા હતા, તો કેક શોપ આગળ કેમ ઉભા છો ?”

વરુણ : “અરે, લલ્લુ, જો તારી વાત બને તો કેક લઈને આવીએ એમ. ચલ હવે કહી દે શું થયું ?”

રોહન : “મેં અવંતિકાને મારા દિલની વાત કરી, એના દિલમાં પણ મારા માટે પ્રેમ હતો. હું ખુબ જ ખુશ છું વરુણ.”

વરુણ : “વાહ, જોરદાર મેરે શેર, મેં તો તને કહ્યું જ હતું ને, ચલ હવે જલ્દી હું કેક લઇ ને આવું છું બધા સાથે સેલીબ્રેટ કરીએ આજના દિવસને.”

રોહન : “ઓકે, જલ્દી આવો.”

રોહન ફોન મૂકી હસતો હસતો અવંતિકા પાસે આવ્યો, અને અવંતિકાની સામે બેસવાના બદલે તેની બાજુમાં જ બેઠો.

અવંતિકા : “શું થયું કેમ ભગત આટલું હસે છે ?”

રોહન : “વરુણ અને સરસ્વતી જાણી જોઇને બજારમાં ગયા હતા, કારણ કે આપણે એકબીજા સાથે વાત કરી શકીએ, મેં એમને કહી દીધું છે, એ લોકો કેક લઇ આને આવે છે.”

અવંતિકા : “સો નાઈસ, તો આજનો દિવસ યાદગાર બની જવાનો એમને ?”

રોહન : “હા, અવંતિકા તું ખુશ તો છે ને ?”

અવંતિકા : “હા, બહુ જ ખુશ છું,”

બંને પાછા એકબીજાની વાતો માં ખોવાવવા લાગી ગયા….

લે… નીરવ પટેલ “શ્યામ”

ભાગ – ૧૯


સરસ્વતી અને વરુણ કેક લઇ રોહન અને અવંતિકા પાસે આવ્યા, બંનેના ચહેરા ઉપર પ્રેમની ચમક ચોખખી દેખાતી હતી, વરુણે આવતાની સાથે જ રોહનને ચીડવવાનું શરુ કર્યું :

વરુણ : “ઓય હોય, આજે તો ભાઈના ચહેરા ઉપર અત્યારે તો કંઇક અલગ જ ખુશી દેખાઈ રહી છે..!!”

રોહન કઈ બોલી ના શક્યો અવંતિકા પણ નીચું જોઇને જ શરમાઈ રહી હતી.

સરસ્વતી : “હા, વરુણ આપણે જયારે અહિયાથી ગયા ત્યારે તો આ બંને આટલા ખુશ નહોતા દેખાતા, આ અવંતિકા પણ જોને કેવી શરમાઈને નીચું જોઈ ગઈ છે.”

રોહન : “બસ હો હવે, વધુ ના ચીડાવશો ?”

વરુણ : “ઓહો, જોને સરુ, ભાઈ ને તો અત્યારથી ચિંતા થવા લાગી, થોડા દિવસ પછી તો આપણને પૂછે પણ નહિ હો..”

રોહન ઊભો થઇ અને વરુણને ભેટતા બોલ્યો, “દોસ્ત તું મારા માટે મારા સગા ભાઈ કરતાં પણ વધારે છે.”

વરુણ પણ થોડો ભાવુક થતા બોલ્યો :”હા ભાઈ હું તો મઝાક કરું છું.”

વરુણ : “ચલ હવે આ કેક ઓગળી જશે, આજનો દિવસ એન્જોય કરવાનો છે.”

બધા એક કુંડાળા માં બેઠા અને વચ્ચે કેક રાખી. વરુણે કેક કાપવા માટી છરી રોહન અને અવંતિકાના હાથમાં પકડાવી, રોહન અને અવંતિકા એ કેક કાપી, સૌના મોઢા મીઠા કરાવી પોતાના પ્રેમની કબુલાતના દિવસને યાદગાર બનાવ્યો. વરુણ અને સરસ્વતી પણ ખુશ હતા,

અવંતિકાના પપ્પાનો ફોન આવ્યો : “બેટા, કેટલીવાર છે નીકળવાની, કાર્યક્રમ પૂર્ણ થઇ ગયો હોય તો હું તને લેવા આવી જાઉં ?”

અવંતિકાએ રોહન તરફ જોયું, રોહન ખુશ દેખાઈ રહ્યો હતો, અને એ પણ ઈચ્છતી હતી કે થોડો વધુ સમય રોહન સાથે પસાર કરે, એટલે એને એના પપ્પાને કહ્યું : “પપ્પા હજુ થોડો સમય લાગશે, અમને મઝા આવી રહી છે, હું તમને ફોન કરી અને જણાવી દઈશ, ક્યારે લેવા આવવું.”

અવંતિકાના પપ્પાને પણ અવંતિકા ઉપર પૂરો વિશ્વાસ હતો એટલે તમને પણ કોઈ વાંધો લીધો નહિ. ત્યારબાદ પણ બધા બીજો દોઢ કલાક જેવું સાથે બેઠા, અને પછી મોડું થતું હોય એમ લાગતા અવંતિકાએ એના પપ્પાને ફોન કરી દીધો, સરસ્વતી અને અવંતિકા થોડે દૂર જઈને ઉભા રહ્યાં રોહન અવંતિકાની સામે જ જોયા કરતો હતો. અવંતિકાના પપ્પાની કાર કેમ્પસમાં પ્રવેશી, બંને અંદર બેઠા, અવંતિકા ચોરી છુપી રોહનને જોઈ રહી હતી, રોહન પણ થોડે દૂરથી અવંતિકા સામે જ જોઈ રહ્યો હતો, જ્યાં સુધી કાર દેખાઈ ત્યાં સુધી રોહન જોતો જ રહ્યો. વરુણે મસ્તી કરતાં કહ્યું :

“બસ ભાઈ, હવે તો ના અવંતિકા દેખાય છે ના એમની કાર, હવે તો મારી તરફ ધ્યાન આપ.”

રોહન : “યાર, આ પ્રેમ કેવો અજીબ છે નહિ, જેને આપણે ક્યારેય ઓળખતા ના હોઈએ, જેના વિષે ક્યારેય આપણે સપનામાં પણ ના વિચાર્યું હોય, દૂર દૂર સુધી એ વ્યક્તિ સાથે આપણું કોઈ જ બંધન નાં હોય છતાં, એ જીવનમાં એવી રીતે દાખલ થઇ જાય અને આપણું બધું જ એ બની જાય. એના આવવાથી આખું જીવન બદલાઈ જાય, એના માટે જ લાગણી જન્મે, એની જ ચિંતા થયા કરે, એને જ મળવાનું, એને જ જોવાનું મન સતત થયા કરે.”

વરુણ : “ખરેખર યાર, પ્રેમ આવો જ હોય છે, મને પણ રાધિકાની યાદ આવે છે, એની ચિંતા થાય છે, એ અમેરિકા ગઈ પછી હું સાવ એકલો જ પડી ગયો હતો, તું મળ્યો પછી જાણે મને એમ લાગ્યું કે હું મારા દિલની વાત કોઈ સાથે શેર કરી શકું. રાધિકા સાથે પણ છેલ્લા કેટલાય દિવસથી વાત નથી થઇ શકી, એ એના ભણવામાં વ્યસ્ત થઇ ગઈ હશે, બે દિવસ પહેલા એનો લાસ્ટ મેસેજ હતો કે હમણાં થોડા દિવસ વાત નહિ થઇ શકે.”

રોહન : “યાર વરુણ.. એકવાત કહું ખોટું ના લાગે તો…?”

વરુણ : “હા, બોલને તારી સાથે ખોટું લગાવીને હું શું કરીશ ?

રોહન : “તમે બન્ને એટલો ટાઈમ વાત નથી કરતા, ના બન્ને મળો છો, તેના અમેરિકા ગયે આટલો ટાઈમ થઈ ગયો છે, તને વિશ્વાસ છે કે એ તારી રાહ જોશે ?”

વરુણ : “મને રાધિકા ઉપર પૂરો વિશ્વાસ છે, એ મને ક્યારેય નહીં છેતરી શકે, ભલે અમે મળતા નથી કે અમારા બંને વચ્ચે આટલી લાંબી વાતો નથી થતી, પણ વિશ્વાસ હજુ અકબંધ છેઅને કાયમ રહેશે.”

રોહન : “મને ક્યારેક તારી ચિંતા થાય છે, હું રાધિકાને નથી ઓળખતો બરાબર પણ તને ઓળખું છું, ક્યાંક  તારું દિલના તૂટે એવો ડર મને સતત સતાવ્યા કરે છે.”

વરુણ : “અત્યારે તો મને રાધિકા ઉપર વિશ્વાસ છે, અને હું ક્યારેય એનો વિશ્વાસ તોડવા નથી માંગતો, પછી જે કિસ્મતમાં હશે એ થશે, હું કે તું કોણ નક્કી કરી શકવાના છીએ ?ચાલ હવે મારો અહીંયા જ ઊભા રહેવાનો ઈરાદો નથી, આજે તારે નોકરી પર જવાનું છે કે રજા રાખી છે ?”

રોહન : “ના આજે મેં મારા શેઠ ને કહ્યું હતું પ્રોગ્રામ વિશે તો એમને મને રજા રાખવાનું જ કહ્યું છે.”

વરુણ : “ઓહો તો ચાલ આજનો તારો દિવસ મને આપી દે. હું તને આજે કેટલીક જગ્યા એ લઈ જાવ.”

રોહન :”પણ ક્યાં જઈશું ?”

વરુણ : “હું જ્યાં લઈ જાવ ત્યાં તારે આવવાનું છે. પણ પહેલા ઘરે જઈશું. કપડાં બદલવા પડશે નહિ તો કોઈ મેરેજ ફંક્શનમાંથી આવ્યા હોય એમ લાગીશું..”

રોહન : “સારું ચાલ આજકી શામ આપકે નામ”

રોહન વરુણ સાથે એની કારમાં ઘરે જવા રવાના થયો.

અવંતિકા પણ સરસ્વતી સાથે પોતાના ઘરે પહોંચી  સરસ્વતીને પણ કઈ ખાસ કામ નહોતું એટલે બન્ને અવંતિકાના રૂમમાં જ બેઠા, અવંતીકાની મમ્મી એ બન્ને ને જ્યુસ આપ્યું, અને પોતાના કામ માં લાગી ગયા, અવંતિકાએ રોહનને પહોંચી ગયા નો મેસેજ કર્યો, રોહને પણ જવાબ આપતા કહ્યું : “ઓકે, હું પણ વરુણ સાથે એના ઘરે જાઉં છું, એ મને ક્યાંક આજે લઈ જવાનો છે.ક્યાં એ મને ખબર નથી.અને એ કઈ કહેતો પણ નથી.”

અવંતિકાએ હસવાના ઇમોજી મોકલ્યા અને કહ્યું : “ઓકે ફરો તમે, સરસ્વતી પણ હમણાં રોકાવવાની છે, આપણે રાત્રે વાત કરીશું.”

રોહનનો ઓકે નો જવાબ આવતા સરસ્વતી સાથે વાતો શરૂ કરી,

સરસ્વતી : “આજે તો તું ખૂબ જ ખુશ દેખાય છે, ખરેખર અવંતિકા, રોહન બધા જ કરતાં અલગ છે, તે એને હા કહી અને કોઈ ભૂલ નથી કરી.”

અવંતિકા : “હા, મને પણ આટલા વર્ષોમાં કોઈ માટે ક્યારેય ફિલિંગ નહોતી જન્મી, પણ રોહનને મળતાલાગ્યું કે મને જેવા વ્યક્તિની શોધ હતી એ રોહન જ છે.”

સરસ્વતી : “ખરેખર તું કિસ્મતવાળી છે.”

અવંતિકા થોડું શર્મિલું હાસ્ય આપી ને કહ્યું : “સરસ્વતી તને ક્યારેય કોઈ છોકરો નથી ગમ્યો ? તે ક્યારેય પ્રેમ કરવા વિશે નથી વિચાર્યું ?”

સરસ્વતી : “હા, ઘણીવાર મને પણ થાય છે કે કોઈ મને પણ પ્રેમ કરે, પણ તારી જેમ હું પણ કોઈ ઉપર વિશ્વાસ નથી કરી શકતી, તને તો રોહન મળી ગયો, હવે મને કોણ મળશે ખબર નથી.”

અવંતિકા : “તને કોઈ ગમે છે ખરું ? મતલબ કોઈને તું જસ્ટ લાઈક કરતી હોય એવું કોઈ ?”

સરસ્વતી : “સાચું કહુંઅવંતિકા, મને વરુણ ગમે છે, એ સારો છે, પણ મેં ક્યારેય એની આંખોમાં મારા માટે પ્રેમ નથી જોયો, એ મને એક ફ્રેન્ડ જ માને છે. આપણે ચેટિંગ ગ્રુપમાં વાત કરીએ એજ. એ ક્યારેય મને પર્સનલ મેસેજ કે ક્યારેય કોલ નથી કરતો.”

અવંતિકા : °ઓહો.. તો એમ વાત છે, એમ તો આપણે ચાર સાથે જ બધે હોઈએ છીએ. કોલેજમાં પણ બધા આપણને કપલ જ સમજે છે. તું કહું તો હું રોહનને વાત કરું ?”

સરસ્વતી : “મને ડર લાગે છે, ક્યાંક એના મનમાં કઈ નહીં હોય તો ? આપણી ફ્રેન્ડશીપ પણ જતી રહેશે.”

અવંતિકા : “હું રોહનને તારા વિશે કઈ નહીં કહું, તારા મનમાં વરુણ માટે શું ફિલિંગ છે એ પણ નહીં જણાવું, બસ ખાલી વરુણ વિશે જાણી લઈશ.”

સરસ્વતી : “હા એમ થઈ શકે, કદાચ એના જીવનમાં પણ કોઈ છે કે નહીં એ પણ તું એને પૂછી લેજે.”

અવંતિકા : “હા, આજે રાત્રે જ રોહન સાથે વાત કરી બધું પૂછી લઈશ, હમણાં જ પૂછી લેતી પણ રોહન અને વરુણ અત્યારે સાથે છે એટલે નથી વાત કરવી.”

અવંતિકાએ પણ જાણી લીધું કે સરસ્વતીના મનમાં વરુણ છે.હવે અવંતિકા વરુણ વિશે જાણવા માંગતી હતી. બન્ને અવંતિકાના રૂમમાં બેસી વાતો કરી રહ્યા હતા, અવંતિકાસરસ્વતીને પોતાના કપડાં, જવેલરી, કોસ્મેટિક સામાન બતાવી રહી હતી.

વરુણના ઘરે પહોંચી વરુણના રૂમમાં જઈબંને ફ્રેશ થયા, રોહન જે કપડાં સવારે ઘરેથી પહેરીને આવ્યો હતો એજ કપડાં પાછા પહેરી તૈયાર થયો, વરુણના તૈયાર થતાં સુધી રોહને વરુણના બેડ ઉપર થોડો આરામ કર્યો, વરુણ ફ્રેશ થઈ બહાર આવ્યો, ત્યારે રોહન કહેવા લાગ્યો : “બહુ આરામ દાયક છે ને બેડ તો તારો !!.. તું થોડો મોડો આવ્યો હોત તો હું સુઈ જ જવાનો હતો.”

વરુણ : (હસતાં હસતાં) “હા, પણ આવા આલીશાન બેડમાં પણ નીંદ આવવી જરૂરી છે ને ! ફૂટપાથ ઉપર નીચે સુઈ રહેનારા કદાચ શાંતિથી સુઈ શકતાં હશે, પણ આવા આલીશાન બેડમાં સુનારાનેશાંતિની નીંદ નથી આવતી. એ હકીકત છે મારા ભાઈ.”

રોહન : “હશે, પણ મારા ખાટલા કરતા મને તારા બેડમાં સારી ઊંઘ આવે એવું લાગે છે.”

વરુણ : “તો આવી જાને તું પણ મારી સાથે અહીંયા જ રહેવા ?, મેં મારા મમ્મી પપ્પાને પણ તારા વિશે કહ્યું એ પણ ના નહીં કહે. આપણે રોજ સાથે કોલેજ જઈશું અને સાથે આવીશું, તું જોબ નહીં કરે તો પણ ચાલશે.”

રોહન : “આભાર તારોભાઈ.. પણ હું ના આવી શકું, મારે આ બધાની આદત નથી પાડવી, હું મારા પગ ઉપર ઊભો રહી અને બધું મેળવવા માંગુ છું.”

વરુણ : “મને ખબર છે કે તું સ્વમાની માણસ છે એટલે જ હું તને આ વાત નહોતો કરતો. પણ રોહન તું મને ભાઈ માને છે, તો પછી કેમ મારી વાત માનતો નથી ?”

રોહન : “તું મારા ભાઈ જેવો જ છે, પણ હમણાં મારાથી બધું થઈ શકે છે, અને હું કરવા માગું છું, મારે મહેનત કરી અને મારો કોળિયો મેળવવો છે, તૈયાર ભાણે જમવા નથી માંગતો.”

વરુણ : “તું અને તારા વિચાર, ધન્ય છે.” રોહન સામે હાથ જોડી હસતાં હસતાં વરુણ કહેવા લાગ્યો.”ચાલ હવે આજે હું તને એક સુંદર જગ્યાએ લઈ જાઉં.

બંને નીચે ઉતર્યા, વરુણે એની મમ્મી ને સાંજે જમવામાં રાહ ના જોવા માટે કહી અને પોતે બહાર જમી ને આવશે એમ કહી પોતાની કાર તરફ આગળ વધ્યો, રોહને વરુણની મમ્મી ને જય શ્રી કૃષ્ણ કહી જવા માટે રજા લીધી બંને કારમાં બેસી જવા રવાના થયા.

રોહન રસ્તામાં વરુણને ક્યાં જઈ રહ્યા છે એ વિશે પૂછતો રહ્યો પણ વરુણે કોઈ જવાબ આપ્યો નહીં. વરુણે કારને એક વિશાળ બિલ્ડીંગના ભોંયતળિયે આવેલા પર્કિંગ એરિયામાં કાર જવા દીધી. અને કાર પાર્ક કરી. બંને બહાર નીકળ્યા, રોહનથી રહેવાયું નહીં અને પૂછી લીધું : “ભાઈ હવે તો કહી દે કે આપણે ક્યાં આવ્યા છીએ ? ”

“થોડીવાર રાહ જો બધું સમજાઈ જશે અને નહીં સમજાય તો હું તને થોડીવાર પછી બધું જ કહીશચાલ હવે”વરુણ આટલો જવાબ આપી સામે દેખાતી લિફ્ટ તરફ ચાલવા લાગ્યો, લિફ્ટનું બટન દબાવી નીચે બોલાવી, લિફ્ટ આવતા બન્ને અંદર દાખલ થયા, વરુણે પાંચનંબરનું બટન દબાવ્યું, લિફ્ટ પાંચમા માળ ઉપર જઈઅટકી અનેદરવાજો ખુલ્યો.

વરુણે રોહનને “ચાલ આવ આ તરફ” એમ કહી સાથે ચાલવા કહ્યું.

રોહનને જાણે કોઈ ફિલ્મોમાં હોય એપ્રકારની વૈભવી હોટેલમાં પ્રવેશ્યો હોય એમ લાગીરહ્યું હતું, ત્યાંનો સ્ટાફ યુનિફોર્મમાં સજ્જ હતો, ત્યાં હરતાં ફરતાં વ્યક્તિઓ પણ ઊંચા પરિવારના દેખાઈ રહ્યા હતાં. સામે એક મોટો સ્વિમિંગ પૂલ દેખાયો, તેમાં થોડા લોકો સ્વિમિંગનો આનંદ માણી રહ્યાં હતાં, વરુણે ત્યાં રહેલા ગેટ પાસે પોતાના વોલેટમાંથી એક કાર્ડ બહાર કાઢી અને સ્કેન કરાવ્યું, અને રોહનને સ્વિમિંગ પુલ પાસે લઈ ગયો, પાંચમા માળની ઊંચાઈએ કુદરતી પવન પણ મઝાનો આવી રહ્યો હતો, રોહનને આ બધું જોતામોઢામાંથી નીકળી ગયું “વાહ જોરદાર, મેં આવી જગ્યા પહેલા ક્યારેય નથી જોઈ, આટલી ઊંચાઈએ સ્વિમિંગ પુલ, સુંદર વાતાવરણ અહિયાનું, અને સાથે શાંતિ પણ છે.”

વરુણ : “મેં તને કહ્યું હતું ને કે હું તને એક સુંદર જગ્યા એ લઈ આવીશ તો આ છે એ જગ્યા, મને પણ અહીંયા બહુ જ ગમેં છે.”

રોહન : “ખરેખર ખૂબ જ મઝાની જગ્યા છે, આનંદ આવ્યો અહીંયા આવી ને.”

વરુણ : “ચાલ તને જીમ બતાવું.”

વરુણ રોહનનેજીમ તરફ લઈ ગયો, જીમ જોઈને પણ રોહન ચોકી ઊઠ્યોઅને બોલી ઊઠ્યો :”આટલું મોટું જીમ”

વરુણ : “હા, છે ને સરસ ?”

હા યાર ખૂબ જ સરસછે આ તો, પણ આ કઈ જગ્યા છે એમ તો કહી દે હવે, કોઈ હોટેલ છે આ ? રોહન આજુબાજુ નજર ફેરવતા આશ્ચર્યથી વરુણ ને પૂછ્યું.

વરુણ જીમની બહાર નીકળી એક સોફા ઉપર બેઠો રોહન પણ સાથેબેઠો.

વરુણ : “આ કલબ છે,પપ્પાએ અહીંયાની મેમ્બરશીપ લીધી છે, એટલે અમારા ફેમિલી મેમ્બર અહીંયા ગમે ત્યારે આવી શકીએ.”

રોહન : “ઓહ.. તો આ કલબ છે એમ ને, મને આ બધા વિશે ખબર નથી, આવું તો ફિલ્મોમાં જ જોયું છે.

ઘણીવાર સુધી રોહન અને વરુણ ત્યાં બેઠા, ત્યાંથી નીકળી એક હોટેલમાં ડિનર લઈ વરુણ રોહનને એના ઘરે મુકવા આવ્યો, રોહને ઘરે આવવાનું કહ્યું પણ વરુણ થાકેલો હતો એટલે ફરી ક્યારેક એમ કહી રજા લીધી.

આજે જમવાનું પણ નહોતું બનાવવાનું એટલે રોહને ઘરે જઈ સીધો ખાટલામાં આડો પડ્યો,અવંતિકાનો મેસેજ રોહનની રાહ જોઈ રહ્યો હતો, રોહને વહાટ્સએપ ઓપન કર્યું,અવંતિકાના ચાર મેસેજ હતા ….

હેલો ભગત…

ભગત દોસ્તમાંથી ફ્રી થયા હોય તો જરા અમને પણ સમય આપો…

બહુ વેઇટ કરવો છો હો ભગત તમે હવે…..

ઓ ભગત ક્યારે આવશો તમે મારી સાથે વાત કરવા….

રોહન મેસેજ વાંચી હસી રહ્યો હતો.. અને રીપ્લાય આપવા ટાઈપ કર્યું….

“સોરી… રાહ જોવડાવવા માટે..”

અવંતિકા રોહનના મેસેજની જ રાહ જોઈ રહી હતી…

તરત અવંતિકાએ મો મચકોડવાનું ઇમોજી આપ્યું.

રોહન : “સોરી યાર, વરુણ સાથે જમીને આવ્યો એટલે લેટ થઈ ગયું.”

અવંતિકાએ ફરી એજ મો મચકોડવા વાળું ઇમોજી આપી રોહનને ચિડાવવા લાગી.

રોહન : “બસ હવે હો..તું જમી”

અવંતિકા : “હા, ક્યારની તને ક્યાં પૂછવાનો ટાઈમ છે, પહેલા જ દિવસથી આમ રાહ જોવડાવે છે.”

રોહન : “સોરી તો કહ્યું, બકા.. બસ હવે માની જાને પ્લીઝ.”

અવંતિકા : “સારું ચાલો ભગત આજે તમારા ઉપર દયા આવે છે, એટલે જવા દઉં છું.”

રોહનેહસવાનું ઇમોજી મૂકી..”પગલી”ટાઈપ કર્યું.

થોડીવાર બંને વચ્ચે નોર્મલ વતો થયા કરી, અવંતિકાએ ઘરે આવી શું કર્યું, અને રોહન વરુણ સાથે ક્યાં ફર્યો એની વાતો ચાલ્યા કરી.

અવંતિકાના મનમાં વરુણ વિશે પૂછવાના વિચારો ચાલી રહ્યા હતાં, પણ શરૂઆત ક્યાંથી કરવી એ સમજાઈ રહ્યું નહોતું, “વરુણે રોહનને પોતાના જીવન વિશે વાત કરી હશે કે નહીં ?” પણ પૂછવું તો હતું જ એટલે હિંમત કરી અવંતિકાએ પૂછવાનું શરૂ કર્યું..

નીરવ પટેલ “શ્યામ”

ભાગ -૨૦


અવંતિકાના મનમાં ચાલી રહેલી મથામણ અંતે રોહનને વરુણ વિશે પૂછવાની અવંતિકાએ શરૂઆત કરી.

અવંતિકા : “રોહન.. હું તને કઈ પૂછવા માંગુ છું.”

રોહન : “પૂછને પગલી… તારા દરેક સવાલના હું જવાબ આપીશ.”

અવંતિકા : “વરુણ સાથે તારી મિત્રતા બહુ ઘાઢ થઈ ગઈ છે, તો તમે એકબીજાને બધી જ વાતો શૅર કરતાં હશો ને !”

રોહન : “હા, એ મારો મિત્ર જ નહીં, હવે તો સગા ભાઈ જેવો છે. પણ તું કેમ આજે આમ પૂછે છે ? વરુણ વિશે તને કઈ ખોટું સાંભળવા મળ્યું છે ?”

અવંતિકા : “ના..ના… જેવું તું વિચારે છે એવું કંઈ નથી, પણ મારે વરુણ વિશે કઈ જણાવું છે, જો તું મને કહે તો …!!!”

રોહન : “હા, શું જાણવા માંગે છે ?”

અવંતિકા : “પણ પહેલા મને પ્રોમિસ આપ આ વાત તું વરુણ સાથે શૅર નહિ કરે, ભલે કઈ પણ થાય.”

રોહનની ઉત્સુકતા હવે વધતી જતી હતી એ જાણવા માંગતો હતો કે અવંતિકા એવી કઈ વાત વરુણ વિશે પૂછવા માંગે છે, જે હું વરુણને પણ ના કહી શકું, તેને અવંતિકાના મેસેજ નો તરત જવાબ આપ્યો…

રોહન : “ઓકે પ્રોમિસ, હું વરુણ સાથે આ વાત શૅર નહિ કરું, તું જલ્દી કહે સીધે સીધું, હવે મારી જાણવાની ઉત્સુકતા વધતી જાય છે.”

અવંતિકા : “જેમ આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, તેમ શું વરુણ પણ કોઈને પ્રેમ કરે છે ? એના જીવનમાં કોઈ છે ?”

રોહન : “હા, અવંતિકા.. વરુણ પણ એક છોકરીને પ્રેમ કરે છે, અને લગ્ન પણ એની સાથે જ કરવાનો છે.”

અવંતિકા : “પણ મેં તો એને ક્યારેય કોઈ છોકરી સાથે હરતાં ફરતા કે ક્યારેય ફોન ઉપર પણ વાત કરતા નથી જોયો !”

રોહન : “એ છોકરી ઇન્ડિયામાં નથી રહેતી, અમેરિકા રહે છે.”

અવંતિકા :  “ઓ…હ…તો એમ વાત છે, શું નામ છે એનું ?”

રોહન : ” રાધિકા. પણ તું આજે કેમ એના વિશે પૂછી રહી છે ?”

અવંતિકા : “રોહન… તારાથી હું કઈ નહિ છુપાવું, મને તારી ઉપર વિશ્વાસ છે, અને વાત જાણી ને તને પણ સમજાશે કે આ વાત વરુણને કરવા જેવી છે જ નહીં. સરસ્વતીને વરુણ માટે ફિલિંગ છે, એ એક તરફી વરુણને પ્રેમ કરી રહી છે. સરસ્વતી બહુ સારી છોકરી છે, જેમ તને વરુણ માટે લાગણી છે એમ મને સરસ્વતી માટે છે, એટલે મેં તને પહેલા જ પૂછી લીધું, સરસ્વતી ખોટા સપના જોઈને આગળ વધે એ પહેલાં જ એને રોકી લેવી સારી. આજે એ મારી સાથે મોડા સુધી રોકાઈ તો મેં એને પૂછ્યું, એટલે મને જાણવા મળ્યું કે સરસ્વતી વરુણને એક તરફી પ્રેમ કરે છે, એના મનમાં વરુણ માટે લાગણી છે.”

રોહન અવંતિકાને વચ્ચે રોકવા માંગતો નહોતો.. એની સ્ક્રીન ઉપર જ્યાં સુધી અવંતિકા ટાઈપિંગ બતાવતું રહ્યું અને મેસેજ પૂરો ના થયો ત્યાં સુધી એના મેસેજની રાહ જોઈ રહ્યો અને પછી પોતાનો જવાબ આપ્યો…

રોહન : “શું વાત કરે છે ? જો વરુણના જીવનમાં રાધિકા ના હોત તો હું ચોક્કસ એ બંનેને એક કરી શકતો.. પણ વરુણ રાધિકાને ખૂબ જ પ્રેમ કરે છે, એ એના વગર કઈ વિચારી નહીં શકે એટલે એને વાત કરવી પણ વ્યર્થ છે.”

અવંતિકા : “રોહન.. આ વાત મારી તારી અને સરસ્વતી સુધી જ સીમિત રહેવી જોઈએ, વરુણને જો ખબર પડશે તો આપણા ચારની મિત્રતા પહેલાં જેવી રહેશે નહીં.”

રોહન : “હા એ વાત પણ સાચી છે, પણ અવંતિકા મને ક્યારેક વરુણની ચિંતા થાય છે.”

અવંતિકા : “કેમ ? કેવી ચિંતા ?”

રોહન : “રાધિકા અમેરિકા રહે છે, વરુણ સાથે એની બહુ વાત પણ નથી થતી, ક્યારેક મેસેજ કે ક્યારેક કોલ કરી દે છે. વરુણ તેને ખૂબ જ પ્રેમ કરે છે, અને તેને પોતાના પ્રેમ ઉપર વિશ્વાસ પણ છે, પણ કોણ જાણે કેમ મને રાધિકા ઉપર વિશ્વાસ નથી આવતો, મનમાં એવું થાય છે કે રાધિકા વરુણને છેતરશે તો ?”

અવંતિકા : “એવું કંઈ નહીં થાય, હજુ આપણે રાધિકાને ઓળખતા નથી, કદાચ એ પણ વરુણને એટલો જ પ્રેમ કરતી હોય અને એને ત્યાં સમય ના મળી શકતો હોય એમ પણ બને ને ?”

રોહન : “હા બની શકે એવું, પણ પોતાના પ્રેમ માટે દિવસમાં થોડો સમય ના મળી શકે હું નથી માની શકતો, વરુણ ક્યારેક મને કહે છે કે હું રાધિકાના મેસેજની રાત્રે કલાકો સુધી રાહ જોઉં છું, અને એનો મેસેજ આવતો નથી કે મારા મોકલેલા મેસેજના જવાબ પણ આવતા નથી. છતાં પણ એ એની રાહ જોયા કરે છે.”

અવંતિકા : “ઓ..હ… તો વરુણે રાધિકાને કહેવું જોઈએ.”

રોહન : “એજ તો એ નથી કહી શકતો, મેં પણ એને કહ્યું ત્યારે મને એને જવાબ આપ્યો કે ‘માંડ એને વાત કરવાનો સમય મળે અને એમાં પણ હું આ બધી વાતો ક્યાં કરું ?’ શું કરી શકાય હવે આનું ? અને એટલે જ મને ચિંતા થાય છે.”

અવંતિકા : “હા, વાત તો તારી સાચી છે. આ ચિંતાનો જ વિષય છે.”

રાત્રીના એક વાગ્યો હતો, રોહન અને અવંતિકા રાધિકા અને વરુણના સંબંધો ઉપર ચર્ચા કરી રહ્યાં હતાં, વાત જો ચાલુ જ રાખી હોત તો સવાર થઈ જાય એટલી ચર્ચાઓ હતી પણ રોહન જાણતો હતો કે આજે ગરબાના તાલે ઝૂમી અને અવંતિકા પણ થાકી છે, એટલે એને અવંતિકાને કહ્યું :

“થાક નથી લાગ્યો તને ?”

અવંતિકા : “તારી સાથે વાતો કરવામાં મારો થાક ક્યાં જતો રહ્યો ખબર જ ના રહી ને ! જ્યાં સુધી તું ઓનલાઈન ના આવ્યો ત્યાં સુધી મને કંટાળો આવતો હતો પણ તારા આવી ગયા પછી સમય ક્યાં ગયો એનું પણ ભાન ના રહ્યું.”

રોહન : “સારું, ચાલ હવે ડાહી સુઈ જા. કાલે કોલેજ પણ જવાનું છે.”

અવંતિકા : “ઓકે ભગત, જેવી તમારી ઈચ્છા.”

રોહન : “સારું પગલી… ચાલ સુઈ જા.. ગુડ નાઈટ”

અવંતિકા : “બસ ગુડ નાઈટ ?”

રોહન : “તો સુતા પહેલા ગુડ નાઈટ જ કહેવાનું હોય ને બીજું શું ?”

અવંતિકા : “ખરેખર તારું નામ ભગત રાખીને મેં ખોટું નથી કર્યું..”

રોહન : “અરે હા, હવે આપણે જસ્ટ ફ્રેન્ડ નથી. .. સોરી.. આઈ લવ યુ.. ગુડ નાઈટ”

અવંતિકા : “લવ યુ ટુ..”કહી સાથે સ્માઇલનું ઇમોજી મૂકી ગુડનાઈટ રોહનને કહી અને સુઈ ગઈ, પણ તેના મનમાં સરસ્વતીને કેવી રીતે વાત કરવી તેની મૂંઝવણ હતી, સરસ્વતીને વરુણના જીવનમાં કોઈ છે એવી ખબર પડતાં એના દિલ ઉપર શું અસર થશે એ વિચાર અવંતિકાની ઊંઘ ઉડાવી મુકતો હતો.

બીજા દિવસે કોલેજ આવી અને અવંતિકાએ સરસ્વતીને વરુણ વિશે બધી વાત કરી, સરસ્વતી ને થોડીવાર માટે દુઃખ થયું પણ અવંતિકાએ તેને સાચવી લીધી. સાથની સાથે હિંમત પણ આપી. સરસ્વતીએ માની લીધું કે વરુણ તેના માટે નહોતો સર્જાયો. પણ વરુણની મિત્રતા તે ખોવા નહોતી માંગતી.

અવંતિકા અને રોહન હવે એકબીજા માટે સમય કાઢતાં હતાં, રોજ કોલેજમાં બેસી બંને વાતો કરતાં, વરુણ અને સરસ્વતી પણ તેમને એકલામાં સમય મળે એવું આયોજન કરી આપતાં, ક્યારેક કોઈ સારી રેસ્ટોરન્ટમાં કે કોફી શોપમાં બધા સાથે જઈ હળવાશની પળો પણ માણતા હતાં.

એક દિવસ કોલેજમાં આવી વરુણ થોડો અપસેટ દેખાઈ રહ્યો હતો. રોહન સમજી ગયો નક્કી કોઈ વાત જરૂર છે. તેને વરુણને તરત પૂછી લીધું :

“કેમ ભાઈ આજે ઉદાસ લાગે છે ?”

વરુણ : “ના રે હું ક્યાં ઉદાસ છું ?”

રોહન : “જુઠ્ઠું ના બોલ, તારી આંખોમાં ચોખ્ખું દેખાય છે, રાત્રે તું સુઈ નથી ગયો અને તારા કપાળ ઉપર ચિંતાની લકીરો ખેંચાયેલી છે.”

વરુણ : અરે કઈ નહિ યાર, એક ફિલ્મ જોવામાં મશગુલ થઇ ગયો હતો એટલે નીંદ ના આવી શકી. તેના કારણે એવું લાગે છે.”

રોહન : “જો વરુણ, હું તને માત્ર એક દોસ્ત જ નહિ મારો ભાઈ પણ માનું છું, ભલે આપણા શરીરમાં એક પિતાનું લોહી નથી દોડી રહ્યું પણ હું તારી ભાવનાને સમજુ છું, તારા ચહેરાને વાંચી શકું છું. માટે મારાથી કઈ ના છૂપાવ અને કહી દે શું થયું ?”

વરુણનનો ચહેરો થોડો ફિક્કો પડી ગયો, રોહનને કેવી રીતે પોતાના દિલમાં રહેલી વાત કરવી તે સમજાઈ રહ્યું નહોતું, પણ તે કોઈકને પોતાના મનની વાત કહી અને હળવો થવા માંગતો હતો.

વરુણ : “કાલે રાત્રે હું રાધિકાના મેસેજ ની રાહ જોઈ રહ્યો હતો, એની જ ચેટીંગ ઉપર મોડા સુધી એક મેસેજ કર્યા વગર પણ એની રાહ જોઈ, અને ત્યારે મેં અને ઘણીવાર સુધી ઓનલાઈન જોઈ, પહેલા જયારે ઓનલાઈન જોઈ ત્યારે મને લાગ્યું કે હું એને મેસેજ કરી અને વાત કરું, પણ મને તારી વાત યાદ આવી, તેજ મને કહ્યું હતું કે ‘તું રાધિકાને ખુબ જ પ્રેમ કરે છે, પણ શું એ પણ તને પ્રેમ કરે છે ?’ અને આજ વાત જાણવા માટે મેં એને મેસેજ ના કર્યો, થોડીવાર સુધી મેં રાહ જોઈ, પણ એનો કોઈ જવાબ ના આવ્યો, સતત ચાર કલાક સુધી હું એની ચેટ ઉપર ઓનલાઈન રહ્યો અને મેં એને ત્યાં સુધી ઓનલાઈન જોઈ, મને ત્યારે થોડો ગુસ્સો પણ આવ્યો અને કહી દેવાનું મન થયું કે ‘તને બીજા માટે સમય મળે છે ? પણ મારા માટે નહિ ?’ પરંતુ મેં થોડી ધીરજ રાખી અને મેસેજ ના કર્યો, પણ હું ક્યાં સુધી ધીરજ રાખીને બેસી રહું, અને મેં છેલ્લે એક મેસેજ કરી જ દીધો, પણ એ મેસેજ નોર્મલ હતો, બસ મેં એને જાણી જોઇને ‘કેમ છે ?’ એમ જ પૂછ્યું અને જેવો મેં મેસેજ કર્યો એ જોયા વગર સીધી ઓફલાઈન થઇ ગઈ, ત્યાર બાદ પણ મેં એક કલાક સુધી એના મેસેજની રાહ જોઈ પણ કોઈ જવાબ આવ્યો નહિ, ના એ ઓનલાઈન આવી. એના વિચારો માં હું સુઈ જ ના શક્યો.”

રોહન પણ વરુણની વાત સાંભળી તેને શું જવાબ આપવો તે સમજી ના શક્યો , પણ નિરાશ થયેલા મિત્રને એમ મઝધારે મૂકી દેવા માંગતો નહોતો, એટલે તેને વરુણના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું :

રોહન : “જો વરુણ મને તે દિવસે તારી ચિંતા થતી હતી, હું તારા જીવનમાં આવો કોઈ સમય આવે એવી ઈચ્છા નહોતો રાખતો, હું સમજુ છું કે તારો પ્રેમ સાચો છે, તને રાધિકા માટે લાગણી છે, પણ એના મનમાં પણ તારા માટે શું છે એ જાણવું જરૂરી બને છે, એ તારી સાથે હતી ત્યારે એને તારા સિવાય કંઇજ દેખાતું નહોતું, પણ હવે એ તારાથી ઘણી દૂર છે, વળી તમારા બંનેની હવે વાત પણ ઓછી થાય છે એટલે જ મને તારા માટે ચિંતા હતી.”

વરુણ : “હા દોસ્ત, મને હવે સમજાય છે મારી ભૂલો, પણ મને રાધિકા ઉપર વિશ્વાસ હતો કે એ ક્યારેય નહિ બદલાય પણ હદ તો ત્યારે થઇ ગઈ જયારે હું કોલેજ આવવા નીકળતો હતો ત્યારે એનો એક મેસેજ આવ્યો, ‘સોરી વરુણ, હું સ્ટડીમાં બીઝી હતી એટલે તને મેસેજ ના કરી શકી, અમેરિકામાં ભણવાનું એટલું હાર્ડ છે કે સમય જ નથી મળતો મોબાઈલ પણ હાથમાં લેવાનો.’ હું તેના એ મેસેજ નો ઓકે સિવાય કઈ જવાબ પણ ના આપી શક્યો, મને ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે એ મને છેતરી રહી છે. પણ હું શું કરી શકવાનો હતો ? કારણ કે હું એને પ્રેમ કરું છું !!!!”

એટલું બોલતા વેત વરુણની આંખો ભરાઈ આવી. રોહન પણ તેને સતત હિંમત આપી રહ્યો હતો, પણ વરુણનું મન હજુ માનવા માટે તૈયાર નહોતું કે રાધિકા તેની સાથે આવું કરી શકે છે માટે તે એક બીજા નિર્ણય ઉપર આવ્યો અને રોહનને કહ્યું :

“રોહન, હું અમેરિકા જવા માંગું છું, અને મારી આંખે એને જોવા માંગું છું કે એ કેટલી બદલાઈ ગઈ છે !”

રોહન : “તું પાગલ તો નથી થઇ ગયો ને ? આટલી વાત માટે તું છેક અમેરિકા જવા માંગે છે ?”

વરુણ : “ભલે રોહન તને આ નાની વાત લગતી, પણ મારા માટે તો આ મારા જીવનને લગતી બાબત છે, અને હું જાણવા માગું છું કે સચ્ચાઈ શું છે ? હું જ્યાં સુધી હકીકત જાણી નહિ લઉં મને ચેન નહિ વળે.”

રોહનને સમજાઈ ગયું હતું કે વરુણ રાધિકાને કેટલો પ્રેમ કરે છે, અને એના આવા પ્રેમના બદલામાં રાધિકા તેને છેતરી રહી હતી, પણ એ સમજી શકતો ના હોવાના કારણે તે કંઈપણ કરશે. અને એટલા માટે જ તેને વરુણને અમેરિકા જતાં રોકાવાનું વિચાર્યું નહિ.

વરુણે પણ અમેરિકા જવાની જીદ પકડી હતી અને એ કોઈપણ રીતે હકીકત જાણવા માંગતો હતો, પણ અહિયાં રહી અને તેને કઈ ખબર પડવાની નહોતી માટે અમેરિકા જવું જ જરૂરી હતું, તે દિવસે વરુણે કોલેજ માં કોઈ લેકચર ભર્યા નહિ ને ગેટથી જ પાછો જવા રવાના થયો, જતાં જતાં પણ તેના કોઈ ટ્રાવેલ એજન્ટ સાથે અમેરિકા જવા વિષેની ચર્ચા કરી રહ્યો હતો.

રોહન પણ વરુણ માટે હવે ચિંતા કરતો હતો, ભણવામાં તેનું પણ મન લાગ્યું નહિ, એટલે બીજા લેક્ચરમાં તે બહાર નીકળી ગયો, અવંતિકાને પણ રોહનને એકલો જોઇને લાગ્યું કે રોહન કોઈ ચિંતામાં છે, અને આજે વરુણ પણ નથી એટલે તે પણ સરસ્વતીને નોટ્સ બરાબર લખવાનું કહી અને બહાર નીકળી, રોહને અને અવંતિકા મેદાનમાં બેઠા, રોહને વરુણ સાથે થયેલી બધી જ ઘટનાઓની વાત કરી, અવંતિકાને પણ રાધિકા ઉપર ગુસ્સો આવ્યો પણ શું કરી શકવાના હતાં, વરુણ અમેરિકા જાય અને જયારે પાછો આવે ત્યારે જ હવે તો હકીકત ખબર પડવાની હતી. કોલેજથી નીકળી અવંતિકા અને સરસ્વતી અવંતિકાના ઘરે ગયા, અવંતિકા એ સરસ્વતીને પણ વરુણની વાત કહી, તેને પણ વરુણ માટે ચિંતા થવા લાગી, અને સરસ્વતી અવંતિકા સામે તેના રૂમમાં રડવા લાગી. પણ અવંતિકાએ તેને સમજાવી અને વરુણ તરફની એક આશા બતાવી.

વરુણ થોડા દિવસ કોલેજ આવ્યો નહિ, પણ રોહન સતત તેના સંપર્કમાં હતો, ક્યારેક સાંજના સમયે બંને મળી પણ લેતા, વરુણે અમેરિકા જવાનું બધું આયોજન લગભગ પૂરું કરી લીધું હતું, એક મહિનાના ટ્રાવેલ વિઝા લઇ અને એમેરિકા જવાનો હતો, પોતાના પપ્પાના બીઝનેસ અને બેલેન્સના કારણે કોઈ અટકળ વિઝામાં આવી નહોતી. બસ તારીખ આવવાની બાકી હતી. અને એક દિવસ રોહન સાથે કોલમાં વાત કરતાં તારીખ વિષે પણ જાણવા મળી ગયું. એક જ મહિનામાં વરુણ માટે અમેરિકા જવાનું આયોજન થઇ ગયું.

અમેરિકા જવાના અગલા દિવસે રાત્રે જ વરુણ રોહનને તેના ઘરેથી પોતાન ઘરે લઇ આવ્યો હતો. આખી રાત બંને એ વરુણના રૂમમાં બેસી વાતો કરી. બીજા દિવસે રોહન તેને એરપોર્ટ મુકવા માટે પણ ગયો. ત્યાં બંને મિત્રો ભેટી પડ્યા અને રોહને કહ્યું “જલ્દી પાછો આવજે, અને ત્યાં તને લાગે કે રાધિકા ખરેખર બદલાઈ ગઈ છે, તો પળવારનો પણ વિચાર કર્યા વગર એને કહી દેજે કે ‘મારે પણ તારી જરૂર હવે

નથી’ અને સીધો અહિયાં આવી જજે, હું ઈચ્છીશ કે મારો પહેલા જેવો નિખાલસ દોસ્ત મને પાછો મળી જાય.”

વરુણ :”હા દોસ્ત, હું જલ્દી પાછો આવીશ બસ. મારે હવે ફક્ત જાણવું છે કે રાધિકાના મનમાં શું છે, અને જાણ્યા બાદ હું તરત તારી પાસે પાછો આવીશ, હવે મને રાધિકા કરતાં પણ તારી જરૂર વધારે છે.”

ફ્લાઈટનું નામ એનાઉન્સ થયું, વરુણ પોતાનો સમાન લઇ અને આગળ વધ્યો. રોહન તેને જતાં જોઈ રહ્યો હતો. વરુણના ગયા બાદ પણ થોડીવાર સુધી રોહન એરપોર્ટ ઉપર જ એ આશાએ ઉભો રહ્યો કે કાશ વરુણ પાછો આવી જાય, પણ વરુણે મનમાં નક્કી કરી જ લીધું હતું જવાનું તો એને કોણ રોકી શકવાનું હતું.”

નીરવ પટેલ “શ્યામ”

ભાગ – ૨૧


વરુણના ગયા બાદ રોહનને એરપોર્ટ ઉપરથી ઘરે જવાનું મન નહોતું થતું, તેના મનમાં થઈ રહ્યું હતું કે હમણાં વરુણ પાછો આવે અને તેને લઈને જ ઘરે જાય પણ એ શક્ય નહોતું, બહારની તરફ તેને ડ્રાઈવરને રાહ જોતા જોયો, રોહનનું જવાનું મન નહોતું પણ એના કારણે ડ્રાઈવરને પણ રાહ જોવી પડતી હતી એટલે એ એરપોર્ટ બહાર નીકળ્યો, કાર તેને ઘર સુધી મૂકી આવી, વરુણની ચિંતામાં તે મોબાઈલ પણ જોવાનું ભૂલી ગયો હતો, ઘરે આવી તેને મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢ્યો જોયું તો અવંતિકાના મેસેજ હતાં, રોહનના ફિક્કા જવાબને અવંતિકા સમજી ગઈ અને તેને સીધો ફોન લગાવ્યો, અવંતિકા જાણતી હતી કે રોહન વરુણના જવાથી ઉદાસ છે. એક મહિના સુધી રોહનને વરુણ વગર રહેવાનું હતું માટે તેને સાથ આપવાની જવાબદારી હવે અવંતિકાની હતી.

અવંતિકા : “હેલ્લો… રોહન ઠીક તો છે ને તું ?”

રોહન : “હા, પણ વરુણ જ્યારથી ગયો છે ત્યારથી મને કંઈક ખૂટતું હોય એમ લાગે છે.”

અવંતિકા : “એક જ મહિનાની તો વાત છે, એ પાછો આવી જ જવાનો છે ને તું શું કામ ચિંતા કરે છે ?”

રોહન : “હા, હું જાણું છું કે એ એક મહિના પછી પાછો આવશે પણ આ એક મહિનો હું એના વગર કેમ વિતાવીશ એજ વિચારું છું, કોલેજમાં પણ અમે બન્ને સાથે હોઈએ, પણ એ નથી તો મારું કોલેજમાં પણ મન નહિ લાગે.”

અવંતિકા : “હું છું ને તારી સાથે, અને સરસ્વતી પણ છે, આપણે ત્રણ ભેગા મળીને રોજ વરુણને યાદ કરીશું અને એક મહિનો પૂરો થઈ જશે તેની ખબર પણ નહીં પડે.”

રોહન : “હા અવંતિકા, તું છું એટલે મને ગમશે, પણ વરુણની ચિંતા થાય છે, એ અમેરિકામાં રાધિકાને મળશે અને રાધિકાએ ખરેખર તેને ભુલાવવાનું નક્કી કરી લીધું હશે, અથવા તેના જીવનમાં બીજું કોઈ આવી ગયું હશે તો વરુણ ઉપર શું વીતશે એ વિચાર મને કોરી ખાય છે.”

અવંતિકા : “જો એવું કંઈ બનશે તો એના માટે પણ વરુણ તૈયાર જ હશે, એને એ બાબતે પણ કંઈક તો નક્કી કર્યું જ હશે ને ! અને તું એની સાથે વાતો કરતો રહીશ અને એને સમજાવીશ તો એ રાધિકા વગરની પોતાની નવી લાઈફ જીવવા માટે તૈયાર થઈને આવશે.”

રોહન : “હા, જો એવું બનશે તો હું એને રાધિકાને ભુલાવવામાં મદદ કરીશ.”

અવંતિકા : “સારું ચાલ હવે સુઈ જા, બહુ લેટ થઈ ગયું છે અને તને આખા દિવસનો થાક પણ લાગ્યો હશે.”

રોહન : “ઊંઘ તો મારી વરુણ એની સાથે લઈ ગયો, પણ પ્રયત્ન કરીશ કે આવી જાય તું પણ સુઈ જા, કાલે કોલેજમાં મળીશું.”

અવંતિકા : “ઓકે. ગુડ નાઈટ લવ યુ”

રોહન : “લવ યુ ટુ . ગુડ નાઈટ.”

રાત્રે પણ મોડા સુધી રોહન વરુણ માટે વિચારતો રહ્યો, અને અંતે વિચારોમાંથી થોડા હળવા થવા માટે તેને નોવેલ વાંચવાની શરૂઆત કરી. વાંચતા વાંચતા ક્યારે આંખ લાગી ગઈ ખબર નાં રહી, સવારે રોજની જેમ પોતાનું કામ પૂર્ણ કરી રોહન કોલેજ માટે રવાના થયો. કોલેજમાં ઘણાબધા લોકોની વચ્ચે રોહન પોતાની જાતને એકલી અનુભવી રહ્યો હતો. અવંતિકા પણ વારેવારે રોહન સામે જોઈ અને એની એકલતાને અનુભવી રહી હતી, પહેલા લેકચર બાદ અવંતિકાએ રોહન પાસે આવી કહ્યું કે “મન નાં લાગતું હોય તો આપણે બહાર જઈ અને બેસીએ.” રોહન પણ અવંતિકાની વાત સાથે રાજી થઈ બહાર બેસવા તૈયાર થયો.

સરસ્વતી એ અવંતિકાને એ ક્લાસમાં જ રહે છે એમ કહી અવંતિકાને બહાર જવા માટે કહ્યું. રોહન અને અવંતિકા કેન્ટીનમાં થોડીવાર બેઠા. રોહન અવંતિકા સાથે બધાની અવર જવર હોવાના કારણે ખુલીને વાત ના કરી શકવાના કારણે મેદાનમાં બેસવા જવા માટે કહ્યું.

મેદાનમાં બેસતાની સાથે જ અવંતિકાએ રોહનના બંને હાથને પકડી લીધા. અને કહેવા લાગી.

“રોહન, હું છું તારી સાથે, વરુણ બહુ જ જલ્દી આવી જશે, અને જોજે બધું સારું જ થવાનું છે, તું ચિંતા ના કર.”

રોહન : “હા, પણ છતાં મને વરુણની ખોટ વર્તાઈ રહી છે, એના વગર કઈ ગમતું નથી.”

અવંતિકા : “હું સમજુ છું, વરુણ સાથે તને ખુબ જ લગાવ છે, પણ એક દિવસ તો તમારે બંનેને અલગ તો થવાનું જ છે, એ એના ધંધા અર્થે અથવા તો તું તને મળતી કોઈ સારી જોબ માટે એનાથી ક્યારેક તો દૂર થઈશ જ ને !”

રોહન : “હા, તારી વાત સાચી છે, પણ એ સમય અલગ થવાનું નક્કી જ હશે, આ તો અચાનક વરુણ આમ ચાલ્યો ગયો તો થોડી તકલીફ થાય છે.”

અવંતિકા : “ભલે વરુણ અચાનક ચાલ્યો ગયો, પણ એ પાછો આવવાનો જ છે ને. ક્યાં કાયમ માટે ગયો છે.”

રોહન : “હા, સારું જવા દે એ વાત, હવે કોઈ બીજી વાત કરીએ.”

અવંતિકાને રોહનની વાત સાંભળી ચહેરાપર થોડું સ્મિત આવ્યું, તેને પણ લાગ્યું કે હવે રોહન થોડો સ્વસ્થ થયો છે.

અવંતિકા : “તો ભગત, તે મારા માટે શું વિચાર્યું છે ?”

રોહન : “તારા માટે શું વિચારું ? તું પણ મારાથી દૂર જવાનું વિચારે છે ?”

અવંતિકા : “અરે ના પાગલ.. તારાથી દૂર જવાનું તો સપનામાં પણ નથી વિચારતી.”

રોહન :”તો પછી બીજું શું વિચારું ?”

અવંતિકા : “રોહન, આપણી કોલેજ બાદ કદાચ આપણે અલગ થવાનું થયું તો ? મારા મમ્મી પપ્પા મારી મરજી નહિ હોય ત્યાં સુધી તો મારા લગ્નની વાત નહિ કરે પણ ક્યારેક તો એ દિવસ આવશે જયારે એ લોકો મને લગ્ન વિષે પૂછશે. ત્યારે હું એમને કેવી રીતે સમજાવીશ ?”

રોહન : “જો અવંતિકા, ખોટું ના લાગવીશ પણ હજુ આપણી પાસે ઘણો સમય છે આ બધું વિચારવા માટે. અને હા, હું હુજુ લગ્ન કરી શકું એટલો સક્ષમ પણ નથી. મારે હજુ તો મારી લાઈફ સેટ કરવાની છે,” અવંતિકાના હાથને થોડો વધુ મજબૂતીથી પકડતા રોહન બોલતો રહ્યો. “અવંતિકા, તું મને પ્રેમ કરે છે, પણ તારા માતા પિતા તને મારા કરતાં પણ વધુ પ્રેમ કરતાં હશે, અને હું તો એમ જ ઈચ્છીશ કે તું એમને દુઃખ થાય એવું કામ ક્યારે પણ ના કરીશ.”

અવંતિકા : “પણ, રોહન હું તારી સાથે જ લગ્ન થાય એ માટે ના તમામ પ્રયત્નો કરીશ.”

રોહન : “લગ્ન થવા ના થવા એ કિસ્મતની વાત છે, એ આપણા હાથમાં ક્યાં છે, કહેવાય છે ને કે જોડીઓ ઉપરવાળો બનાવીને જ મોકલે છે.”

બંને એ રીતે પોતાના ભવિષ્યની વાતો અત્યારે કરી રહ્યા હતા, કોલેજ છૂટ્યાબાદ સરસ્વતી પણ જ્યાં રોહન અને અવંતિકા બેઠા હતા ત્યાં આવી અને સાથે બેઠી.

સરસ્વતી : “વરુણના કઈ સમાચાર”

રોહન : “ના, હજુ તો ફ્લાઈટમાં જ હશે, ૧૯-૨૦ કલાક નો રસ્તો છે, અને મેં કહ્યું હતું એને પહોચી અને મેસેજ કરી દેજે. ત્યાં એના ટ્રાવેલ એજેન્ટે બધી વ્યવસ્થા કરી રાખી છે.”

સરસ્વતી : “ઓકે… વરુણ વગર ખરેખર મઝા નથી આવતી.”

રોહન : “હા, હું તો તેના વગર સાવ એકલો થઇ ગયો હોય એમ જ લાગે છે અને એટલે જ ક્લાસમાં પણ ના બેસી શક્યો.”

અવંતિકાની આંખો સરસ્વતીને જોઈ રહી હતી, તેના ચહેરા ઉપર વરુણ માટેની ચિતા, લાગણી ચોખ્ખી દેખાઈ રહ્યા હતા, તે તરત રાધિકા અને સરસ્વતીની તુલના કરવા લાગી. અને સરસ્વતીનું વરુણ તરફનું પલડું તેને ભારે લાગવા લાગ્યું.

થોડીવાર હળવી વાતો કરી અને બધા છુટા પડ્યા, રોહન પોતાના કામની જગ્યાએ ગયો અને સરસ્વતી અને અવંતિકા પોત પોતાના ઘરે.

રોહન દુકાન પહોચી કામમાં મન લાગવી દીધું, નવા આવેલા સાડીના સ્ટોકને જાતે જ ગોઠવવા લાગી ગયો, તેના શેઠે તેને શાંતિથી બેસવા કહ્યું પણ તે કામમાં વ્યસ્ત રહેવા માંગતો હતો. તે જલ્દી સાંજ થાય અને વરુણ સાથે વાત થાય એની રાહ જોઈ રહ્યો હતો.

રાત્રે ઘરે જઈ અને જમવાનું પતાવી રોહન વરુણના મેસેજની રાહ જોવા લાગ્યો, અવંતિકા સાથે પણ વાતો ચાલી જ રહી હતી, રાત્રે બાર વાગ્યા પછી વરુણનો મેસેજ આવ્યો.

વરુણ : “સોરી ભાઈ લેઇટ મેસેજ કર્યો, ખુબ જ થાકી ગયો હતો ટ્રાવેલિંગમાં.  હમણાં હોટેલમાં આવી વાઈ ફાઈ કનેક્ટ કરી તને પહેલો મેસેજ કર્યો, મને ખબર છે કે તું જાગતો હોઈશ મારી રાહ જોવામાં.”

રોહન : “બસ ભાઈ તારી જ ચિંતા થતી હતી, ફ્રેશ થઇ જા પહેલા, અને હા, મમ્મી પપ્પા સાથે પણ વાત કરીલે.”

વરુણ : “હા, હવે એમને જ કોલે કરીશ, પણ હું જાણું છું કે તું મારી ચિંતા વધુ કરતો હોઈશ એટલે પહેલા તને મેસેજ કર્યો, આરામ પણ કરવો છે, એટલે તું પણ સુઈ જજે. હું પણ આરામ કરીશ હવે.”

રોહન : “ઓકે, બીજી વાતો પછી કરીશું, તું આરામ કરી અને ફ્રેશ થઇ જા. હું પણ સુઈ જાવ છું.”

વરુણ બાય કહી અને ફ્રેશ થવા માટે ગયો, રોહને પણ વરુણ સાથે થયેલી વાતો શેર કરી અને સુઈ ગયો.

વરુણની આંખોમાં લાંબા ટ્રાવેલિંગનો થાક હતો, પણ રાધિકા વિષેની જાણવાની તેની ઉત્સુકતા તેને આરામ કરવા દેતી નહોતી, તેને ના રાધિકાને જાણ કરી હતી ના રાધિકાના મમ્મી પપ્પાને અને પોતાના મમ્મી પપ્પાને પણ એ લોકોને જણાવવાની ના જ કહ્યું હતું. તે પોતાની આંખે જોવા માંગતો હતો કે રાધિકા શું કરી રહી છે. તેને બહાર નીકળી અને રાધિકાને શોધવી હતી પણ પગ કામ નહોતા કરી રહ્યા માટે હોટેલ ઉપર જ આરામ કરવાનું વિચાર્યું, તબિયત પણ થોડી નરમ હતી. એટલે થોડીવાર રેસ્ટ કરવા બેડ ઉપર લંબાવ્યું, થાકે એની આંખોમાં ઊંઘ ક્યારે ભરી દીધી ખબર જ ના રહી.

થોડીવાર આરામ કરવાનું વિચારી અને સુઈ ગયેલો વરુણ પાંચ કલાકના લાંબા આરામ બાદ ઉઠ્યો. અમેરિકામાં સાંજના ચાર વાગ્યા હતા. થોડો ફ્રેશ થઈ તે હોટેલની બહાર નીકળ્યો. વિદેશી ધરતી ઉપર વરુણને એકલતા લાગી રહી હતી, પણ જે કાર્ય માટે તે હજારો કિલોમીટર દૂર આવ્યો હતો તે કરીને જ પાછુ જવાના દૃઢ નિર્ણય સાથે તે વોશિંગટનની રસ્તા ઉપર ચાલવા લાગ્યો. થોડે સુધી ચાલી અને પોતાની હોટેલ ટ્વીનસ્ટાર તરફ પાછો ફર્યો, સામે મળેલા ઘણા ચહેરામાં તે રાધિકાનો ચહેરો શોધી રહ્યો હતો પણ વિદેશી ચહેરામાં તેને ક્યાય ભારતીય રાધિકા જોવા ના મળી. શું કરવું તેને ખબર પડતી નહોતી, હોટેલની ગેલેરીમાં તે આવી અને બેઠો.

આમ અચાનક બનાવેલા પ્રવાસે વરુણ કોઈ આયોજન કરી શક્યો હતો, તેના માટે રાધિકા સુધી પહોચવાનું જ એક લક્ષ્ય હતું, તે કઈ કોલેજમાં છે એ પણ તેને ખબર નહોતી ક્યારેય તેને પૂછ્યું પણ નહોતું. કારણ કે આજસુધી એ જાણવાની એને જરૂર પણ નહોતી પડી. પણ અત્યારે તેને જરૂર હતી, તે કઈ કોલેજમાં છે ? રાધિકાને પોતાની આંખે જોવા માંગતો હતો. એકવાર તો થયું કે રાધિકાને મેસેજ કરી અને કોલેજનું નામ પૂછી લઉં પણ પછી વિચાર્યું કે જો અચાનક આવું પૂછીશ તો એના મનમાં એમ જ થશે કે અચાનક કેમ પૂછ્યું, એ કારણ પૂછશે અને હું એ કારણ આપી શકીશ નહિ. વરુણ રાધિકાના ઘરે પણ જવા માંગતો નહોતો. જો તેના ઘરે જાણ થાય કે વરુણ અમેરિકામાં છે તો રાધિકાના પપ્પા ના વરુણના પપ્પા સાથેના સારા સંબંધોના કારણે તેને હોટેલમાં રહેવા ના દે. અને વરુણ જે કામ માટે આવ્યો છે એ પણ થઇ શકે નહિ અને તેના કારણે જ વરુણે એના મમ્મી પપ્પા ને કોઈને જાણ કરવાની ના કહી હતી. વરુણ એટલું જાણતો હતો કે રાધિકાનો પરિવાર વોશિંગટનમાં રહે છે.

વરુણને મનમાં થયું કે જો આ સમયે રોહન તેની સાથે હોત તો તેને એકલું ના લાગતું, પણ રોહન પાસે પાસપોર્ટ નહોતો, અને વરુણે એટલું જલ્દી આયોજન કર્યું હતું કે એટલો જલ્દી એનો પાસપોર્ટ બની શકે તેમ પણ નહોતો, અને એમ્બેસીની પ્રક્રિયા પણ કઠીન હોવાના કારણે રોહનને સાથે લાવી શકાય તેમ નહોતું. માટે જે કરવાનું છે તે પોતા એ જ કરાવનું છે એમ માની વરુણ રૂમ તરફ પાછો વળ્યો, વોશિંગટનની સાંજ ભારતીય સાંજ કરતાં ઘણી જુદી દેખાઈ રહી હતી. થોડીવાર રૂમમાં ટી.વી. માં કેટલીક લોકલ ચેનલ જોઈ, અને તેમાં પણ ક્યાંક રાધિકા દેખાઈ જાય એ વિચારે ઘણીવાર સુધી એક જ ચેનલને જોતો રહ્યો. પછી પોતાનો મોબાઈલ લઇ અને વોશિંગટનની કેટલીક કૉલેજ સર્ચ કરી. ઘણીબધી કોલેજોના નામ જોઈ અને વરુણનું મગજ કામ કરતુ બંધ થઇ ગયું, આ બધી કૉલેજમાં રાધિકાને શોધવા જતાં એક વર્ષપણ ઓછું પડે તેમ હતું. ફોનની સ્ક્રીન ઓફ કરી બેડમાં બાજુ ઉપર મૂકી માથે હાથ દઈ બેસી ગયો, તેની પાસે માત્ર એક જ મહિનો હતો અને તેમાં પણ તેને ઘણાબધા કામ હતા, તેને થયું રોહન સાથે વાત કરું તેને રોહનના મોબાઈલમાં મેસેજ કર્યો, થોડીવાર રાહ જોઈ પણ રોહનનો જવાબના આવતા ડીનર લેવા માટે એજ હોટેલમાં ગયો.

જમી અને બહાર ગેલેરીમાં આવી બેઠો. મોબાઈલ જોયો તો રોહનનો મેસેજ હતો.

“કેમ છે મારા ભાઈ ?”

રોહન સાથે વરુણ પોતાની મૂંઝવણ શેર કરવા માંગતો હતો. એટલે આરામથી બેસી તેને જવાબ આપ્યા…

નીરવ પટેલ “શ્યામ”

ભાગ – ૨૨


ગેલેરીના સોફા ઉપર બેઠા બેઠા વરુણે પોતાની મૂંઝવણ રોહન સાથે શેર કરવા લાગ્યો.

વરુણ : “યાર મને કઈ સમજાતું નથી, હું કેવી રીતે રાધિકા સુધી પહોચીશ ?”

રોહન : “તું આમ કોઈ આયોજન વગર નીકળી ગયો છે એટલે આ તકલીફ તો થવાની જ હતી.”

વરુણ : “હા, પણ હવે કંઇક તો કરવું પડશે ને ?”

રોહન : “કઈ નહિ હવે ગયો છું તો હિંમત રાખ અને શાંતિથી કંઇક વિચાર કોઈને કોઈ રસ્તો તો જરૂર મળશે.”

વરુણ : “હા, કંઇક તો કરવું જ પડશે, આજે તો કઈ થઇ શક્યું નથી, પણ આવતીકાલથી મારા પ્રયત્નો શરુ કરી દઈશ.”

રોહન : “બેસ્ટ લક મારા ભાઈ, તને બહુ મિસ કરું છું, જલ્દી તારું કામ પૂર્ણ કરી પાછો આવી જા.”

વરુણ : “હા, હું પણ તને ઘણો જ મિસ કરું છું, જલ્દી મારા મન ઉપરનો બોજ ઉતરી જાય, એટલે તરત પાછો ફરીશ., સારું ચલ હું હવે આરામ કરું,”

રોહન : “ધ્યાન રાખજે તારું.”

વરુણ : “તું પણ.”

વરુણ વાત પૂરી કરી અને પોતાના રૂમ તરફ વળ્યો અને રોહન કોલેજ તરફ ગયો. રાત્રે સુતા સુતા વરુણ બીજા દિવસે શું કરવું તેનું મનોમંથન કરી રહ્યો હતો. મગજ કામ કરી રહ્યું નહોતું, છતાં પણ કંઇક કરવાનું છે એવું વિચારી લીધું. ઓનલાઈન ટેક્ષી બૂક કરાવી, સવારે ૭ વાગે હોટેલની નીચે ટેક્ષી આવી જશે. ટેક્ષી ડ્રાઈવર મોટાભાગના વિસ્તારોનો જાણકાર હોય છે, માટે તેને કોલેજોની માહિતી હશે. એટેલ એ કોઈના કોઈ ઠેકાણે લઇ જ જશે. એમ માની સુઈ ગયો.

સવારે વહેલા ઉઠી તૈયાર થઇ ટેક્ષીની રાહ જોઈ વરુણ બેઠો હતો. મેપમાં કેટલાંક લોકેશન સર્ચ કરી જોયા. બરાબર ૭ વાગે ટેક્ષી હોટેલના ગેટ ઉપર આવી પહોચી. રોહને ટેક્ષી ડ્રાઈવર ને સમજાવ્યું અને ડ્રાઈવર વોશિંગટનના રસ્તાઓ ઉપર કાર હંકારવા લાગ્યો.

ઘણી કોલેજો ઘણી જગ્યાઓ ગયા બાદ વરુણને નિરાશા જ હાથ લાગી, રાધિકા ક્યાય પણ દેખાઈ નહિ. પહેલો દિવસ એમ જ પૂરો થઇ ગયો, બીજા દિવસે પણ એ મુજબ જ સવારે ૭ વાગ્યાથી લઇ મોડા સુધી તે રાધિકા ક્યાંક દેખાઈ જાય એ આશાએ તેને શોધ્યા કરતો પણ રાધિકા ક્યાંક મળતી નહિ. રાત્રે રોહન સાથે થોડીવાર વાત કરી લેતો, રોહન પણ તેને હિંમત સિવાય કઈ આપી શકતો નહિ.

એક દિવસ, બે દિવસ એમને એમ આઠ દિવસ પુરા થયા પણ રાધિકા કઈ કોલેજમાં અભ્યાસ કરે છે કે ક્યાં રહે છે તેની કોઈ ખબર મળી રહી નહોતી. રોહન સાથે વાત કરતાં એક દિવસ તો વરુણ રડવા લાગ્યો, તેને લાગ્યું કે તેને અમેરિકા આવીને ભૂલ કરી છે. પાણીની જેમ પૈસા વહાવવા છતાં રાધિકા મળી રહી નહોતી. પણ વરુણે તેને સમજાવ્યો કે “હવે ગયો છું અને તારી પાસે હજુ સમય છે, એટલે એ ક્યાંકને ક્યાંક તો તને મળી જ જશે. રોહનનો આપેલો દિલાસો હિંમત વધારી રહ્યો હતો.રોહનને પણ ચિંતા થતી હતી પણ બીજું તે શું કરી શકવાનો હતો.

વરુણને હવે એક એક દિવસનો સમય વિતાવવો કઠિન થઈ રહ્યો હતો, પણ ગમે તેમ કરી તેને દિવસો પુરા કરવા હતા અને એમાં પણ રાધિકા વિશે જાણવું હતું, એક દિવસ થાકી કંટાળી વરુણ હોટેલ રૂમના બેડ ઉપર નિરાશ થઈ બપોરના સમયે સુઈ રહ્યો હતો, એ દિવસે અમેરિકામાં રજાનો દિવસ હતો. ફોન પણ બાજુમાં રહેલા ટેબલ ઉપર રાખી દીધો. વરુણ વિચાર જ કરી રહ્યો હતો કે હવે શું કરવું ? અને અચાનક આવેલા એક મેસેજ ટોનના આવજે તેનું ધ્યાન ભંગ કર્યું, પહેલા તો વિચાર્યું કે નથી જોવો મેસેજ પણ આ સમયે ખાસ કોઈના મેસેજ હોય નહીં એટલે મોબાઈલ હાથમાં લઈ અને જોયું તો રાધિકાનો મેસેજ હતો.

રાધિકા એ મેસેજ માં લખ્યું હતું :

“મિસ યુ વરુણ,

તારી ખૂબ જ યાદ આવે છે.

સોરી, મને અહીંયા તારા માટે સમય નથી મળતો,

પણ જલ્દી હું ભણવાનું પૂર્ણ કરી ઇન્ડિયા પાછી આવી જઈશ.

પછી હું અને તું લગ્ન કરી એક સુખી જીવન પસાર કરીશું.”

વરુણને મેસેજ જોઈ એક સમય તો રાધિકાને કહેવાનું મન થઇ પણ ગયું કે “હું અમેરિકા આવી ગયો છું, તું કહું તો અત્યારે જ તને મળવા આવી પહોંચું.”પણ તેને પોતાની જાતને રોકી લીધી, અને તે દિવસે ઓનલાઈન હોવા છતાં જવાબ નહોતો આપ્યો અને જે કારણથી તે સાત સમુદ્ર પાર આવ્યો છે તે યાદ આવ્યું. નોર્મલ રીતે જ રાધિકા સાથે વાત કરી

“કેમ છે તું ?”

રાધિકાએ થોડા સમય પછી જવાબ આપ્યો.

“તારા વગર મઝામાં તો નથી પણ ખુશ રહેવાનું નાટક હવે કરી લઉં છું, તું પણ અહીંયા ભણવા માટે આવી ગયો હોત તો કેવું સારું હતું ?”

વરુણ : “ના, મારે મારા મમ્મી પપ્પા પાસે રહી ને આગળ વધવું છે, મારે એમને છોડી અને ત્યાં નહોતું આવવું.”

રાધિકા : “ઓકે નો, પ્રોબ્લેમ.”

વરુણ આવા જ કોઈ અવસરની રાહ જોઈ રહ્યો હતો અને તેને રાધિકાને પૂછી લીધું.

વરુણ : “રાધિકા, એક વાત પૂછું ?”

રાધિકા : “હા પૂછને !!”

વરુણ : “મારો એક મિત્ર છે, રોહન. તેને અમેરિકા ભણવા આવવાની ઈચ્છા છે, એને ઘણીવાર મારી સાથે વાત કરી પણ મેં એને કંઈ બરાબર માર્ગદર્શન ના આપ્યું. તને શું લાગે છે, ત્યાં કઈ કોલેજ એના માટે સારી રહે ?”

રાધિકા : “અહીંયા વોશિંગટનમાં તો ઘણી કોલેજ છે, પણ એને કઈ કોલેજ અનુકૂળ પડે એ પણ જોવું જોઈએ ને.”

વરુણ : “હા, એ સાચી વાત છે, તું કઈ કોલેજમાં છે ?”

રાધિકા : “મારી કોલેજનું નામ જાણી ને તું શું કરીશ ? અને આ કોલેજમાં એડમિશન ના લેવાય, ભણાવવા કરતા એસઇમેન્ટ વધારે આપે છે, જાતે જ મહેનત કરીને ભણવું પડે.”

વરુણ : “મારે કોઈ કામ નથી, પણ આ તો મમ્મી પપ્પા ક્યારેક પુછેછે કે રાધિકા કઈ કોલેજમાં છે, તો મારે મને ખબર નથી એમ કહેવું પડે છે. અને પપ્પાતો મને ક્યારેક સંભળાવે પણ છે કે તને ખબર તો હોવી જોઈએ ને !”

રાધિકાએ હસવાના ઇમોજી મોકલ્યા…

વરુણ થોડું જુઠઠું બોલીને પણ સાચી હકીકત જાણવા માંગતો હતો, અને અત્યારે તે રાધિકાની સાથે પહેલાની જેમ જ વાત કરી રહ્યો છે તે બતાવવા માંગતો હતો માટે વરુણે કહ્યું :

“તને હસવું આવે છે, પણ મારો જ દર વખતે મઝાક બની જાય છે, મમ્મી પપ્પાને પણ ખબર છે અને તારી કોલેજ પુરી થતા જ આપણા લગ્નની વાત તારા પપ્પાને કરવાના છે.”

રાધિકા : “ખરેખર !”

વરુણ : “હા, એકવાર હું મમ્મી પપ્પાને આપણાં લગ્નની વાત કરતાં સાંભળી ગયો હતો. બોલને હવે કઈ કોલેજમાં છું તું ?”

રાધિકા : “હું નોર્થ વેસ્ટ ઇન્ડિયન કોલેજ માં છું.°

વરુણે પોતાની પાસે કઈ કઈ જગ્યાની મુલાકાત લીધી તેની નોંધ કરી રાખી હતી, રાધિકાનો જવાબ આવતા તેને લિસ્ટ ચેક કર્યું. અને યાદ આવ્યું આ કોલેજની બહાર તો તેને ત્રણ ચાર કલાક વિતાવ્યા હતા પણ રાધિકા દેખાઈ નહોતી. આ વિશે પછી વિચારીશ પહેલા રાધિકાને જવાબ આપવાનો હતો.

વરુણ : “ઓકે, હવે હું પણ મમ્મી પપ્પા પૂછશે તો જવાબ આપી શકીશ.”

બીજી કેટલીક નોર્મલ વાતો રાધિકા સાથે કરી પણ દરેક વાતમાં રાધિકાને કોઈ શક ના જાય તેનું વરુણ ખાસ ધ્યાન રાખી રહ્યો હતો. થોડીવાર વાતો કરી વરુણે મોડું થયું હોય અને પોતે ઇન્ડિયામાં છે એવું બતાવવા માટે સુઈ જવા માટેનું કહી વાત પૂરી કરી.

રાધિકા સાથે વાત પૂર્ણ થતાં, વરુણને જાણે કોઈ રસ્તો મળી ગયો હોય એમ લાગ્યું, પંદર દિવસ તો એમ જ પુરા થઈ ગયા. હવે તેની પાસે માત્ર પંદર દિવસ જ બચ્યા હતાં. રોહન સાથે વાત કરવાનું મન થયું પણ અત્યારે મોડી રાત હશે અને એ સુઈ રહ્યો હશે એમ વિચારી તેને હાથમાં લીધેલ મોબાઈલ પાછો રાખી દીધો. પણ મન માન્યું નહિ, પાછો મોબાઈલ લઈ તેને એક મેસેજ તો કરી જ દીધો. મેસેજ જોતા તે રીપ્લાય જરૂર આપશે એવી આશાએ તે અગાઉ શું કરવું તેનું આયોજન કરવા લાગી ગયો.

રાધિકાએ જે કોલેજનું નામ લીધું તેની મુલાકાત વરુણે લીધી હતી. પણ ત્યારે રાધિકા તેને દેખાઈ નહોતી. કદાચ એ દિવસે તેને રજા રાખી હશે એમ કરી મનને મનાવી લીધું. હવે પછીના દિવસે એજ કોલેજની બહાર બેસીને રાહ જોવાની હતી. રાધિકા દેખાતા એનો પીછો કરવાનું નક્કી કર્યું.

રાધિકા સાથે વાત થઈ અને એની કોલેજનું નામ જાણતા વરુણને થોડો સંતોષ થયો હતો. તેનું મન રોહન સાથે વાત કરવા માટે ઉત્સાહિત થઈ રહ્યું હતું, રોહનના ઉઠવાના સમયની રાહ જોઈને તે થોડીવાર રૂમમાં અને થોડીવાર બહાર ગેલેરીમાં આંટા માર્યા કરતો હતો. એક એક મિનિટ તેને એક એક કલાક જેવી લાગી રહી હતી. વરુણની ઉત્સુકતાનો અંત આવ્યો અને રોહનનો મેસેજ મોબાઈલમાં દેખાયો. વરુણ મેસેજ આવતા સીધો બેડ ઉપર બેસી ગયો.

વરુણ : “રોહન . એક સારા સમાચાર છે.”

રોહન : “હા, જલ્દી કહી દે, રાધિકા મળી ?”

વરુણ : “ના, રાધિકા તો નથી મળી પણ એ કઈ કોલેજમાં છે એ ખબર પડી ગઈ છે.”

રોહન : “વેરી ગુડ, આ ખબર પણ રાધિકા સુધી પહોંચ્યા બરાબર જ છે.”

વરુણ : “હા, મને જ્યારથી ખબર પડી છે, ત્યારથી હું તારી સાથે વાત થાય એ માટે રાહ જોઈ રહ્યો છું.”

રોહન : “તો રાત્રે ફોન કરી શકાય ને ?”

વરુણ : “ના, આટલી મોડી રાત્રે તને ઉઠાડવાનું પાપ ના કરી શકું હું !”

રોહન : “હા, હું તો ભૂલી જ ગયો તું બહુ સાહુકાર છે. ચાલ જવા દે એ વાત.. એમ કહે કે તને ખબર કેવી રીતે મળી ? એ રસ્તામાં ક્યાંક દેખાઈ ગઈ કે પછી કોઈ કોલેજમાં તે એને જોઈ ?”

વરુણ : “ના, એવું કંઈ નથી થયું, પણ બપોરે રાધિકા નો જ સામેથી મેસેજ આવ્યો, અને મેં એને આડકતરી રીતે ખોટું બોલીને એની કોલેજનું નામ પૂછી લીધું.”

રોહન : “સરસ… હવે તું ધ્યાન રાખી અને એના વિશેની બધી ખબર મેળવી લે. હવે તારી પાસે અડધા જ દિવસો રહ્યા છે અને કામ પણ વધારે છે, દરેક પગલું સાચવીને હિંમતથી મુકજે.. દરેક પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી રાખજે.”

વરુણ : “રોહન.. ખરેખર થોડી ખુશી પણ થઈ અને સાથે ડર પણ લાગવા લાગ્યો છે, રાધિકા ખરેખર બદલાઈ ગઈ હશે તો હું મારી જાતને કેમ કરી સાચવી રાખીશ ?”

રોહન : “કઈ નહીં થાય, હું તારી સાથે ભલે હાજર નથી, પણ તું હમણાં એવું જ સમજ કે સાથે છું, હું અવંતિકા અને સરસ્વતી દરેક પળમાં તારી સાથે ઊભા છીએ.”

વરુણ : “તમારા બધાના કારણે જ મને હિંમત મળી રહી છે. ચાલ હવે તું તારું કામ કર અને હું સુઈ જાવ. સવારે મિશન ઉપર જવાનું છે.”

રોહન : “હા, તારું આ કામ એક મિશન જેવું જ છે. ઓકે ભાઈ તારું ધ્યાન રાખજે..”

રોહન સાથે વાત કરી વરુણને થોડું હળવું મહેસુસ થયું. રાત્રે સૂતા સુતા પણ તે શું કરવું શું ના કરવું એજ વિચારોમાં હતો. ઊંઘ પણ ક્યારે આવી ગઈ તેની એને ખબર ના રહી.

સવારે રોજની જેમ ટેક્ષી સાત વાગે હોટેલના દરવાજે આવીને ઊભી થઈ ગઈ. આ વખતે ક્યાં જવું એ શોધવાનું નહોતું, પહોંચવાનું સ્થળ ખબર હતું. ટેક્ષીમાં બેસી અને વરુણે ડ્રાઈવરને “નોર્થ વેસ્ટ ઇન્ડિયન કોલેજ” લઈ જવા માટે કહ્યું. ડ્રાઈવર પણ સમજી ગયો કે સાહેબ પંદર દિવસથી જે જગ્યા શોધી રહ્યાં હતાં એનું સરનામું મળી ગયું છે. એટલે તેને પણ કઈ પૂછ્યા વિના કાર ને “નોર્થ વેસ્ટ ઇન્ડિયન કૉલેજ” તરફ હંકારી મૂકી….

નીરવ પટેલ “શ્યામ”

ભાગ ૨૩


કોલેજના ગેટથી સામે કાર ઊભી રહી. કૉલેજ સામે જ એક કોફી શોપ હતું. ડ્રાઈવરને સાંજે કૉલેજ લેવા આવવા માટેનું કહી અને મોકલી દીધો. હજુ કૉલેજ શરૂ થઈ નહોતી. વરુણ કોફીશોપ આગળ આવ્યો. ત્યાંથી કોલેજમાં અવર જવર કરતાં બધા સ્ટુડન્ટ દેખાઈ રહ્યા હતા, એક સેન્ડવિચ અને કોફી ઓર્ડર કરી અને જે ટેબલ ઉપરથી નજર રાખી શકાય એજ ટેબલ ઉપર જઈને બેસી ગયો.

થોડા સમય બાદ કોલેજ સ્ટુડન્ટની અવર જવર ચાલુ થઈ ગઈ. વરુણની નજર રાધિકાને શોધી રહી હતી, ક્યારેક કોઈ ઇન્ડિયન છોકરીને દૂરથી આવતા જોઈ લાગતું કે રાધિકા છે, પણ એ ચહેરો જ્યારે ચોખ્ખો દેખાય ત્યારે નિરાશા જ મળતી. પણ વરુણને આશા હતી કે રાધિકા એને મળશે જ એટલે તે પુરી હિંમતથી રાહ જોઈ રહ્યો હતો.

બપોર થવા આવી પણ રાધિકા દેખાઈ નહિ, પણ હજુ વરુણની આશા જીવંત હતી, તેની નજર કોલેજના દરવાજા સામે જ હતી. સાંજ થવા આવી અને ટેક્ષી પણ વરુણને લેવા માટે પાછી આવી ગઈ. પણ રાધિકા હજુ દેખાઈ નહોતી. કોલેજ પણ બંધ થવા આવી. વરુણ થોડો નિરાશ થયો, તેને મનમાં એમ પણ થયું કે કદાચ રાધિકાએ કોલેજનું ખોટું નામ આપ્યું હોય તો ? પણ પછી વિચાર્યું કે એ કોલેજનું ખોટું નામ શું કામ આપી શકે ? આજે એને રજા રાખી હશે એમ માની તે હોટેલ ઉપર જવા રવાના થયો.

રાત્રે જમવાનું પણ મન ના થયું, રોહન સાથે દિવસ દરમિયાન જે કર્યું તેની વાત કરી અને બીજા દિવસે રાધિકા મળશે એ આશા સાથે સુઈ ગયો.

બીજા દિવસે ટેક્ષી ડ્રાઈવરને રવાના કરી એજ કોફીશોપની એજ ખુરશી ઉપર આવી બેસી ગયો. આજે તો વરુણને આશા હતી કે રાધિકા દેખાઈ જશે, સમય પસાર થતો ગયો પણ નિરાશા સિવાય કંઈ જ ના મળ્યું. પણ વરુણની ધીરજ ખૂટવાનું નામ નહોતી લેતી, દિવસ પૂરો થવા આવ્યો અને મનને મનાવી હોટેલ પાછો ફર્યો.

ત્રીજા દિવસે પણ વરુણ સવારે આવી તેની નિશ્ચિત થઈ ગયેલી જગ્યા ઉપર ગોઠવાઈ નરજને કોલેજ સામે રાખી બેસી ગયો.  બપોર સુધી પણ નિરાશા જ મળી, વરુણને મનમાં થયું કે રાધિકા કદાચ તેની નજરમાં ના આવતી હોય અને કોલેજની અંદર ક્યાંક હોઈ શકે, માટે કૉલેજમાં જાતે જ જઈ અને જોઈ આવવાનું વિચાર્યું, મનમાં થયું પણ ખરું કે રાધિકા જો તેને કૉલેજમાં જોઈ જશે તો શું જવાબ આપશે ? પણ આમ બેસી રહીને તો કઈ મળતું નથી , માટે જે થશે એ જોયું જશે એમ વિચારી પોતાના પગને કૉલેજની અંદર લઈ જવા માટે ઉપાડ્યા. કોઈને પૂછી પણ શકાય એમ હતું નહીં. એટલે જાતે જ કૉલેજમાં ફરી અને જોઈ લેવાનું વિચાર્યું.

ઘણીવાર સુધી કૉલેજમાં આમતેમ ફર્યો પણ કઈ હાથ લાગ્યું નહીં, અને નિરાશ થઈને બહારની તરફ આવવા જતો હતો ત્યારે જ એક ભારતીય અવાજે તેને રોકી લીધો. પાછળ ફરીને જોયું તો બે ભારતીય કૉલેજીયન વાતો કરી રહ્યાં હતાં, તેમની વાતોમાં કેટલાક  શબ્દો અંગ્રેજી અને કેટલાક હિન્દીમાં આવતા હતાં. તે લોકો પરીક્ષા વિશે નોટિસ બોર્ડમાં બેઠક વ્યવસ્થાનું લિસ્ટ મુકાયું છે તેની વાત કરી રહ્યા હતાં. અચાનક વરુણને વિચાર આવ્યો “જો રાધિકા આજ કોલેજમાં હશે તો એનું પણ નામ લિસ્ટમાં હશે જ.”

વરુણે એ છોકરાઓને નોટિસ બોર્ડ કઈ તરફ છે એ પૂછી અને એ તરફ ઉતાવળો ચાલવા લાગ્યો. નોટિસ બોર્ડ પાસે ભીડ જામેલી હતી, થોડે દૂર ઉભા રહીને પહેલા તો વરુણે એ જોયું કે એ ભીડમાં રાધિકા તો છે નહીં ને ? પણ એ ના દેખાતા નોટિસ બોર્ડ પાસે પહોંચ્યો, સિરીઝ પ્રમાણે નામ ગોઠવેલા હતાં, એ યાદી માંથી વરુણને એક આશાનું કિરણ નજરે ચઢ્યું, રાધિકાનું નામ એ લિસ્ટ માંથી મળી આવ્યું. અને એક હાશકારો અનુભવી કોલેજની બહાર નીકળ્યો. હવે તેની આશા વધુ બંધાઈ અને લાગ્યું કે રાધિકા આજ કૉલેજમાં છે અને તે બહુ જલ્દી જ મળી જશે.

ત્રીજો દિવસ પણ પૂરો થવા આવ્યો, રાધિકા કૉલેજ આવી નહીં, મનને મનાવી તે હોટેલ પાછો ગયો, રાત્રે રોહનને બધી વાત કરી, રોહને તેને કહ્યું “ભલે તે હમણાં નહિ આવે પણ પરીક્ષામાં તો જરૂર આવશે.” રાધિકાનું નામ લિસ્ટમાં જોઈ વરુણ પરીક્ષાની તારીખ જોવાનું ભૂલી ગયો હતો. તેને રોહનની વાત પણ યોગ્ય લાગી. વરુણે રોહન સાથે થોડીવાર સરસ્વતી અને અવંતિકાની વાતો કરી પછી સુઈ ગયો.

રોહન પણ વરુણ સાથે વાત કરી અને કૉલેજ પહોંચ્યો. વરુણ હવે થોડા જ દિવસમાં પાછો આવવાનો છે અને રાધિકાની કોલેજની પાક્કી માહિતી મળતા રોહનને વરુણની ચિંતા થોડી ઓછી થઈ હતી. સરસ્વતી અને અવંતિકાને પણ વરુણ વિશે બધું જણાવ્યું.

કોલેજ છૂટ્યા બાદ અવંતિકા અને રોહન મેદાનમાં રોજ થોડીવાર બેસતા. ક્યારેક કેન્ટીનમાં કે ક્યારેક લાઇબ્રેરીમાં પણ સાથે જ હોય. આજે મેદાનમાં બેસી અને આવનાર કોલેજના એન્યુઅલ ડે વિશે ચર્ચા કરી રહ્યા હતા.

અવંતિકા : “રોહન, કૉલેજના એન્યુઅલ ડેમાં તું કઈક કરને !!

રોહન : “હું શું કરું એમાં ? ના મને ડાન્સ આવડે છે ના સિંગર જેવો મારો આવાજ છે.”

અવંતિકા : “મારી તને સ્ટેજ ઉપર જોવાની ઈચ્છા છે, તારા માટે પડતી તાળીઓ મારે સાંભળવી છે.”

રોહન :(થોડું હસી ને) “પગલી… એ બધું ફિલ્મોમાં સારું લાગે, અને હું કઈ ફિલ્મી હીરો નથી તો આ બધું કરી શકું. હું એક સામાન્ય માણસ છું.”

અવંતિકા : “ભલે તું ફિલ્મનો હીરો નથી, પણ મારા માટે તું એક હીરો જ છે. આતો મને સહેજ વિચાર આવ્યો એટલે તને કહ્યું. પરફોર્મન્સ કરવું ના કરવું તારી મરજીની વાત છે. તું ભાગ લઈશ કે નહીં લઉં મારો પ્રેમ ઓછો થવાનો નથી.”

અવંતિકાને બોલતી સાંભળી રોહનને અવંતિકા ઉપર વધુ પ્રેમ આવી ગયો, બન્ને એક બીજાની આંખોમાં આંખો પરોવી મીઠું સ્મિત રેલાવવા લાગ્યા, અવંતિકાની આંખો શરમથી થોડી ઝૂકી પણ ગઈ. અવંતિકાનો પ્રેમ જોઈ રોહને કહ્યું :

“હજુ એન્યુઅલ ડેમાં બે મહિના જેટલો સમય બાકી છે, અને ત્યાં સુધી હું કંઈક તૈયાર કરી લઈશ બસ.”

રોહનને જવાબ સાંભળી અવંતિકા ખુશ થઈ ગઈ. મેદાન સિવાય કોઈ બીજું સ્થળ હોત જ્યાં બંને એકલા જ હોત તો અવંતિકા રોહનને ગળે લાગવી લેતી. પણ પોતાના અરમાનોને દિલમાં દબાવી રોહનનો હાથ પકડી “આઈ લવ યુ રોહન” બોલી શકી.

રોહન : “હું તારી ખુશી માટે કઈ પણ કરીશ.”

થોડીવાર સુધી બંને મેદાનમાં બેઠાં, પછી અવંતિકા પોતાના ઘર તરફ જવા નીકળી અને રોહન દુકાન ઉપર.

અવંતિકાને કહી તો દીધું કે તે કઈક કરશે પણ શું કરશે તેને ખુદને ખબર નહોતી. દુકાને પણ એજ વિચાર તેને સતાવ્યા કરતો હતો.કોઈની મદદ પણ લઈ શકાય એમ નહોતું. વરુણ પણ અમેરિકા છે અને તે પણ હમણાં એની મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે તો એને પણ કહેવાય એમ નહોતું. બીજા કોઈ ખાસ મિત્રો પણ બનાવ્યા નહોતા જેનું માર્ગદર્શન લઈ શકાય. તેને અવંતિકાને જ પૂછવાનું યોગ્ય લાગ્યું, કદાચ કોઈ બીજા પાસે તે માર્ગદર્શન લે અને ડાન્સ કે કોઈ ગીત રજૂ કરે અને અવંતિકાને ના પણ ગમે એટલે એને જ પૂછીને કંઈક કરીશ તો અવંતીકાને પણ ગમશે. રાત્રે જ અવંતિકા સાથે વાત કરી અને નક્કી કરવાનું વિચારી પોતાના કામ માં લાગી ગયો.

આ તરફ વરુણ સવારે રોજની જેમ ટેક્ષીમાં કોલેજ પહોંચ્યો, થોડીવાર તો કોફીશોપમાં બેસી રાધિકાની રાહ જોઈ, અને મોડા સુધી એ ના દેખાતા કોલેજની અંદર નોટિસ બોર્ડ પાસે પહોંચ્યો. પરીક્ષાની તારીખ વિસ દિવસ પછીની હતી, અને તેની પાસે હવે માત્ર અગિયાર દિવસ જ બાકી રહ્યાં હતાં. તેને બહાર નીકળી અને ટ્રાવેલ એજેન્ટને ફોન લાગાવ્યો.

વરુણ : “હેલ્લો, સંદીપભાઈ.”

સંદીપ(ટ્રાવેલ એજન્ટ) : “હા, બોલો વરુણ સર. કેવી ચાલે છે તમારી યુ.એસ.એ. ટ્રીપ ? કોઈ તકલીફ તો નથી થઈ રહી ને ?”

વરુણ : “ના, કોઈ તકલીફ નથી. પણ મારે આપનું થોડું કામ છે, એટલે મારે બીન સમયે ફોન કરી આપને ડિસ્ટર્બ કરવા પડ્યા.”

સંદીપ : “ના ના સર, આજ તો અમારું કામ છે, અને અમારા મોટાભાગના કસ્ટમર ફોરેન ટુર ઉપર જ હોય એટલે અમારા માટે તો રાત્રી એજ દિવસ. બોલો આપને શું કામ હતું ?”

વરુણ : “મારે પંદર દિવસના વિઝા વધારવા છે, હું હજુ થોડો વધુ સમય અહીંયા રોકાવવા માંગુ છું.”

સંદીપ : “સોરી સર. તમારા વિઝા વધી શકે એમ નથી, કારણ કે તમારા વિઝીટર વિઝા એક જ મહિનાના છે, અને અમેરિકન એમ્બેસીના રુલ્સ થોડા ટફ છે માટે પ્રયત્ન કરીશું તો પણ કઈ નહીં થઈ શકે. તમારા એક મહિનાના વિઝા લેવા પણ મુશ્કેલ હતાં છતાં તમારું ફેમેલી બેકગ્રાઉન્ડ અને બિઝનેશ ના આધારે તમને વિઝા મળી ગયા. પણ હવે વધારવા ના 99% કોઈ ચાન્સ નહિ મળે.”

વરુણ : “તમે ટ્રાય તો કરો, થોડા પૈસા વધુ થાય તો પણ હું ખર્ચી નાખીશ પણ તમે કંઈક રસ્તો કરો.”

સંદીપ : “પૈસા આપતા પણ આ થઈ શકે તેમ નથી. ગયા મહિને જ મારા એક કલાયેન્ટને આ પ્રોબ્લેમ આવ્યો હતો અને મેં ટ્રાય પણ કર્યો પણ કઈ થયું નહિ.”

વરુણ : “તો શું હવે કોઈ જ રસ્તો નથી ?”

સંદીપ : “મારા ધ્યાન મુજબ તો કોઈ રસ્તો નથી, ઘણાં લોકો આવી રીતે ઇન્ડિયા થી યુ.એસ.એ. વિઝીટર વિઝા લઈ જાય છે અને ત્યાંથી પછી પાછા નથી ફરતાં જેના કારણે ત્યાંની ગવર્મેન્ટ હવે સ્ટ્રીક થઈ ગઈ છે. તમારી મુદત પૂરી થતાં જો તમે પાછા ના ફરો અને ત્યાંની પોલીસના હાથમાં લાગી જાવ તો તમારો પાસપોર્ટ પણ જપ્ત થઈ શકે છે અને જેલ પણ થઈ શકે છે. એટલે હું તમને પણ એજ સલાહ આપીશ કે તમે તમારી સમય મર્યાદામાં ઇન્ડિયા આવી જાવ તો જ સારું રહેશે.”

વરુણ : “ઓકે. નો પ્રોબેલ્મ, મારે પણ ગેરકાયદેસર અહીંયા રહેવાનો કોઈ ઈરાદો નથી, આ તો જો લીગલી થઈ શકતું હોય એટલે તમારું માર્ગદર્શન મેં લીધું.”

સંદીપ : “સાચું માર્ગદર્શન આપવું તો અમારું કામ છે સર. અને તમે ચાહો તો થોડો ટાઈમ ઇન્ડિયા રહી અને પછી એપ્લાય કરી શકો છો, પાછા યુ.એસ.એ. જવા માટે.”

વરુણ : “જોઉં ચાલો ને. હજુ મારી પાસે દસ દિવસનો સમય છે, આશા રાખીશ હું જે કામથી આવ્યો છું એ પૂર્ણ થઈ જાય. તો બીજીવાર યુ.એસ.એ. આવવાની જરૂર ના રહે. અને આવવાનું થશે બીજીવાર તો તમારી જ મદદ લઈશ.”

સંદીપ : “શ્યોર સર. તમે ગમે તે સમયે મને કોલ કરી શકો છો. બીજી કોઈ તકલીફ હોય તો જણાવો.”

વરુણ : “ના બીજી કોઈ જ તકલીફ નથી. હોટેલ પણ ઘણી સારી છે. થેન્ક્સ. આટલી મોડી રાત્રે પણ મારા માટે સમય કાઢવા માટે.”

સંદીપ : “it’s my work sir.”

વરુણ : “ચાલો ત્યારે બાય સંદીપભાઈ.”

સંદીપ : “બાય.”

વિઝા વધી શકે એમ હતું નહીં. માટે આ દસ દિવસમાં જ રાધિકા સુધી ગમે તેમ કરી પહોંચવાનું હતું. દિવસ આખો પૂરો થયો પણ રાધિકા કોલેજ આવી જ નહીં. નિરાશ થઈને રોજની જેમ જ વરુણને હોટેલ પાછા ફરવું પડ્યું.

રોહને પણ ઘરે આવી પોતાનું કામ પૂરું કરી અને અવંતિકાને મેસેજ કર્યો.

રોહન : “અવંતિકા, મેં તને તો કહી દીધું, કે હું કંઈક કરીશ એન્યુઅલ ડે માં પણ શું કરીશ એ મને ખુદ ને જ ખબર નથી પડતી.”

અવંતિકા : “મને પણ કઈ આઈડિયા નથી આવતો કે તું શું કરીશ, અને રોહન ભાગ લેવો જરૂરી નથી, જો ના થઇ શકે તો આપણે કઈ નથી કરવું, જોવાની મઝા માણીશું.”

રોહન : “ના, મારે કંઈક તો કરવું જ છે, ભલે હું ત્યાં બેઠેલા બધાને ખુશ ના કરી શકું, પણ મારે તને ખુશ કરવી છે.”

અવંતિકા : “રોહને તું કઈ લખને ! તે તો ઘણાં પુસ્તકો વાંચી લીધા છે, તો તું કઈ પોતાનું લખી અને રજૂ કરી શકે છે ને !”

રોહન : “હા, એ વિચાર સારો છે. પણ ક્યાં વિષય ઉપર લખવું એ પ્રશ્ન પાછો આવીને ઉભો રહ્યો.”

અવંતિકા : “પ્રેમ વિશે લખ તું. કૉલેજમાં બધાને ગમશે જ. કારણ કે કૉલેજ સ્ટુડન્ટને પ્રેમ જેવા વિષયમાં વધારે રસ હોય છે.”

રોહન : “એ મારા માટે ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે જ્યારથી તું મળી છે ત્યારથી હું પ્રેમમાં છું. અને આટલા ઓછા સમયનો અનુભવ હું કેવી રીતે વર્ણવી શકું ?”

અવંતિકા : “જો એના માટે એક રસ્તો છે, તું મને પ્રેમ કરે છે, અને તું મારી સાથે જ આખી લાઈફ વિતાવવા માંગે છે. અત્યારે આપણે એકબીજાને પ્રેમ કરીયે છીએ, ભવિષ્યમાં સાથે હોઈશું તો એકબીજાને કેવો પ્રેમ કરતા હોઈશું ? શું આજ પ્રેમ જીવનભર ટકી રહેશે ? એવું વિચારી અને કંઈક લખી નાખ.”

રોહન : “હું પ્રયત્ન કરીશ.”

અવંતિકા : “રોહન તું કરી શકીશ. અને હા ભગત બનીને આવું ના વિચારતો, એક પ્રેમી બનીને વિચારો કરજે તો બહુ સારું લખી શકીશ.”

અવંતિકા એ એટલું લખી થોડા હસવાના ઇમોજી મોકલ્યા જવાબમાં રોહને પણ હસવાના ઇમોજી મોકલ્યા. થોડીવાર વાતો કરી એકબીજાને પ્રેમભર્યા શબ્દો કહી સુઈ ગયા.

વરુણ પાસે હવે દિવસો બહુ જ ઓછા રહ્યાં હતાં, બીજા પાંચ દિવસ પણ કોલેજની બહાર રાહ જોવામાં નીકળી ગયા પણ રાધિકા કૉલેજ આવી જ નહીં. હવે માત્ર પાંચ દિવસ જ બચ્યા હતાં. પચ્ચીસ દિવસથી જેને શોધવા માટે વરુણ ભારતથી અમેરિકા સુધીની સફર ખેડીને આવ્યો હતો તે રાધિકાનું કોલેજના નામ સિવાય તેને કઈ મળ્યું નહોતું,

પચ્ચીસમાં દિવસની એ સાંજે કૉલેજથી પાછા ફરતાં હોટેલથી પાંચ કિલોમીટર દૂર વરુણે ટેક્ષીને ઊભી રખાવી. ટેક્ષી ડ્રાઈવરને ત્યાંથી રવાના કરી અને ચાલતો હોટેલ તરફ જવા નીકળ્યો. છેલ્લા કેટલાય દિવસથી એક જ રસ્તે પસાર થતાં હોવાના કારણે રસ્તો યાદ રહી ગયો હતો. પગમાં પણ હવે હિંમત રહી નહોતી. છતાં ઉદાસ આંખો લઈ વોશિંગ્ટનના રસ્તા ઉપર ધીમે ધીમે ચાલવા લાગ્યો. અંધારું થવા લાગ્યું, અને વોશિંગ્ટનની સડકો અને તેની આજુબાજુની દુકાનો લાઈટથી પ્રકાશિત થવા લાગી. દિવસ કરતાં પણ ત્યાંની રાતો રંગીન લાગતી હતી.પચ્ચીસ દિવસથી વરુણ અહીંયા હોવા છતાં રાધિકાને શોધવામાં આ શહેરને બરાબર જોયું જ નહોતું, અને આજે જ્યારે એ આ રસ્તાઓ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને કઈ ગમી રહ્યું નહોતું.

રોડક્રોસ કરવા માટે વરુણ એક સિગ્નલ પાસે આવીને ઊભો રહ્યો. ત્યાં એક સ્પોર્ટ્સ કાર થોડે દુર સિગ્નલ ખુલવાની રાહ જોઇને ઊભી હતી. ખુલ્લા માથાવાળી એ કારમાં બે છોકરીઓ અને બે છોકરાઓ હતા. સિગ્નલ ખુલવામાં દસ સેકેન્ડનો સમય બાકી હતો. વરુણે પહેલાં તો એ છોકરા છોકરી તરફ બહુ ધ્યાન ના આપ્યું, પણ સિગ્નલ ઉપર પાંચ સેકેન્ડ બતાવતા કારમાં બેઠેલા એ ચાર જણ મોટેથી કાઉન્ટ કરવા લાગ્યા.. ફાઈવ.. ફોર..થ્રી.. ત્યારે ત્યાં ઊભેલા મોટાભાગના લોકોની નજર એ કાર ઉપર મંડાઈ એ સાથે વરુણે પણ એ તરફ નજર નાખી અને ત્યારે તેના હોશ ઊડી ગયા. એ બે છોકરીમાં એક છોકરી રાધિકા જેવી જ દેખાઈ. સિગ્નલ પર એક અવતાની સાથે જ એ ચાર જણ જોરથી બુ..મ.. બોલતા ત્યાંથી નીકળ્યા પણ વરુણને માનવામાં જ ના આવ્યું કે એ રાધિકા હોઈ શકે. એ કારની પાછળ વરુણ ખા.તરી કરવા માટે દોડવા લાગ્યો. પણ કારની સ્પીડ અને વરુણના દોડવાની સ્પીડમાં ઘણું અંતર હતું, છતાં પણ જે દિશામાં કાર ગઈ હતી એ જ દિશા તરફ વરુણ દોડતો રહ્યો. દૂર સુધી એ કાર ક્યાંય દેખાતી નહોતી છતાં વરુણ પોતાની બધી જ તાકાત લાગવી દોડી રહ્યો હતો.

દોડતા દોડતા વરુણના મગજમાં વિચારો ચાલી રહ્યાં હતાં કે “શું આ રાધિકા જ હતી ? ઇન્ડિયામાં તો રાધિકાનું આ રૂપ ક્યારેય જોવા મળ્યું નહોતું, ના એ ક્યારેય આવી રીતે ઊંચા અવાજે બોલતી.પણ પચ્ચીસ દિવસ સુધી એક કોલેજ સિવાય મને એના વિશે કઈ જ ખબર નથી પડી, અને આજે આંખો સામે એના જેવો ચહેરો આવ્યો , કદાચ આજ ઈશ્વરનો કોઈ સંકેત હશે.” એવું વિચારી દોડવા લાગ્યો.

હાંફતો હાંફતો તે એક જગ્યા ઉપર ઊભો રહ્યો, જે કારમાં તેણે રાધિકા જેવો ચહેરો જોયો હતો એ કાર એક ઠેકાણે પાર્ક કરેલી જોવા મળી. કારમાં કોઇ હતું નહીં. કારની સામે એક ક્લબ હતો. થોડો શ્વાસ લઈ એ લોકો કલબની અંદર ગયા હશે એમ માની વરુણ અંદર દાખલ થયો..

નીરવ પટેલ “શ્યામ”

ભાગ -૨૪


ક્લબની અંદરનો નજારો જોઈને જ વરુણને એક અલગ દુનિયામાં આવ્યાનો અનુભવ થયો. અત્યાર સુધી ફિલ્મોમાં જે જોયેલા ક્લબમાં એ આજે પોતે ઊભો હતો,  રંગેબેરંગી ઝગારા મારતી લાઈટ, વિલાયતી બ્રાન્ડના દારૂના કાઉન્ટર, દરેક ઉંમરના લોકો, અર્ધનગ્ન કપડામાં ફરતી યુવતીઓ, નશામાં ઝૂમી રહેલા યુવાનો જોઈ વરુણ થોડીવાર થંભી ગયો, તેના મનમાં પહેલો પ્રશ્ન થયો કે “શું આ જગ્યા ઉપર રાધિકા હોય શકે ખરી ? પણ રસ્તામાં જોયેલો એ ચહેરો તો તેને રાધિકા જેવો જ લાગ્યો હતો, ભલે એ અહીંયા હોય કે ના હોય, ભલે રાધિકા જેવી દેખાતી કોઈ વ્યક્તિને મેં રાધિકા માની લીધી હોય, પણ આટલે સુધી જો હું આવ્યો છું અને ખાતરી નહિ કરું તો મારા જ મનમાં અફસોસ રહી જશે.” એમ વિચારી પોતાના પગને ક્લબની એ રંગતમાં લઈ ગયો. એક કાઉન્ટર પાસે જઈને ઊભો રહ્યો.. ઝગમગતી રોશનીમાં કોઈ ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યાં નહોતા.. સૌ પોતાની મસ્તીમાં ઝૂમી રહ્યાં હતાં, કાઉન્ટર પર રહેલા કાઉન્ટર બોયએ અંગ્રેજીમાં દારૂની અલગ અલગ પ્રકારની બ્રાન્ડના નામ કહ્યા, વરુણે આ પહેલા ક્યારેય નશો કર્યો નહોતો. પણ આજે તેની માનસિક સ્થિતિ તેને નશો કરવા પ્રેરી રહી હતી. મગજમાં ચાલતા વિચારો તેને પાગલ કરી મૂકે તેમ હતાં, જેના કારણે તેને કાઉન્ટર બોય પાસે એક પેગ મંગાવ્યો. ગ્લાસ હાથમાં પકડી હોઠ સુધી લાવતાં તે ત્યાં જ અટકી ગયો. અને વિચારવા લાગ્યો : “કે શું રાધિકાનો પ્રેમ મને આ હદ સુધી લઈ આવ્યો કે જેના કારણે આજે મારા હાથમાં દારૂનો ગ્લાસ પણ આવી ગયો ? રાધિકા અહીંયા છે કે નહીં એ પણ મને ખબર નથી, પણ જો આજે હું આ લત ને લગાવી લઈશ તો કદાચ છૂટવી મુશ્કેલ પણ બની જશે, પ્રેમમાં ચોટ પામેલા ઘણાં પ્રેમીઓને મેં નશા તરફ વળી બરબાદ થતાં જોયા છે.અને આ પીધા પછી રાધિકા આંખો સામે હશે તો પણ હું એને નશામાં નહીં ઓળખી શકું !” એટલું વિચારી વરુણે ગ્લાસ બાજુ ઉપર મૂકી દીધો. અને સોફ્ટડ્રિન્કનો ઓર્ડર કર્યો.

તેની નજર કારમાં જોયેલા એ ચહેરાઓને શોધી રહી હતી. પણ કોઈના ચહેરા સ્પષ્ટ દેખાતા ના હોવાના કારણે તે કોઈને ઓળખી શક્યો નહિ. અને કાઉન્ટર પાસે જ બેસી રહ્યો. ત્યાં જ એક વિલાયતી યુવાન કાઉન્ટર પાસે આવ્યો અને ઓર્ડર આપવા ઊભો રહ્યો. વરુણની નજર તેની ઉપર પડી, જે વ્યક્તિ કાર ડ્રાઇવ કરી રહ્યો હતો તે એજ હતો. પળવાર તો તેને પૂછી લેવાનું મન થયું કે “તારી સાથે હતી એ છોકરી રાધિકા હતી ?” પણ તેને પૂછવા કરતાં જાતે જ જોવાનું વિચાર્યું. એ ઓર્ડર આપી સામેના ખૂણામાં ગોઠવેલા ટેબલ તરફ ગયો. વરુણ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો.

તે યુવાન તે લોકો જ્યાં બેઠા હતાં ત્યાં પાછો પહોંચ્યો અને એક છોકરીના ખભે હાથ રાખીને બેસી ગયો. વરુણને તેની પાછળનો ભાગ દેખાઈ રહ્યો હતો. માટે તેંમને વધુ ધ્યાનથી જોવા માટે તેનાથી થોડે દૂરના ટેબલ ઉપર ગોઠવાયો. વરુણને જેને જોઈ મનમાં થયું હતું કે એ રાધિકા છે તે તેનાથી ઉલટી દિશામાં હતી, અને એજ પેલા ડ્રિંક ઓર્ડર કરવા આવેલા વ્યક્તિને વળગીને બેઠી હતી. થોડીવાર સુધી એ લોકો સામે જ વરુણે જોયા કર્યું, તેના મનમાં થતું કે ક્યાંક એ લોકો ઊભા થાય ને એ છોકરીનો ચહેરો દેખાઈ આવે. પણ એવું બન્યું નહીં. જે છોકરાને વળગીને બેઠી હતી તે છોકરો તેને વધુ જકડી રહ્યો હતો, તેના શરીર ઉપર પોતાનો હાથ ફેરવી રહ્યો હતો, એ બધું જોતા વરુણની અંદર એક દાવાનળ પ્રગટી ઉઠ્યો હતો, પણ આ સમય ધીરજ રાખવાનો હતો, અને તે હળવા મને જોવા માંગતો હતો કે તે રાધિકા જ છે કે બીજું કોઈ.

તેની સામે બેઠેલું કપલ ઊભું થયું અને ડાન્સ કરવા માટે ગયું, પણ જેના ઉપર શક હતો એ બન્ને હજુ ત્યાં જ બેઠા રોમાન્સની પળો માણી રહ્યાં હતાં, ભારત દેશ હોત તો જાહેરમાં આવું ના થઇ શકે પણ આ તો અમેરિકા હતું, અહીંયા શરમ જેવું કંઈ હોતું નથી તેનો અનુભવ આજે વરુણને થઈ ગયો.

જેમ જેમ સમય પસાર થતો હતો, તેમ તેમ વરુણને જાણવાની ઉત્સુકતા પણ વધતી જતી હતી, પળવાર તો એને થઈ પણ ગયું કે એ લોકો સામે જ જઈ અને ઊભો થઈ જાવ પણ રાધિકા કદાચ તેને ઓળખવાથી જ ઇનકાર કરી દે તે વાત નો ડર હતો.

ઘણીવાર સુધી એ લોકોના ઊભા થવાની રાહ જોઈ પણ એ લોકો રોમાન્સમાં એટલા ઊંડા ઉતરી ગયા હતાં કે તેમને ઊભા થવાની જરૂર જ નહોતી. વરુણે વિચાર્યું કે “જો આજ રીતે અહીંયા બેસીને તે રાહ જોઈ રહેશે અને એ જ્યારે ઊભા થશે ત્યારે ટોળાના કારણે દેખાઈ નહિ શકે, વળી અહીંયા રોશની પણ ઘણી ઓછી છે તો પાક્કી ખબર પણ નહીં પડી શકે, માટે બહાર પાર્કિંગમાં જઈ અને રાહ જોવી યોગ્ય ગણાશે, એ લોકો બહાર તો નીકળશે, અહીંયા મારી ધ્યાન બહાર એ નીકળી જાય એ પહેલાં મારે બહાર જ જતું રહેવું જોઈએ અને ત્યાં આસાનીથી એને ઓળખી પણ શકાશે.”

વરુણ એ ટેબલ ઉપરથી ઊભો થઈ અને બહાર પાર્કિંગ પાસે આવી ગયો. જ્યાં એ લોકોની કાર પાર્ક કરેલી હતી અને જ્યાંથી એ લોકો ચાલી ને જઈ શકે એજ રસ્તા ઉપર તે બેસી ગયો. ત્યાંથી આવતાં જતાં દરેક વ્યક્તિ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. થોડી જ વારમાં એ લોકો પણ બહાર નીકળ્યા પણ બે જ વ્યક્તિ હતાં, જેના પર શક લાગી રહ્યો હતો તે વ્યક્તિ અને જે વ્યક્તિ ડ્રિન્ક ઓર્ડર કરવા આવી હતી એ બન્ને કાર તરફ આવવા લાગ્યા. એ બન્ને ચાલતા ચાલતા પણ રોમાન્સમાં જ ખોવાયેલા હતાં, કદાચ ડ્રિન્કનો નશો પણ હશે, પણ એ બંને હોશમાં લાગી રહ્યાં નહોતા.

બન્ને કારનો દરવાજો ખોલી અને અંદર બેઠાં અને દરવાજો લોક કરી એક  બીજાના હોઠમાં હોઠ પરોવી બેસી ગયા. ખુલ્લી સ્પોર્ટ્સ કાર હોવા છતાં હવે બન્ને વચ્ચે શરમનો એક પણ પડદો નહોતો. પેલા છોકરાના હાથ, એ છોકરીના આખા શરીરને સ્પર્શી રહ્યાં હતાં, આ તરફ વરુણના મનની આગ ભડકે બળી રહી હતી. ચાલતા ચાલતા પણ એ છોકરીનો ચહેરો સ્પષ્ટ દેખાયો નહોતો કારણ કે એ પેલા છોકરા સાથે એ રીતે વળગીને બહાર આવી હતી કે તેને ઓળખવી મુશ્કેલ હતું.

વરુણને હવે શું કરવું તેની ખબર પડતી નહોતી, આ રીતે તો ક્યારેય સમજી નહીં શકે કે તે રાધિકા છે કે બીજું કોઈ ? શાંત ચિત્તે તે વિચારવા લાગ્યો એવામાં તેનો હાથ પોતાના ખિસ્સામાં ગયો. ખિસ્સામાં મોબાઈલ હતો. વરુણે મોબાઈલ બહાર કાઢી હાથમાં લીધો અને વોટ્સએપમાં રાધિકાની ચેટ ઓપન કરી. અને મેસેજ કર્યો, થોડીવાર સુધી તેને જોયું પણ મેસેજ ડિલિવર તો થઈ ગયો હતો પણ રીડ નહોતો થયો, સામે બંને વ્યક્તિઓ પોતાના રોમાન્સની હદો પાર કરી રહયા હતાં, વરુણને છેલ્લો રસ્તો વોટ્સએપ કોલિંગ કરવાનો દેખાયો. જો એ રાધિકા હશે તો પોતાનો કોલ જોવા માટે બંને અલગ થશે અને ત્યારે સાબિત થઈ જશે કે એ રાધિકા જ છે, વરુણે વોટ્સએપ કોલિંગ ઉપર આંગળી મૂકી અને નજરને કાર તરફ રાખી. એક રિંગ… બીજી રિંગ.. ત્રીજી રિંગ.. ચોથી રીંગે કારમાં રહેલી છોકરીએ એ છોકરાને થોડો દૂર હડસેલ્યો અને પોતાનો મોબાઈલ જોયો. બે સેકેન્ડ માટે મોબાઈલ જોઈ અને બાજુ ઉપર મૂકી પાછી એ છોકરાને વીંટળાઈ ગઈ. વરુણના મોબાઈલમાં બીપ બીપના અવાજ સાથે કોલ કટ થયો. વરુણે બીજીવાર પણ એવું જ કર્યું. અને બીજીવાર પણ કારમાં રહેલી છોકરી ફોન જોઈ બાજુ ઉપર મુક્યો. ત્રીજીવાર પણ વરુણે એમ જ કર્યું, પણ આ વખતે એ છોકરીએ ફોનને થોડીવાર સુધી પકડી રાખ્યો અને સ્વીચઓફ કર્યો. સ્વીચઓફ કરવા જેટલા સમયમાં કારમાં રહેલી એ છોકરીનો ચહેરો ફોનની બ્રાઈટનેસના કારણે સ્પષ્ટ દેખાઈ આવ્યો. અને વરુણને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે એ રાધિકા જ છે. ફોન બાજુ ઉપર મૂકી અને એ પોતાના રોમાન્સની મઝા માણવા લાગી પણ આ સમયે વરુણની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. પોતે શું કરે હવે તેનો કોઈ અંદાઝો પણ તેને ના રહ્યો. એક સમય તો તેને થઈ પણ ગયું કે “કાર પાસે જઈ અને રાધિકાને એક તમાચો મારી દે.” પણ તેના સંસ્કાર તેને એક સ્ત્રી ઉપર હાથ ઉગામતા રોકી રહ્યાં હતાં, ભલે રાધિકા પોતાના ભારતીય સંસ્કાર ભૂલી અને પશ્ચિમી રંગમાં રંગાઈ ગઈ હોય પણ પોતે તો ભારતીય છે અને તે રાધિકાનો તમાસો બનાવવા નહોતો માંગતો.

બીજી એકવાર તેને રાધિકાને ફોન કરવાની ઈચ્છા થઈ અને આ વખતે તેને વોટ્સએપ કોલ ના કરતાં રેગ્યુલર કોલ કર્યો. પણ તેને ધારણ સાચી પડી રાધિકાએ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો. વોટ્સએપમાં મેસેજ કર્યો તે પણ ખાલી સેન્ડ જ થયો ડિલિવર ના થયો. હવે વરુણના મનમાં કોઈ પ્રશ્ન રહ્યો નહીં. અને તેને ખોટી વ્યક્તિને પ્રેમ કર્યો તેનું દુઃખ થવા લાગ્યું, જો રોહન હોત તો રોહનને વળગીને પોતે રડી શકતો પણ પારકા દેશમાં પારકા લોકો વચ્ચે તેને કોઈ ખભો રડવા માટે મળ્યો નહીં. એક થાંભલાના સહારે તે રડતો રહ્યો ઘણીવાર સુધી. થોડી જ વારમાં તે કાર પણ ત્યાંથી ચાલી ગઈ. વરુણ એકલો એકલો રડી રહ્યો હતો. પણ હવે રડવા સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. પોતાની જાતે જ તે હિંમત એકઠી કરી અને એક ટેક્ષી લઈ હોટેલ પહોંચ્યો.

હોટેલ પહોંચીને વરુણ ને આ ક્ષણે રોહન સાથે વાત કરવાની ઈચ્છા હતી. વરુણે થોડા હળવા થઈ અને રોહનને ફોન લગાવ્યો. રોહને પણ તરત ફોનનો ઉઠાવી વાત કરી.. વરુણે પહેલાં તો બનેલી બધી ઘટનાઓ રોહનને જણાવી બોલતા બોલતા પણ વરુણની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. રોહનને પણ વરુણની વાત સાંભળી ઘણું દુઃખ થયું, અને તેને બરાબર સમજવતાં કહ્યું :

“વરુણ, તે તારી નજરે હવે જોઈ લીધું છે કે રાધિકા ખરેખર બદલાઈ ચુકી છે. તો પછી હવે તું એને ભૂલી જા. અને જીવનમાં આગળ વધવાનું વિચાર. કદાચ ઈશ્વરે તારા નસીબમાં રાધિકા કરતા પણ બીજી કોઈ પ્રેમાળ વ્યક્તિ લખી હશે. અને ભગવાનનો આભાર માન કે તારા આવવાના ચાર દિવસ પહેલા જ તે એને જોઈ લીધી. જો તું એને જોયા વગર જ ઇન્ડિયા આવી ગયો હોત તો તારા જવા ઉપર અને રાધિકા વિશે જાણ્યા વગર તારા મનમાં પ્રશ્નો જ ઉદ્દભવતા હોત.”

વરુણ : “હા, રોહન તું સાચું કહી રહ્યો છે. પણ મને હવે પ્રેમ ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે, હું હવે મારા જીવનમાં કોઈને આવવા જ નહીં દઉં. જેના કારણે મારે બીજીવાર દુઃખનો સામનો કરવો પડે.”

રોહન : “વરુણ, જીવનમાં કોણ આવશે અને કોણ જશે એ તો સમય નક્કી કરશે. તું અત્યારે એટલું વિચાર કે અમે તારી સાથે છીએ, અમે તારી રાહ જોઈ રહ્યા છીએ, તારા મમ્મી પપ્પા તને ઘણો પ્રેમ કરે છે. બીજું બધું જ તું ભૂલી જા.”

વરુણ : “હા, હું ભૂલવા જ માંગુ છું, પણ મારી નજરે જોયેલા એ રાધિકાના હાલ હું કેવી રીતે ભૂલી શકું ? કોઈ બીજા વ્યક્તિ સાથે જે રાધિકા હતી એ રાધિકાને મેં અહીંયા ક્યારેય જોઈ જ નથી. જેની સાથે મેં જીવન વિતાવવાના સપનાં જોયા, આજે મેં એને બીજાની બાહોમાં ઝૂમતા જોઈ, મારી આંખો સામે એ દરેક પળ દેખાઈ રહી છે.”

રોહન : “જે થવાનું હતું એ થઈ ગયું અને એ એક સપનું સમજી ને એને ભૂલી જા દોસ્ત.”

વરુણ : “હા, હું ભૂલી જઈશ પણ એ પહેલાં મારે એક કામ કરવું છે, હું રાધિકાના ઘરે જવા માંગુ છું.”

રોહન : “કેમ રાધિકાના ઘરે ?”

વરુણ : “મારા અને રાધિકા વચ્ચે જે હતું, તે અમારો પરિવાર પણ જાણે છે, અને અમારા લગ્ન કરાવવાની વાત પણ ઘણીવાર મેં  પપ્પા જ્યારે રાધિકાના પપ્પા સાથે વાત કરતાં ત્યારે સાંભળી છે, અને જો હું હમણાં જ એમના ઘરે જણાવી દઈશ કે હું આ લગ્ન માટે તૈયાર નથી તો એ વાત ઉપર પૂર્ણવિરામ મુકાઈ જશે. પણ જો હું નહીં કહું અને જ્યારે સમય નજીક આવશે ત્યારે ના કહીશ તો અમારા બંને ઘર વચ્ચેના સંબંધો પણ તૂટી જશે. હું નથી ઇચ્છતો કે મારા કારણે મારા પપ્પાના સંબંધો પણ તૂટે !”

રોહન : “વાત તો તારી સાચી છે, આ વાત ઉપર જેટલું જલ્દી પૂર્ણવિરામ મુકાઈ જાય એટલું જ સારું છે. પણ ધીરજથી વાત કરજે.”

વરુણ : “હા, હું એ લોકો સમજી શકે એ રીતે જ મારી વાત કરીશ. અને જો રાધિકા સાથે એકાંતમાં વાત થશે તો એને હું પૂછીશ કે તે કેમ આવું કર્યું ?”

વરુણ અને રોહને ઘણીવાર સુધી વાત કરી. રોહન સતત વરુણને હૂંફ આપ્યા કરતો. બે જ દિવસનો સમય હવે વરુણ પાસે હતો. રોહન સાથે વાત કરી વરુણે તેના પપ્પા પાસે રાધિકાના ઘરનું સરનામું મંગાવ્યું, અને તે લોકોને જાણ ના કરવાનું કહ્યું, તે પોતાની જાતે જ સૌને આશ્ચર્યમાં રાખી અને જવા માંગતો હતો.

બીજા દિવસે સવારે ટેક્ષી મંગાવી વરુણ રાધિકાના ઘર તરફ જવા રવાના થયો….

લે. નીરવ પટેલ “શ્યામ”

ભાગ – ૨૫


વરુણ ટેક્ષીમાં તેના પપ્પાએ આપેલા રાધિકાના ઘરના સરનામે પહોચ્યો. રાધિકાના પપ્પા જયેશભાઈનો કારોબાર અમેરિકામાં પણ ખુબ જ વિકાસ પામ્યો હતો એવું વરુણે તેના પપ્પા પાસે સાંભળ્યું હતું, પણ આજે રાધિકાના ઘરનો વૈભવ જોઈ અને એ વાત સમજાઈ રહી હતી. સવારનો સમય હતો, પણ વોશિંગ્ટનની ગલીઓમાં આળસ નહોતી દેખાતી. ટેક્ષીમાંથી નીકળી વરુણ બહારથી જ ઘરને અને આજુબાજુના વિસ્તારને જોતો ઉભો હતો. સાથે મનોમન વિચારી પણ રહ્યો હતો કે “રાધિકાના પપ્પાએ પોતાનું બધું જ ધ્યાન પોતાના બીઝનેસ પાછળ જ લગાવ્યું લાગે છે જો એમને તેમાંથી દસ ટકા પણ જો રાધિકા પાછળ ખર્ચ્યું હોત તો ગઈ કાલે જે રાધિકાને ક્લબમાં જોઈ એ રાધિકા ના હોત. પણ અફસોસ છે કે પૈસાની દોડમાં માણસ આંધળો બની જાય છે. પોતાના સંતાનોના મોજશોખ પુરા કરાવવા, તેમને મનગમતી વસ્તુ લઇ આપવી એમાં જ પોતાની સાચી સિદ્ધી માનતા હોય છે, પણ એવા મા બાપ ભૂલી જાય છે કે બાળક એમના પૈસાને કે વસ્તુઓને નહિ એમના સમયને પણ ઝંખતું હોય છે, એમની હુંફ એમની લાગણીના ભૂખ્યા હોય છે. અને મા બાપ દ્વારા જો પ્રેમ,લાગણી,હુંફ અને સમય જે બાળકોને નથી મળતો તેવા બાળકો જ ગેરમાર્ગે દોરાઈ જતાં હોય છે.”

ગેટ ખોલી વરુણ અંદર પ્રવેશ્યો, જયેશભાઈ બહાર ગાર્ડનમાં બેઠા બેઠા પોતાના લેપટોપમાં કંઇક જોઈ રહ્યાં હતા. વરુણ આવ્યો તેની એમને ખબર નહોતી. અને તેઓ પોતાના લેપટોપમાં એટલા વ્યસ્ત હતાં કે ગેટમાંથી કોણ પ્રવેશે છે તે પણ જોવાનો તેમની પાસે સમય નહોતો. વરુણ અંદર પ્રવેશી રાધિકાને શોધી રહ્યો હતો. પણ ગાર્ડનમાં ક્યાય રાધિકા દેખાઈ નહિ, ઘરની અંદરથી રાધિકાની મમ્મી કુસુમબેન આવતા હતા. તેમની નજર વરુણ ઉપર પડી. વરુણને જોઇને તે એકદમ ચોકી ગયા. અને બોલી ઉઠ્યા :

“અરે, વરુણ બેટા તું ?”

જયેશભાઈને પણ કુસુમના અવાજથી જ ખબર પડી કે ગેટ ખોલીને કોઈ અંદર આવ્યું છે, અને તે વરુણ છે. તેમણે પણ વરુણને જોઈ અને પોતાનું લેપટોપ બાજુ ઉપર મુક્યું, અને વરુણને આવકારવા ઉભા થયા.

વરુણે બંનેની પાસે જઈ અને એમના ચરણસ્પર્શ કરી પોતાના ભારતીય સંસ્કારોની ઓળખ આપી. જયેશભાઈએ કહ્યું પણ ખરું : “વરુણ, હજુ સહેજ પણ નથી બદલાયો.”

વરુણને કહેવાનું મન થઇ ઉઠ્યું હતું કે “હું હજુ એવો જ છું પણ તામારી દીકરી અહિયાં આવીને ઘણી બદલાઈ ગઈ છે, ગઈકાલે તમે એનું જે રૂપ જોયું હોત તો આજે મારી સામે આંખો પણ ના મિલાવી શકતા હોત.” પણ એ રાધિકા વિષે એમને કઈ કહેવા માંગતો નહોતો. જયેશભાઈ પૂછવા લાગ્યા :

“તું ઇન્ડિયાથી ક્યારે આવ્યો ? અને અમને ઇન્ફોર્મ પણ ના કર્યું ? અને તારો સામાન ક્યાં છે ?”

વરુણ : “અંકલ, મારા આવ્યે એક મહિનો થવા આવ્યો અને હું બે દિવસ પછી પાછો પણ જવાનો છું.”

કુસુમ : “પહેલા એને બેસવા માટે તો કહો પછી ચર્ચા કરો.”

જયેશભાઈ : “હા, સોરી બેસ વરુણ.”

વરુણ અને જયેશભાઈ ગાર્ડનમાં જ બેઠા. કુસુમબેન ચાના કપ તૈયાર કરવા લાગ્યા.”

જયેશભાઈના પ્રશ્નો ચાલુ જ હતા, પણ વરુણને બધા જ પ્રશ્નોની જાણ હતી માટે તે પૂરી તૈયારી સાથે જ આવ્યો હતો.

જયેશભાઈ : “તું એક મહિનાથી અહિયાં આવ્યો છે અને જવાના બે દિવસ પહેલા અમારા ઘરે આવે છે ? અને અમને જાણ પણ ના કરી ? તારા પપ્પાએ પણ અમને કેમ ના કહ્યું ?”

વરુણ : “અંકલ, હું થોડા મિત્રો સાથે એક કામથી અહિયાં આવ્યો હતો, એટલે મેં તમને ડીસ્ટર્બ ના કર્યા, હોટેલ બુકિંગ હતું અને કામ પણ ઘણું હતું જેના કારણે મળવા આવવું પણ શક્ય નહોતું, આજે થોડો સમય લઈ અને સ્પેશીયલ તમને મળવા જ આવ્યો.”

કુસુમબેન : “હવે બે દિવસ તારે અહિયાં જ રહેવાનું છે.”

વરુણ : “સોરી આંટી, હજુ મારે થોડું કામ બાકી છે, અને એ આ બે દિવસમાં પૂરું કરવું પડે એમ છે. માટે વધુ સમય મારાથી રોકાઈ શકાય એમ નથી. ટેક્ષી પણ બહાર જ ઊભી રખાવી છે, જો તમને મળ્યા વગર જ પાછો ચાલ્યો ગયો હોત તો હું આવ્યો છતાં તમને મળવા નાં આવ્યાનો અફસોસ થતો. એટલે આજે આવી જ ગયો.”

જયેશભાઈ : “એની વે બેટા, ઘરે બધા કેમ છે ?”

વરુણ : “બધા જ મઝામાં છે. તમને ખુબ જ યાદ કરે છે.”

કુસુમબેન : “રાધિકા હજુ સુઈ રહી છે, રાત્રે એક ફ્રેન્ડની બર્થ ડે પાર્ટી હતી તો મોડી આવી હતી, હું એને ઉઠાવીને બોલાવું.”

વરુણના મનમાં તો થઇ રહ્યું હતું કે “મેં જોઈ છે એને ગઈ કાલે બર્થ ડે પાર્ટી ઉજવતાં. અને એ જો સામે આવશે તો હું મારી જાત ઉપર જ કાબુ નહિ રાખી શકું અને કંઇક બોલાઈ જશે એના કરતાં એ સુઈ રહી છે ત્યાં સુધી હું નીકળી જઈશ એજ સારું રહેશે.”

વરુણ એમને ઉભા થતાં રોકતા : “ના આંટી, એને સુઈ રહેવા દો. આમ પણ મારી પાસે એટલો સમય નથી અને એ આવશે તો વાત લાંબી ચાલશે.”

કુસુમબેન : “અરે. એ ઉઠશે અને અમે કહીશું તો એ અમને જ ઝગડશે.”

વરુણ : “હું એને સમજાવી દઈશ, તમે ચિંતા ના કરો.”

કુસુમબેન : “સારું, તું નાસ્તો તો કરીશ ને ?”

વરુણ : “ના, આંટી હોટેલમાં હું બ્રેકફાસ્ટ કરીને જ આવ્યો.”

જયેશભાઈ : “વરુણ આવું કેમ ચાલે બેટા, તું આટલા દુરથી આવ્યો અને અમે તારા માટે કઈ ના કરી શક્યાં!”

વરુણ : “અંકલ, એમાં તમારો વાંક ક્યાં છે ? મારી પાસે જ સમયનો અભાવ છે.”

જયેશભાઈ : “એની વે, બીજું શું ચાલે છે ઇન્ડીયામાં ? અને ખાસ આપણા અમદાવાદમાં ?”

વરુણ : “બસ તમે જે અમદાવાદ છોડી ને ગયા હજુ એવું જ છે, કોઈ ફર્ક નથી પડ્યો, હા થોડી ઇમારતો અને રસ્તા વધી ગયા છે બાકી વધારે કઈ ખાસ નહિ.”

જયેશભાઈ : (થોડા મર્માળા સ્મિત સાથે) “તો હવે લગ્ન વિષે શું વિચાર છે તારો ? તારા પપ્પા સાથે તો વાત થઇ જ હતી, પણ આજે તને પણ પૂછી લઉં. તું અને રાધિકા એકબીજાને પસંદ તો કરો જ છો, મારે રાધિકા સિવાય બીજું કોઈ છે પણ નહિ, અને મારી નજરમાં તારાથી શ્રેષ્ઠ છોકરો બીજો કોઈ નથી.”

વરુણ : “સોરી અંકલ, પણ હું હમણાં લગ્ન માટે તૈયાર નથી.”

જયેશભાઈ : “અરે હમણાની હું ક્યાં વાત કરું છું, હજુ તો રાધિકાનું પણ ભણવાનું ચાલુ જ છે, હજુ એકાદ-બે વર્ષ પછીની વાત છે .”

વરુણ : “અંકલ, લગ્ન કરી હું બંધાઈ જવા માંગતો નથી, મારે હજુ ઘણુબધું કરવું છે, અને મેં ઘણા સપના જોયા છે જે હું પુરા કરવા માંગું છું, લગ્નના બંધનમાં બંધાઈ જઈને મારા સપનાઓને અધૂરા રાખવા નથી માંગતો.”

જયેશભાઈ : “અરે દીકરા, લગ્નએ બંધન ક્યાં છે ?અને લગ્ન બાદ પણ તું તારા સપના પુરા કરી જ શકે છે ને. તારા પપ્પાનો બીઝનેસ પણ સેટ થઇ ગયો છે, તારે તો માત્ર તેને આગળ જ વધારવાનો છે ને ?”

વરુણ : “ના અંકલ, હું મારી જાતે જ મારો રસ્તો બનાવવા માંગું છું, પપ્પાનો બીઝનેસ ભલે રહ્યો પણ હું મારી રીતે કંઇક કરવા માંગું છું. અને સોરી અંકલ હું લગ્ન નહિ કરી શકું.”

જયેશભાઈના ચહેરાના ભાવ થોડા બદલાઈ રહ્યાં હતા, પણ એમને આશા હતી કે વરુણ અત્યારે ના કહે છે પણ એના પપ્પા સાથે વાત થતાં એ મનાવી લેવાના છે એટલે તમને વરુણ સાથે લગ્નની ચર્ચા ના કરી. વરુણ પણ રાધિકાનો ચહેરો તેમની આંખો સામે લાવવા માંગતો નહોતો, જો તેને રાધિકા વિષે બધું જ કહ્યું હોત તો એમને સામે ચાલીને લગ્નની વાત કરતાં પહેલા પણ વિચાર કરવો પડતો. પણ વરુણ માત્ર લગ્ન નથી કરવાનું જ જણાવવા આવ્યો હતો.

“ચાલ વરુણ તને મારું ઘર બતાવું એમ કહીને ઘરની અંદર લઇ ગયા, અમેરિકામાં પણ આલીશાન પ્રોપર્ટી જયેશભાઈએ વસાવી લીધી હતી. રાધિકાના રૂમનો દરવાજો લોક નહોતો. જયેશભાઈએ દરવાજો ખોલ્યો, રાધિકા આલીશાન બેડમાં બ્લેન્કેટ ઓઢી અને સુઈ રહી હતી. વરુણની નજર ત્યાં ના અટકી પણ બાજુમાં એક ટેબલ ઉપર પડેલા ડ્રેસ ઉપાર અટકી, એ જ ડ્રેસ કાલે રાધિકા એ પહેર્યો હતો, જે ઘરે આવી ચેન્જ કરી અને ટેબલ ઉપર મૂકી દીધો હશે. રાધિકાના રૂમમાંથી બહાર નીકળી આખું ઘર વરુણે જોયું, થોડીવાર ડ્રોઈંગ રૂમમાં બેસી વાતો કરી અને પછી વરુણે જવાની રજા માંગી.

જયેશભાઈએ એરપોર્ટ ડ્રોપ કરવા આવવા માટે કહ્યું પણ વરુણે “ના” કહ્યું ટ્રાવેલ એજેન્ટે બધી વ્યવસ્થા કરી છે એમ જાણવી કુસુમબેન અને જયેશભાઈને બાય કહી ટેક્ષીમાં હોટેલ જવા રવાના થયો.

વરુણે રાધિકાના પપ્પા સાથે કરેલી વાતનો વરુણને પૂરો સંતોષ નહોતો, તે હજુ જયેશભાઈને સમજાવવામાં પુરેપુરો સફળ રહ્યો નહોતો તેમ એને લાગી રહ્યું હતું. પણ રાધિકા સાથે લગ્ન ના કરવાના બીજનું રોપાણ તો તેને કરી દીધું તેનો આનંદ હતો. ધીમે ધીમે જયેશભાઈ પણ બધી વાત સમજી જશે અને એ પણ રાધિકા અને તેના લગ્નની વાત નહિ કરે.

રાધિકાને ઉઠી ત્યારે જયેશભાઈ ઓફીસ જવા નીકળી ગયા હતા, પોતાના રૂમાંથી ફ્રેશ થઈ તે ડાઈનીંગ ટેબલ ઉપર આવીને નાસ્તો કરી રહી હતી. કુસુમબેન પણ તેની બાજુમાં જ હતા. કુસુમબેને રાધિકાને કહ્યું :

“સવારે વરુણ આવ્યો હતો.”

વરુણના આવ્યાની વાત સાંભળતા જ રાધિકા હાથમાં રહેલી ચમચી છૂટી અને જમીન ઉપર ટનનન.. અવાજ સાથે પછડાઈ.

એકદમ આશ્ચર્ય અને પહોળી થઇ ગયેલી આંખો સાથે રાધિકાએ કહ્યું :

“શું… ??? વરુણ… અહિયાં ??? આપણા ઘરે આવ્યો હતો ???”

કુસુમબેન : “હા, મેં એને કહ્યું : ‘હું રાધિકાને ઉઠાવું.’ પણ એને ના પાડી.”

રાધિકાને તરત યાદ આવ્યું, કે “ગઈકાલે વરુણ વોટ્સેપ ઉપર કોલ પણ કરતો હતો, કદાચ એ પોતાના આવ્યાના સમાચાર આપવા જ કરતો હશે પણ હું ડેવિડ સાથે રોમાન્સમાં વ્યસ્ત હતી અને કોલ કટ કર્યો હતો.” રાધિકાના મનમાં થયું કે વરુણે પપ્પાને કહ્યું તો નહિ હોય ને કે મેં રાધિકાને કોલ કર્યો અને તેને ઉઠાવ્યો નહિ ?” એટલે થોડા સંકોચ સાથે તેની મમ્મીને પૂછ્યું :

“તો એ રોકાયો નહિ ? અને આમ અચાનક આવીને કેમ પાછો પણ ચાલી ગયો ?”

કુસુમ : “તે કોઈ કામ માટે થોડા ફ્રેન્ડ સાથે એક મહિનાથી આવ્યો છે, અને એ ઉતાવળમાં જ હતો, થોડીવાર જ બેસી અને ચાલ્યો ગયો.”

વરુણ એક મહિનાથી અમેરિકામાં છે એ જાણી રાધિકાના મનમાં ગભરામણ થવા લાગી, તેના મગજમાં વિચારો દોડવા લાગ્યા, હમણા જ થોડા દિવસ પહેલા તેની સાથે વાત થઇ હતી. તેને કોલેજનું નામ પણ જણાવ્યું, અને ત્યારે વરુણે અમેરિકામાં છે એવું તો કહ્યું નહોતું. એ વિચારી દિમાગ ચકરાવે ચઢવા લાગ્યું.

કુસુમબેને રાધિકાના ચહેરા ઉપરની ચિંતાના ભાવ વાંચી લીધા અને પૂછી લીધું :

“શું થયું ? કેમ ગભરાયેલી લાગે છે ? તારી તો વરુણ સાથે વાત થાય છે જ ને !”

રાધિકા : “હા. પણ ત્યાનો અને અહિયાનો સમય સેટ નથી થતો એટલે ઓછી વાત થાય છે.”

કુસમ : “એને તને પણ નહોતું કહ્યું કે એ અમેરિકા આવે છે ?”

રાધિકા : “ના, એને મને પણ જાણ નથી કરી.”

વરુણે કેમ અમેરિકા આવ્યો અને તેને કોઈને જાણ કેમ ના કરી તે વિષે જાણવા માટે રાધીકાનું મન આકુળ વ્યાકુળ થઇ રહ્યું હતું.

“મમ્મી, વરુણ બીજું શું કહેતો હતો ?”

કુસુમ : “તું મને પહેલા એ કહે કે તારી અને વરુણ વચ્ચે કઈ થયું છે ?”

રાધિકા : “ના, પણ કેમ તું આવું પૂછેછે આજે ?”

કુસુમ : “તારા અને વરુણના લગ્નની વાત આપણે ઘણાં સમય પહેલાથી જ નક્કી કરી હતી, તું અને વરુણ એકબીજાને પસંદ પણ કરતાં હતા, પણ આજે વરુણે અચાનક લગ્ન કરવાની ના પાડી છે.”

રાધિકા : “મમ્મી, એને એવું કેમ કહ્યું મને પણ ખબર નથી, હમણાં થોડા દિવસ પહેલાં જ વાત થઇ હતી ત્યારે એને મને કઈ ના કહ્યું, હું અત્યારે જ એની સાથે વાત કરું.” એમ કહી અને રાધિકા ઉભી થઇ પોતાના રૂમમાં જઈ. દરવાજો અંદરથી બંધ કરી લીધો.

રૂમમાં બેઠા બેઠા પહેલા તો એ વિચારવા લાગી કે વરુણે કેમ આવું કર્યું ? ફોનમાં ઘણી વાર સુધી વરુણને ફોન કરવાનો પ્રયત્ન કરતી રહી પણ કોલિંગ બટન ઉપર આંગળી મુકવા જતાં જ રોકાઈ જતી હતી, કેવી રીતે વાત કરું એજ તેને સમજાઈ રહ્યું નહોતું, તેના મનમાં ઘણા પ્રશ્નો ઉભરાવવા લાગ્યા, શું વરુણ ને તેના વિષે માહિતી મળી ગઈ હશે ? શું વરુણ તેની કોલેજમાં તેને શોધવા ગયો હશે ? એ બધા સવાલોના જવાબ વરુણ પાસે જ હતા, અને છેવટે હિમ્મત કરી રાધિકાએ વરુણના ફોનમાં વોટ્સેપ કોલિંગ કર્યું.

વરુણ હોટેલના રૂમમાં રાધિકાના ફોન કે મેસેજ આવવાની જ રાહ જોઈ રહ્યો હતો, તેને ખબર જ હતી કે જયેશભાઈ કે કુસુમબેન તેને મારા આવ્યાના સમાચાર આપશે અને એ જાણવા માટે ફોન કે મેસેજ કરશે.

ફોનમાં રાધિકાનું નામ સ્ક્રીન ઉપર જોઇને વરુણ જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો એ આવી ગઈ એમ લાગ્યું અને ફોન ઉઠાવ્યો :

વરુણ : “તો તારો ફોન આવ્યો ખરો એમને, હું તારા જ ફોનની રાહ જોતો હતો.”

રાધિકા : “તું મને મળ્યા વગર કેમ જતો રહ્યો ?”

વરુણ : “તને લાગે છે આપણે મળવાનું હતું ?”

રાધિકા : “કેમ વરુણ આમ બોલે છે ? તું ક્યાં છે હું તને મળવા માંગું છું”

વરુણ : “સોરી, રાધિકા, પણ હવે મારી તને મળવાની ઈચ્છા નથી.”

રાધિકા : “શું થયું છે વરુણ એ મને કહેને ? તું અમેરિકા આવ્યો, મને ના જાણ કરી. તું ઘરે આવ્યો, મને ના જાણ કરી. કેમ આવું કરું છું મને કઈ સમજાતું નથી, પ્લીઝ વરુણ એકવાર મારે તને મળવું છે.”

વરુણ પણ ઈચ્છતો હતો કે રાધિકાને એકવાર મળી અને તેને શું જોયું છે અને તે અમેરિકા કેમ આવ્યો છે એ જણાવે. માટે વરુણે મળવા માટે રાધિકાને હા કહ્યું. વરુણ જે હોટેલમાં રોકાયો હતો એજ હોટેલમાં રાધિકાને સાંજે બોલાવી.

લે. નીરવ પટેલ “શ્યામ”
કોમેન્ટ માં જરૂર જણાવજો તમને આ સ્ટોરી કેવી લાગી. (ભાગ 26 વાંચવા માટે અહીં ક્લિક કરો )
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.