માણસનો સ્વભાવ જન્મથી જ લાલચવશ ઘેરાયેલો રહ્યો છે, કોઈપણ વસ્તુ હોય એ પ્રેમ હોય કે પૈસા માણસ એ લાલચમાંથી ક્યારેય બહાર આવી શકતો નથી અને પરિણામ સ્વરૂપે તેના જીવનમાં ઘણી જ મુશ્કેલીઓ પણ આવે છે, આ મુશ્કેલીઓને દૂર કરવાનો સાચો રસ્તો પણ ક્યારેક નથી મળતો, ક્યારેક એ પરિસ્થિતિમાં ઊંડા ઉતરી જઈએ છીએ કે બહાર આવવા માટે કોઈ રસ્તો બચતો પણ નથી, આજ વાતને હું તમને એક વાર્તા દ્વારા સમજાવીશ.

એક ખેતરની અંદર એક ખેડૂતે ત્રણ ઈંટોનો ચૂલો બનાવી પાણી ગરમ કરવાનું વિચાર્યું. ચૂલો બરાબર સળગી ગયા બાદ પાણીનું તપેલું ઉપર ચઢાવી તે ખેતરમાં કામે લાગી ગયો. હજુ પાણી ગરમ થયું નહોતું ત્યાં જ એક દેડકો આવીને એ તપેલામાં પડ્યો, દેડકાને તો પાણીમાં પડીને મઝા આવવા લાગી, જેમ જેમ પાણી હુંફાળું બનતું ગયું તેમ તેમ તેને વધારે ગમવા લાગ્યું, તેને તો એ તપેલામાંથી બહાર નીકળવાનું મન જ નહોતું થતું. તેને તો એવી મોજ આવવા લાગી કે જાણે પાણીમાં જ તેને સ્વર્ગ મળી ગયું.

ધીમે ધીમે પાણી વધારે ગરમ થવા લાગ્યું. હવે તો દેડકાને ગરમાવો થવા લાગ્યો હતો. તેને વિચાર્યું કે હજુ થોડીવાર પાણીમાં રહી લઉં પછી બહાર નીકળી જઈશ, પરંતુ થોડીવારમાં જ પાણી ઉકળવા લાગ્યું, હવે તેનાથી આ ગરમી સહન નહોતી થઈ રહી, તે બહાર નીકળવા માટે તપેલાની ધાર પાસે ગયો તો તપેલાની ધાર પણ ગરમ થઈ ગઈ હતી, દેડકો આખા તપેલામાં ગોળ ગોળ ફરતો રહ્યો પરંતુ બહાર નીકળવાનો એક પણ રસ્તો તેને મળ્યો નહિ, ગરમ પાણીમાં રહેવાના કારણે તે હવે કૂદી પણ નહોતો શકતો કૂદવા જતો અને પાણીમાં જ આવીને પાછો પડી જતો.

જેમ જેમ પાણી ઉકળતું ગયું તેમ તેમ દેડકો તરફડવા લાગ્યો, અને છેલ્લે એજ ગરમ પાણીમાં બફાઈને તેનું મૃત્યુ થઇ ગયું. જો દેડકાએ સાચી સમજદારી વાપરી અને પાણીના ઉકળ્યા પહેલા જ તપેલામાંથી બહાર નીકળવાનું વિચાર્યું હોત તો એનો જીવ પણ બચી જતો.

આપણે પણ ઘણીવાર એવું જ વિચારતા હોઈએ છીએ, જે સારું મળ્યું તેને જ મનભરીને માણી લેવું, તેમાં જ રચ્યા પચ્યા રહેવું પરંતુ સમય જતાં તેમાં રહ્યાનો તેને માણ્યાનો પણ અફસોસ થતો જ હોય છે, કોઈપણ પરિસ્થિતિ હોય સમય સૂચકતા વાપરી તેમાંથી બહાર નીકળી જવાની કળા જો તમારામાં આવી જાય તો ચોક્કસ તમે ક્યારેય પરિસ્થિતિને આધીન નથી જ બનતા.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.