“ એક હતા વાલા ભગત” – પુણ્યશાળી આત્મા એમના ગયા પછી પણ એમના પુણ્યનો પ્રભાવ છોડતા જાય છે, વાંચો આજે એવા જ એક ભગતની વાત મૂકેશ સોજીત્રાની કલમે ….

0

અભિષેક અને સંધ્યાએ પોતાનો સામાન પેક કર્યો. બધી જ તૈયારીઓ થઇ ગઈ હતી. રાતના સાડા બાર વાગ્યાની ટ્રેન વડોદરાથી પકડવાની હતી જે વહેલી સવારે પાંચ વાગ્યે રતલામ પહોંચાડતી હતી. તેના ગામથી વડોદરા લગભગ ૩૦૦ કિમી જેટલું દૂર હતું. એટલે આજે સવારે જ આઠ વાગ્યે ગારીયાધાર સુરત બસમાં એ પોતાની પત્ની અને પિતાજી સાથે વડોદરા જવાનો હતો. સવારના છ વાગ્યે બધો જ સામાન લઈને એ ઘરેથી નીકળ્યો. અભિષેકે પોતાની માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા.

image source : bp.blogspot.com

“સાચવીને રહેજે બેટા!! વહુનું ધ્યાન રાખજે!! જો કે તને ત્યાં ઠીકથી ફાવી જ જાય ત્યાં સુધી તારા પાપા તારી સાથે જ રહેશે. અજાણ્યો મલક કહેવાય ભલે તું થઇ ગયો હવે મોટો પણ મા બાપ માટે તો સંતાનો કયારેય મોટા થતા જ નથી!! સાચવજે દીકરા” અભિષેકની માતા લીલા બેને ભીની આંખે દીકરા અને વહુને બાથમાં લેતા કહ્યું.
1“ હવે તમે આંખમાં આંસુ સાથે દીકરાને કોચવોમાં.. એને હસતે મુખે હિંમત આપો. આ તો પંખીડાનો મેળો છે. કાયમ માટે થોડા ભેળા રહેવાના છીએ. સહુ સહુ પોતાના અનાજ પાણી અલગ અલગ ભોમકા પર લખાવીને આવ્યા હોય છે. ત્યાં ગયે જ છૂટકો” અભિષેકના પિતા વાલા ભગત બોલ્યાં અને દીકરા અને વહુ સાથે બસ સ્ટેન્ડ પર ચાલી નીકળ્યાં!!

નામ તો એનું વાલજી કરશન હતું. પણ બધા એને વાલા ભગત જ કહેતા હતા. અભિષેક સમજણો થયો ત્યારથી જ જોતો કે એના પાપા એની મમ્મીને હંમેશા માન સન્માન પૂર્વક માનાર્થે જ બોલાવતા.. અભિષેકને એની ઘણી નવાઈ લાગતી હતી. નહિતર ગામડા ગામમાં પત્નીને કોઈ પુરુષ માનવાચક શબ્દોથી બોલાવતા જ નહિ. વળી બીજી વાતની નવાઈ એ લાગતી કે એના પાપાએ કયારેય એની પર જરા અમથો પણ હાથ ઉપાડ્યો નહોતો. છોકરમતમાં અભિષેકથી ક્યારેક ભૂલ થઇ જતી ત્યારે એની માતા એને ખીજાતી.. કાન પકડતી કે એકાદ ટાપલી મારી પણ લે અને એ પણ એ વખતે કે જ્યારે એના પિતા ની હાજરી ન હોય!! બાકી ઘરમાં પિતાજી હોય એટલે અભિષેકને જાણે ગોળના ગાડાં!! ક્યારેક એની મમ્મી ધમકાવે ત્યારે વાલા ભગત કહેતા.

image source : .jdmagicbox.com

“ છોકરું છે.. એને ના ખીજાવાય.. બાળા રાજા કહેવાય ભગવાનનું સ્વરૂપ.. છોકરાની આજ તો મોજ મજા છે..એ ધીંગા મસ્તી ન કરે તો આપણે કરીશું.. તમે તો વાતે વાતે અથરા થઇ જાવ છો.. અભિને કોઈ દિવસ કોચવવાનો નથી.” અને આ વાત સાંભળીને લીલાબેન અહોભાવથી બાપ દીકરા સામું જોઈ રહેતા હતા. અને નાનકડો અભી વાલા ભગતના ખોળામાં માથું નાંખીને ટગર ટગર એની મમ્મીની સામું જોઈ રહેતો!!
સુરત વાળી બસમાં બેસીને સાંજના પાંચ વાગ્યે બધા વડોદરા પહોંચ્યા.. બસ સ્ટેન્ડની સામે જ રેલવે સ્ટેશન એટલે સર સામાન સાથે રેલવે સ્ટેશનના વેઈટીંગ રૂમમાં ખુરશીઓ પર બેઠા. વાલાભગત રેલવે સ્ટેશન પર લટાર મારવા નીકળી પડ્યા. રતલામની ગાડી તો હજુ આવવાને ઘણી વાર હતી.
અભિષેક અને સંધ્યા વાતે વળગ્યા. ઘરેથી લાવેલ ઢેબરા અને દહીં પણ થોડું ખાઈ લીધું. અને પછી વાતે વળગ્યા.

image source : thebetterindia.com

“રતલામ આ વડોદરા જેવડું હશે નહિ??” તમે જે રહેવાનું રાખ્યું છે એ કેવું છે?? ત્યાં કોઈ આપણા વાળા છે કે નહિ?? ત્યાં જ રહેવું પડશે કે આ બાજુ પણ બદલી થાશે આપણી?? પાપા આપણી સાથે આવ્યા એના કરતા મમ્મી આવ્યા હોત તો સારું રેત” સંધ્યા ઘણા બધા પ્રશ્નો કરતી હતી. એકના એક પ્રશ્નો વારંવાર કરતી હતી. આમ તો આ બધા પ્રશ્નોના જવાબ અભિષેક ઘણી વાર આપી ચુક્યો હતો તેમ છતાં ફરીથી આપતો હતો.

“ આપણને ફાવી જાય પછી પાપા આવતા રહેશે અને આમેય પાપાને અભેગર મારાજ સિવાય ફાવે જ નહિ ને!! એ ભલે ને કહેતા કે હું બે મહિના રોકાવાનો છું!! પણ રતલામ થોડું ગુજરાત છે કે એને ફાવી જાય!! દસ દિવસમાં તો એ પાછા જતા રહેવાના જ છે.. મકાન તો ખુબ જ મોકળાશ વાળું છે.. એક ડોશી સિવાય ત્યાં કોઈ રહેતું નથી. ડોશીનો દીકરો ભોપાલ બાજુ કોઈ કંપનીમાં નોકરી કરે છે. ડોશીને થોડી જમીન પણ છે એ બીજાને વાવવા આપી દે છે!! હું મહિનો રોકાણો એ દરમ્યાન ડોશીએ મને સગા દીકરાની જેમ રાખ્યો છે. તને ફાવી જશે જોજે રતલામમાં!! ત્રિવેણી કુંડ પાસે જ આપણે રહેવાનું છે.આમ તો રતલામની બહાર ગણાય.પણ ભાડું સસ્તું છે અને મારે જ્યાં નોકરીએ જવાનું છે એ ત્યાંથી નજીક પણ પડે છે!! દીનદયાળ નગરમાં મારી ઓફીસ આવેલી છે”

એક મહિના પહેલા જ અભિષેક ભોપાલ ગયો હતો. ભોપાલમાં એક “સમર્પણ અને સેવા “ એનજીઓ હતી. જે આદિવાસી લોકો માટે કાર્ય કરતી હતી. એમાં વિકાસ અધિકારી તરીકે એમને નોકરી મળી હતી. અભિષેકે લોકભારતી સણોસરામાંથી બી આર એસ કર્યું હતું અને પછી અમદાવાદમાં એમ એસ ડબલ્યુ કર્યું હતું. એમ એસ ડબલ્યુ કરવાથી આખા ભારતમાં એના માટેના જોબના સ્કોપ ઉભા થયા હતા. રતલામમાં તે એના ચાર ભાઈ બંધો સાથે ઈન્ટરવ્યું દઈ આવ્યો હતો અને તે એકલો જ એમાં સિલેક્ટ થયો હતો. સામાજિક રીતે અને સંસ્કૃતિક રીતે પછાત વર્ગો અને આદી જાતિના લોકો માટે એનજીઓ ઘણા સારા કાર્યો કરતી હતી. “સમર્પણ અને સેવા” સંસ્થાનું હેડ ક્વાર્ટર રતલામ હતું. કુશળ ગઢ , મેઘ નગર, ઝાબુઆ , બાંસવાડા અને રાજગઢમાં તેની શાખાઓ હતી. પગાર સારો હતો. ઓફિસમાં બેસીને એ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન અને મોનીટરીંગ કરવાનું હતું. દર છ માસે કરેલ કામગીરીના લેખા જોખા સાથે એક અહેવાલ તૈયાર કરવાનો હતો. એક મહિનો તે રતલામમાં રોકાયો હતો એ અરસા દરમ્યાન રહેવા માટે એક મકાન પણ શોધી લીધું હતું. એકદમ શાંત અને છેવાડાના વિસ્તારમાં

રાતે લગભગ સાડા બારે ટ્રેન આવી ને બધા ટ્રેનમાં બેઠા. વાલા ભગત ભજનની કડીઓ ગણગણતા રહ્યા. અભિષેક અને સંધ્યા પોતાની બર્થ પર સુઈ ગયા. સવારે છ વાગ્યાની આસપાસ રતલામ આવ્યું. રેલવે સ્ટેશન પરથી જ અભિષેકે ટેક્સી કરી લીધી. ભાડે રાખેલ મકાન પર તેઓ આવી પહોંચ્યા. જુનવાણી બાંધકામ ધરાવતું એ મકાન હતું. મકાન માલિક વૃદ્ધા કે જેનું નામ સુખીયા હતું એણે અભિષેકને આવકાર્યો. બપોર પછી સંધ્યા અને અભિષેક રતલામમાંથી જીવન જરૂરી વસ્તુઓ લઇ આવ્યા. સુખીયાની ઉમર સાઈંઠ ની આસપાસ હશે. પોતે એક રૂમ અને રસોડું વાપરતી. બાકીનું મકાન એ ભાડે આપી દેતી હતી. એનો એકનો એક દીકરો બીરજુ ભોપાલમાં સ્થાયી હતો.પરણી ગયો હતો. રતલામમાં એ લગભગ આવતો નહિ. મહીને બે મહીને એ ફોન કરતો.ક્યારેક વળી થોડા ઘણાં પૈસા મોકલી આપતો. જે દિવસે બીરજુનો ફોન આવે એ દિવસે સુખિયા ક્ગુબ જ ખુશ રહેતી. સંધ્યાને કહેતી.

“ આજ સુબહ સે મેરા મન થોડા બેચૈન હો રહા થા. પર બીરજુકા ફોન આ ગયા. વો કહ રહા થા કી બહુત જલ્દહી વો મુજે ભોપાલ લે જાયેગા. ઉનકા દો સાલ કા બચ્ચા હૈ.મુજે બહોત સુકુન મિલેગા જબ વો બચ્ચા મેરી ગોદમેં ખેલેગા!! તું જે માલુમ હૈ રે કી જબ બચ્ચા ગોદમેં ખેલતા હૈ તબ સારી દુનીયાકા સુકુન હંમે મિલતા હૈ” બસ આખો દિવસ સુખિયા આનંદમાં રહેતી.

વાલા ભગત તો સાવ નવરા થઇ ગયા હતા. અજાણ્યો પ્રદેશ અને અભિષેક સવારના નવ વાગ્યે જોબ પર જતો રહે તે છેક સાંજે સાત વાગ્યે પાછો આવે. કયારેક તે મકાનના ઓટલે સુખિયા સાથે વાત કરે વળી ક્યારેક બાજુમાં આવેલ નાગ રાજેશ્વર મંદિર તરફ આંટો મારી આવે. મોતી નગરમાં આવેલ ગઢ કૈલાસ મંદિર પણ જઈ આવે. એકાદ મહિનામાં એ આજુબાજુના વાતાવરણથી સુપરિચિત થઇ ગયા હતા. તેના સ્વભાવના કારણે લોકો હવે તેને ઓળખવા માંડ્યા હતા. એકાદ મહિના પછી વાલા ભગતે રતલામથી વિદાય લીધી. અભિષેકને કહ્યું.
“ બસ હવે શાંતિ છે મને આ વિસ્તાર પણ સારો છે અને માણસો પણ.. પણ એક વાત કહું દીકરા આ ડોશી છે ને સુખિયા એનું ધ્યાન રાખજે!! છ મહિના પછી હું પાછો આંટો મારી જઈશ. બસ સાચવીને રહેજો આ સુખિયાને સાચવજો. ભલે એ મકાન માલિક છે પણ તોય એ આપણા પરિવારનું જ એક અંગ હોય તેવું લાગે છે!!”

વાલા ભગતે વિદાય લીધી. અભિષેક અને સંધ્યાનો સંસાર સુખરૂપ ચાલવા લાગ્યો. સમય વીતતો ચાલ્યો. વરસ દિવસ જેટલો સમય વીતી ગયો હતો. એક દિવસ જયારે અભિષેક આવ્યો સાંજે ઘરે ત્યારે સુખિયા મકાનની બહાર ઉભી હતી. ખુબ જ આનંદમાં હતી. જેવો અભિષેક આવ્યો કે તરત જ એ હરખાઈને બોલી પડી.

“બીરજુ કા ફોન આયા થા.. એક ઘંટે તક બાત કી.. વો આ રહા હે.. મુજે લે જાને કે લીએ આ રહા હૈ!! બસ પરસો આ રહા હૈ!! મેરા બીરજુ આ રહા હૈ!!” બસ પછીના ત્રણ દિવસ તો સુખીયાના પગ ધરતી પર જ નહોતા રહેતા!!
અને બીરજુ પોતાની પત્ની સાથે ત્રણ વરસના બાળક સાથે આવ્યો. સુખિયા ખુબજ ખુશ હતી. સુખીયા તો સુખની મારી પાગલ થઇ ગઈ
હતી.પોતાના ત્રણ વરસના પુત્ર સાથે એ રમવા લાગી.જમવામાં પણ એણે ત્યાની પરંપરા પ્રમાણે પાલક પૂરી , બાફલા બાટી અને માલ પુઆ બનાવ્યા હતા. સાંજે અભિષેક પણ બીરજુને મળ્યો. સહુ ખુશ હતા. બીજે દિવસે સવારે બીરજુએ અભિષેકને કહ્યું.

image source : staticmb.com

“તમે ત્રણ દિવસમાં બીજે મકાન શોધી લેજો. એ આ મકાન વેચીને કાયમ માટે એની માતા સાથે ભોપાલ જઈ રહ્યો છે. જે જમીન છે એ પણ વેચી નાંખવાની છે. હવે એ કાયમ માટે ભોપાલ જ રહેશે. અભિષેકે એના પિતાને ફોન પર વાત કરી. વાલા ભગત બોલ્યાં.

“હું ત્યાં મહિનો રોકાયો છું. એ મકાન આપણે જ લઇ લઈએ. તું બીરજુને કીમત પૂછી જો એને દેવાની ગણતરી હોય તો હું પૈસાનો મેળ કરીને આવું છું. એકાદ બે દિવસ મોડું થશે..પણ એ શહેરમાં બીજે મકાન ગોતવું એના કરતા આપણે જ રાખી લઈએ. બીરજુ સાથે વાત કરી અભિષેકે.સોદો ફાઈનલ થયો. પ્રમાણમાં ખુબ ઓછી કીમતે એ મકાન અભિષેકને મળી ગયું. પાંચ દિવસમાં વાલા ભગત રકમ લઈને રતલામ પહોંચી ગયા. એની સાથે અભેગર મારાજ પણ હતા. મકાન અભિષેકના નામે ટ્રાન્સફર થઇ ગયું. રકમ પણ અપાઈ ગઈ. બીરજુ એ જમીન પણ વેચી નાખી હતી. ઘરમાંથી સર સામાન ભરાઈ ગયો હતો. સુખિયા છેલ્લી વાર ઘરમાં આંટો મારી રહી હતી. રાત્રે સહુએ સાથે બેસીને ભોજન લીધુ. બીજે દિવસે સવારે આઠ વાગ્યે ટ્રેનમાં બીરજુ સાથે સુખિયા ભોપાલ જવા રવાના થઇ. સહુ રેલવે સ્ટેશન પર ગયા. સુખિયા સાથે બીરજુ અને તેની પત્ની સ્લીપર કોચમાં ગોઠવાયા. અચાનક જ વાલા ભગત બોલ્યા.

“ આ ટ્રેન ઉજ્જૈન થઈને જ જાય છે એમ બીરજુ કહેતો હતો. હું અને અભેગર ઉજ્જૈન જતા આવીએ બે દિવસમાં પાછા આવી જઈશું. અહી સુધી આવ્યા છીએ તો મહાકાલેશ્વર જતા આવીએ. હું બે જનરલની ટિકિટ લઇ આવું છું. ગાડી ઉપડવાની હજુ વાર છે” કહીને વાલા ભગત જનરલની ટિકિટ લઇ આવ્યા. જનરલના ડબ્બામાં વાલા ભગત સાથે અભેગર મારાજ પણ ઉપડ્યા.

image source : .wordpress.com

ઘર તરફ પાછા વળતી વખતે સંધ્યા ખુશ હતી. અને આમેય ઘરનું ઘર લેવાય ત્યારે સ્ત્રી સહુથી વધુ ખુશ થતી હોય છે. એણે અભિષેકને કહ્યું.

“બાપુજી પાસે આટલા પૈસા હશે એની તો આપણને ખબર જ નહિ.”

“ બાપુજી ભજન ગાવા જાય છે. વરસોથી હું આ જોતો આવ્યો છું. આજુ બાજુના પંથકમાં બાપુજીનું મોટું નામ છે. આખી રાત ભજન ગાય એના ઘણા બધા પૈસા આવે એ બાપુજી સવારે બાને આપી દેતા. બાપુજીને કોઈ વ્યસન નહિ એટલે બચત થાય એ સ્વાભાવિક છે. હું નાનો હતો ત્યારે બાપુજી સાથે ભજનમાં જતો. બાપુજી જયારે એનું પેલું પ્રસિદ્ધ ભજન ગંગા સતીનું ગાય ત્યારે બાપુજી પર પૈસાનો વરસાદ વરસતો “ વચન વિવેકી જે નરને નારી પાનબાઈ”!! બાપુજીનો અવાજ આજે પણ સાંભળવા જેવો છે” અભિષેક અહોભાવથી પોતાના પિતાજી સાથેની સ્મૃતિ વાગોળી રહ્યો હતો!!

બીજે દિવસે બપોરે જ સંધ્યાનો ફોન આવ્યો.

“તમે ઘરે આવો બાપુજી અને અભેગર બાપુ આવ્યા છે અને સાથે સુખિયા પણ છે. કોઈ કશું બોલતું નથી. સુખિયા ખુબ રડે છે!!” અભિષેક તરત જ ઘરે આવ્યો. વાલા ભગત એને એક બાજુ લઇ ગયા અને કહ્યું.

image source : digitalwissen.com

“ બેટા ઘણી વાર મનુષ્યને કૈંક અમંગળના એંધાણ વર્તાઈ જતા હોય છે. બીરજુ અને તેની પત્નીનું બે દિવસનું મેં વર્તન જોઈ લીધું હતું. એટલે જ અમે નક્કી કર્યું કે આની પાછળ પાછળ છેક ભોપાલ સુધી જવું છે. હું ભોપાલ ની બે ટિકિટ લઇ આવ્યો હતો. ઉજ્જૈનનું તો એક બહાનું હતું. ભોપાલ અમે જનરલ ડબ્બામાંથી ઉતર્યા અને બીરજુનો પીછો કર્યો. પ્લેટફોર્મના એક બાંકડા પર સુખિયાને બેસાડીને સામાન સાથે બીરજુ રેલવે સ્ટેશનની બહાર ગયા. અભેગરને મેં સુખિયાનું દુરથી ધ્યાન રાખવાનું કહીને ચોરી છુપી થી સ્ટેશન બહાર ગયો. ટેક્સીમાં બેસીને બીરજુ અને તેની પત્ની ફટાફટ ચાલ્યા ગયા. હું આખો મામલો સમજી ગયો હતો.તો ય બે કલાક સુધી મેં એમની રાહ જોઈ!! અને આ બાજુ સુખિયા પણ મુંજાવા લાગી હતી. એ પછી રડવા લાગી. રેલવે પોલીસ આવી. સુખિયા ને કૈંક પૂછ્યું. પછી હું અને અભેગર ત્યાં ગયા. પોલીસને વાત કહી.સુખિયા અમને ભાળીને થોડી શાંત પડી.એની પાસે બીરજુનું કોઈ સરનામું કે નંબર નહોતો. હકીકતમાં આગલી રાતે મેં જ બીરજુ પાસે ભોપાલનું એનું એડ્રેસ માંગ્યું હતું પણ એણે વાત ટાળી દીધી ત્યારથી જ મને વહેમ તો પડ્યો જ હતો કે આ દીકરામાં દિવેલ નથી!! દુનિયા ગોળ છે.. નારંગી જેવી ચપટી છે એવું બધું ભૂગોળમાં આવે પણ હકીકતમાં બેટા આ દુનિયા છે ને એક નંબરની કરાફાટ છે!! હવે આ તને સુખીયાની જવાબદારી સોંપું છું. આમેય તું સમાજ કલ્યાણનું જ ભણ્યો છોને?? આ જીવનભરનું પ્રેક્ટીકલ તને સોંપું છું!! સગી માની જેમ આ સુખિયાને સાચવજે એટલે તારું એમએસડબલ્યુ સફળ બેટા” વાતાવરણમાં એક અજબ સન્નાટો છવાઈ ગયો હતો!! સંધ્યા અને અભિષેકે બાપુજીની સલાહ શિરોમાન્ય માની અને સુખિયાને સહારો આપીને ઉભી કરી અને ખાટલે બેસાડીને કહ્યું.
“કુછ બીગડા નહિ હૈ!! કુછ ભી બીગડા નહિ હૈ!! યહ સોચો માજી આપકા બીરજુ આપકે સાથ રહને આયા હૈ!! સદા કે લીએ!! આપકો જીંદગીમેં કોઈ ભી મુસીબત અબ નહિ આયેગી!! આપ રોના છોડ દીજિયે!! મૈ આપકા બેટા હું!!” અભિષેક બોલતો હતો સહુ સાંભળી રહ્યા હતા.

વાલા ભગત અને અભેગર મારાજ બે દિવસ રોકાયા. વળી વળીને અભિષેક ને સલાહ આપતા રહ્યા કે મનમાં ક્યારેય પણ દુર્ભાવ લાવવો નહિ કે આ વૃદ્ધ ડોશી એક બોજ છે.. વૃદ્ધો ક્યારેય બોજ હોતા જ નથી.. વૃદ્ધોની સેવા ચાકરી એ માનવતાની જોબ છે બોજ નહિ”!! વાલા ભગત અને અભેગર મારાજ રતલામથી પાછા ફર્યા.સમય વીતતો ચાલ્યો. સંધ્યાને સારા દિવસો રહ્યા. અભિષેકના માતા લીલાબેન એકાદ વરસ રતલામ રોકાયા. અભિષેકને ત્યાં પુત્રનો જન્મ થયો. સુખિયા પણ ખુશ હતી. એ પોતાના પુત્ર બીરજુને ભૂલી ગઈ હતી. સમય સડસડાટ ચાલતો હતો.
આ ઘટનાને ત્રણ વરસ વીતી ગયા હતા. એક દિવસ ઘરેથી અભેગર મારાજનો ફોન આવ્યો અભિષેક પર અને અભિષેક અવાચક બની ગયો. વાલા ભગતનું અવસાન થયું હતું. તાત્કલિક મોટર બાંધીને અભિષેક પોતાના વતનમાં આવ્યો. સાથે સુખિયાને પણ લેતો આવ્યો હતો. પિતાજીનું એણે અંતિમ વાર મોઢું જોયું.

image source : wikimedia.org

“બીજના ભજનમાં અમે બાજુના ગામ ગયા હતા. ભજન ગાતા ગાતા જ તારા બાપુજીએ દેહ છોડી દીધો. બસ તારી વાટે જ હતા. ચાલો હવે ભગતને અંતિમ વિદાય આપીએ” માથા પર હાથ ફેરવીને અભેગર બાપુ અભિષેકને સાંત્વના પાઠવતા હતા!!
વાલા ભગતની અંતિમયાત્રા નીકળી. અભિષેકના માનસપટમાં પિતાજીનો એક અલૌકિક ચહેરો ઉપસી આવ્યો. પિતાજીને અગ્નિદાહ આપીને અભિષેક ઘરે આવ્યો. આખું ગામ એના ઘરે ભેગું થઇ ગયું હતું. બેસણામાં આવનાર સહુ વાલા ભગતની છબીને ભાવ પૂર્વક વંદના કરતા હતા. બે દિવસમાં તો આજુબાજુના તમામ ગામના લૌકીકે આવી ગયા હતા.

ચોથા દિવસે અભિષેક અભેગર બાપુના ઘર બાજુ આંટો મારવા નીકળ્યો. એની સાથે એનો બે વરસનો પુત્ર પણ હતો. અભેગરના ઘરેથી સમાચાર આપ્યા કે અભેગર બાપુ નદી કાંઠે આવેલા શિવાલયે એમના વેવાઈ આવ્યા છે એટલે એને લઈને દર્શને ગયા છે. અભિષેકના પગ શિવાલય બાજુ ઉપડ્યા. આ એજ શિવાલય હતું જ્યાં એ એના બાપુજી સાથે નાનપણમાં દર્શને આવતો. શિવાલયની બાજુમાં જ એક નાનકડી કેડી હતી ત્યાંથી નદીમાં જવાતું હતું. અભિષેક તે તરફ આગળ વધ્યો. મંદિરની ચારે બાજુ બીલ્લીના વ્રુક્ષો હતા.અચાનક અંદરના ભાગમાંથી વાતો સંભળાતી હતી. અભેગર બાપુ એનાં વેવાઈ સાથે વાત કરી રહ્યા હતા!!

“ વાલો ભગત એક અલગ જ મનેખ હતો. આવા મનેખ બહુ ઓછા જોવા મળે છે. એ સાચો ભજનિક હતો.. એ જે વાણી ગાય એ એના જીવનમાં ઉતરેલી હતી. હું એક જ એને જાણું છું. આ ગામમાં બીજા કોઈને ખબર પણ નથી વેવાઈ!! મારો તો એ જીગરી હતો.. અને બીજી વાત વેવાઈ કે અભિષેક છે ને એ એનો દીકરો નથી!! વાલા ભગતે લગ્ન જ નહોતા કર્યા!!” અભેગર મહારાજ બોલતા હતા અને અભિષેકના પગ ધરતી સાથે જડાઈ ગયા હતા!

image source : .patrika.com
image source : .sujangarhonline.com

“શું વાત કરો છો વેવાઈ!! આ લીલા બહેન તો એના પત્ની નહિ” વેવાઈ ને વધુ જાણવાની ઉત્કંઠા હતી.
“ તમે કોઈને આ વાત કેશો નહિ વેવાઈ!! એમાં એવું છે ને કે વાલાનું આ ગામ પણ નથી. એ તો અહીંથી લગભગ એંશી કિલોમીટર દૂર રહેતો.. મારા બાપુ ત્રંબકપરી સારા એવા ભજનિક હતા. એ વાલાના ગામમાં એક વખત ભજન ગાવા ગયેલા. હું પણ એની સાથે. હું એ વખતે મંજીરા વગાડતો. એ ભજનના કાર્યક્રમમાં વાલાને મેં પહેલી વાર જોયેલો. ખુબ જ સરસ તબલા વગાડે.. મારા પિતાજીને વાલાના તબલા વગાડવાનો અંદાજ ગમી ગયેલો. અમારા બેયની ઉમર હશે બારેક વર્ષની!! વાલાના પિતાજી કરશનભાઈ ગામમાં આગળ પડતા ખેડૂત હતા. પણ વાલાને ભજન સિવાય બીજામાં રસ જ ના પડે!! પછી તો મારા પિતાજીના દરેક ભજન કાર્યક્રમમાં વાલો જ દોકડ વગાડે!! પછી તો અમે ને વાલો બે ય ભજન ગાવા લાગ્યા. એક બીજા સથે દૂર દુરના ગામડામાં ભજન કરવા પણ જતા. વાલાએ નક્કી કર્યું હતું કે મારે લગ્ન કરવા જ નથી. એના પિતાએ ઘણો સમજાવ્યો પણ એ એકનો બે ના થયો. એક વખત અમે બને અમદાવાદ ભજન કરવા ગયેલા. મારા લગ્ન થઇ ગયેલા વાલો તો પરણવા માંગતો જ નહોતો. સવારની વહેલી ટ્રેન હતી કાળુપુર રેલવે સ્ટેશન થી!! અને અમે એક દ્રશ્ય જોયું એક બાઈ એના છ મહિનાના છોકરા સાથે રડતી હતી. બાજુમાં પોટકું પડ્યું હતું. બાઈની બોલી પરથી અમને લાગ્યું કે આ બાઈ આપણા બાજુની છે એટલે કે કાઠિયાવાડી છે.ત્યાં જઈને વિગત જાણી. બાઈનો ધણી અમદાવાદમાં મિલમાં કામ કરતો હતો. પાંચ વરસથી એકલો હતો. છ છ મહીને વતનમાં આવતો. બાઈને લઈને એ કાયમ માટે અમદાવાદ આવ્યો હતો. બાઈ રાતના આઠ વાગ્યાથી એકલી બેઠી હતી. પેલો બે સુટકેશ લઈને હમણા આવું કહીને ગયો એ ગયો!! એ સુટકેશમાં ઘરેણા અને પૈસા હતા!! વાલા ને દયા આવી. પેલા બાળક માટે એ પાણી અને ખાવાનું લઇ આવ્યો. અમારી ગાડી આવી ગઈ હતી. બાઈને આશ્વાસન આપી અમે જવા તૈયાર થઇ ગયા પણ પેલું બાળક તો વાલા નું પેન્ટ પકડીને એની સામું જોઇને રડતું હતું. જાણે કહેતું હતું કે રોકાઈ જાવ!! મેં આ દ્રશ્ય જોયું અને વાલાની આંખમાં જોયું!! હું બધું સમજી ગયો. વાલો અને હું રોકાઈ ગયા. અમે એ બાઈને લઈને બાપુનગર અને નવરંગપુરામાં આખો દિવસ રખડ્યા. પણ એના ધણીનો પતો ન લાગ્યો. રાતે વળી રેલવે સ્ટેશન પર ધામા નાંખ્યા અને એ રાત્રે વાલાએ કીધું. કે અભેગર આ બાળકને જોઇને મને કૈંક થાય છે.. આ બાઈ એકલી ક્યાં જશે?? સમાજ આને જીવવા દેશે?? હું આને આશરો આપીશ પણ એ બાઈ સાથે એક શરત કે હું સંસાર નહિ ભોગવું!! કોઈ ઈચ્છા જ નથી આ સંસારને માણવાની!! વાલા એ ગળામાં રહેલી રુદ્રાક્ષની માળા હાથમાં લઈને બાળકને પહેરાવી અને બે હાથ જોડીને એ બાઈને કીધું કે મારી સાથે ચાલો!! આ રુદ્રાક્ષ પર ભરોસો રાખો!! બસ એ બાળક એ આ અભિષેક અને એ બાઈ એટલે લીલાબેન!! વાલો અમદાવાદથી સીધો એને ગામ ન ગયો આ ગામમાં મારી સાથે આવ્યો. થોડા વખત પછી એ એના ગામ જઈને એના બાપુજીને વાત કરી આવ્યો. એના બાપુજીએ એની જમીનમાં ત્યાં ભાગ હતો એટલો ભાગ એને અહી જમીન વેચાતી લઈને આપી દીધી!! ઘરનું મકાન એણે વરસ દિવસમાં લીધું ત્યાં સુધી એ મારી ઘરે જ રોકાયો. ગામમાં હજુ પણ બધાને એમ છે કે લીલાબેન અને વાલા ભગત પતિ પત્ની છે..એ વખતે પણ એવું જ હતું!! અભિષેક આવડો મોટો થઇ ગયો!! વાલા ભગત વચન નથી છાંડયા!! જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એને માનાર્થે જ બોલવ્યા!! તમે નહિ માનો વેવાઈ એ આખી જિંદગી ફળિયામાં ખાટલો રાખીને સુતા છે અને ભજન કર્યું છે!! એણે ફક્ત ભજન ગાયા જ નથી એ ભજનને પચાવ્યા પણ છે!! બસ છ માસના છોકરાની આંખમાં એણે કશું જ એવું જોયું કે એણે આ નિર્ણય લઇ લીધો અને આજે આવા ભગતનો હું ભાઈબંધ હતો એનું ગૌરવ છે” અભેગર મારાજે વાત પૂરી કરી અને અભિષેકની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પોતાના પાલક પિતા કેટલા મહાન હતા એની એને ખબર જ નહોતી. અભિષેકને બાળપણની તમામ ઘટનાઓ યાદ આવી ગઈ!! પોતાના પિતા પોતાની માતાને કેટલું માન સન્માન આપતા એ પણ યાદ આવી ગયું!!
વાલા ભગતના પાણીઢોળની આગલી રાતે અભિષેકના ઘરે ભજન રાખવામાં આવ્યા હતા. ગામ આખું ભજન સાંભળવા ઉમટી પડ્યું હતું. અભેગર મહારાજે વાલા ભગતને ગમતું ભજન શરુ કર્યું!!

“વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ , બ્રહ્માદીક લાગે એને પાય રે” અભિષેક ભજન સાંભળતો ગયો!! એનો પુત્ર નિશીથ એના ખોળામાં રમતો હતો!! માતા લીલા બહેન ઓશરીની કોરે બેઠા બેઠા એકીટશે વાલા ભગતના ફોટા સામે તાકી રહ્યા હતા. બાજુમાં સંધ્યા હતી. એની બાજુમાં સુખિયા બેઠી હતી. નિશીથ અભિષેકના ખોળામાંથી ઉતરીને એના પેન્ટની મોળી પકડીને એને ખેંચતો હતો!! અને અભિષેકે એ ઘટનાની કલ્પના કરી કે એ જયારે છ માસનો હતો અને આ રીતે જ વાલા ભગતને અમદાવાદના રેલવે સ્ટેશને એણે રોકી રાખ્યા હતા!! અભિષેકના માનસ પટ્ટ પર વાલા ભગતનો દીવ્યતમ ચહેરો ઉપસી આવ્યો!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી , સ્ટેશન રોડ,મુ પો. ઢસા ગામ તા. ગઢડા જી બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.