મુકેશ સોજીત્રા લેખકની કલમે

“દામજી નથુનું બજેટ” – દામજી જે કમાય એ રકમની પાઈ પણ જરાય આડા અવળી ન ખરચાઇ જાય એનું ધ્યાન શિવુ રાખતી હતી..વાંચો હૃદયસ્પરશી વાર્તા..

“એક વાત કહું તમને મુનીના બાપુ તમે ખીજાશોતો નહીને?” શીવુ બોલી. દામજીએ જમી લીધું હતું. જમીને એ ગીતાને રમાડતો હતો. ગીતા બે વરસની હતી અને મુની પાંચ વરસની થવા આવી હતી. દામજી અને શીવુના લગ્ન થયા એને આઠ વરસ થઇ ચુક્યા હતા.

“ બોલ્ય બોલ્ય તને હું ક્યારેય ખિજાયો છું?? શું કહેવું છે તારે??” દામજી કોળ્યમાં હતો. અને શીવુની આ જૂની ટેવ હતી કે એને કોઈ કામ હોય ત્યારે એ દામજી ફૂલ ફોર્મમાં હોય, જમી લીધું હોય અને બેમાંથી એક દીકરીને રમાડતો હોય ત્યારે જ એ વાત કહેતી. પોતાના સંતાનોને સાંજે રમાડતો દુનિયાનો કોઈ પણ બાપ ફૂલ કોટામાં જ હોય છે!!

“ આજ નિશાળમાં ઓલ્યા સોનુબેન નહિ એ મળી ગયા હતા બપોરે એ કહેતા હતા કે શિવુ તારે બેય દીકરીયું નાની છે ને તો બેંકમાં ખાતું ખોલીને દર મહીને ત્રણસો ત્રણસો રૂપિયા બેય દીકરીયોના ખાતામાં જમા કરાવેને તો એ બે ય જયારે અઢાર વરહની થાય ત્યારે લાટ બધાં પૈસા ભેગા થઈ જાશે. તમે જેટલા જમા કરાવો એટલા દર મહીને સામે સરકાર પણ જમા કરાવે એણે તો મને બહુ મોટી રકમ કીધીતી પણ એ રૂપિયામાંથી છોકરીયોનો ભણવાનો અને પરણાવવાનો ખર્ચો બારોબાર નીકળી જાય!! એ સોનુબેનનો ઘરવાળો શહેરમાં બેંકમાં છે એટલે આપણી દીકરીઓનું ખાતું પણ સબ લઈને ખોલી દેશે..!! તો હું તમને એમ કહું છું કે મુનિ અને ગીતાનું ખાતું આવતા મહીને ખોલ્યું હોય તો કેમ રહે??”

Image Source

“ વાત તો તારી સાચી સોનું!! આમેય માસ્તરોની વાત કોઈ દી ખોટી નો હોય પણ લાખ ગાડાનો સવાલ એ છે કે મહીને બેય છોકરીયુની છસ્સે રૂપરડી આપણે કાઢશું ક્યાંથી??” ધણીનો આવો ઉમળકાભેર જવાબ સાંભળીને શિવુ પણ કોટામાં આવી ગઈ અને બોલી.

“ તમને આ તો કહું છું હો!! જો તમારી ઈચ્છા હોય તો હું ગામના શેઠની ઘરે સવાર બપોર અને સાંજ કચરા પોતા કરી આવું તો એ છસો રૂપિયા આપે એમ છે. કંચન શેઠાણીએ તો મને ક્યારનુંય કીધું છે કે શીવલી તું આવતી હોય ને તો ગવલીને હું છુટ્ટી કરી દઉં મારા ઘરેથી!! એને તો હું પાંચસો જ આપું છું પણ તને છસો આપીશ બોલ જો તારે આવવું હોય તો બાકી ગવું ના કામમાં અઠીયો ય સાજો નથી અને એનું કામ પણ વેતરણ વગરનું!! વારે વારે કહેવું પડે!! વળી ક્યારે એને માથું દુઃખે અને ક્યારે એ અરધું કામ મુકીને ઘરભેગીની થઇ જાય એ પણ નક્કી નહિ!! આ તો તમે કહેતા હો તો જ હું કંચન શેઠાણીને ત્યાં જાવ” શિવુ આટલું બોલીને દામજી સામું જોઈ રહી.

“ એક તો તું આંગણવાડીમાં છોકરા તેડવા જાશોને બાકી આ ઘરનું કામ અને બા બાપુજીની સંભાળ રાખે એ ઘણું નથી?? અને મુનિના જન્મ વખતે મોટા ડાકતરે શું કીધું તું એ ભૂલી ગઈ તું?? બહુ લોહી ઉકાળા નથ્ય કરવાના તારે!! તારે આમેય લોહીના ટકા ઓછા છે અને એમાં વળી શેઠાણીને ત્યાં કચરા પોતા કરવાનું કામ આવે પછી તો તારું શરીર ટળી જ જાયને?? ઘરમાં બાઈ બીમાર હોય તો પછી થઇ રહ્યું!!. આખા ઘરનો આધાર તારા પર છે. મારા બાપા કે એમ કે બાઈ માણસ એ ઘરનું મોભારું કહેવાય મોભારું!! મોભારું નબળું પડે એટલે ઘર વહેલા મોડું પડે જ!! અને બીજી વાત કે તું કંચન શેઠાણીને ત્યાં જા એટલે ગવુંને જે થોડા ઘણા મળે એ પણ બંધ થાય ને??? અને આપણા ઘરમાં હજુ એટલી ભૂખ ભડાકા નથી લઇ ગઈ કે કોઈનો રોટલો ટાળીને આપણે કમાવું!! કાંક બીજો રસ્તો હું કાઢીશ!! બાકી ગવુના ધણીને પેલેથી જ ટીબી છે. સાસુ વહુ બેય ગામ આખાના કામ ઢસડે છે ત્યારે માંડ માંડ બે છેડા ભેગા થાય છે. આપણે એના નીહાકા નથ્ય લેવા!!” દામજી બોલતો હતો અને શિવુને એની વાત સાચી લાગી.

દામજીનો ધંધો હતો શાક બકાલું વેચવાનો. એનું ગામડું રોડ ટચ હતું. ગામથી છ કિલોમીટર દૂર એક નાનકડું શહેર હતું. ત્યાં દામજી લારી લઈને શાક બકાલું વેંચવાનું કામ કરતો હતો. દામજીને આ ધંધો વારસામાં મળેલો હતો. એના બાપા નથુ ઓઘડ પણ શહેરમાં જ શાક બકાલું વેચતા હતા દામજીની મા ઉજી ઘરનું કામકાજ કરે. પેલેથી આર્થિક રીતે નબળું ઘર પણ ખાવાના સાંસા નહિ. જેટલું મળે એટલું ઘર ખર્ચમાં વપરાઈ જતું. બચતમાં ભગવાનના નામ સિવાય કશું મળે નહિ. દામજીનો જન્મ બહુ મોડો થયેલો. દામજી નિશાળે ગયો જ નહોતો. નાનો હતો ત્યારથી એને નથુ ઓઘડ લારીમાં બેસાડીને શાક્બકાલાની સાથે શહેરની શેરીઓમાં ફેરવતો હતો. ધંધો ભલે શાક બકાલાનો હોય પણ નથુ એમાં પુરેપુરો પ્રામાણિક!! ગરજનો ભાવ ક્યારેય લેવાનો નહિ. નબળું શાકભાજી ભલે નાંખી દેવાનું પણ ઘરાકને ક્યારેય છેતરવાનું નહિ. લારી લઈને એ નીકળે મોઢામાંથી ભજનની કડીઓ નીકળ્યા કરે નાનો દામજી લારીમાં હોય અને નથુ શાકબકાલુ વેચતો હોય!!

Image Source

નથુ ઓઘડને એક હકા જીવા કરીને ભાઈબંધ હતો. હકા જીવાનું કામ શાક માર્કેટમાં બાજુની વાડીઓમાંથી શાક બકાલું પહોંચાડવાનું હતું. હકાને સંતાનમાં એક માત્ર છોકરી હતી. નામ એનું શિવુ હતું. હકાને એના શેઠની રિક્ષા લઈને વહેલી સવારે શાક માર્કેટમાં ચાર ફેરા કરી નાંખવાના અને જે રકમ આવે એમાંથી એ પોતાનું ગુજરાન ચલાવતો. સમય વીતતો ચાલ્યો. દામજી અઢાર વરસનો થયો અને એના પિતાજીનો ધંધો સંભાળી લીધો હતો. એના પિતાજી હવે ખાલી શાક માર્કેટમાં જ સાથે આવતાં. માર્કેટમાંથી બકાલું લેવાઈ જાય એટલે વેચવાનું કામ હવે દામજી માથે. સાવ અભણ એવો દામજી હવે હિસાબ કિતાબમાં પારંગત થઇ ગયો હતો. નજરનો સીધો અને બોલીનો મીઠો દામજી પિતાનો વારસાગત ધંધો બરાબર સંભાળવા લાગ્યો. એવામાં એક ઘટના બની હકા ભીખાની પત્ની રૂડી અવસાન પામી. ઘરમાં હવે બાપ દીકરી બે જ વધ્યા. શિવુ હવે મોટી થઇ ગઈ હતી. ઘરના કામકાજ કરતી થઇ હતી એટલે વાંધો તો ના આવ્યો પણ શીવુની માનું અવસાન થયું એને હજુ આઠ જ મહિના થયા હતા ત્યાં જ શિવુ માથે આભ તૂટી પડ્યું.

હકા ભીખા એક વહેલી સવારે એક વાડીમાંથી બકાલું ભરીને રિક્ષા લઈને આવતો હતો અને રસ્તામાં રોજડું આડું પડ્યું અને રિક્ષા એક ખાળીયામાં ઉતરી ગઈ. હકાને માથામાં સારું એવું વાગ્યું અને એને હોસ્પિટલ લઇ ગયા. શાક માર્કેટમાં વાત વાયુવેગે પ્રસરી ગઈ. દામજીના બાપા નથુ ઓઘડ તાત્કાલિક હોસ્પીટલમાં પહોંચ્યા જયાં હકો જીવનના છેલ્લાં શ્વાસ ગણતો હતો. એની બાજુમાં એની દીકરી શિવુ ચોધાર આંસુએ રડતી હતી. હકાનો હાથ પોતાના હાથમાં લઈને નથુ બોલ્યો.

“અરે ભાયડો માણસ આમ હરેરી જાય એ કેમ પાલવે!!?? તને સારું થઇ જાશે ભાઈ બંધ હિંમત રાખ્ય હિમત!! આવું તો વાગ્યા કરે ભલાદમી આ છોડી સામું તો જો” માંડ માંડ ત્યારે હકો બોલ્યો.

“એની જ ચિંતા છે મને નથુ કે મારા ગયા પછી એનું કોણ??? મારું બોર્ડ પૂરું થવાનું છે એમ મારો આત્મા કે છે પણ પછી આ છોડીનું કોણ?? મા બાપ વગરનો છોકરો હોય તો એનો મારગ કરી લે પણ આ તો તુલસી ક્યારો!! એને કોણ સાચવશે?? મને એની ચિંતા થાય છે નથુ એની ચિંતા થાય છે” હકો બોલતો હતો અને નથુ સાંભળતો હતો એ બધું સમજી ગયો અને ફટ દઈને બોલ્યો.

“ મારા દીકરા વેરે તારી દીકરી લીધી અત્યારે જ!! મારા દામજીના આ દીકરી સાથે લગ્ન થશે!! બાપના બોલથી હું વચન આપું છું હકા તારી દીકરી જો દુઃખી થાય તો મારા બાપ ઓઘડ વસ્તાનું ખાનદાન લાજે ખાનદાન!! તું એ ચિંતા મૂકી દે” નથુ આટલું બોલ્યો અને એની આંખમાં એક શાંતિની ચમક આવી ગઈ એ બોલ્યો.

“ બસ હવે મારો જીવ જાયને તો પણ વાંધો નથી. મારી શિવુને સાચવજે!! ભાઈ બંધ બધું હવે તારા ભરોસે છે… બધું હવે તારા ભરોસે…. “ અને હકાની આંખો સદાયને માટે બંધ થઇ ગઈ!!

હકાના ક્રિયા કરમ પુરા થયા કે તરત જ નથુ એ બીજા જ દિવસે શિવુને દામજી સાથે ગામના જ એક મંદિરમાં પરણાવી દીધી. અને દામજીને કહ્યું પણ ખરું.

“ બટા તું પણ બહુ ભણેલો નથી અને હું પણ બહુ ભણેલો નથી એટલે તારો સંસાર સુખેથી ચાલશે એમાં મને કોઈ શંકા નથી. પણ એક વાતનું ધ્યાન રાખજે. શિવુ ને કોઈ વાતે કોચવતો નહિ. એને ક્યારેય એવું ના લાગવું જોઈએ કે તે એની સાથે પરણીને એની ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. એના બાપા મારા જીગરી ભાઈબંધ હતાં અને સાચુકલો માણસ હતો. એને આપેલ વચન ભંગ ન થાય એની કાળજી રાખજે!! શિવુ દુઃખી થાય એવું કોઈ કામ ક્યારેય ન કરતો.” અને દામજીએ એ પાળી પણ બતાવ્યું!!

શિવુના સાથે દામજીના લગ્ન થયા એને આઠ વરસ વીતી ચુક્યા હતા. પેલા ખોળાની મુનિ અને બીજા ખોળાની ગીતાનો જન્મ થયો પછી પતિ પત્નીએ નક્કી કર્યું કે હવે ત્રીજું સંતાન નથી જોઈતું!! શિવુ શહેરમાં ઉછરી હતી. અમુક ડહાપણ અને કોઠાસૂઝ એને વારસામાં મળેલ હતી. દામજી જે કમાય એ રકમની પાઈ પણ જરાય આડા અવળી ન ખરચાઇ જાય એનું એ ધ્યાન રાખતી હતી. દામજી પરણી ગયો એટલે હવે નથુ એ શહેરમાં જવાનું જ માંડી વાળ્યું. સાવ નિવૃત્તિ જ લઇ લીધી. દામજીનો ધંધો પણ સારો ચાલતો હતો. દામજીએ હવે નવી રેંકડી લીધી હતી. જૂની રેંકડી એક બીજા ભાઈ બંધને મફતમાં વાપરવા આપી દીધી હતી. હવે શહેરના એક ચોકમાં સરકારી જગ્યા પર એક જગ્યાએ જ ઉભો રહેતો હતો.
શહેરમાં એક પોલીસ સ્ટેશન હતું ત્યાના એક જમાદાર સાથે થોડોક સંબંધ બાંધીને મહીને એને પાંચસો રૂપિયા આપી દે એટલે દામજીની એ રેંકડીને કોઈ વતાવતું નહિ બે ત્રણ દિવસે જમાદાર લારીમાં જે શાકભાજી હોય એમાંથી એકાદ થેલી શાક ભરી લેતાં અને દામજીએ મંગાવેલ તમાકુવાળો મસાલો ખાઈને જમાદાર ચાલ્યાં જતા હતા. દામજી પણ પોતાના કુટુંબ પુરતું રોજે રોજ કમાઈ લેતો હતો. હવે આવક થોડી થોડી વધતી ગઈ અને સંતાનોના જન્મ પછી ખર્ચ પણ વધતો ગયો. પણ તોય મહિનો આવે એટલે બે છેડા કસોકસ ભેગા થઇ જતાં!!

શહેરમાં એક જગ્યાએ કરીયાણાની એક સહુથી મોટી અને સહુથી જૂની દુકાન હતી. એની આગળ લીમડાના બે મોટા ઝાડ હતાં. કરીયાણાની દુકાન વાળા શેઠ લલ્લુભાઈ હંમેશા દામજીની લારીએથી જ શાક બકાલું લેતા હતા. એક દિવસ એણે દામજીને કહ્યું.

“ આ માર્કેટમાં આટલી બધી લારીઓ સાથે ધોમધખતા તાપમાં ઉભા રહેવું. જમાદારને હપ્તાની સાથે મફતમાં શાક પણ દેવું અને ધૂળની ડમરી વચ્ચે હેરાન થવું એના કરતાં મારી દુકાન આગળ મારી માલિકીની જગ્યા છે લીમડાના બે ઝાડ છે. ટાઢો છાંયો!! અને વળી આજુબાજુ કોઈ શાકભાજીની લારી પણ નહીં અને એકદમ શાંત જગ્યા.. મહીને છસો રૂપિયા ભાડું લઈશ. ત્યાં આવી જા તારું શાક બકાલું ફટકીમાં ઉપડી જાશે. મારી દુકાને આખો દિવસ સ્ત્રીઓ ચીજ વસ્તુઓ લેવા આવતી જ હોય છે હવે જોઈ એને બકાલું પણ મારી દુકાન આગળથી જ મળી જાય તો એ શાક માર્કેટમાં જાય જ શું કામ” દામજીને ગળે વાત ઉતરી ગઈ. સાંજે એણે શિવુને વાત કરી. શીવુંએ હા પાડી એટલે દામજીની લારી બીજે જ દિવસે લલ્લુભાઈની માલિકીની જગ્યાએ લીમડા હેઠળ ગોઠવાઈ ગઈ અને પંદર દિવસમાં તો ધંધો બરાબરનો જામી ગયો.

હવે તો સાંજના પાંચ વાગ્યે તો દામજી બધું બકાલું વેચીને નવરો થઇ જતો. કલાક માટે એ લલ્લુભાઈની દુકાનમાં મદદ કરવા પણ જાય અને બદલામાં શેઠ અને બિસ્કીટના પડીકા પણ આપે જે દામજી એની બે ઢીંગલીઓ માટે લેતો જાય!!
પણ આજ દામજીને મોડી રાત સુધી ઊંઘ ના આવી. શીવુની બચત વાળી વાત એના મગજમાં ભરાઈ ગઈ હતી. જો બે દીકરીઓના ખાતામાં દર મહીને ત્રણસો ત્રણસો રૂપિયા અત્યારથી જ જમા કરાવી શકાય તો એની દીકરીઓને એ ભણાવી પણ શકે. પોતે તો અભણ રહ્યો અને એનું ગાડું તો હાલી ગયું પણ હવેના જમાનામાં ભણતર વગર નો હાલે!! એ જ્યારે જ્યારે કોઈ એકટીવા કે સ્કુટી વાળી છોકરી પોતાની લારીએ શાક લેવા આવે ત્યારે દામજીને પણ મનમાં થતું કે મારી મુનિ અને મારી ગીતા પણ એક દિવસ આમ જ એકટીવા હાંકશે!!! અચાનક જ એના મગજમાં એક વિચાર ઝબકી ગયો અને એ રાજીના રેડ થઇ ગયો અને સુઈ ગયો!! એને ઉપાય જડી ગયો હતો.

છેલ્લા ત્રણ વરસથી દામજી એની પત્નીને રોજ સાંજે એક્સ્ટ્રા વીસ રૂપિયા આપતો હતો. મહિનો થાય એટલે એની પત્ની એ અલગ રાખેલા રૂપિયા દામજીને આપી દે અને એ છસો રૂપિયા નાનજી દર મહિનાની પેલી તારીખે લલ્લુશેઠને લીમડા હેઠળ શાકભાજીની લારી રાખવાના ભાડા પેટે એડવાન્સમાં ચૂકવી દેતો હતો, બીજે દિવસે સાંજે દામજી એક કલાક મોડો આવ્યો અને પોતાની પત્ની શિવુને એક્સ્ટ્રા ચાલીશ રૂપિયા આપી ને બોલ્યો.

“ હવેથી આ વીસ રૂપિયા એક અલગ ડબલામાં મુકવાના છે. હું દરરોજ સવારે આપણા ગામથી શહેરમાં જતો ત્યારે આવવાના દસ અને જવાના દસ એમ વીસ રૂપિયાનો ખર્ચ થતો. આજે હું સવારે ચાલીને શહેરમાં ગયો અને અત્યારે ચાલીને આવ્યો છું એટલે વીસ રૂપિયાની બચત થઇ છે. આપણી બે ય છોકરીઓ માટે આ રીતે દર મહીને છસો રૂપિયા બચત થશે અને એના ખાતામાં જમા થશે. આમેય શહેરમાં પૈસાવાળા લોકો સવારમાં મોટા મોટા ચડ્ડા પહેરીને ચાલવા અને દોડવા નીકળતાં જ હોય છે ને!! ટીવીમાં અને છાપામાં પણ બહુ આવે છે ને કે સવારમાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે!! આ રીતે મારું શરીર પણ સારું રહેશે અને દીકરીઓ માટે બચત પણ થશે.. બીજી કોઈ રીતે મહીને છસો રૂપિયા જેવડી રકમ ભેગી થઇ શકે તેમ છે નહિ!! આમેય આ મહિનો પૂરો થવામાં હજુ દસ જમણ બાકી છે એટલે બસો રૂપિયા જ ભેગા થશે એટકે એમાંથી આપણે બે ખાતા ખોલાવી નાંખીશું દીકરીઓ માટે અને અને એ પછીના મહિનાથી એ ખાતામાં ત્રણસો ત્રણસો રૂપિયા જમા કરાવવા માંડીશું. બોલ્ય હું નોતો કેતોકે થઇ રેશે” શિવુ પણ આ સાંભળીને રાજીના રેડ થઇ ગઈ!!!

Image Source

દસ દિવસ પછી શિવુ એ શાળાની શિક્ષિકા સોનુ પાસે જઈને બસો રૂપિયા આપી આવી. સોનુના ધણીએ ફોર્મ મોકલાવ્યા આધાર પુરાવા સાથે ફોર્મ બેંકમાં મોકલાવ્યા. અઠવાડિયા પછી બે ય દીકરીઓના ખાતા બેંકમાં ખુલી ગયા હતા. દામજી સાંજે આવ્યો ત્યારે શિવુએ બેન્કની પાસબુક બતાવી અને કહ્યું કે હવે મહિનો પૂરો થાય એટલે તમે શહેરમાં જઈને બપોર વચાળે આ ચોપડી લઈને જજો સોનુબેનના ઘરવાળાને છસો રૂપિયા આપજો એટલે પૈસા જમા કરાવીને એ એન્ટ્રી પાડી દેશે!! દસ મિનીટ સુધી દામજી એ બે ય પાસ બુકને જોતો રહ્યો. એ પાસબુક નહોતો જોતો એની બને દીકરીઓના સોનેરી ભવિષ્યને એ જોઈ રહ્યો હતો!!

આખરે એક બીજો મહિનો પણ વીતી ગયો. વહેલી સવારે ખિસ્સામાં ભાડાના છસો અને બેંકમાં જમા કરાવવાના છસો રૂપિયા એમ બારસો રૂપિયા લઈને દામજી ઉતાવળા પગલે ઘરની બહાર નીકળ્યો. શિવુએ એને પાસબુક આપી હતી અને કીધું હતું કે પૈસા જમા કરાવીને આમાં એન્ટ્રી પડાવી લેજો. આટલી બધી રકમ એના ખિસ્સામાં કયારેય નહોતી એટલે દામજીને આજ ખિસ્સું ભારે ભારે લાગતું હતું. કાયમ પચાસ રૂપિયા જેટલા રૂપિયા જ ખિસ્સામાં હોય!! સવારે એ માર્કેટમાંથી દલાલ પાસેથી શાક બકાલું ઉધાર લઇ લેતો અને સાંજે વેચીને ચૂકવવાના પૈસા એ ચૂકવી દેતો. જે નફો થાય એમાંથી ઘર માટેની ખરીદી કરતો. વીસ રૂપિયા ભાડાના અલગ કાઢતો. અને સાંજે એ ઘરે આવે ત્યારે થાક સિવાય એના ખિસ્સામાં લગભગ કશું વધતું નહોતું. બે ત્રણ દિવસના પૈસા કયારેક એ બચાવે તો કપડા ની ખરીદી કરતો. ક્યારેક દવાનો ખર્ચ પણ આવી જાતો. ટૂંકમાં ખવાય એટલું મળી રહેતું. દામજીના જીવનમાં ઉમર સિવાય કાઈ વધતું નહિ!! પણ આજે ખિસ્સામાં બારસો જેવડી રકમ હતી. બને દીકરીઓના ખાતામાં દર મહીને બચત જમા કરાવવવાનો શુભારંભ એ કરવા જઈ રહ્યો હતો.

દામજી સાંજે આઠેક વાગ્યે ઘરે આવ્યો. આવીને શીવુએ પાણી આપ્યું. દામજીએ ખિસ્સામાંથી બેય પાસબુક કાઢી અને શીવુને આપી. શીવુએ પાસ બુક જોઈ એકદમ કોરી ધાકોડ પાસ બુક હતી. શીવુએ દામજીને પૂછ્યું.
“ આમાં એન્ટ્રી નો પડાવી??”
“ એન્ટ્રી વીંખાઈ ગઈ શિવુ એન્ટ્રી વીંખાઈ ગઈ” દામજી ઉતરેલા અવાજે બોલ્યો. શિવુ એની સામે જોઈ રહી અને પછી પૂછ્યું.

Image Source

“પણ થયું શું એ તો કહો” શિવુ માંડ માંડ બોલી શકી.
ઓશરીની કોરે બેસીને દામજી બોલ્યો. મુનિ એના ખોળામાં આવીને બેસી ગઈ હતી. ગીતા શિવુની પાસે બેઠી હતી. એના પિતા ઓશરીના એક ખૂણામાં બેસીને માળા ફેરવતા હતા. દામજીએ આકાશ સામું જોઇને બોલ્યો.

“સવારે લલ્લુ શેઠને આગલા મહિનાના ભાડાના એડવાન્સ દેવા ગયો ત્યારે લલ્લુ શેઠે કહ્યું કે દામજી એક વાત કહેવી છે કે પેલો પુનીયો ખરોને એ અને એનો બાપ સવો બે દિવસથી મારી પાછળ પડ્યા હતા અને કેતા હતા કે આ લીમડા હેઠળ હું એને શાકભાજીની લારી મુકવા દઉં તો એ મને પંદરસો રૂપિયા આપવા તૈયાર છે. પણ તું રહ્યો જાણીતો એટલે તારે જ લારી અહી રાખવી હોય તો હવે તારી પાસેથી પંદરસો નહિ પણ બારસો લઈશ. તું રહ્યો જાણીતો એટલે હું ત્રણસોની ખોટ ખાઈ લઈશ. તારી ઈચ્છા હોય તો જ બાકી તને નો પોસાતું હોય તો કાલથી ભલેને પુનીયો લારી મુકે!! આમેય ત્રણ વરસથી તો મેં ભાડું પણ વધાર્યું નથી ને!! આ તો શું મોંઘવારી વધી ગઈ છે ને એટલે આમેય છસો રૂપિયા તો કાઈ નો કેવાય બાકી શાક માર્કેટ વાળી સરકારી પડતર જગ્યામાં પણ હવે જમાદારે ૧૦૦૦ કરી નાખ્યા છે એમ પુનીયો કે તો એટલે થોડી વાર મેં વિચાર કર્યો અને શેઠને ૧૨૦૦ આપી દીધા!! બીજું શું જામેલ ધંધો અને જામેલી જગ્યા મુકાય નહિ!! અને એમાં શેઠનો કાઈ વાંક પણ નહીને!! એ કાઈ આપણા માટે થોડી ખોટ ખાય?? એટલે હવે દર મહીને બારસો તો ભાડાના જ સમજવાના!! આ દીકરીઓ માટે વળી કશુક વિચારીશું” બોલતાં બોલતાં દામજીના ગળે ડૂમો ભરાઈ ગયો!! શિવુનું કાળજું પણ કોરાઈ ગયું હતું. એના સપનાઓ ભાંગીને ભુક્કો થઇ ગયા હતા.

“ ચાલો હવે જમી લો!! જે થયું એ થયું બીજું શું” શિવુ બોલી. જેમ તેમ કરીને દામજી અને શિવુ જમ્યાં. મોડી રાતે શિવુ એના ખાટલા પાસે આવીને કહ્યું.
“ તમે ખોટી ચિંતા ન કરતા બધું થઇ રહેશે પણ તમે ખીજાવ નહિ તો એક વાત કહું હું કંચન શેઠાણીને ત્યાં કચરા પોતા કરવા જાવ!!?? એ છસો રૂપિયા આપશે” તરત જ દામજી બોલ્યો.

“ એ વાત પૂરી નો થઇ ગઈ. ત્યાં ગવું કામ કરે છે. ગવુંનો રોટલો ઝૂંટવીને આપણે દીકરીઓ માટે બચત નથી કરવી. અને એટલી બધી ભૂખ ભડાકા નથી લઇ ગઈ કે આ દામજી નથુ કોઈના પેટ પર પાટું મારે!! એ ક્યારેય નહિ બને!! શિવુ ખાટલાની પાંગથે બેઠી હતી. મનમાં દુઃખ હતું પણ પોતાના પતિ માટે એને ગર્વ હતો!!
કહેવાય છે સંજોગો અને પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે બધું જ જતું રહે છે. પણ લોહીમાં રહેલી ખાનદાની ક્યારેય જતી નથી!! અને આ તો નથુ રૂખડનું લોહી એમાં થોડો ફેર પડે???!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ,  મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks