ધોરાજીમાં મહિલા પોલીસકર્મીની બહેનને ગામના જ વ્યક્તિએ છેડતી કરતા સમજાવવા ગયેલી પોલીસકર્મી પર કરી દીધો હુમલો, વિડીયો થયો વાયરલ

ગામની અંદર જ દારૂ વેચી રહેલા બુટલેગરને ગામની જ મહિલા પોલીસકર્મી સમજાવવા જતા કરી દીધો હુમલો, હોસ્પિટલમાં દાખલ ASIએ રડતા રડતા જણાવી આપવીતી, જુઓ વીડિયો

Bootlegger attack on woman police Dhoraji: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે, જેના ઘણીવાર વીડિયો પણ લોકો બનાવી લેતા હોય છે અને પછી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દેતા હોય છે. ત્યારે હાલ રાજકોટના ધોરાજીમાં આવેલા નાની મારડ ગામનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા પોલીસકર્મી અને ગામના જ એક વ્યક્તિની મારામારી થતી જોવા મળી રહી છે. ત્યારે હાલ આ મામલો છેડતીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર, નાની મારડ ગામમાં રહેતી અને જૂનાગઢમાં અભ્યાસ કરતી એક યુવતીને ગામનો જ યુવાન છેડતી કરી રહ્યો હતો. ત્યારે પાટણવાવ પોલીસમાં ફરજ બજાવતી તેની બહેન આ વ્યક્તિને સમજાવવા જતા તે વ્યક્તિએ મહિલા પોલીસકર્મી પર હુમલો કરી દીધો હતો. જેને લઈને મહિલા પોલીસકર્મીને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ મામલે બંને  પક્ષ દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

આ મામલે મહિલા પોલીસકર્મી મીનાબેનેની બહેન જલબ કોડિયાતરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને ગામનો જ રાજદીપસિંહ રામદેવસિંહ જાડેજા નામનો યુવાન હેરાન કરી રહ્યો હતો, આ વાત તેની બહેન મીનાને કરતા મીના તેને સમજાવવા માટે ગઈ હતી, જ્યાં બંનેની ઝપાઝપી થઇ ગઈ  હતી અને બંને પક્ષ વચ્ચે મારામારી પણ શરૂ થઇ ગઈ હતી. વાયરલ વીડિયોમાં પણ મીના અને રાજદીપસિંહ વચ્ચે થઇ રહેલી મારામારીના દૃશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.

ત્યારે બીજી તરફ આ મામલે રાજદીપસિંહ દ્વારા પણ મહિલા પોલીસકર્મી અને તેની બહેન ઉપરાંત તેના ભાઈ વિરુદ્ધ પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેને જણાવ્યું કે મહિલા પોલીસકર્મીએ તેની પાસે આવીને મન ફાવે તેમ ગાળો બોલી અને ઝપાઝપી કરી હતી. હાલ આ મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે અને આ ઝઘડા પાછળનું મૂળ કારણ શું છે તે શોધવાનો પ્રયત્ન કરી રહી છે.

તો આ મામલે હવે મીનાબેનનું પણ નિવેદન સામે આવ્યું છે, તેમને જણાવ્યું કે, “મારા ગામમાં ઘરની નજીક રાજદીપસિંહ જાડેજા નામનો શખ્સ ખુલ્લેઆમ દારૂનો વેપલો કરતો હતો. આથી મેં તેને આ ધંધા બંધ કરવાનું કહેતા તેણે મારા પર હુમલો કર્યો હતો. મારી બહેન બચાવવા માટે આવી તો તેના માથામાં પણ તેને પથ્થર માર્યો હતો. આ ઉપરાંત મીનાબેને રડતા-રડતા કહ્યું કે, “મને ન્યાય મળવો જોઈએ. હું પોલીસમાં હોવા છતાં મારા પર હુમલો કરવામાં આવ્યો. આમ છતાં મારું કોઈ સાંભળવા તૈયાર નથી.”

Niraj Patel