ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેલા વાહનોને AMTS બસે મારી જોરદાર ટક્કરમ, 8 જેટલા વાહનોને પહોંચ્યું નુકશાન, લોકો ડ્રાઈવરને ચખાડ્યો મેથીપાક
Accident Of AMTS Bus : ગુજરાતની અંદર અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં નિર્દોષ લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં AMTSનો કહેર પણ ખુબ જ વર્તાઈ રહ્યો છે અને AMTSની તેજ રફ્તાર કોઈને કોઈને અડફેટે લેતા હોવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે, ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં AMTS બસે એક બે નહિ પરંતુ 8 જેટલા વાહનોને ટક્કર મારી હતી અને આ અકસ્માતમાં 5 જેટલા લોકો ઘાયલ પણ થયા છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ એમટીએસના રૂટ નંબર 151/3 બસ નંબર AOT 10 સાંજે 8.30 કલાકાએ હાટકેશ્વરથી ઘુમા ગામ તરફ જવા માટે નીકળી હતી, ત્યારે રાત્રે 9.25 કલાકની આસપાસ બસ સેટેલાઇટ સ્ટાર બજાર સિગ્નલ લાઈટ પાસે ઉભી રહી. સિગ્નલ ચાલુ થતા જ બસે આગળ ઉભેલા વાહનોને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર કાર, એક રિક્ષા, બાઇક સહિનના વાહનોને ટક્કર મારી હતી.
અકસ્માતના પગલે લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા અને જે વાહનોને ટક્કર વાગી હતી તેમાં બેઠેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. એક કારમાં બેઠેલા 3 લોકોને ગમ્ભીર ઈજાઓ થતા તેમને 108 મારફતે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ એએમટીએસના ડ્રાઈવરને પકડીને માર માર્યો હતો. ઘટનાની જાણ થતા એમ્બ્યલન્સ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
આ મામલે પોલીસે કાર્યવાહી કરતા બસને પોલીસ સ્ટેશનમાં જમા લીધી હતી. આ અકસ્માતમાં વાહનોને પણ ઘણું નુકશાન થયું છે, ઘટનામાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની ખબર પણ સામે આવી છે. સદનસીબે કોઈ જાનહાની થયાની ખબર નથી આવી. ત્યારે એએમટીએસ ચાલકોના આવા બેફકરાઈ ભરેલા ડ્રાઈવિંગના કારણે લોકોમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. હાલ બસની બ્રેક ફેઈલ થઇ હોવાના કારણે આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે.