કૌશલ બારડ લેખકની કલમે

ભાવનગર નજીક આવેલ આ મિનારામાં સમાયેલી છે ભાઈબહેનના પ્રેમની અત્યંત કરૂણ સત્યઘટના! આવો દાખલો આખી દુનિયામાં એક જ છે

માનવજીવનના સબંધોના તાણાવાણામાં અનેક પ્રકારના પ્રેમસબંધો કેળવાય છે. પણ એ બધામાં શ્રેષ્ઠ અને સૌથી પવિત્ર સબંધ હોય તોએ ભાઈ-બહેનનો જ છે. કહેવાય છે કે, વિધાતાએ ભાઈબહેનનો પ્રેમ ઘડીને પછી હાથ જ ધોઈ નાખ્યા છે!

અહીં વાત કરવી છે ભાઈબહેનના પ્રેમની એક એવી સત્યઘટનાની જેના પૂરાવા તરીકે આજે પણ ભાવનગરથી પચાસેક કિલોમીટરના અંતરે આવેલા લોલિયાણા ગામમાં આવેલો એક જર્જરિત મિનારો ઊભો છે. દુનિયાએ આવો પ્રેમ કદી જોયો નહી હોય, સાંભળ્યો નહી હોય કે કલ્પ્યો પણ નહી હોય! આજથી દાયકાઓ પૂર્વેની આ ઘટના સત્ય તો છે જ, સાથે કરૂણ પણ છે. વાંચો ત્યારે :

ગોરામિયાં અને ગોરાબાનુ —

એ વખતના વલ્લભીપુર પરગણામાં આવેલું નાનકડું ગામ પીપરાળી. આજે ‘ઉમરાળા તાલુકાની જીવાદોરી’ ગણાતી રંઘોળી નદીના કાંઠે આ ગામ વસેલું છે. અહીં મુસ્લીમ સૈયદ પરિવારના ભાઈ-બહેન રહેતા, ગોરામિયાં અને ગોરાબાનુ. મા-બાપ નાનપણથી જ મરી ગયેલા. ઘરમાં કોઈ નહોતું. ભાઈ થોડો મોટો અને બહેન નાની. ભાઈ ગોરામિયાંનું બહેન પર અને ગોરાબાનુનું ભાઈ ગોરામિયાં પર અપાર હેત. બંને માટે બીજું હતું પણ કોણ!

ગોરામિયાં હંમેશા ગોરાબાનુને અલબેલી રાખતા. બહેનને કોઈ વાતે ખોટ ન આવે તેની ખાસ તકેદારી ગોરામિયાંએ રાખી હતી. કહેવાય છે, કે ભાઈ ગમે તેવો દૂબળો ભલે હોય પણ બહેન માટે તો એ રાજાધિરાજથી જરાય ઉતરતો નથી હોતો! બસ, અહીઁ પણ કંઈક આવું જ હતું.

આવનારીની અદેખાઈ —

વખત વીત્યો અને હવે ભાઈ-બહેન જુવાન થયાં. ગોરામિયાં મોટા એટલે એમના લગ્ન થયાં. ગોરામિયાંની આવનાર પત્ની થોડો વખત તો ઠીક પણ પછી ભાઈબહેનનો આવો અપાર પ્રેમ સહન ન કરી શકી. ઘરવાળી આવે એટલે કૂખના સબંધ પણ વિસરી બેસનાર આજના મોટાભાગના લોકોની જેમ ગોરામિયાંએ ન કર્યું. નાનપણથી મા-બાપ ગૂજરી ગયેલા એ બેનને પોતે ન સંભાળે તો બીજું કોણ સંભાળે? ગોરામિયાં તો હંમેશા બહેનની સરભરા જ કર્યા કરતા.

ગોરામિયાંની પત્ની બળી ઊઠી. આખરે તેમણે મિયાંને કહ્યું, કે નણંદની હવે ઉંમર થઈ છે. આમને આમ ક્યાં સુધી ઘરમાં રાખશો? જીવનના રિતરીવાજ મુજબ તો ચાલવું પડે. બહેનના લગ્ન બાજુના ગામ લોલિયાણામાં થયાં.

Image Source

ખબરઅંતર લેવાનો અનોખો રસ્તો —

બહેન તો સાસરે ગઈ પણ છેક નાનપણથી ભાઈબહેન વચ્ચેનો અતૂટ પ્રેમ એમ ઓછો થાય કે? ગોરામિયાં તો વારેવારે બહેનનાં ઘરે જવા લાગ્યા. ઘણીવાર અઠવાડિયું રોકાતા. ભાઈબહેન બંનેમાંથી કોઈ નજર સામેથી અળગું થાય એ સહન ના કરી શકતા. પણ આખરે ગોરાબાનુના સાસરિયાવાળાને આ અસહ્ય થઈ પડ્યું. ગોરામિયાં પામી ગયા. એમણે ગોરાબાનુના પતિને કહ્યું કે, તમે શક્ય હોય તો અહીઁ એક ઊંચો મિનારો ચણાવો, હું પણ મારે ગામ ચણાવીશ. એ રીતે અમે ભાઈબહેન એકબીજાને મળી લેશું.

આખરે એમ થયું. લોલિયાણામાં અને પીપરાળીમાં બે ઊંચા મિનારા બંધાયા. ભાઈબહેન દરરોજ સાંજે નિયત સમયે દૂર સુધી પ્રકાશ પાડનારો પ્રજ્વલિત દીવો લઈને ઉપર ચડે. એકબીજાને દીવો દેખાય અને એ રીતે હૈયે ટાઢક થાય કે મારી બહેન સલામત છે કે મારો ભાઈ સલામત છે!

પણ એક દિવસ… —

એક દિવસ ગોરામિયાંને ભાવનગર જવાનું થયું અને કામ લાંબું હોવાથી સાંજે પરત ફરી શકાય એમ નહોતું. એટલે ગોરામિયાંએ પત્નીને કહ્યું, કે ભૂલ્યાં વગર સાંજે મિનારા પર ચડીને દીવો પેટાવી આવજે. ભલામણ કરીને ગોરામિયાં તો ભાવનગર ગયા.

સાંજ પડી. ગોરામિયાંની પત્નીને શરૂઆતથી જ ભાઈબહેનના પવિત્ર સબંધથી ખાર તો હતો જ. અણે મિનારા પર ચડવાની કોઈ તસ્દી ન લીધી. પણ બીજી બાજુ લોલિયાણામાં ગોરાબાનુ તો નિયત સમયે દીવો લઈને ઉપર ચડી. પીપરાળી ગામની દિશામાં જોવા લાગી. આજે ભાઈ કેમ હજુ નહી આવ્યો હોય? ઠીક છે, કંઈક કામમાં મશગૂલ હશે! વાટ જોવા દે. એમનેમ ઘણો સમય વીત્યો પણ પીપરાળીની દિશામાંથી પ્રકાશ ન રેલાયો. હવે તો રુંઝ્યું વળવા માંડી એટલે ગોરાબાનુનાં પેટમાં ફાળ પડી.

મારો ભાઈ સલામત ના હોય બાકી અત્યાર સુધી દીવો ના દેખાય એ બને નહી! નક્કી એની સાથે કંઈક પણ અજૂગતું બન્યું હશે! હવે મારા ભાઈ વગર આ દુનિયામાં મારું કોણ? ગોરાબાનુએ એ જ વખતે મિનારા ઉપરથી પડતું મૂક્યું અને નીચે પડતાં જ એનું પ્રાણપંખેરું ઉડી ગયું.

આ બાજુ ગોરામિયાં ઘરે આવ્યો અને પત્નીને પૂછ્યું કે તે દીવો પેટાવ્યો હતો ને? પત્નીએ બનાવટી ગભરામણ બતાવીને કહ્યું કે મને ઓસાણ જ ન રહ્યું. ગોરામિયાંના પેટમાં ફાળ પડી. સમય વીતી ગયો હતો. બેને દીવો નથી જોયો એટલે…એ ઝડપથી મિનારા પર ચડ્યો અને ડોળાં ફાડીને લોલિયાણાના દિશામાં જોવા માંડ્યો. ક્ષિતિજે અંધારું છવાયેલું હતું. હવે નક્કી મારી બહેન આ દુનિયામાં ન હોય! મેં એને દગો દીધો. મારે પણ હવે શું કામ જીવવું? અને ગોરામિયાંએ પણ મિનારા પરથી નીચે પડતું મૂક્યું. એક પવિત્ર પ્રેમનો અણધાર્યો અંત આવ્યો. એક ઇર્ષ્યાળુ સ્ત્રીએ બે પારેવાંના જીવ લીધા!

આજે પીપરાળીનો મિનારો તો લગભગ નથી પણ લોલિયાણા જશો તો હજુ પણ ગોરાબાનુનો મિનારો જર્જરિત હાલતમાં જોવા મળશે. કેવી કરૂણ દાસ્તાં અંકાયેલી છે આ મિનારાનાં પથ્થરોમાં!

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks