4 દિવસથી લાપતા છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો સોઢી, પિતાએ જણાવ્યુ છેલ્લીવાર ક્યારે થઇ હતી મુલાકાત
ટીવીના લોકપ્રિય સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જૂના રોશન સિંહ સોઢીને લઇને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સોઢી ઉર્ફે ગુરચરણ સિંહ લાપતા છે. અભિનેતાના પિતા હરગીત સિંહે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યુ- ગુરચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ છે, તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસને તમામ ડોક્યુમેન્ટ્સ આપ્યા છે, જેને કારણે તેમને ગુરચરણને શોધવામાં મદદ મળી શકે.
પોલીસે ખાતરી આપી છે કે તેઓ ગુરચરણને વહેલી તકે શોધી લેશે. હરગીત સિંહે કહ્યું- SHOએ મને ફોન કર્યો હતો અને તેમણે મને ખાતરી આપી કે તેઓ ગુરચરણને જલ્દી શોધી લેશે. મને આશા છે કે ગુરચરણ ઠીક હશે અને તે ખુશ હશે. તે જ્યાં પણ છે, ભગવાન તેની સંભાળ રાખે. અહેવાલો અનુસાર, ગુરચરણની માતા લાંબા સમયથી બીમાર છે, તેમને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા.
પિતાએ કહ્યું કે હવે તે ઠીક છે અને ઘરે આરામ કરી રહી છે. પરિવાર હાલ ગુરચરણને લઈને ચિંતિત છે. પરંતુ દરેક વ્યક્તિ સકારાત્મક અભિગમ સાથે ચાલી રહ્યો છે. દરેક વ્યક્તિને કાયદો અને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે. દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ગુરચરણ સિંહના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ 25મી એપ્રિલે નોંધવામાં આવી હતી.
જણાવી દઈએ કે ગુરચરણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. દર્શકોને તેની બોલવાની સ્ટાઇલ ખૂબ પસંદ આવી હતી. ગુરચરણ તેની ભૂમિકાથી ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયો હતો. તારક મહેતા શોની સાથે તેણે ઈન્ડસ્ટ્રીને પણ અલવિદા કહી દીધું. તેને તેની માતાની બીમારીની થોડી ચિંતા થવા લાગી.
મુંબઈ છોડીને તે પંજાબમાં સ્થાયી થઇ ગયો. જ્યારે ગુરચરણે શો છોડ્યો ત્યારે સમાચાર આવ્યા હતા કે અસિત કુમાર મોદીએ તેને પૂરો પગાર ચૂકવ્યો નથી, તેણે ઘણા પૈસા રોકી રાખ્યા છે. આ ઉપરાંત, બંને વચ્ચે કેટલીક રચનાત્મક સમસ્યાઓ પણ ઊભી થઈ, જેના કારણે ગુરચરણે શો છોડી દીધો હતો.