સુરત : દીકરાને કારણે માતા-પિતાએ કર્યો આપઘાત, દેવુ કરી પુત્રને વિદેશ મોકલ્યો અને પછી તેણે રઝળતા મૂકી દીધા

સુરત : વ્હાલસોયા દીકરાએ સંબંધ કાપી નાખતા વૃદ્ધ દંપતીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ, વિદેશ ગયા બાદ પુત્રએ જ મોઢું ફેરવી લેતા લાગી આવ્યુ

આજકાલ તો ઘણા યુવાનોને વિદેશ જવાનું ઘેલુ લાગ્યુ હોય છે, ઘણા માતા-પિતા તો બાળકોની ઈચ્છાશક્તિને માન આપી તેમને વિદેશ મોકલવા તમામ પ્રયત્નો કરતા હોય છે. પણ બાળક કંઇક એવું કરી દે છે જેને કારણે તેમને ઘણુ દુખ થતુ હોય છે. હાલમાં સુરતમાં પણ આવુ જ કંઇક થયુ, માતા-પિતાએ દેવું કરી પોતાના પુત્રને વિદેશ મોકલ્યો હતો પણ કળિયુગી પુત્રએ તો વિદેશ પહોંચ્યા બાદ માં-બાપ સાથે સંબંધ જ તોડી નાખ્યો.

ત્યારે વ્હાલસોયા પુત્રના સંબંધ કાપી નાખ્યા બાદ વૃદ્ધ દંપતીએ આપઘાત કરી લીધો. જો કે આપઘાત વૃદ્ધ દંપતીએ સુસાઇડ નોટ લખી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના સરથાણામાં ચુનીભાઇ ગેડિયાએ તેમની પત્ની સાથે આપઘાત કરી લીધો, અને આ અપઘાતનું કારણ વિદેશ ગયા બાદ પુત્રએ માતાપિતાને રઝળતા મુક્યા હોવાનું છે. માતા-પિતાએ પુત્રને ભણાવી-ગણાવી માથે દેવુ કરી વિદેશ મોકલ્યો પણ વિદેશ ગયા બાદ પુત્રએ મોઢું ફેરવી લેતા વૃદ્ધ દંપતિને લાગી આવ્યુ અને તેમણે આપઘાત કરી લીધો.

જો કે આપઘાત પહેલા તેમણે સુસાઇડ નોટ લખી હતી અને તે સાત પાનાની હોવાનું સામે આવ્યુ છે. આ સુસાઇડ નોટમાં કેનેડા સ્થાઈ થયેલા પુત્રના દેવાનું વ્યાજ ચુકવતા અને હાલમાં સાથે રહેતા પુત્ર અને પુત્રવધુનો આભાર વ્યકત કર્યો હતો. ચુનીભાઈએ સુસાઈડ નોટમાં લખ્યું, મને મારા સંબંધીઓ સહિતના લોકોએ રૂપિયા આપ્યા હતાં અને તેઓએ ક્યારેય મારી પાસે ઉઘરાણી પણ નહોતી કરી. પણ મારે તેમને રૂપિયા આપવાના હતાં. હું કમાતો નથી એટલે ક્યાંથી આપું. મને શરમ આવતી હતી કે હું શું કરું ક્યાંથી રૂપિયા આપું.

આ વાતના ડરે તો હું ઘરની બહાર પણ નીકળી શકતો નહોતો. પણ હવે મારાથી સહન થાય એમ નહોતુ એટલે આપઘાત કરું છું. પૈસા મને આપનારનો કોઈ દોષ નથી. જો કે, દીકરાને ઠપકો આપતાં તેમણે સુસાઇડ નોટમાં આગળ લખ્યું કે, દીકરા તું તો અમને ભૂલી ગયો. પરંતુ હું મારા પૌત્ર અને તારા દીકરાને ભૂલી શક્યો નથી. હું તેને ખૂબ પ્રેમ કરુ છું. આટલાં વર્ષમાં મને તેની ખૂબ યાદ આવતી હતી. પરંતુ તે અમારી સાથે જ કર્યું તે કર્યું…પણ તારો દીકરો તારી સાથે આવું ન કરે તે માટે હું ભગવાનને પ્રાર્થના કરુ છું.

Shah Jina