વિદેશની ધરતી પર વધુ 3 ગુજરાતીઓના મોત, ગંભીર રોડ અકસ્માતમાં આણંદની 3 મહિલાઓના મોત

છેલ્લા કેટલાક સમયથી વિદેશમાંથી ગુજરાતીઓ અને ભારતીયોના મોતની ઘટના અવાર નવાર સામે આવી રહી છે, ત્યારે અમેરિકામાંથી વધુ 3 ગુજરાતીઓના મોતની ઘટના સામે આવી છે. હવે એવું લાગી રહ્યુ છે કે અમેરિકાની ધરતી ભારતીયો માટે સલામત નથી રહી. હાલમાં જ અમેરિકામાં ભયંકર રોડ અકસ્માત સર્જાયો જેમાં 3 ગુજરાતી મહિલાઓનાં મોત થયા. આ ત્રણેય મહિલાઓ આણંદના બોરસદ તાલુકાની વતની હોવાનું સામે આવી રહ્યું છે.

એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા ત્રણ મહિલાના મોત નિપજ્યા હતા. ત્યારે હાલ સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, મૂળ ગુજરાતનાં આણંદના રહેવાસી અને અમેરિકામાં સ્થાયી થયેલ પટેલ પરિવાર પર ગત રોજ આભ તૂટી પડ્યું.

અમેરિકાનાં સાઉથ કેરોલીનાનાં ગ્રીનવિલેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં 3 મહિલાઓના મોત નિપજ્યા. મૃતકોમાં બે મહિલાઓ વાસણા (બો) ગામની જ્યારે એક મહિલા કાવીઠા ગામનાં મૂળ વતની છે. ત્રણ મહિલાઓના મોત ઉપરાંત ગાડીમાં સવાર એક વાસણા ગામની મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

વહેલી સવારે એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કોરોલીનાં જતા સમયે કારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યુ છે. કાર ઓવર સ્પીડમાં હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. મૃતકોમાં રેખાબેન દિલીપ ભાઈ પટેલ, સંગીતાબેન ભાવેશભાઈ પટેલ અને મનિષાબેન રાજેન્દ્રભાઇ પટેલનો સમાવેશ થાય છે.

Shah Jina