કેનેડાની મુલાકાતે ગયેલા એક ભારતીય દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્ર સહિત ચાર લોકોનું રોડ અકસ્માતમાં મોત થયું છે. ઓન્ટારિયો પોલીસ ખોટી દિશામાં ડ્રાઇવિંગ કરી રહેલા દારૂની દુકાનના લૂંટારાનો પીછો કરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ટોરોન્ટોથી લગભગ 50 કિલોમીટર દૂર વ્હિટબીમાં હાઈવે 401 પર ચારેયના ઘટના સ્થળે જ મોત થયા હતા. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
ઓન્ટારિયો પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાં એક ભારતીય દંપતી 60 વર્ષીય પુરુષ અને 55 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. દંપતીના ત્રણ મહિનાના પૌત્રનું પણ મોત થયું છે. જણાવી દઈએ કે બાળકના માતા-પિતા પણ આ જ વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા, તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં માતાની હાલત નાજુક છે.
આ અકસ્માતમાં અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેના કારણે હાઇવે કેટલાક કલાકો સુધી બંધ રાખવો પડ્યો હતો. રીપોર્ટ્સ અનુસાર, 21 વર્ષીય લૂંટના સંદિગ્ધનું પણ અકસ્માતમાં મોત થયું છે. ત્યાં એક 38 વર્ષીય પુરુષ મુસાફરને ગંભીર ઈજાઓ થઈ છે. અકસ્માતમાં મણિવન્નન, મહાલક્ષ્મી અને તેમના નવજાત પૌત્રનો જીવ ચાલ્યો ગયો.
દુર્ઘટના સમયે પીડિત ભારતથી આવી રહ્યા હતા અને નિસાન સેન્ટ્રામાં મુસાફરી કરી રહ્યા હતા. ભારતના કોન્સ્યુલેટ જનરલ ઓફ ટોરોન્ટોએ શોકગ્રસ્ત પરિવારને તમામ શક્ય સહાયની ખાતરી આપી છે અને કેનેડિયન અધિકારીઓ સાથે નજીકના સંપર્કમાં છે.